કોવિડ-19 : ગુજરાતમાં દિવાળીની ભીડ શું કોરોનાની 'ત્રીજી લહેર'ને આમંત્રણ આપશે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ફરી કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે અને આરોગ્ય નિષ્ણાતોના મતે આ સ્થિતિ ચિંતાજનક છે.

હાલમાં ગયેલા દિવાળી, નવરાત્રી અને જન્માષ્ટમી અને અન્ય નાનામોટા તહેવારોમાં મોટા પાયે લોકોની ભીડ બજારોમાં જોવા મળી હતી.

તો દિવાળી વેકેશનમાં પણ ગુજરાતનાં ફરવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી.

તેમજ રાજ્યની બહાર પણ ગુજરાતના લોકો ફરવા ગયા હતા અને દેશમાં પણ અનેક સ્થળોએ લોકોની ભીડનાં દૃશ્યો મીડિયામાં દર્શાવાયાં હતાં.

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર શાંત પડી ગયા પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરતા જોવા મળ્યા હતા, જે નિષ્ણાતો માટે ચિંતાનો વિષય છે.

અને હવે ફરી વાર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધી રહી છે અને આગામી દિવસોમાં ફરી કોરોનાના કેસ વધે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

ગુજરાતમાં 11 નવેમ્બરની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ નોંધાયા છે, એટલે બે દિવસમાં બમણો વધારો થયો છે.

તહેવારોમાં લોકોની બેદરકારી કોરોનાને આમંત્રણ આપશે?

આરોગ્ય નિષ્ણાતોએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે લોકો ભૂલી ગયા છે કે કોરોના હજુ આપણી વચ્ચે છે અને તેને નજરઅંદાજ કરવાની જરૂર નથી.

તો અમદાવાદમાં જે વ્યક્તિએ કોરોનાના બે ડોઝ નહીં લીધા હોય એને એએમસીની સેવાઓનો લાભ નહીં મળે એવું જાહેર કરવામાં આવ્યું છે.

12 નવેમ્બરથી આ નિર્ણય એએમટીએસ બસ, બીઆરટીએસ બસ, કાંકરિયા લેક અને પ્રાણીસંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટ, પુસ્તકાલયો, જિમખાનાં, સ્વિમિંગ-પુલ, એએમસી સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટરો અને અન્ય એએમસી બિલ્ડિંગોમાં લાગુ કરવામાં આવશે.

એએમસીનું માનવું છે કે દિવાળીની રજાઓ પછી મોટા પાયે ટેસ્ટ હાથ ધરવામાં આવશે તથા આગામી પંદર દિવસ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

તો અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ મોના દેસાઈ પણ માને છે કે આવનારા 15 દિવસ બહુ મહત્ત્વના છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે "તહેવારમાં લોકોએ બેદરકારી બહુ રાખી છે. લોકોએ માસ્ક નહોતાં પહેર્યાં, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કર્યું. ભારતમાં લોકો અલગઅલગ જગ્યાએ ફરવા પણ ગયા હતા અને ત્યાં પણ કોવિડ પ્રોટોકૉલનું કોઈ પાલન કર્યું નથી."

તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ બહાર ફરવા ગઈ હશે અને તે ચેપ લઈને આવી હશે અને જો આપણે કોવિડ પ્રોટોકૉલનું પાલન નહીં કરીએ તો એ અન્ય લોકોને ચેપ લગાડશે.

શું ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા છે?

ગુજરાતમાં હાલમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી કોરોનાની રસી અપાઈ રહી છે.

જે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હશે એને કોરોના થશે તો પણ બહુ ઘાતક નહીં નીવડે એવું નિષ્ણાતોનું માનવું છે.

મોના દેસાઈ કહે છે, "જો રસી લીધી હશે તો આપણે બચી શકીશું, ચેપ લાગશે પણ કોરોનાના ઘાતક નીવડવાના ચાન્સ ઘણા ઓછા થઈ જશે. વૈજ્ઞાનિક રીતે એ પુરવાર થયેલું છે કે જો બે ડોઝ લીધા હશે અને દર્દીને અન્ય બીમારી ન હોય તો કોરોનાનો ચેપ સામાન્ય રહેશે."

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે કે કેમ એ સવાલના જવાબમાં તેઓ કહે છે, કોરોનામાં કોઈ આગાહી કરવી મુશ્કેલ છે, કેમ કે આ વાઇરસ સતત બદલાતો રહે છે.

તેઓ કહે છે કે આપણે ત્યાં રસીકરણ સારી રીતે થયું છે એટલે લાગે છે કે કદાચ આપણે ઘાતક ત્રીજી લહેરમાંથી બચી શકીએ.

તો અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ દિલીપ ગઢવી કહે છે કે "ત્રીજી લહેર આવવાની જ છે એવું માનીને આપણે ચાલવાનું છે, સરકાર પણ તૈયારીઓ કરી રહી છે, કેમ આ વાઇરસ બદલાઈ રહ્યો છે, આથી કોવિડના જે નિયમો છે એનું પાલન કરવું પડશે."

દિલીપ ગઢવી યુરોપનું ઉદાહરણ ટાંકતા કહે છે, "જે રીતે યુરોપ અને અમેરિકામાં ત્રીજી લહેર આવી છે એટલે આપણે તૈયાર રહેવાનું જ. લોકો એવું માનતા હતા કે ફાઇઝર અને મૉડર્નાની રસી લેશું એટલે અમને સંપૂર્ણ સુરક્ષાકવચ મળી જશે. પણ એ ભ્રાંતી કોરોનાએ તોડી નાખી છે. આ બધા લોકોએ તો એ જ રસી વાપરી છે, છતાં ત્યાં આટલો બધો કોરોના ફેલાયો છે."

લોકોએ હજુ શું કાળજી લેવાની જરૂર છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે ચેતવણી આપી છે કે યુરોપ ફરી એક વાર કોરોના મહામારીનું કેન્દ્ર બની શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુરોપના નિદેશક હંસ ક્લુગે ચેતવણી આપી છે કે યુરોપમાં આગામી ત્રણ મહિનામાં કોરોના સંક્રમણથી પાંચ લાખ સુધી મૃત્યુ થઈ શકે છે.

તેમણે કહ્યું કે યુરોપના 53 દેશોમાં કોવિડ સંક્રમણની વર્તમાન ગતિ ચિંતાનો વિષય છે.

હંસ ક્લુગે રસીકરણ વધારવા પર ભાર મૂક્યો છે અને કહ્યું કે કોવિડને રોકવા માટે સામાજિક અંતર રાખો અને માસ્ક પહેરવું મહત્ત્વનું છે.

દિલીપ ગઢવી કહે છે કે "સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝર વગેરેનો ઉપયોગ આપણે કરવો જ પડશે. આટલા બધા મૉડર્ન દેશો પાસે આટલી સારી આરોગ્ય સુવિધાઓ હોવા છતાં આટલા બધા કેસ નોંધાતા હોય તો આપણે જ્યાં મર્યાદિત આરોગ્ય સુવિધાઓ છે. આપણે છેલ્લે દિવાળી અને નવરાત્રી ઊજવી છે તો એનું પરિણામ તો ભોગવવું પડશે."

"યુરોપમાં જે રીતે કોરોના વધી રહ્યો છે એ જોતાં લાગે છે કે જો કોરોના આપણે ત્યાં આવ્યો તો બની શકે કે બીજી લહેર ભુલાવી દે."

મોના દેસાઈ કહે છે કે "સારી વાત એ છે કે અંદાજે 40 ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે અને લગભગ 70 ટકા લોકોને એક ડોઝ મળી ગયો છે."

"પણ આપણે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે આપણને ખબર નથી કે કોરોનાના વાઇરસમાં મ્યુટેશન થયું છે કે નહીં. નવો કોઈ મ્યુટેન્ટ આવી ગયો હોય અને રસી એના પર એટલી બધી અસરકારક ન નીવડે તો ફરીથી ઘાતક ત્રીજી લહેર આવી શકે છે."

તો જર્મની પણ હવે કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે. અહીં એક દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહામારી બાદ પહેલી વાર જર્મનીમાં આવી સ્થિતિ સર્જાઈ છે.

ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે જો આવી સ્થિતિ રહી તો હૉસ્પિટલોમાં દર્દીઓને જગ્યા નહીં મળે.

ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 40 કોરોના વાઇરસના નવા કેસ નોંધાયા છે. જોકે એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.

ગુજરાતના આરોગ્ય વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં હાલમાં કુલ 234 કેસ સક્રિય છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસને કારણે 10090 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. તેમજ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે.

તો 11 નવેમ્બરે સાંજે ચાર વાગ્યા સુધીમાં એક દિવસમાં રાજ્યમાં કુલ 4,57,767 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

તો 10 નવેમ્બરે રાજ્યમાં કુલ 42 દર્દીઓ નોંધાયા હતા. 8 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના કુલ 20 દર્દીઓ નોંધાયા હતા. એટલે કે છેલ્લા બે દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સમગ્ર અમદાવાદ શહેરમાં 46 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને અન્ય 26.93 લાખ લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન મુજબ, શહેરમાં 9.30 લાખથી વધુ લોકો એવા છે કે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો