BSF: બૉર્ડર સિક્યૉરિટી ફોર્સનું અધિકારક્ષેત્ર પંજાબમાં વધ્યું પણ ગુજરાતમાં ઘટ્યું, શું છે વિવાદ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમિત શાહના નેતૃત્વવાળા કેન્દ્રીય ગૃહમંત્રાલયે સરહદી રાજ્યોમાં બીએસએફની સત્તાઓને વધારવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને ડ્રગ્સ તથા ડ્રોન દ્વારા હથિયારોને આવતા અટકાવવામાં મદદ મળે.

કેન્દ્રના પગલા સામે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને તેને સંઘીય વ્યવસ્થા ઉપર આઘાત સમાન ગણાવ્યો છે અને તેને તાજેતરમાં મુંદ્રાના અદાણી પૉર્ટ ખાતે મળેલા ડ્રગ્સના કન્સાઇન્મૅન્ટ સાથે જોડ્યો છે.

પંજાબના મુખ્ય મંત્રી ચરણજીત ચન્નીએ કેન્દ્ર સરકારના નિર્ણયને વખોડ્યો છે. જ્યારે આસામના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્માએ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે તેનાથી ઘૂસણખોરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવામાં મદદ મળશે.

આદેશ, ગુજરાત અને પંજાબ

બીએસએફ ઍક્ટ, 1968 હેઠળ વર્ષ 2014માં એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં સરહદી રાજ્યો તથા તેના તેના કેટલા વિસ્તારમાં બીએસએફ કામગીરી કરી શકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જોકે, તા.11મી ઑક્ટોબરે બીએસએફ દ્વારા નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં પંજાબમાં સંગઠનની 'તપાસ અને જડતી'ની શક્તિઓ વધારી દેવામાં આવી છે.

અગાઉ સંગઠન પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરના વિસ્તારમાં એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકૉટ્રૉરિક સબસ્ટાન્સિસ ઍક્ટ), પાસપૉર્ટ ઍક્ટ હેઠળના કેસોમાં કાર્યવાહી કરી શકતું હવે તેનો વ્યાપ વધારીને 50 કિલોમીટર કરી દેવામાં આવ્યો છે તથા આને માટે પોલીસને સાથે રાખવાની જરૂર નહીં રહે.

આ સિવાય મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલૅન્ડ તથા મેઘાલય અને આસામ અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સ) ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી શકે છે તથા સંદિગ્ધોની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી શકે છે, જોકે તેમની સામે ખટલો ચલાવવાની કે તેમને સજા અપાવવાની સત્તા બીએસએફ પાસે નથી.

બીએસએફ સંદિગ્ધને 24 કલાક પોતાની કસ્ટડીમાં રાખી શકે છે અને પછી તેને સ્થાનિક પોલીસને સોંપી દેવાનો હોય છે. સ્થાનિક પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.

રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરના વિસ્તાર સુધીમાં કાર્યવાહી કરવાની બીએસએફને સત્તા મળેલી હતી. જે યથાવત્ રાખવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં અગાઉ 80 કિલોમીટરની હદ સુધીમાં બીએસએફ કાર્યવાહી કરી શકતું હતું, જેને ઘટાડીને 50 કિલોમીટર કરી દેવામાં આવી છે.

2014ના આદેશમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ ન હતો, જોકે અગાઉ 1973ના આદેશમાં તેનો સમાવેશ થતો હતો. તા. 11 ઑક્ટોબરના આદેશમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખનો પણ ઉલ્લેખ છે.

ગુજરાતમાં સરક્રિકના વિસ્તારમાં બીએસએફ દ્વારા પાકિસ્તાની બોટો, ઘૂસણખોરો કે સામાનને ઝડપવાની ઘટનાઓ અખબારમાં નોંધાતી રહે છે.

બીએસએફનું કહેવું છે કે પંજાબમાં સરહદી વિસ્તારોમાં થતી ડ્રગ્સની તસ્કરી તથા ડ્રોન દ્વારા હથિયાર મોકલવાની ઘટનાઓને કારણે તેનો વ્યાપ વધારવો જરૂરી હતો, જેથી કરીને તે સ્થાનિક પોલીસની રાહ જોયા વગર બાતમીના આધારે તત્કાળ કાર્યવાહી કરી શકે.

'તમે ઘટનાક્રમ સમજો'

કૉંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ટ્વિટર ઉપર લખ્યું, " ઘટનાક્રમ - નવમી જુન 2021ના ગુજરાતમાં અદાણી પૉર્ટ મારફત 25 હજાર કિલોગ્રામ હેરોઇન ડ્રગ ભારતમાં આવ્યું. તા. 13 સપ્ટેમ્બર 2021ના ગુજરાતમાં અદાણી પૉર્ટ ખાતેથી ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું. પંજાબમાં એકતરફી રીતે બીએસએફનું ન્યાયક્ષેત્ર 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરી દેવામાં આવ્યું. સંઘીય વ્યવસ્થા મૃત છે અને કાવતરું સ્પષ્ટ છે."

ગુજરાતને જ સાંકળતું એક ટ્વીટ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મહેમુદે લખ્યું, "હાસ્યાસ્પદ! ગુજરાતમાં મુદ્રા પૉર્ટ ખાતે ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સના મુદ્દે એનસીબીને કોણ પૂછપરછ કરી રહ્યું છે? શા માટે ગૃહ મંત્રાલયે ગુજરાતમાં સરહદી પટ્ટા ઉપર બીએસએફ હેઠળના 80 કિલોમીટરના વિસ્તારને ઘટાડીને 50 કિલોમીટર કરી નાખ્યો. શું ગુજરાતના નેતૃત્વ દ્વારા ડ્રગ્સ ડિલર્સને મદદ કરવામાં આવી રહી છે ?"

પંજાબના મુખ્ય મંત્રી ચરણજીત ચન્ની, નાયબ મુખ્ય મંત્રી તથા ત્યાંના મુખ્ય વિપક્ષ શિરોમણિ અકાલીદળ દ્વારા આ નિર્ણયની ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

બીજી બાજુ, આસામના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્માએ આ નિર્ણયને આવકાર્યો છે, તેમણે ટ્વીટ કર્યું : "બીએસએફના ઑપરેશનલ ક્ષેત્રને વિસ્તારવાના નિર્ણયનું આસામ સ્વાગત કરે છે. રાજ્યસરકાર સાથે મળીને આ પગલાંથી આંતર સરહદીય દાણચોરી તથા ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવવામાં મદદ મળશે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા તથા રાષ્ટ્રીય હિત મજબૂત થશે."

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે બીએસએફ ઍક્ટમાં સુધારનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તે 'રાજ્યની અંદર રાજ્ય' સર્જવાનો પ્રયાસ છે.

એકરૂપતા વધશે

બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સના ઇન્સ્પેક્ટર જનરલ (ઑપરેશન્સ) સોલોમન મિન્ઝે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે સંગઠન હંમેશા સ્થાનિક પોલીસને સાથે રાખીને જ કામ કરે છે અને નવા નિયમોને કારણે બીએસએફની કામગીરીમાં એકરૂપતા આવશે. સાથે જ સરહદ પારના ગુનાઓને નાથવામાં મદદ મળશે.

મિન્ઝે કહ્યું, "અમે હંમેશા સ્થાનિક પોલીસ સાથે સઘન સંકલન સાથે કામ કરીએ છીએ. અમે દર મહિને સ્થાનિક પોલીસ સાથે બેઠક કરીએ છીએ. આ સિવાય સરહદી સુરક્ષા તથા સંકલનને વધુ સઘન બનાવવા માટે અમે બૉર્ડર સિક્યૉરિટી ગ્રીડ ઊભી કરી છે."

બીએસએફના પૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ બીએન શર્માએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "દેશની સુરક્ષા આપણી પ્રાથમિકતામાં અગ્રતા ઉપર હોવી જોઈએ, તેની ઉપર રાજકારણ ન થવું જોઈએ. બીએસએફ ખૂબ જ વ્યવસાયિક સંગઠન છે. જે દેશની સરહદોની સુરક્ષા કરે છે. તે કોઈપણ ઑપરેશન દરમિયાન સ્થાનિક પોલીસને સાથે જ રાખે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો