You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૂસ્ટર ડોઝ : રસીના બે ડોઝની સરખામણીએ બૂસ્ટર ડોઝ વધુ ફાયદાકારક?
- લેેખક, જેમ્સ ગેલાઘર
- પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
કોરોના વાઇરસ સામે આપણી બચવાની શક્તિ પર વધુ મ્યુટેટ થયેલ ઓમિક્રૉન વૅરિયન્ટને કારણે મોટો ફટકો પડ્યો છે.
અમુક વૅક્સિનના બે ડોઝ પણ ઓમિક્રૉન સામે બિલકુલ રક્ષણ આપતા નથી. જોકે, ગંભીર બીમાર પડી હૉસ્પિટલમાં દાખલ થવાના ખતરાને તેઓ જરૂર ઘટાડે છે.
વૅક્સિનો બે વર્ષ પહેલાં સામે આવેલા કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે રચાઈ હતી.
તો અહીં પ્રશ્ન એ થાય છે કે ઓમિક્રૉન સામે આ રસીઓનો બૂસ્ટર ડોઝ કામ કરશે કે ઓમિક્રૉન તેના રક્ષણને માત આપવામાં સક્ષમ નીવડ્યો છે?
સિરિંજમાં ભરેલ રસીરૂપી પ્રવાહી ભલે આપણા માટે સમાન હોય પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે તે સમાન નથી.
ત્રીજા ડોઝ પછી તમને પ્રાપ્ત રક્ષણ મોટું, વ્યાપક અને અગાઉની સરખામણીમાં વધુ સમય માટે યાદ રહી શકે તેવું છે.
કોવિડ સ્કૂલ
કોરોના વાઇરસ સામે બાથ ભીડવું એ તમારા શરીરે શીખવું પડે તેવું કાર્ય છે.
તેનો પ્રથમ વિકલ્પ એ છે કે તમને તેનો ચેપ લાગે અને તમે તેની સામે રક્ષણ કરવાનું શીખો. પરંતુ આ રીત અપનાવવાનાં વિરોધાભાસી અને ગંભીર પરિણામો પણ આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસી એ શાળા જેવી છે - જેના થકી તમારી રોગપ્રતિકારક શક્તિ કોવિડ સામે વધુ ને વધુ રક્ષણ આપવાનું શીખતી જાય છે.
તેથી પ્રથમ ડોઝ એ પ્રાથમિક શિક્ષણ જેવું છે. જે પાયારૂપ બાબતો પર ભાર આપે છે.
તેમજ બીજો અને ત્રીજો ડોઝ એ આ સંદર્ભમાં જોઈએ તો રોગપ્રતિકારક શક્તિની માધ્યમિક શાળા અને યુનિવર્સિટી જેવા છે. જેનાથી તેની સમજ અને અસરકારકતા વધુ વ્યાપક બને છે. તે માત્ર પ્રાથમિક શાળામાં વારે ઘડીએ જોડાવા જેવું નથી હોતું.
યુનિવર્સિટી ઑફ નૉટિંઘમના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જૉનાથન બૉલ કહે છે કે, "રોગપ્રતિકારક શક્તિ વધુ સમૃદ્ધ જ્ઞાન અને સમજશક્તિ મેળવે છે."
તેઓ કહે છે કે ઓમિક્રૉનની વ્યૂહરચના અંગેની વાતો સામે સારી રીતે તાલીમ મેળવેલ રોગપ્રતિકારક શક્તિ વાઇરસ અને તેના વૅરિયન્ટ માટે "ખૂબ જ મુશ્કેલ વાતાવરણ સાબિત થઈ શકે છે."
આ શિક્ષણનો સૌથી વધુ લાભ ઍન્ટિબૉડીને થાય છે.
આ એવું પ્રોટીન હોય છે જે પોતાની જાતને કોરોનાવાઇરસ સાથે જોડી દે છે. ઍન્ટિબૉડીને ન્યૂટ્રલાઇઝ કરવાથી વાઇરસને એટલી હદે બિનઅસરકારક બનાવાઈ શકાય છે કે જેથી તે તમારા કોષમાં દાખલ ન થઈ શકે. તેમજ અન્ય ઍન્ટિબૉડી વાઇરસ પર એક નીયોન સાઇનની જેમ બેસી રહે છે, જે સંકેત આપે છે કે "આ વાઇરસને ખતમ કરો."
પ્રયોગશાળાના અભ્યાસો અને વાસ્તવિક જીવનમાંથી મેળવેલ ડેટા અનુસાર માલૂમ પડ્યું છે કે કોવિડ સામેની બે રસીઓ દ્વારા મળેલ ન્યૂટ્રલાઇઝ કરનાર ઍન્ટિબૉડીની ઓમિક્રૉન વાઇરસ પર કોઈ અસર થતી નથી.
લંડનની ઇમ્પિરિયલ કૉલેજના પ્રોફેસર ડેની ઑલ્ટમૅન જણાવે છે કે, "તમારી પાસે કોઈ રક્ષણ બાકી નહોતું બચ્યું. તેમજ તમે ચેપ માટે એક સરળ શિકાર હતા."
તેથી ચાલો શાળાએ પાછા ફરીએ.
વૅક્સિનના દરેક ડોઝ સાથે રોગપ્રતિકારક શક્તિના ઍન્ટિબૉડીમાં ઉત્ક્રાંતિનો વધુ એક તબક્કો શરૂ થાય છે. તે વાઇરસ સાથે વધુ મજબૂતીથી જોડાતાં ઍન્ટિબૉડી વિકસિત કરે છે. આ 'ઍફિનિટી મૅચ્યોરેશન' નામની એક પ્રક્રિયા છે.
પ્રોફેસર ઑલ્ટમૅન કહે છે કે, "સમય સાથે તમારી ઍન્ટિબૉડી વધુ ફિટ થાય છે, તે વધુ આધુનિક અને તાલીમબદ્ધ બને છે."
જો ઍન્ટિબૉડી કોરોના વાઇરસ સાથે મજબૂતીથી જોડાઈ જાય તો ઓમિક્રૉન માટે તેની પકડથી છૂટવું વધુ મુશ્કેલ બની જશે. વધુ બદલાયેલ પ્રકાર હોવા છતાં પણ તે એ જ મૂળભૂત વાઇરસનો વિકસિત પ્રકાર છે જેના અમુક ભાગ હજુ સુધી નથી બદલાયા.
વૅક્સિનેશનના વધુ તબક્કા ઉમેરાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને વાઇરસ સામે લડવા માટે વધુ હથિયારો મળી જાય છે.
આંકડાની રમત
પરંતુ આ માત્ર ઍન્ટિબૉડીની ગુણવત્તાનો સવાલ છે એવું નથી કારણ કે બૂસ્ટિંગના કારણે ઍન્ટિબૉડીની સંખ્યામાં પણ વધારો થાય છે.
ઇમ્પિરિયલ કૉલેજના પ્રોફેસર ચાર્લ્સ બંઘમ કહે છે કે, "તમને વધુ ઍન્ટિબૉડી મળે છે. તમારા રક્તમાં તેની સંખ્યા વધે છે પરંતુ તે કેટલા સમય સુધી રહે છે તેની આપણને ખબર નથી. પરંતુ જેટલી વધુ વખત તમારું રસીકરણ થશે તેટલી તમારી રોગપ્રતિકારક શક્તિની યાદશક્તિ વધુ હશે."
આ બધાની અસર, બે ડોઝથી મળતી રોગપ્રતિકારક શક્તિ ઓમિક્રૉન સામે ઓછું રક્ષણ પૂરું પાડતી હોવાના અભ્યાસોમાં જ સ્પષ્ટ થઈ છે. બૂસ્ટર બાદ કોરોનાનાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ સામે રક્ષણમાં 75 ટકાનો વધારો થાય છે.
બીજી તરફ બૂસ્ટિંગના કારણે ભવિષ્યના નવા વૅરિયન્ટ સામે પણ આપણી રોગપ્રતિકારક શક્તિ તૈયાર થાય છે.
શરીરમાં ઍન્ટિબૉડીનું ઉત્પાદન જ્યાં થાય છે તે ભાગને 'બી-શૅલ્સ' કહે છે. બૂસ્ટિગં બાદ તે પૈકી કેટલાક વધુ ક્ષમતા ધરાવતા અસરકારક ઍન્ટિબૉડીના નિર્માણ માટે સક્ષમ બની જાય છે. અન્ય ઍન્ટિબૉડી કોરોના વાઇરસને ઓળખવા માટે સક્ષમ તો બની જાય છે, પરંતુ સ્થિતિસ્થાપક રહે છે.
પ્રોફેસર બૉલ જણાવે છે કે, "તે જુદીજુદી દિશામાં જઈ શકે છે અને જ્યારે તેમાં વધારો થાય છે તે નવા વૅરિયન્ટ પાછળ પણ જઈ શકે છે."
તેમજ બીજી બાજુ બૂસ્ટિંગના કારણે બી-શેલ્સની સંખ્યા અને ગુણવત્તામાં પણ વધારો થાય છે જે કોરોના વાઇરસ પર હુમલો કરવામાં વધુ કાબેલ હોય છે.
ટી-શેલ વાઇરસને શોધવા માટે અલગ રસ્તો અપનાવે છે અને કોવિડથી ગ્રસ્ત કોષની શોધમાં આપણા શરીરમાં ફર્યા કરે છે. ટી-શેલ કોરોના વાઇરસના એવા ભાગોને ઓળખી કાઢે છે જેનામાં બદલાવ લાવવો વાઇરસ માટે ખૂબ મુશ્કેલ હોય છે.
તેથી જ્યારે ઓમિક્રૉન આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચી નીકળવામાં સક્ષમ બની ગયો છે, ત્યારે વૅક્સિનનો દરેક વધારાનો ડોઝ અને દરેક ચેપ આપણા શરીરને વાઇરસ સામે લડવા માટે વધુ હથિયાર આપે છે.
આ તમામ બાબતો એ આપણને ગંભીર બીમાર પડવાથી બચાવવા માટે રસીની મહત્તા ઉપર ભાર મૂકે છે.
પ્રોફેસર બંઘમ કહે છે કે, "વાઇરસ સામેનું રક્ષણ ક્યારેય સંપૂર્ણ નથી હોતું. તમે ગમે ત્યારે તેનો ચેપ ફરી વાર લાગી શકે છે. તમે માત્ર એટલું ઇચ્છી શકો કે ફરીથી લાગેલ ચેપ અંગે તમને ખબર જ ન પડે એટલી હદે તે વાઇરસને નબળો બનાવી દો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો