પ્રિવેન્ટિવ ડિટેન્શન : લોકશાહી સરકારને તાનાશાહી શક્તિ આપતો એ કાયદો જે ભાજપ-કૉંગ્રેસ બેઉને ગમે છે

    • લેેખક, રાઘેવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

1975ના વર્ષે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં દેશમાં ઇમર્જન્સી લાગુ થવાની સાથે જ 21 મહિનાનો એવો દોર શરૂ થયેલો જેમાં કાયદાના ઓઠા હેઠળ સરકારે પોતાનું ધાર્યું કર્યું હતું.

આ કારણે જ, જ્યારે 1978માં ઇન્દિરા ગાંધી સત્તા પરથી ઊતરી ગયાં ત્યાર પછી બંધારણનો 44મો સુધારો કરવામાં આવ્યો; અને એ સુધારામાં અન્ય મુદ્દા સાથે એ વાતનું ખાસ ધ્યાન રખાયું કે ભારતીય નાગરિકોની સ્વતંત્રતાના અધિકારને વધારે મજબૂત બનાવાય.

આવી ઇચ્છાથી આ સુધારામાં પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે પ્રતિબંધક અટકાયત ધારા અંતર્ગત કહેવાયું કે, જ્યાં સુધી સલાહકાર બોર્ડ પૂરતાં નક્કર કારણો ન આપે ત્યાં સુધી, કોઈ પણ વ્યક્તિને બે મહિનાથી વધારે સમય માટે અટકાયતમાં રાખવાની મંજૂરી ન આપી શકાય.

આ કાયદાનો દુરુપયોગ ન થાય એવા હેતુથી બંધારણના આ સુધારામાં એમ પણ કહેવાયું કે એડ્વાઇઝરી બોર્ડના અધ્યક્ષ હાઈકોર્ટના સેવારત ન્યાયાધીશ હશે; અને આ સમિતિની રચના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ભલામણો અનુસાર કરવામાં આવશે. સુધારા અનુસાર, આ સમિતિના અન્ય સદસ્યોમાં કોઈ પણ હાઈકોર્ટના સેવારત કે નિવૃત્ત ન્યાયાધીશો હશે.

43 વર્ષ પછી પણ સંવિધાનનો 44મો સુધારો લાગુ નથી કરાયો

બંધારણના આ સુધારાને 43 વર્ષ પૂરાં થયાં છતાં એની જોગવાઈઓને લાગુ નથી કરી શકાઈ, કેમ કે, આ 43 વર્ષોમાં બનેલી કોઈ પણ સરકારે સુધારાની કલમ 3ને અસરદાર કરવા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ નથી કર્યું.

હવે ભારતના 100 રિટાયર્ડ વહીવટી અધિકારીઓએ કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુને ખુલ્લો પત્ર લખીને કહ્યું છે કે, આ ધારાને અમલમાં લાવવાની તારીખ સરકાર નક્કી કરે.

જે લોકોએ આ ચિઠ્ઠીમાં સહી કરી છે એમાં પૂર્વ વિદેશસચિવ શ્યામ સરન, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને રૉના પૂર્વ વરિષ્ઠ અધિકારી એ.એસ. દુલત, પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાહ, વડા પ્રધાનના પૂર્વ સલાહકાર ટી.કે.એ. નાયર અને પૂર્વ ગૃહસચિવ જી.કે. પિલ્લઈ જેવાં મોટાં નામ સામેલ છે.

સેવાનિવૃત્ત આ અધિકારીઓ કૉન્સ્ટિટ્યૂશન કંડક્ટ ગ્રૂપના સભ્ય છે અને તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે એમનો 'કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી', પણ, ભારતના બંધારણ અનુરૂપ નિષ્પક્ષતા, તટસ્થતા અને પ્રતિબદ્ધતામાં તેમને વિશ્વાસ છે.

કાયદામંત્રીને લખેલી ચિઠ્ઠીમાં આ જૂથે કહ્યું છે કે, વર્તમાન સમયે જે કોઈ વકીલ કોઈ પણ હાઈકોર્ટમાં ન્યાયાધીશ બનવાને યોગ્ય છે એને સલાહકાર બોર્ડમાં નિયુક્ત કરી શકાય છે. આનો અર્થ એ કે દશ વર્ષથી વધારે અનુભવ ધરાવતા કોઈ પણ વકીલ સલાહકાર બોર્ડમાં નિયુક્ત થઈ શકે છે.

સેવાનિવૃત્ત આ આધિકારીઓ એમ કહે છે કે, "આ બોર્ડમાં સરકાર તટસ્થ, સ્વતંત્ર સભ્યોને નિયુક્ત કરવાના બદલે પોતાની પસંદગીના વ્યક્તિઓને નિયુક્ત કરી શકે છે, જેમાં સત્તા કે રાજકીય પક્ષ પ્રત્યે નિષ્ઠા ધરાવતા લોકો પણ સામેલ છે. આ રીતે આ જોગવાઈ સરકારી દુરુપયોગની પકડમાં છે."

ચિઠ્ઠીમાં કહેવાયું છે કે આ અધિસૂચનાને લાગુ કરવામાં 43 વર્ષોની ઢીલને કારણે માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન થયું છે.

પ્રતિબંધક અટકાયત ધારો (પ્રિવેન્ટિવ ડિટેન્શન) એટલે શું?

પ્રતિબંધક અટકાયતનો અર્થ એ છે કે, પોલીસ કોઈ પણ વ્યક્તિને, એ ગુનો કરી શકે છે એવી શંકાના આધારે, ધરપકડ કરી શકે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 22 અનુસાર ધરપકડ કરાયેલા કોઈ પણ વ્યક્તિને અટકાયત માટેનાં કારણોની જાણકારી આપ્યા વિના અટકમાં રાખી નહીં શકાય; અને એના સલાહ-સૂચન મેળવવાના કે બચાવ કરવાના અધિકારોથી એને વંચિત રાખી શકાશે નહીં.

સાથે જ, આ અનુચ્છેદમાં એમ પણ કહેવાયું છે કે ધરપકડ કરાયેલા અને અટકાયતમાં રખાયેલા પ્રત્યેક વ્યક્તિને ધરપકડ કરાઈ એ સ્થળેથી અદાલત સુધીની મુસાફરીનો સમય બાદ કરીને એની ધરપકડના ચોવીસ કલાકની અંદર નજીકના ન્યાયાધીશ સમક્ષ લઈ જવાશે અને ધરપકડ કરાયેલા વ્યક્તિને ન્યાયાધીશના આદેશ વગર 24 કલાક પછી અટકમાં રાખી શકાશે નહીં.

પરંતુ બંધારણનો અનુચ્છેદ 22 સ્પષ્ટ કહે છે કે, પ્રતિબંધક અટકાયત કરવામાં આવી હોય એવી વ્યક્તિ પર આ જોગવાઈ લાગુ નહીં પડે.

એનો સીધો અર્થ એ છે કે પ્રતિબંધક અટકાયત કરવામાં આવી છે એવી વ્યક્તિને પોલીસે કારણ જણાવવાની જરૂર નથી કે એને એના વકીલનાં સલાહ-સૂચન લેવાની છૂટ આપવાની જરૂર નથી, અને 24 કલાકમાં જ ન્યાયાધીશ સમક્ષ લઈ જવાની પણ જરૂર નથી હોતી.

શું કહે છે સુપ્રીમ કોર્ટ?

આ વર્ષના ઑગસ્ટમાં એક મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રિવેન્ટિવ ડિટેન્શન અથવા પ્રતિબંધક અટકાયત 'માત્ર સાર્વજનિક અવ્યવસ્થાને અટકાવવા માટે એક જરૂરી અનિષ્ટ છે'.

સાથે જ, અદાલતે એમ પણ કહ્યું કે કાનૂનવ્યવસ્થાની સમસ્યાઓ હલ કરવા માટે સરકારે મનસ્વી રીતે પ્રતિબંધક અટકાયતનો સહારો ન લેવો જોઈએ, એવી સમસ્યાઓને સામાન્ય કાયદા વડે નિવારી શકાય છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે નાગરિકોની સ્વતંત્રતા સૌથી મહત્ત્વપૂર્ણ અધિકાર છે, જેને આપણા પૂર્વજોએ લાંબા, ઐતિહાસિક અને કઠિન સંઘર્ષો પછી મેળવ્યો છે; અને, સરકારની પ્રતિબંધક અટકાયતની શક્તિ મર્યાદિત હોવી જોઈએ.

આંકડા શું કહે છે?

રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરોના તાજેતરના રિપૉર્ટ અનુસાર 2020ના વર્ષમાં જુદા જુદા કાયદા હેઠળ કુલ 89,405 લોકોને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખવામાં આવેલા. એમાંના 68,077 લોકોને એક મહિનામાં, 2,651 વ્યક્તિઓને એકથી ત્રણ મહિનામાં અને 4,150 જણાને ત્રણથી છ મહિનામાં સલાહકાર સમિતિની ભલામણના આધારે મુક્ત કરી દેવાયા હતા. તોપણ, વર્ષના અંતે 14,527 વ્યક્તિ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રહ્યા.

લોકોને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખવા માટે જે કાનૂનનો ઉપયોગ થયો એમાં ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન, કાળાબજાર અટકાવવાનો કાનૂન, આવશ્યક સેવા જાળવણીનો અધિનિયમ અને ગુંડા ઍક્ટ સામેલ હતો.

ઑગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ હઠાવાયા પછી સંખ્યાબંધ લોકોની પ્રતિબંધક અટકાયત ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

ટીકાકારો એમ કહે છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને લોકોને અટકાયતમાં રાખવામાં આવે છે અને કોઈ પણ જાતની સુનાવણી વગર એમની આઝાદી છીનવી લેવામાં આવે છે. તેઓ કહે છે કે આવા મનસ્વી વ્યવહાર સામે અદાલતો પણ ક્યારેક જ સખત વલણ દાખવે છે.

આ વર્ષના એપ્રિલમાં છપાયેલી એક તપાસમાં અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ'ને જાણવા મળ્યું કે જાન્યુઆરી 2018થી ડિસેમ્બર 2020 વચ્ચે ઇલાહાબાદ હાઈકોર્ટે નેશનલ સિક્યૉરિટી ઍક્ટ એટલે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત પ્રિવેન્ટિવ ડિટેન્શનને પડકાર આપતી 120 હેબિઅસ કૉર્પસ અરજીઓની સુનાવણી કરી અને 94 મામલામાં જિલ્લાના ડીએમના આદેશોને રદ કરીને કેદીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો.

'રુલ ઑફ લૉની વિરુદ્ધ'

સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાહ ભારતના પહેલા મુખ્ય માહિતી કમિશનર હતા. તેઓ રાષ્ટ્રીય લઘુમતીપંચના અધ્યક્ષ પણ હતા.

કૉન્સ્ટિટ્યૂશનલ કંડક્ટ ગ્રૂપ દ્વારા આ મામલે લખાયેલી ચિઠ્ઠીમાં જેમણે સહી કરી છે એ 100 પૂર્વ અધિકારીઓમાં હબીબુલ્લાહ પણ સામેલ છે.

હબીબુલ્લાહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રતિબંધક અટકાયતની જોગવાઈઓ ગેરબંધારણીય છે, કેમ કે એને રુલ ઑફ લૉ એટલે કે કાનૂનના શાસનનો સિદ્ધાંત લાગુ નથી પડતો અને એનો દુરુપયોગ થાય છે.

તેઓ જણાવે છે કે, "અમે અમારા અનુભવના આધારે કહેવા માગીએ છીએ કે લોકતંત્રમાં આ વસ્તુઓની આવશ્યકતા નથી. જો આપણે પોતાને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર માનતા હોઈએ તો અમારા વિચારો પ્રમાણે આ પ્રકારના કાનૂન યોગ્ય નથી."

હબીબુલ્લાહ એમ કહે છે કે, આ પ્રકારના કાયદાઓની જરૂરિયાત ત્યારે હતી જ્યારે ભારત એક નવા રાષ્ટ્રરૂપે ઊભરી રહ્યું હતું અને સુરક્ષાસંબંધી ખૂબ બધા પડકારો હતા. "અમે નથી કહેતા કે આવા કાનૂનોની પાછળ રહેલાં દેશની સુરક્ષાનાં કારણો ખોટાં છે, પણ, હવે આવા કાનૂનોની જરૂરિયાત રહી નથી."

તેઓ માને છે કેસર્વોચ્ચ ન્યાયાલયે પણ આ કાયદાઓને વાજબી ગણાવ્યા છે, પણ તેઓ એમ કહેવા માગે છે કે "આ બધું હોવા છતાંયે અમે અમારા અનુભવના આધારે કહેવા માગીએ છીએ કે હવે એક લોકતંત્રને માટે આ અયોગ્ય છે, કેમ કે એ રુલ ઑફ લૉનું ઉલ્લંઘન છે."

'વિરોધીઓને ચૂપ કરાવવાના પ્રયાસ'

રેબેકા જૉન સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, એ નથી સમજાતું કે એક લોકતાંત્રિક દેશમાં પ્રતિબંધક અટકાયત જેવો કાયદો કઈ રીતે હોઈ શકે.

તેઓ જણાવે છે કે, "મને લાગે છે કે આ વાત કાનૂની અને બંધારણીય દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે. સલાહકાર બોર્ડ્સની જે કંઈ ખામીઓ હોય, તથ્ય તો એ જ છે કે કંઈ અઘટિત થતું રોકવાના ઉપાય તરીકે ન્યાયાધીશની સામે લઈ ગયા વિના જ લોકોને કસ્ટડીમાં રાખવાની છૂટનો આ રીતે દુરુપયોગ ન કરવો જોઈએ."

જૉન જણાવે છે કે, નજરબંધના કાયદાનો 'મુશ્કેલી ઊભી કરનારા લોકો'ની પ્રતિબંધક અટકાયત કરવામાં ઉપયોગ કરાય છે. 'મુશ્કેલી ઊભી કરનારા એટલે કે, મારા કહેવાનો આશય એવા લોકો છે જે કોઈ પણ પ્રકારની સતામણીનો વિરોધ કરે છે.'

તેઓ જણાવે છે કે, સલાહકાર બોર્ડ પોતાનું કામ કરે કે ના કરે, પણ છેવટે તો આ પ્રતિબંધક અટકાયતના આદેશોને હાઈકોર્ટ રદ કરી દે છે કેમ કે તે ન્યાયિક તપાસમાં ખરા સાબિત નથી થતા.

જૉનના જણાવ્યા અનુસાર, સલાહકાર બોર્ડના સદસ્યોની નિયુક્તિની પ્રણાલી પારદર્શી નથી એ પણ એક તકલીફ છે. તેમણે કહ્યું કે, "સમસ્યા એ તથ્યથી ઊપજી છે કે તમારી પાસે પ્રતિબંધક અટકાયતનો કાનૂન છે, અને પછી આ કાનૂનોને સાચા ઠરાવવા માટે સરકાર જે કંઈ કરી શકે એમ હોય એ બધું જ કરશે."

જૉન જણાવે છે કે સલાહકાર સમિતિની ભૂમિકા એ હોય છે કે એ બિનજરૂરી ઉપયોગ અને દુરુપયોગને અટકાવે, પણ એ ક્યારેય એવું નથી કરતી.

એમના અનુસાર મૂળ સમસ્યા એ છે કે આઝાદીનાં 74 વર્ષ પછી પણ પ્રતિબંધક અટકાયત કાનૂનની આવશ્યકતા શા માટે છે?

તેઓ જણાવે છે કે, "આવા કાયદા જૂના જમાનાનો વારસો છે. આશ્ચર્યની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે આની બંધારણીય માન્યતાને જાળવી રાખી છે."

'નિષ્પક્ષતા માત્ર કાગળ પર જ'

રેબેકા જૉન એમ કહે છે કે, કારણ કે કોઈની નજરબંધીની પુષ્ટિ કરવાની હોય છે એ માટે કાગળ પર આ સલાહકાર સમિતિ નિષ્પક્ષ દેખાય છે, પરંતુ હકીકતમાં આ સમિતિ કેવળ નજરબંધીનું સમર્થન કરે છે.

તેઓ જણાવે છે કે, "ટૂંકમાં, નજરબંધીને પુષ્ટિ આપવાની પ્રક્રિયા નિષ્પક્ષ અને સ્વતંત્ર નથી. પ્રતિબંધક અટકાયત કાનૂનમાં મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે દુરુપયોગ થતો રોકવાની જવાબદારીવાળા લોકો પોતાનું કામ નથી કરતા."

સૌથી મોટો પ્રશ્ન એ છે કે બંધારણીય સુધારાનાં 43 વર્ષ પછી પણ આજ સુધી કોઈ સરકારે આ સુધારા (બદલાયેલા કાયદા) અમલમાં કેમ નથી મૂક્યા?

જૉન જણાવે છે કે, "કઈ-કોની સરકાર સત્તા પર છે એનાથી કશો ફરક નથી પડતો પણ એ સ્પષ્ટ છે કે આ મામલામાં ખૂબ જ સ્પષ્ટરૂપે રાજહિતો સમાયેલાં છે. જે કાયદાની વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર સીધી અસર થતી હોય એવા કાયદા બધી સરકારો પસંદ કરે છે. તમે જુઓ, કાશ્મીરમાં આનો કેવો ઉપયોગ કરાયો છે, ખાસ કરીને 370ની કલમ દૂર કર્યા પછી."

તેઓ માને છે કે પ્રતિબંધક અટકાયતના કાનૂન અને એને અસંવૈધાનિક ઘોષિત કરવામાં અદાલતોની નિષ્ફળતા એ સ્વતંત્ર ભારતની બંધારણીય સ્થિતિ પર ડાઘ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો