દુનિયાના માથે કોરોનાની વધુ એક લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે?

કોરોનાના વધી રહેલા કેસને પગલે ફરી એકવાર સમગ્ર યુરોપ કોવિડ મહામારીના "કેન્દ્રમાં" છે એવી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી છે.

પ્રેસ કોન્ફરન્સમાં WHO યુરોપના વડા હૅન્સ ક્લુગેએ જણાવ્યું હતું કે યુરોપમાં ફેબ્રુઆરી સુધીમાં વધુ પાંચ લાખ મૃત્યુ થઈ શકે છે.

WHOએ આ સ્થિતિ માટે અપૂરતા રસીકરણને જવાબદાર ગણાવ્યુ હતું.

તેમણે કહ્યુ, "આપણે કોવિડ -19ના કેસમાં ઉછાળાને સર્વત્ર ફેલાતો અટકાવવા માટે તેની સામે કામ લેવાની પદ્ધતિથી લઈને યુક્તિઓ સુધી બધું જ બદલવું પડશે."

તાજેતરના મહિનાઓમાં સમગ્ર યુરોપ ખંડમાં રસીકરણનો દર ધીમો પડ્યો છે.

સ્પેનમાં લગભગ 80% લોકોને રસીના બે ડોઝ આપી દેવાયા છે, જ્યારે ફ્રાન્સ અને જર્મનીમાં તેનું પ્રમાણ અનુક્રમે 68% અને 66% જેટલું છે. કેટલાક મધ્ય અને પૂર્વ યુરોપિયન દેશોમાં તો આ બંને ડોઝ આપવાનું પ્રમાણ આના કરતાં પણ ઓછુ છે.

ઑક્ટોબર 2021 સુધીમાં માત્ર 32% રશિયનોને બંને ડોઝ રસી આપવામાં આવ્યા છે.

ક્લુગેએ WHOના મધ્ય એશિયા સહિતના યુરોપના 53 દેશોમાં વધી રહેલી કોરોના મહામારી માટે સરકારી કામગીરીને પણ દોષી ઠેરવી છે.

અત્યાર સુધીમાં WHOએ આ વિસ્તારમાં 14 લાખ મૃત્યુ નોંધ્યાં છે.

જર્મનીમાં એક દિવસમાં 34 હજાર નવા કેસ

કોવિડ -19 પર WHOનાં તકનીકી હેડ મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે "રસી અને સાધનોનો પૂરતો પુરવઠો" હોવા છતાં, છેલ્લાં ચાર અઠવાડિયાંમાં સમગ્ર યુરોપમાં કેસમાં 55%નો વધારો થયો છે.

મારિયાના સહકર્મી ડૉ. માઇક રિયાને જણાવ્યું હતું કે યુરોપ "સમગ્ર વિશ્વ માટે ખતરાની ઘંટી" છે.

જર્મનીમાં તાજેતરમાં એક દિવસમાં રેકૉર્ડ 34,000 કોવિડ કેસ નોંધાયા છે. તેમ છતાં જર્મનીમાં દૈનિક કોવિડ કેસની સંખ્યા યુકેના દૈનિક 37,000 કેસ કરતાં ઓછી છે.

જાહેર આરોગ્યઅધિકારીઓ એ વાતે ચિંતિત છે કે મહામારીની ચોથી લહેર મોટી સંખ્યામાં મૃત્યુ તથા આરોગ્યવ્યવસ્થા પરના ભારણને વધારી શકે છે.

યુકેમાં છેલ્લા 24 કલાકમાં 165 મૃત્યુ નોંધાયાં છે, મૃત્યુઆંક એક અઠવાડિયા પહેલાં 126 હતો.

જર્મનીના 30 લાખથી વધુ લોકો પર જોખમ?

જર્મનીના આર. કે. આઈ. ઇન્સ્ટિટ્યૂટના લૉથર વિલરે કોરોના કેસની સંખ્યાને લઈને ભયાનક આગાહી કરતાં કહ્યું, "જો આપણે હવે કોરોનાને ખાળવાનાં પગલાં નહીં લઈએ, તો આ ચોથી લહેર હજી વધુ ભયાનક નિવડશે."

જર્મનીમાં જેમને રસી નથી અપાઈ, તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 30 લાખથી વધારે લોકો છે અને તેમના માથે મોટું જોખમ તોળાઈ રહ્યુ છે.

હૅન્સ ક્લુગે નિર્દેશ કર્યો તેમ, કેસોમાં વધારો ફક્ત જર્મની સુધી મર્યાદિત નથી.

મૃત્યુઆંકમાં સૌથી આકસ્મિક વધારો છેલ્લા અઠવાડિયામાં રશિયામાં નોંધાયો છે.

રશિયામાં છેલ્લા અઠવાડિયામાં 8,100થી વધુ મૃત્યુ નોંધાયાં હતાં અને યુક્રેનમાં મૃત્યુઆંક 3,800 હતો.

બંને દેશોમાં રસીકરણનો દર ઘણો ઓછો છે અને યુક્રેનમાં છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ 27,377 નવા કેસ નોંધાયા છે.

મૃત્યુઆંક પચાસ લાખને પાર

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી શરૂ થયાના 19 મહિના પછી વિશ્વભરમાં કોવિડ -19થી પચાસ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હોવાનું અનુમાન છે.

રસીકરણથી મૃત્યુદર ધીમો પડ્યો છે, પરંતુ કેટલાક આરોગ્યનિષ્ણાતો કહે છે કે સાચો મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે.

આરોગ્યઅધિકારીઓની ચેતવણીઓ વચ્ચે આ માઇલસ્ટોન સાથે કેટલાંક સ્થળોએ કેસો અને મૃત્યુમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રથમ વખત વધારો જોવા મળી રહ્યો છે.

વિશ્વભરમાં વાયરસના લગભગ 25 કરોડ કેસ નોંધાયા છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના અંદાજ પ્રમાણે, રોગચાળાનો વાસ્તવિક વૈશ્વિક મૃત્યુઆંક સત્તાવાર આંક કરતાં બેથી ત્રણ ગણો વધારે હોઈ શકે છે.

યુ.એસ.માં કોરોનામાં સૌથી વધુ 7,45,800થી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે.

બીજા સ્થાને 6,07,824 મૃત્યુ સાથે બ્રાઝિલ અને ત્રીજા સ્થાને 4,58,437 મૃત્યુ સાથે ભારત છે.

જોકે આરોગ્યનિષ્ણાતો માને છે કે આ સંખ્યા વાસ્તવિક મૃત્યુઆંક કરતાં ઘણી ઓછી છે, કારણ કે ઘરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયેલાં મૃત્યુને તેમાં સમાવવામાં આવ્યાં નથી.

મૃત્યુઆંકમાં છેલ્લા 10 લાખનો વધારો ધીમો રહ્યો છે.

ચાલીસ લાખ મૃત્યુથી પચાસ લાખ સુધીનાં મૃત્યુ 110 કરતાં વધારે દિવસોમાં નોંધાયાં. જ્યારે 30 લાખથી વધીને 40 લાખ મૃત્યુ માત્ર 90 દિવસ નોંધાયાં હતાં.

'મહામારી લાંબી ચાલશે'

રસીકરણથી મૃત્યુદર ઘટાડવામાં મદદ મળી છે જોકે, WHOએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે મહામારી "લાંબી" ચાલશે.

WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રૉસ ઍડહાનૉમ ઘેબ્રેયસસે યુરોપમાં કેસોમાં વધારા તરફ ધ્યાન દોર્યું છે, અહી રસીકરણનો ઓછો દર ધરાવતા દેશોમાં ચેપ અને મૃત્યુમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગયા અઠવાડિયે રશિયામાં રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીનાં સૌથી વધુ દૈનિક કેસો અને મૃત્યુ નોંધાયાં છે.

વૈશ્વિક સ્તરે નોંધાયેલાં છેલ્લાં 10 લાખ મૃત્યુમાંથી રશિયાનો હિસ્સો 10% છે.

બલ્ગેરિયા અને રોમાનિયામાં વિશ્વના સૌથી ખરાબ કોવિડ મૃત્યુદર નોંધાયો છે અને ત્યાની હૉસ્પિટલો પરિસ્થિતિને થાળે પાડવા સંઘર્ષ કરી રહી છે.

આ બંને દેશોમાં યુરોપિયન યુનિયનના સૌથી ઓછી રસીકરણ દર ધરાવતા દેશો છે.

વિશ્વભરમાં સાત અબજથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જોકે આમાં સમૃદ્ધ અને ગરીબ રાષ્ટ્રો વચ્ચેનું અંતર ઘણુ વધારે છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના અવર વર્લ્ડ ઇન ડેટા અનુસાર ઓછી આવક ધરાવતા દેશોમાં માત્ર 3.6% લોકોએ રસી લગાવી છે.

ડૉ. ટેડ્રૉસે કહ્યું છે કે જો રસીના ડોઝનું વિતરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોત તો "આપણે અત્યાર સુધીમાં દરેક દેશમાં આપણા 40% રસીકરણના લક્ષ્યને હાંસલ કરી લીધું હોત".

"મહામારી મોટા ભાગના પ્રદેશોમાં ચાલુ રહી તેનું કારણ સાધનોની અસમાન પહોંચ છે," એમ તેમણે કહ્યું.

ઑસ્ટ્રેલિયાએ સરહદો ખોલી

જોકે વિશ્વના મોટા ભાગના દેશોએ હવે પ્રતિબંધો હળવા કર્યા છે. સોમવારે, ઑસ્ટ્રેલિયાએ 19 મહિનામાં પ્રથમ વખત તેની સરહદો ફરીથી ખોલી છે.

પરંતુ જ્યાંથી મહામારીની શરૂઆત થઈ હતી તે ચીને હજી પણ ઝીરો-કોવિડ વ્યૂહરચના લાગુ રાખી છે અને ત્યાં એક કેસથી પણ કડક લૉકડાઉન અને સામૂહિક પરીક્ષણની ઝુંબેશ ચાલુ થઈ જાય છે.

મૃત્યુઆંક દેશના આરોગ્યઅધિકારીઓના દૈનિક અહેવાલો પર આધારિત હોય છે, પરંતુ મૃત્યુઆંક ઘણા દેશોમાં સાચા આંકને પ્રમાણિકપણે પ્રતિબિંબિત કરતા નથી.

કોરોના વાયરસના મૃત્યુની નોંધણીની બધા દેશોમાં સર્વસામાન્ય પદ્ધતિ નથી, એટલે જ તો કોરોનાના મૃત્યુદરની તુલના કરવી મુશ્કેલ છે.

કોવિડ મહામારી દરમિયાન વિવિધ દેશોએ કેવી યાતના વેઠી તેની તુલના કરવી પણ મુશ્કેલ છે.

મૃત્યુઆંકમાં ઢાંકપછેડો?

કુલ મૃત્યુઆંક ભલે એક રીતે રજૂ કરવામાં આવતો હોય, પરંતુ આ સંખ્યા કેટલાંક મહત્ત્વનાં પાસાં પર ઢાંકપછેડો કરે છે.

દરેક દેશ કેટલાં પરીક્ષણો કરે છે તેની અસર તેના મૃત્યુઆંક પર પડશે. ઉદાહરણ તરીકે, અન્ય ખંડોની તુલનામાં આફ્રિકામાં ઘણાં ઓછાં મૃત્યુ નોંધાયાં છે અને તેની પાછળ આ પરિબળ જવાબદાર હોવાની સંભાવના છે.

કોવિડથી થતાં મૃત્યુને પણ અલગઅલગ રીતે માપી શકાય છે - વસતીના પ્રમાણમાં (બલ્ગેરિયામાં સૌથી વધુ) અથવા લક્ષણો ધરાવતા લોકોના પ્રમાણમાં (મૅક્સિકોમાં સૌથી વધુ).

વિવિધ દેશોની હેલ્થકૅર પ્રણાલીઓ તેમજ વસતીની સરેરાશ ઉંમર પણ મૃત્યુઆંક પર અસર કરે છે - લોકો જેમ વૃદ્ધ તેમ વાયરસ માટે વધુ સંવેદનશીલ.

કોવિડ સામેના રસીકરણથી છેલ્લા છ મહિનામાં મૃત્યુઆંકમાં ઘણો ફરક તો પડ્યો છે પરંતુ બધા દેશોમાં વાયરસ સામે રક્ષણ આપતું રસીકરણ સમાન રીતે ઉપલબ્ધ નથી થઈ શક્યું.

તેનો અર્થ એ છે કે હજુ વધારે મૃત્યુ થશે - પરંતુ કોવિડ એ દુનિયાને જેની ચિંતા કરવી જરૂરી છે એવી એકમાત્ર સ્વાસ્થ્યસમસ્યા નથી.

તે યાદ રાખવું ઘટે કે દર વર્ષે નેવું લાખથી વધુ લોકો કૅન્સરથી મૃત્યુ પામે છે અને લગભગ એટલી જ સંખ્યામાં મૃત્યુ હૃદયરોગથી થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો