અલંગ શિપબ્રેકિંગ યાર્ડ : ગુજરાતના બંદરે ક્રૂઝશિપ ભાંગવામાં રેકર્ડ ઉછાળો કેમ આવ્યો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સામાન્ય રીતે લોકો ઉનાળું તથા ક્રિસમસના વૅકેશન દરમિયાન ક્રૂઝશિપ મારફત કૅરેબિયન ટાપુઓની સફર ખેડતા હોય છે, પરંતુ યુરોપિયનો તથા અમેરિકનો હજુ પણ સંશયમાં છે એટલે અપેક્ષા મુજબ તેજી નથી આવી.

જેની સીધી અસર વિશ્વના અર્થતંત્રના 'ઊલટા અરીસા' એવા અલંગ ખાતે જોવા મળી રહી છે.

ક્રૂઝશિપ લાંગરેલી હોય ત્યારે પણ તેના નિભાવ માટે ભારે ખર્ચ કરવો હોય છે એટલે કેટલાક માલિકો જૂની થઈ ગયેલી ક્રૂઝશિપોને વેચવા કાઢી રહ્યા છે અથવા તો ભંગારમાં આપી રહ્યા છે.

'વિશ્વના જહાજના સૌથી મોટા કબ્રસ્તાન'માં ગત વર્ષે અનલૉકિંગના શરૂઆતના સમયમાં વિશ્વભરમાં ઑઈલ-ગૅસનો વપરાશ ઘટતા આ જહાજોને ભાંગવાના ધંધામાં તેજી આવી છે.

ગત 10 વર્ષ દરમિયાન જેટલી ક્રૂઝશિપ અલંગ ખાતે ભંગાવવા માટે આવી હતી, તેના કરતાં વધુ જહાજો ગત નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં આવી ગયાં છે.

ક્રૂઝઑઇલ, કબાડ અને 'કામ'

અલંગ ખાતે પૉર્ટ ઓફિસર રાકેશ મિશ્રાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતા જણાવ્યું, "અગાઉ અલંગમાં વરસે સરેરાશ એક-બે ક્રૂઝશિપ ભાંગવા માટે અલંગ આવતાં હતાં, પરંતુ નવેમ્બર-2020થી ઑક્ટોબર-2021 દરમિયાન 14 પેસેન્જરશિપ અલંગ આવી હતી, જે એક વર્ષની સૌથી વધુ સંખ્યા છે.

ઑક્ટોબર મહિનામાં જર્મનીની 42 વર્ષ જૂની ક્રૂઝશિપ એમવી બ્લૂફૉર્ટ તથા સ્પેનના 48 વર્ષ જૂના જહાજ એમવી રોજરે અલંગ ખાતે અંતિમ સફર ખેડી હતી.

એપ્રિલ માસના બીજા સપ્તાહમાં 'એમવી (મર્ચન્ટ વૅસલ) કોલસ' નામની ક્રૂઝશિપ અલંગ પહોંચી હતી.

આ ક્રૂઝ ખરીદનારા એનબીએમ આર્યન ઍન્ડ સ્ટિલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડના નઝીર કલીવાલાએ એ સમયે જણાવ્યું હતું, "સામાન્યતઃ ક્રૂઝમાં હૉસ્પિટલ, થિયેટર, હાઈ-ઍન્ડ રેસ્ટોરાં, દુકાનો, બાર, સ્પા, સ્વિમિંગ-પુલ, જાકુઝી સહિતની ફાઇવ-સ્ટાર હોટલમાં જોવા મળતી તમામ સવલતો હોય છે."

"તા. 12મી એપ્રિલે એમવી કોલસ યાર્ડમાં પહોંચી ગયું છે અને તેના પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં 'એમવી ઓશન ડ્રીમ' પણ અમે ખરીદ્યું હતું."

ક્રૂઝની ઉપર વૈભવી વસ્તુઓ હોઈ તેમાંથી અન્ય કોઈ જહાજ કરતાં વધુ નફો થાય એવું નથી અને તેમના માટે બધું 'સ્ક્રૅપ' જ છે.

ક્રૂઝમાંથી ટીવી, ફ્રીઝ, ક્રૉકરી, કાર્પેટ અને ફર્નિચર જેવી વૈભવી સામગ્રી મોટા પાયે નીકળે છે. યાર્ડની બહાર લગભગ 800થી વધુ દુકાનો આ પ્રકારના વેપાર સાથે સંકળાયેલી છે.

ક્રૂઝશિપને કારણે આ સેકન્ડ-હેન્ડ માર્કેટમાં તેજી દેખાઈ રહી છે અને લોકો દિવાળી સમયની ખરીદી પણ કરી રહ્યા છે.

ગત નવેમ્બર મહિનાથી ક્રૂઝ આવવાનું શરૂ થયું હતું. 14 માળનું 'એમવી કર્ણિકા' (નવેમ્બર-2020) પહોંચ્યું હતું. લૉકડાઉન પૂરું થયા બાદ પણ તે શરૂ થઈ શક્યું ન હતું.

'એમવી ઓશિયન ડ્રીમ' (જાન્યુઆરી-2021)માં અલંગ પહોંચ્યું હતું. તે લગભગ એક વર્ષ સુધી જાપાનના હિરોશિમા પાસે પ્રવાસીઓ વગર પડી રહ્યું હતું.

મૂળતઃ રશિયાનું 'એમવી માર્કૉપોલો' (જાન્યુઆરી-2021)માં અલંગ પહોંચ્યું હતું. તેના માલિક નાદાર થઈ ગયા હતા, એટલે તેને વેચી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની છેલ્લી સફર અલંગમાં જ પૂરી થઈ.

આ સિવાય 'એમવી ગ્રાન્ડ સૅલિબ્રેશન્સ' અને એમવી કોલંબસે (એમવી કોલસ) પણ તેમની અંતિમ સફર અલંગ ખાતે ખેડી હતી.

ક્રૂઝની સરખામણીમાં ઑઇલટૅન્કર કે કન્ટેનરશિપમાંથી વધુ લોખંડ મળે છે, એટલે તેમાંથી લોખંડ વધુ નીકળે છે. વળી તે મરીન ગ્રૅડનું હોવાથી તેમાંથી વધુ આવક થાય છે.

એક અનુમાન મુજબ દર વર્ષે અલંગ ખાતે 25થી 30 લાખ ટન જેટલું સ્ટિલ રિસાઇકલિંગ માટે મળે છે. જે ભાવનગર ઉપરાંત મહારાષ્ટ્ર અને પંજાબ સુધી મોકલવામાં આવે છે.

લગભગ 20 હજાર લોકો પ્રત્યક્ષ રીતે તથા પાંચ લાખ લોકો અપ્રત્યક્ષ રીતે આ જહાજવાડામાંથી રોજગાર મેળવે છે.

છેલ્લા લગભગ દોઢ વર્ષના ગાળા દરમિયાન લૉકડાઉન અને આંશિક લૉકડાઉન, શ્રમિકોના વતનગમન તથા તબીબી વપરાશ માટે ઓક્સિજનને ડાયવર્ટ કરવા જેવી સમસ્યાને પાર કરીને આ ઉદ્યોગ ફરીથી પાટે ચડી રહ્યો હોય તેમ જણાય છે.

ક્રૂઝનો ધંધો ડૂબ્યો કેમ?

ગત વર્ષે કોરોના ફાટી નીકળ્યો એ પછી અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને જાપાને વિદેશી ક્રૂઝશિપને લાંગરવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. એ સિવાય જે જહાજ તટ પર હતાં, તેમને વહેલી તકે રવાના થવાની સૂચના આપવામાં આવી હતી.

ધ ડાયમંડ પ્રિન્સેસ (જાપાન), એમએસસી મૅગ્નિફિસા (યુરોપ) અને ધ ગ્રાઉન્ડ પ્રિન્સેસ (યુએસ)માં ફસાઈ ગયાં હતાં. આ સિવાય અનેક ક્રૂઝના હજારો મુસાફરો તથા કર્મચારીઓ અલગ-અલગ બંદરો પર ફસાઈ ગયા હતા અને તેમની સ્થિતિના અહેવાલ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં છવાયેલા રહ્યા હતા.

કેપીએમજીના જહાજી બાબતોના નિષ્ણાત પાર્ટનર મોનિક ગીઝના મતે, "કોરોના આવ્યો તે પહેલાં ટ્રાવેલજગતમાં ક્રૂઝ સૅક્ટરનો વાર્ષિક 20.5 ટકાના દરે વિકાસ થઈ રહ્યો હતો. 2019માં બે કરોડ 97 લાખ લોકોએ ક્રૂઝમાં સફર ખેડી હતી. 2020માં આ આંકડો ત્રણ કરોડ 20 લાખ પર પહોંચશે એવું અનુમાન હતું."

વિશ્વભરમાં મોટા કદની 50 જેટલી ક્રૂઝલાઇન્સ છે, જે 270થી વધુ જહાજ ઑપરેટ કરે છે. 2018માં વૈશ્વિક ક્રૂઝ ઉદ્યોગ 150 અબજ ડૉલરનો હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું, જેમાંથી 75 ટકા હિસ્સો ટોચની ત્રણ કંપની પાસે છે.

ક્રૂઝ પર મહામારી ફાટી નીકળવાને કારણે તેઓ દરિયામાં જ ફસાઈ ગયા હતા, જેના કારણે ક્રૂઝ પ્રત્યે લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે.

ક્રૂઝલાઇનરો રસીકરણ પર મીટ માંડીને બેઠા હતા, તેમને લાગતું હતું કે યુરોપ તથા અમેરિકામાં વ્યાપક રસીકરણ બાદ ફરી એક વખત ઉદ્યોગ ધમધમતો થશે. પરંતુ રશિયા, અમેરિકા, યુકે સહિત યુરોપિયન દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિ થતાં ક્રૂઝશિપિંગ ઉદ્યોગ પરથી મંદીનો ઓછાયો નજીકના સમયમાં હઠતો નથી જણાતો.

...એટલે સરકારોની ક્રૂઝને મદદ નહીં

જે ક્રૂઝ લાઇનર સ્થિતિ સામાન્ય થશે તેની રાહ જોઈ શકે તેમ નથી તેઓ ક્રૂઝને અન્ય કંપનીઓને વેચી રહ્યા છે અથવા તો જૂના મૉડલના ક્રૂઝને ભંગારમાં આપી રહ્યા છે.

ક્રૂઝ સફર ખેડી રહી હોય ત્યારે તો તેની જાળવણી માટે મોટા પાયે લોકોને રોકવા પડે છે અને જંગી ખર્ચ કરવો પડે છે, પરંતુ તે કિનારે લાંગેરલું હોય ત્યારે પણ તેની જાળવણી પર અસામાન્ય ખર્ચ કરવો પડતો હોય છે. ક્રૂઝની જાળવણીનો ખર્ચ તેના કદ અને સવલતો પર આધાર રાખે છે.

જો બંદર પર વીજપુરવઠાની સુવિધા ન હોય અથવા તો દેશની સીમામાં જ મધદરિયે ક્રૂઝને ઍન્કર કરવામાં આવ્યું હોય, તો તેનું એન્જિનને ચાલુ રાખવું પડે જેથી કરીને જહાજ પર વીજપુરવઠો જળવાઈ રહે અને ઍરકન્ડિશન, ડિસેલિનેશન (ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવું) અને પ્રપલ્શન સિસ્ટમ સારી રીતે ચાલતા રહે.

એ ખરું કે જહાજ પર ગેસ્ટ હોય, તેની સરખામણીમાં લાંગેરલું હોય ત્યારે ઓછા ઈંધણની ખપત થાય છે.

આ સિવાય લૉનના હપ્તા, વીમાની રકમ અને પગાર જેવા ખર્ચા ચાલુ જ રહે છે, જેની ચુકવણી ચાલુ રાખવાના બદલે કેટલાક માલિક તેને વેચી દેવાનું પસંદ કરી રહ્યા છે.

ટૅક્સમાં બચત કરવા માટે અને અમેરિકા-યુરોપના કડક શ્રમકાયદાથી બચવા માટે મોટા ભાગની ક્રૂઝલાઇનર કંપનીઓ તેમના જહાજની પનામા, બહામાસ કે અન્ય કોઈ 'ટૅક્સ હેવન' દેશમાં નોંધણી કરાવે છે.

સસ્તાભાવે વિદેશી શ્રમિકો પાસે વધુ કલાકો સુધી કામ કરાવી શકાય એવી ક્રૂઝ લાઇનર કંપનીઓની ગણતરી હોય છે. જોકે આ બાબત જ તેમના માટે મુશ્કેલીરૂપ બની રહી છે.

અમેરિકાની સરકાર દ્વારા જે બેલઆઉટ પૅકેજ જાહેર કરવામાં આવ્યા છે, તેનો લાભ ક્રૂઝ લાઇનરોને મળી શકે તેમ નથી. અને જો સરકાર મદદ કરવા ચાહે તો પણ કર ન ભરનારને રાહત આપવી તેના માટે મુશ્કેલ બની રહે.

એક અનુમાન પ્રમાણે, વર્ષની શરૂઆતમાં માત્ર યુરોપમાં જ ક્રૂઝના વ્યવસાય પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બે લાખ લોકોએ પોતાનું કામ ગુમાવ્યું છે. હજારોની સંખ્યામાં અન્ય કર્મચારીઓના કામના કલાક ઘટાડી દેવામાં આવ્યા છે.

તો શું ફરી ક્યારેય ક્રૂઝશિપના ધંધામાં તેજી નહીં આવે, તેના વિશે બ્રિટનની પ્લાયમાઉથ યુનિવર્સિટીમાં ટૂરિઝમ ઍન્ડ હૉસ્પિટાલિટીનાં પ્રાધ્યાપક પ્રો. શીલા અગ્રવાલ માને છે, "પર્યટકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. પેરિસ તથા બ્રસેલ્સમાં હુમલા બાદ બે-ત્રણ મહિના સુધી અસર જોવા મળી હતી, બાદમાં સ્થિતિ પૂર્વવત્ બની ગઈ હતી."

સામાન્ય રીતે ઉનાળું કે ક્રિસમસના વૅકેશન દરમિયાન આ ક્રૂઝશિપો ભૂમધ્ય કે કૅરેબિયન દ્વિપસમૂહોની સફર ખેડતી હોય છે, પરંતુ આ વર્ષે તેમાં અપેક્ષા મુજબ તેજી નથી જોવાઈ રહી.

ક્રૂઝલાઇનરો પણ સ્થિતિ સામાન્ય થશે એટલે મોટા પાયે જાહેરાતો તથા ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો