આર્યન ખાનને ડ્રગ-કેસમાં મુંબઈની એનડીપીએસ અદાલતે આ સાત કારણોને લીધે જામીન ના આપ્યા

કથિત ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના જામીન માટેની અરજી મુંબઈની વિશેષ એનડીપીએસ અદાલતે બુધવારે રદ કરી હતી અને હવે બૉમ્બે હાઈકોર્ટ 26 ઑક્ટોબરે જામીન અરજી પણ સુનાવણી કરવાની છે.

આ દરમિયાન ગુરુવારે એનસીબીની ટીમે શાહરુખ ખાનના બંગલે તપાસ કરી અને અભિનેત્રી અનન્યા પાંડેને પણ પૂછપરછ માટે બોલાવ્યાં.

અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેનાં દીકરી છે અને શાહરુખ ખાનનાં દીકરી સુહાના ખાનનાં નજીકનાં મિત્ર છે.

મુંબઈની વિશેષ એનડીપીએસ અદાલતે આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીનઅરજી પણ ફગાવી દીધી હતી.

આર્યન ખાન સહિત તમામની ધરપકડ બીજી ઑક્ટોબરે રાતે થઈ હતી અને હાલ તેઓ આર્થર રોડ જેલમાં બંધ છે.

આર્યન ખાન અને અન્યો પર આરોપ છે કે એમણે ડ્રગ્સની ખરીદી કરી અને તેનું સેવન કર્યું.

આર્યન ખાને જામીન અરજીમાં શું કહ્યું હતું?

આર્યન ખાને વકીલ દ્વારા અદાલતમાં કહ્યું કે 'હું નિર્દોષ છું અને મને ગુનામાં ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યો છે.'

એમણે કહ્યું, "મારી પાસેથી કોઈ ડ્રગ જપ્ત કરવામાં આવ્યું નથી અને એ સંજોગોમાં સૅક્શન 37 (1) (ડ્રગ્સ રાખવાનો ગુનો) મને લાગુ પડતી નથી."

આર્યન ખાનના વકીલે કહ્યું, "આર્યન ખાનને ડ્રગ્સનાં ઉત્પાદન, ખરીદી, વેચાણ, ડ્રગ્સ ટ્રાફિકીંગ સાથે કોઈ લેવાદેવા નથી કે તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી."

એનસીબીએ જામીન સામે શું કહી વિરોધ કર્યો

બ્યૂરો ઑફ નાર્કોટિક્સ કંટ્રોલ (એનસીબી)એ આર્યન ખાન અને અન્યોની જામીનઅરજીનો વિરોધ કર્યો.

એનસીબીએ કહ્યું કે આર્યન ખાન ડ્રગ્સ લાવ્યા હતા અને તેનું સેવન કરવાના હતા. એનસીબીએ કહ્યું કે આર્યન ખાન અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ લેતા હતા.

એનસીબીએ એવો પણ દાવો કર્યો કે આર્યન ખાન ઇન્ટરનેશનલ ડ્રગ્સ રૅકેટ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં હતા.

જસ્ટિસ વીવી પાટીલે આપેલાં સાત કારણો

મુંબઈની વિશેષ એનડીપીએસ અદાલતમાં આર્યન ખાનની જામીનઅરજીની સુનાવણી બુધવારે થઈ હતી અને અદાલતે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ વીવી પાટીલે નીચેનાં સાત કારણો ટાંકીને આર્યન ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો જે પછી હવે એમની જામીન અરજી પર બૉમ્બે હાઈકોર્ટ 26 ઑક્ટોબરે સુનાવણી કરવાની છે.

  • આરોપી ક્રમાંક એક (આર્યન ખાન) અને આરોપી ક્રમાંક બે (અરબાઝ મર્ચન્ટ) બેઉ મિત્રો છે અને બેઉએ સ્વીકાર્યું છે કે તેમની નજીકમાં ડ્રગ્સ હતું અને તેમણે તેનો ઉપયોગ કર્યો. આમ આર્યન ખાનને જાણ હતી કે અરબાઝ મર્ચન્ટ પાસે ડ્રગ્સ છે.
  • અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી વૉટ્સૅપ ચેટ દર્શાવે છે કે આર્યન ખાન (આરોપી ક્રમાંક એક) અજાણ્યા લોકો સાથે ડ્રગ્સ અંગે વાત કરતા હતા. ડ્રગ્સ અને હાર્ડ ડ્રગ્સ અંગે ઘણી વાતચીત છે. પ્રાથમિક પુરાવા દર્શાવે છે કે આર્યન ખાનનું ડ્રગ્સના બંધાણીઓ સાથે જોડાણ છે.
  • વૉટ્સઍપ ચેટ દર્શાવે છે કે આર્યન ખાન ડ્રગ્સ સપ્લાયર અને પેડલર્સના સંપર્કમાં છે.
  • આરોપીઓએ સાથે મળીને ગુનો કર્યો છે.
  • આરોપી વિશાળ ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો છે.
  • જો આર્યન ખાનને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે તેવી એનસીબીની દલીલ સાથે અદાલત સહમતી દાખવે છે.
  • વૉટ્સઍપ ચેટ દર્શાવે છે કે આરોપી નંબર એક યાને આર્યન ખાન ડ્રગની પ્રવૃત્તિમાં સામેલ છે. એથી જામીન આપવામાં આવે તો તેઓ ફરીવાર આવો ગુનો નહીં આચરે એમ કહી શકાય નહીં.

રિયા ચક્રવર્તી કેસનું જોડાણ

'લાઇવ લૉ'ના એક અહેવાલ અનુસાર અદાલતે એમ પણ કહ્યું કે આર્યન ખાન પાસેથી કંઈ નથી મળ્યું પણ અરબાઝ મર્ચન્ટ પાસેથી છ ગ્રામ ચરસ મળ્યું છે જે એમના મિત્ર છે અને પુરાવાઓ દર્શાવે છે કે આર્યન ખાનને ખબર હતી કે અરબાઝ મર્ચન્ટે બૂટમાં છ ગ્રામ ચરસ સંતાડી રાખ્યું છે.

આ કેસમાં આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યું એ દલીલ અદાલતે અરબાઝ મર્ચન્ટ અને આર્યન ખાનની દોસ્તીને ટાંકીને ફગાવી દીધી હતી.

'લાઇવ લૉ'ના અહેવાલ અનુસાર અરબાઝ મર્ચન્ટના બૂટમાંથી છ ગ્રામ ચરસ મળ્યું અને તેઓ આર્યન ખાનના લાંબા સમયથી મિત્ર છે અને બેઉ સાથે હતા એ રીતે મળી આવલું ડ્રગ્સ બેઉના સંયુક્ત પઝેશનમાં ગણાય.

અદાલતે શૌવિક ચક્રવર્તી કેસમાં બૉમ્બે હાઈકોર્ટનો હુકમ ટાંકીને કહ્યું કે જ્યારે આરોપીઓ એક ષડ્યંત્રનો હિસ્સો હોય ત્યારે જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સના જથ્થા માટે દરેક જવાબદાર ઠરે છે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેમનાં ભાઈ શૌવિક ચક્રવર્તી સામે એનસીબીએ કેસ કર્યો હતો. રિયા અને શૌવિક પર સુશાંતસિંહ માટે ડ્રગ્સ મેળવવાનો આરોપ છે.

આર્યન ખાન કેસમાં પણ એનસીબીએ શૌવિક ચક્રવર્તીનો દાખલો ટાંક્યો હતો. એડિશિનલ સોલિસિટર જનરલ અનિલસિંહે શૌવિક ચક્રવર્તીને ટાંકીને આર્યન ખાનને જામીન આપવાનો વિરોધ કર્યો.

અદાલતે બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો ટાંકીને કહ્યું કે જ્યારે શૌવિક ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી ત્યારે એમની પાસે ડ્રગ્સ ન હતું પરંતુ બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે શૌવિક ડ્રગ્સ ડીલરની ચેઇનમાં અગત્યની કડી છે. ઉલ્લેખનીય છે કે શૌવિક ચક્રવર્તીને ત્રણ મહિના બાદ જામીન આપવામાં આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો