ગુજરાતી પિતા-પુત્રનો સાથે 'આપઘાત', જ્યાં ચાની લારી ચલાવતા હતા ત્યાંથી જ મૃતદેહો મળ્યા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'મારા કાકા રાજકોટમાં ચાની લારી ચાલવતા હતા, લૉકડાઉનમાં ધંધો બંધ થ ઈગયો. માથે દેવું વધી ગયું હતું, ઉઘરાણીવાળા પાછળ પડી ગયા હતા.

આ શબ્દો આર્થિક તંગીના કારણે પોતાના સગા કાકા અને પિતરાઈ ભાઈને ગુમાવનાર ચેતન ભીમાણીના છે.

ચેતનના કાકા પ્રતાપ ભીમાણી રાજકોટના સહકારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને રાજપૂતપરામાં આવેલી ખોડિયાર ચેમ્બર્સ પાસે ચાની લારી ચલાવતા હતા.

(આત્મહત્યા એ એક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

67 વર્ષના પ્રતાપભાઈનો દીકરો વિજય ખાસ કોઈ કામ-ધંધો કરતો ન હતો.

પ્રતાપ ભીમાણીના ભાઈ હિતેન્દ્ર ભીમાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારા ભાઈને સતત ચિંતા રહેતી હતી, એકનો એક દીકરો હતો."

"એમણે પાંચ વર્ષ પહેલાં પોતાનું મકાન વેચીને 18 લાખ રૂપિયા એક ખાનગી પેઢીમાં વ્યાજે મૂક્યા હતા, જેથી એમનું ગુજરાન વ્યાજના પૈસે ચાલી શકે."

આર્થિક તંગીમાં ભીંસાતો પરિવાર

પ્રતાપભાઈને વ્યાજની સારી આવક હતી, એટલે તેઓ અને તેમનો પરિવાર ભાડાનું મકાન રાખીને રહેતા હતા.

જોકે તેમના આ દિવસો બહુ લાંબા ન ચાલ્યા, હિતેન્દ્ર ભાઈના જણાવ્યા પ્રમાણે જ્યાં વ્યાજે પૈસા મૂક્યા હતા તે ખાનગી પેઢીનો માલિક નાસી છૂટ્યો હતો.

જે બાદ પ્રતાપભાઈની આર્થિક તંગી વધતી ગઈ અને એમણે ચાની લારી શરૂ કરી દીધી, તેઓ શૉપિંગ સેન્ટરમાં ચા વેચતા હતા.

ચાના ધંધાથી તેમનું ઘર ચાલી રહ્યું હતું, પણ બે વર્ષ પહેલાં કોરોના મહામારીના કારણે લૉકડાઉન લાદી દેવામાં આવ્યું અને એમનો ધંધો બેસી ગયો હતો.

તેમએ ઘર ચલાવવા માટે લોકો જોડેથી ઉધાર પૈસા લીધા, ધીમે-ધીમે માથે દેવું વધી ગયું હતું અને વ્યાજ પણ વધી રહ્યું હતું.

ત્રણ લાખનું દેવું અને...

પ્રતાપભાઈનો ભત્રીજો ચેતન ભીમાણી કહે છે કે, "મારા કાકાની ઉંમર 67 વર્ષ થઈ ગઈ હતી, મારા પિતરાઈ વિજય પાસે કામ-ધંધો ન હતો."

"એ ઘર ચલાવવા માટે લોકો પાસે વ્યાજે પૈસા લેતા હતા. લૉકડાઉનના કારણે કોઈ કમાણી ન હતી, એટલે માથે વ્યાજ વધી ગયું હતું."

તેઓ કહે છે કે, "થોડા સમય પહેલાં એમણે ફરી લારી ચાલુ કરી, ત્યારે દૂધ, ખાંડ અને ચા કરિયાણાવાળા ઉધાર આપતાં ન હતાં. ઉપરથી વ્યાજની કડક ઉઘરાણી શરૂ થઈ ગઈ હતી. એટલે એ લારી પણ ચલાવી શકતા ન હતા."

હવે સ્થિતિએવી કપરી થઈ ગઈ હતી કે પ્રતાપભાઈ ઘરનું ભાડું પણ ચૂકવી શકતા ન હતા, ઘર ખાલી કરવાની નોબત આવી ગઈ હતી.

પત્નીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા

ચેતનભાઈ કહે છે કે "કાકાની આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ કે કાકીને ઘરમાં રાખી શકે એમ ન હતા, એટલે 15 દિવસ પહેલાં કાકીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા."

એના થોડા દિવસો બાદ આ પિતા-પુત્રના મૃતદેહ જ્યાં ચાની લારી ચલાવતા હતા, એ જ બિલ્ડિંગમાંથી મળી આવ્યા. પોલીસનું કહેવું છે કે તેમને 'આત્મહત્યા' કરી હતી.

અહીં સફાઈકામદાર તરીકે કામ કરતા પરસોત્તમભાઈએ કહે છે કે, "હું સવારે સફાઈકામ કરવા આવ્યો, ત્યારે બીજા માળે બંને મૃતદેહો જોયા, હું ગભરાઈ ગયો. નીચે ઊતરીને મેં બધાને ફોન કર્યા."

આ મામલાની તપાસ કરી રહેલા રાજકોટ 'એ ડિવિઝન'ના પોલીસ સબઇન્સ્પેક્ટર એસ. એસ. નિમાવતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પરિવારજનોનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે આ બંનેને માથે મોટું દેવું હતું અને ઉઘરાણીવાળાઓના ત્રાસથી તેઓ ચાની લારી ચલાવી શકતા ન હતા. લેણદારોના ત્રાસના કારણે એમણે આત્મહત્યા કરી છે."

"અમે એમનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું છે, જેમાં ખબર પડી છે કે પિતા અને પુત્રે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે."

PSI નિમાવતના જણાવ્યા પ્રમાણે લેણદારો કોણ છે, એની હજુ સુધી ખબર પડી નથી. પોલીસ વ્યાજખોરોને શોધી રહી છે.

એનસીઆરબીના ડેટા પ્રમાણે 2020માં કોરોનાથી આશરે 1.49 લાખ લોકોનાં મોત થયાં હતાં, જેની સામે આત્મહત્યાથી 1.53 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો