COP26 : 40થી વધુ દેશોની કોલસાનો ઉપયોગ બંધ કરવા પ્રતિજ્ઞા, ભારતે કેમ ન લીધી?

UKની સરકાર કહે છે કે COP26 આબોહવા સમિટમાં 40થી વધુ દેશોએ કોલસાનો ઉપયોગ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પોલૅન્ડ, વિયેતનામ અને ચિલી સહિતના દેશોએ આ મામલે પ્રતિબદ્ધતા બતાવી છે.

જોકે ઑસ્ટ્રેલિયા, ભારત, ચીન અને યુએસ સહિત વિશ્વના સૌથી મોટા કોલસાઆધારિત દેશોએ પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા નથી. કોલસાનો જળવાયુ પરિવર્તનમાં મોટો ફાળો રહ્યો છે.

કરાર પર હસ્તાક્ષર કરનારા દેશો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવા કોલસાઆધારિત વીજઉત્પાદનમાં રોકાણ બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે.

યુકેએ જણાવ્યું હતું કે કોલસાનો ઉપયોગ નહીં કરવા અંગેના કરાર પર હસ્તાક્ષર કરનારા આ દેશો, 2030ના દાયકા સુધીમાં ધનિક રાષ્ટ્રો અને 2040ના દાયકા સુધીમાં ગરીબ રાષ્ટ્રોમાંથી કોલસાના ઉપયોગને તબક્કાવાર બંધ કરાવવા માટે પણ સંમત થયા છે.

ડઝનબંધ સંસ્થાઓએ પણ કોલસાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા છે, સાથે જ ઘણી મોટી બૅન્કો કોલસાઉદ્યોગને ધિરાણ આપવાનું બંધ કરવા અંગે પણ સંમત થઈ છે.

યુકેના ઉદ્યોગ અને ઊર્જા સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગે જણાવ્યું હતું કે, "નજીકના ભવિષ્યમાં જ કોલસાના ઉપયોગ પર પૂર્ણવિરામ મુકાઈ જશે, એવું ભાસે છે."

"વિશ્વ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે, કોલસાના ભાવિને સીલ કરવા અને ગ્રીન ઊર્જા દ્વારા સંચાલિત તકનીકોને અપનાવવા માટે તૈયાર છે."

પરંતુ યુકે શેડો બિઝનેસ સેક્રેટરી ઍડ મિલિબૅન્ડે જણાવ્યું હતું કે ચીન અને સ્થાનિક સ્તરે કોલસાના ઉપયોગને રોકવા માટે પ્રતિબદ્ધ નથી તેવા મોટા ઉત્સર્જકોએ આમાં "ગાપચી" મારી છે.

તેમણે એ પણ નોંધ્યું હતું કે તેલ અને ગૅસને તબક્કાવાર ઉપયોગમાંથી બહાર કરવા અંગે કંઈ થયું નથી.

ભારતની ઇચ્છાશક્તિમાં ઉણપ?

વૈશ્વિક સ્તરે કોલસાના વપરાશને ઘટાડવામાં પ્રગતિ થઈ હોવા છતાં 2019માં વિશ્વની લગભગ 37% વીજળીનું ઉત્પાદન કોલસામાંથી થયું હતું.

દક્ષિણ આફ્રિકા, પોલૅન્ડ અને ભારત જેવા દેશોને તેમનાં ઊર્જાક્ષેત્રોને વધુ ગ્રીન બનાવવા માટે મોટા રોકાણની જરૂર પડશે.

COP26 ખાતે ગ્રીન પીસના પ્રતિનિધિમંડળના વડા જુઆન પાબ્લો ઓસોર્નિયોએ જણાવ્યું હતું કે, "આ નિર્ણાયક દાયકામાં અશ્મિભૂત ઈંધણને લઈને આવું નિવેદન ઇચ્છાશક્તિની ઉણપ છતી કરે છે."

તેમણે ઉમેર્યું, "ઊજળી જાહેરાત છતાં પાશેરામાં પહેલી પૂણીરૂપ આ કાર્યમાં દેશોને કોલસાનો ઉપયોગ ટાળવાની પોતાની તારીખ નક્કી કરવામાં ભારે છૂટ મળી છે."

ભારતે કોલસાનો ઉપયોગ બંધ કરવાની પ્રતિજ્ઞા કેમ ન લીધી?

ધ હિન્દુના અહેવાલમાં જેકબ કોશી લખે છે કે નેટ ઝીરોનો અર્થ એ છે કે દેશે એક વર્ષ માટે એવી પ્રતિબદ્ધતા બતાવવી કે આગળના વર્ષ કરતાં હવે પછીના વર્ષમાં તેમનું ઉત્સર્જન નહીં વધે અને તે હવામાંથી ગ્રીનહાઉસ વાયુની માત્રા લઈને તેના ઉત્સર્જનને સંતુલિત કરશે.

સૈદ્ધાંતિક રીતે 2050 સુધીમાં નેટ ઝીરો અંગે પ્રતિબદ્ધતા બતાવી છે, તો પણ ભારતે તેના કોલસાના પ્લાન્ટ અને અશ્મિભૂત બળતણનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવો પડશે અને એવું કર્યા બાદ પણ ખાતરી નથી કે સદીના અંત સુધીમાં તાપમાનમાં વધારો 1.5C કરતાં નીચો રહેશે.

બીજી તરફ, ભારતની સામે નેટ ઝીરો લક્ષ્ય માટે દાવો કરતા મોટાભાગના દેશો - તેમના રાષ્ટ્રીય ધોરણે નિર્ધારિત ઘટાડા લક્ષ્યાંકો સાથે પણ તેમના વાજબી હિસ્સાની ઉપર માથાદીઠ ધોરણે પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ રાખશે.

ભારત કહે છે કે 'આબોહવાની કટોકટી માટે જવાબદાર દેશોએ તેના શમન અને અનુકૂલન પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવાના અગાઉનાં વચનોની પણ પૂર્તિ કરી નથી અને તેથી ભવિષ્યના નેટ ઝીરો વચનો પોકળ છે.’

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો