કોરોના નિયંત્રણોને લઈને યુરોપમાં વિરોધ, પાંચ લાખથી વધુનાં મોતની WHOની ચેતવણી

યુરોપમાં વધતા જતા કોરોનાના કેસને કારણે લાદવામાં આવેલાં નવા નિયંત્રણોનો નૅધરલૅન્ડ્સમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કેટલાંક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં છે.

રૉટરડૅમમાં ચાલી રહેલા એક વિરોધપ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. તો બીજા દિવસે હૅગમાં વિરોધકર્તાઓએ સાઇકલોમાં આગ ચાંપી હતી અને પોલીસ પર ફટાકડા ફેંક્યા હતા.

નવાં નિયંત્રણોના વિરોધમાં ઑસ્ટ્રિયા, ક્રૉએશિયા અને ઈટાલીમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે તેઓ યુરોપમાં વધી રહેલા કોરોના કેસને કારણે ખૂબ જ ચિંતિત છે.

પ્રાદેશિક નિદેશક ડૉ. હેન્સ ક્લગે બીબીસીને જણાવ્યું હતું કે, "જો પૂરતી તકેદારી નહીં રાખવામાં આવે તો આવનારી વસંતઋતુ સુધીમાં યુરોપમાં 5 લાખથી વધુ લોકોનાં મોત થઈ શકે છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "પ્રદેશમાં કોરોના ફરી વખત મૃત્યુ માટેનું મુખ્ચ કારણ બની ગયો છે. વાઇરસ સામે રક્ષણ મેળવવા તમામ લોકોએ વૅક્સિન લેવી જોઈએ અને ફરજિયાત માસ્ક પહેરવા જોઈએ."

યુરોપના ઘણા દેશોમાં તાજેતરમાં એક દિવસમાં જ રેકર્ડ બ્રૅક કોરોના કેસ નોંધાયા છે. ઘણી સરકારો પોતાના દેશોમાં સંક્રમણ અટકાવવા નવાં નિયંત્રણો લાદી રહી છે.

વિરોધપ્રદર્શનો

નૅધરલૅન્ડ્સનાં વિવિધ શહેરોમાં શુક્રવાર અને શનિવારની રાત્રે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. હૅગ શહેરમાં વિરોધકર્તાઓએ રસ્તા પર ઊતરીને સાઇકલોમાં આગચંપી કરી હતી.

પોલીસ દ્વારા લોકોને વેરવિખેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સત્તાધીશોએ શહેરમાં ઇમરજન્સી જાહેર કરી હતી. રવિવાર સુધી આ ઘટનામાં 7 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે કોઈ વ્યક્તિએ દર્દીને લઈને જઈ રહેલી ઍમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. તોફાનોમાં 5 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

રૉટરડૅમ શહેરમાં પણ કંઈક આ જ પ્રકારે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. શહેરના મેયરે આ ઘટનાને વખોડી હતી. પોલીસ પ્રવક્તાએ સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે પોલીસે શરૂઆતમાં વૉર્નિંગ આપવા ફાયરિંગ કર્યું, પરંતુ પ્રદર્શનકારીઓ પાછા ન હઠતા જીવ બચાવવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો.

પોલીસ પ્રમાણે, અંદાજે 3 પ્રદર્શનકારીઓ ગોળીની ઈજાઓને કારણે હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. સત્તાધીશોએ આ ઘટનામાં તપાસ શરૂ કરી છે.

કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળતા નૅધરલૅન્ડ્સ દ્વારા રવિવારથી 3 સપ્તતાહ માટે આંશિક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

નવાં નિયંત્રણોમાં બાર અને રેસ્ટોરાંને રાત્રે 8 વાગે બંધ કરવાની અને સ્પૉર્ટ્સ ઇવેન્ટ્સમાં ભીડને એકત્ર થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ઑસ્ટ્રિયામાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરાતા રાજધાની વિઍનામાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.

લોકો રસ્તા પર ઊતર્યા અને પોલીસ સામે સૂત્રોચ્ચાર

ઑસ્ટ્રિયા એકમાત્ર એવો યુરોપિયન દેશ છે, જે ફરજિયાત વૅક્સિનેશન માટે કાયદો લઈને આવ્યો છે.

રાષ્ટ્રધ્વજ તેમજ "આઝાદી" લખેલાં બૅનર્સ સાથે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઑસ્ટ્રિયામાં સોમવારથી 20 દિવસ માટે દેશવ્યાપી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જીવનજરૂરિયાતની અને આરોગ્યલક્ષી સુવિધાઓ જ ખુલ્લી રહેશે. જ્યારે તમામ લોકોને ઘરેથી કામ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

ક્રોએશિયામાં જાહેર સેવા સાથે જોડાયેલા લોકોને ફરજિયાત વૅક્સિનેશનના વિરોધમાં રાજધાની ઝાગરેબમાં સેંકડો લોકો વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા. જ્યારે ઈટાલીમાં કામનાં સ્થળોએ તેમજ પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં ફરજિયાત 'ગ્રીન પાસ'ની જોગવાઈના વિરોધમાં લોકો રસ્તા પર ઊતર્યા હતા.

ફ્રેન્ચ સત્તાવાળાઓ આ દરમિયાન સંખ્યાબંધ વધુ પોલીસ અધિકારીઓને કૅરેબિયન ટાપુ ગ્વાડેલુપ પર અશાંતિને ડામવા માટે મોકલી રહ્યા છે, જે ફ્રેન્ચ વિદેશી વિભાગ છે.

ફ્રાન્સમાં કોવિડ પાસ સામે વિરોધ હિંસક બન્યા પછી રાતોરાત એક ડઝનથી વધુ દુકાનોમાં તોડફોડ કરીને કેટલીક દુકાનોને સળગાવી દેવાઈ હતી.

ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્મનિને જણાવ્યું હતું કે વિરોધમાં સામેલ કેટલાક લોકોએ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો