કોરોના વૅક્સિન સર્ટિફિકેટ પરથી PM નરેન્દ્ર મોદીનો ફોટો હઠાવવા જંગ છેડનાર કોણ છે?

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ

કૉવિડ-19 સર્ટિફિકેટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોવો જોઈએ કે ન હોવો જોઈએ, એ મુદ્દે કેરળની હાઈકોર્ટ આવતા સપ્તાહે સુનાવણી કરશે.

પીટર એમ. નામના એક વ્યક્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર વગરનું એક નવું સર્ટિફિકેટ માગે છે. એવું એમણે જણાવ્યું છે. એમણે જ સર્ટિફિકેટ પરની તસવીર વિરુદ્ધ અરજી કરી છે.

તેઓ એમ કહે છે કે, "આ મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે."

62 વર્ષીય પીટર એમ. માહિતી અધિકારના કાર્યકર્તા છે અને ભારતની વિપક્ષી પાર્ટી કૉંગ્રેસના સભ્ય છે.

કોટ્ટાયમ જિલ્લામાં પોતાના ઘરેથી બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "મારા સર્ટિફિકેટ પર પોતાનો ફોટો છાપીને એમણે નાગરિકોના વ્યક્તિગત મામલામાં દખલ કરી છે. આ અસંવૈધાનિક છે અને હું નિવેદન કરું છું કે માનનીય વડા પ્રધાન આ ખોટી અને શરમજનક પ્રવૃત્તિને તરત જ બંધ કરે."

એમણે વાતચીતમાં કહ્યું કે, "લોકતંત્રમાં આ બિલકુલ અયોગ્ય છે અને રાષ્ટ્ર કે કોઈ પણ વ્યક્તિ માટે એ કશા ઉપયોગની નથી."

આરોગ્ય મંત્રાલય દ્વારા અપાતા વૅક્સિન સર્ટિફિકેટમાં વ્યક્તિગત માહિતીઓ ઉપરાંત વડા પ્રધાનની તસવીરની સાથે સાથે અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં બે સંદેશા લખ્યા હોય છે.

ઑગસ્ટમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે સંસદમાં કહેલું કે 'મોટાં સાર્વજનિક હિતો'ને ધ્યાનમાં રાખતાં તસવીર અને નિવેદનને સર્ટિફિકેટમાં સામેલ કરવામાં આવ્યાં છે, જેથી રસીકરણ પછી પણ લોકો કૉવિડ આધારિત ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે પ્રેરાય.

'મારા સર્ટિફિકેટ પર મોદીની તસવીર શા માટે હોવી જોઈએ?'

જોકે, પીટર એમ. જણાવે છે કે જે લોકો વૅક્સિન લઈ ચૂક્યા છે તેઓ 'પહેલાંથી જ વ્યવહાર (ગાઇડલાઇન્સનું પાલન) માટે આશ્વસ્ત છે.' અને સર્ટિફિકેટ પર લખેલો સંદેશો 'માત્ર ઉપદેશ આપવાથી વધારે કશું નથી'.

"મોદી ના તો આપણા પહેલા વડા પ્રધાન છે અને ના તો આ ભારતનો પ્રથમ રસીકરણ કાર્યક્રમ છે. પરંતુ કૉવિડ-19 અને વૅક્સિન કાર્યક્રમ વિરુદ્ધના અભિયાનને એવાં દર્શાવાઈ રહ્યાં છે જાણે એ એક માણસનો કાર્યક્રમ હોય. આ વડા પ્રધાનનું પ્રોપેગૅંડા ટૂલ (પ્રચાર કરવાનું સાધન) છે."

પીટર એમ. ઘણા નારાજ જણાય છે. તેઓ જણાવે છે કે, "સરકારી હૉસ્પિટલોમાં રસી મફત અપાતી હોવાને લીધે અપૉઇન્ટમેન્ટ માટે લાંબી લાંબી લાઇનો લાગી હતી" એ કારણે એમણે પૈસા ચૂકવીને ખાનગી હૉસ્પિટલમાં રસી મુકાવી છે.

તેઓ એમ પૂછે છે કે, "મેં રસીના પ્રત્યેક ડૉઝ માટે 750 રૂપિયા ચૂકવ્યા છે તો મારા સર્ટિફિકેટ પર મિસ્ટર મોદીની તસવીર શા માટે હોવી જોઈએ?"

કેરળ હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ અંગે જવાબ આપવા માટે બે અઠવાડિયાંનો સમય આપ્યો છે.

મેં ભારતીય જનતા પાર્ટીના બે પ્રવક્તાઓ પાસેથી આ મુદે ટિપ્પણી લેવાનો પ્રયાસ કર્યો પણ, એમણે પીટર એમ.ની અરજી સંદર્ભે કોઈ પણ ટિપ્પણી આપવાની ના પાડી દીધી.

વૅક્સિન સર્ટિફિકેટ પરની તસવીરનો વિરોધ

ઘણા રાજકીય વિરોધીઓ વૅક્સિન સર્ટિફિકેટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હોવા અંગે વિરોધ દર્શાવી રહ્યા છે. વિપક્ષી પાર્ટી શાસિત કેટલાંક રાજ્યોએ એમના ફોટોને હટાવીને પોતાના મુખ્યમંત્રીની તસવીર મૂકી દીધી છે.

કૉંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આરોપ કરી ચૂક્યાં છે કે વડા પ્રધાન મોદી વૅક્સિનનો ઉપયોગ 'વ્યક્તિગત પ્રચાર' માટે કરી રહ્યા છે. તો, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે પીએમ મોદીએ લોકોના મરણ પ્રમાણપત્ર પર પણ પોતાની તસવીર છાપવી જોઈએ.

એમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં પૂછેલું કે, "માની લો કે હું તમારી સમર્થક નથી, તમે મને ગમતા નથી, પણ મારે આ રાખવું પડશે. કેમ? લોકોની સ્વતંત્રતા ક્યાં છે?"

એમણે કહેલું, "તમે કૉવિડ સર્ટિફિકેટ પર તમારી પોતાની તસવીરને અનિવાર્ય કરી દીધી છે, તો હવે મરણ પ્રમાણપત્ર પર પણ એમ કરો."

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારા ભારતીય પ્રવાસીઓને પણ આ તસવીરના લીધે મુશ્કેલી પડી હતી.

વાઇસ ન્યૂઝે તાજેતરમાં એક રિપૉર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે પીએમ મોદીને ઓળખતા ન હોય એવા એક ઇમિગ્રેશન અધિકારીએ ઘણા પ્રવાસીઓ પર બનાવટ કરવાનો આરોપ મૂકી દીધો હતો.

પીટર એમ. ચિંતા પ્રકટ કરતાં જણાવે છે કે જો આને એમ જ છોડી દેવામાં આવશે તો પીએમ મોદી 'હવે પછીના ચરણમાં અમારાં બાળકોનાં સ્કૂલ-કૉલેજનાં લીવિંગ સર્ટિફિકેટ પર પોતાની તસવીર મૂકી દેશે.'

એમને આવી ચિંતા એટલા માટે પણ છે કેમ કે પીએમ મોદીની તસવીરો એ જગ્યાઓએ પણ આવી જાય છે જ્યાં એના હોવાનો કશો અર્થ નથી.

તસવીર હોવાને સારી બાબત ગણાવતા સમર્થકો

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના વાંધા પછી કોર્ટના એક સત્તાવાર મેઇલ દ્વારા પીએમ મોદીની તસવીરવાળી સરકારી જાહેરાત હટાવવાનું કહેવાયું હતું.

વડા પ્રધાનનો ફોટો પડાવવાનો અને સેલ્ફી લેવાનો પ્રેમ જગજાહેર છે. સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ લોકો એમને ફૉલો કરે છે અને દેશભરમાં થતી રહેતી રેલીઓમાં હજારો લોકો જોડાય છે.

એમના સમર્થકો કહે છે કે વૅક્સિન સર્ટિફિકેટ પર વડા પ્રધાનની તસવીર હોય એમાં કશું ખોટું નથી, અને તેઓ, દેશમાં સૌથી વધારે ઓળખ ધરાવતો ચહેરો છે.

બિલબોર્ડ્સથી માંડીને ગલીઓમાંનાં હૉર્ડિંગ્સ સુધી બધાં પર પીએમ મોદીનો ચહેરો છે, જેમાં તેઓ સ્મિત આપી રહ્યા છે. આના ઉપરાંત, મોટા ભાગનાં મંત્રાલયોની જાહેરખબરો અને વેબસાઇટ પર એમનો ચહેરો હોય છે અને સમાચારપત્રોમાં આવતી મંત્રાલયોની જાહેરાતોમાં પણ તેઓ છવાયેલા રહે છે.

મહિમામંડનની રાજનીતિ

ટીકાકારો એમ કહે છે કે ભારતમાં ક્યારેય કોઈ નેતા એવા નથી આવ્યા જે પોતાના ગુણગાનમાં આ રીતે સામેલ થયા હોય. બીજેપી કૉંગ્રેસ પાર્ટીની ટીકા કરતી રહી છે કે ગાંધી-નેહરુ ખાનદાનના નામે એરપૉર્ટ, વિશ્વવિદ્યાલયો, પુરસ્કારો અને કલ્યાણકારી યોજનાઓનાં નામકરણ કરવામાં આવતાં રહ્યાં છે.

દલિત આગેવાન અને ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને પોતાની મૂર્તિ બનાવડાવવા બદલે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિથા સસ્તા ભોજનની કૅન્ટીન, દવાઓ અને મીઠાનાં પૅકેટ્સ પર પોતાના ચહેરોનો ઉપયોગ કરતાં હતાં.

પીએમ મોદીનું જીવનચરિત્ર લખનાર પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય જણાવે છે કે, "પીએમ મોદી આ આત્મપ્રશંસાને એક અલગ સ્તરે લઈ ગયા છે."

"તેઓ આરએસએસના સદસ્ય રહ્યા છે, જે એવું શીખવે છે કે સંગઠન વ્યક્તિ કરતાં મોટું હોય છે, પણ એમના નિદર્શનમાં એક વ્યક્તિ સંગઠન કરતાં મોટા બની ગયા છે."

"જો તમે એમને બોલતાં સાંભળશો તો ક્યારેય તેઓ એમ નથી કહેતા કે અમારી સરકારે આ કર્યું છે, બલકે, એની જગ્યાએ તેઓ મારી સરકાર અથવા મોદી સરકાર બોલે છે. સાર્વજનિક ભાષણો દરમિયાન તેઓ 'હું, મારું, મારા દ્વારા'નો વધારે પ્રયોગ કરે છે. ફેબ્રુઆરીમાં એમણે એક સ્ટેડિયમનું નામ પોતાના નામે રાખી દીધું."

મુખોપાધ્યાય જણાવે છે કે પીએમ મોદીએ મહામારીનો 'પોતાના પ્રચાર માટેની એક મોટી તક તરીકે ઉપયોગ કર્યો છે'.

તેઓ જણાવે છે કે, "હજી સુધી કૉવિડ-19થી સુરક્ષિત રહેવા માટે ખાલી વૅક્સિન જ એકમાત્ર ઉપાય છે અને એના સર્ટિફિકેટ પર પણ પોતાનો ફોટો લગાડીને તેઓ પોતાને લોકોના રક્ષક તરીકે દેખાડવા માગે છે."

"તેઓ દેવતાના માનવીય ચહેરાના રૂપમાં પોતાને દર્શાવવા ઇચ્છે છે, જેથી લોકોનો ભરોસો મેળવી શકે અને પછી તેઓ તેમના વોટમાં તબદીલ થાય."

શું આવો પ્રચાર મતદાતાઓને પ્રભાવિત કરે છે?

ઇમેજ-ગુરુ દિલીપ ચેરિયન જણાવે છે કે વૅક્સિન સર્ટિફિકેટ પરની વડા પ્રધાનની તસવીર 'પાર્ટીના દૃષ્ટિકોણ અને સરકારના દૃષ્ટિકોણ વચ્ચેની એક પાતળી રેખા છે.'

તેઓ જણાવે છે કે, 'સર્ટિફિકેટનો ઉપયોગ વોટ મેળવવા માટેના એક હથિયાર તરીકે કરાઈ રહ્યો છે.'

"આ ચૂંટણીલાભ મેળવવાના ભાગરૂપે લાગે છે, પરંતુ આ રીતે જ બીજાં સાધનો પણ કામ કરે છે. જેમ કે વૅક્સિન સર્ટિફિકેટ ઉપરાંત સરકારી યોજનાઓના દસ્તાવેજો; આ બધાનો એક જ સંદેશ છે."

ચેરિયન જણાવે છે કે, 'ચહેરાની ઓળખ' એક મોટી ભૂમિકા ભજવે છે, કેમ કે આજે પાર્ટીની ઓળખ વ્યક્તિની સાથે જોડાઈ ગઈ છે.

"પોતાની તસવીર મૂકવાનો ઉદ્દેશ વ્યક્તિગત મતદાતાઓને પોતાની ઓળખ યાદ કરાવવાનો છે."

પીટર એમ.એ જણાવ્યું કે પીએમ મોદીની તસવીર વૅક્સિન સર્ટિફિકેટ પર હોય એમાં આખરે શી તકલીફ છે.

તેઓ જણાવે છે કે, "તેઓ એક રાજનેતા છે જે એક પાર્ટીનું નેતૃત્વ કરે છે, તેઓ ચૂંટણી લડે છે અને આ એમને વિરોધીઓ કરતાં આગળ લઈ જાય છે અને આને તરત જ અટકાવવું જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો