You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતી માછીમારોની કોરોના બાદ ભાળ કેમ નથી મળી રહી?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
તેઓ જીવે છે કે મરી ગયા? શું તેમને કોરોના થઈ ગયો હશે? તેમને કોઈ તકલીફ પડતી હશે તો તેઓ શું કરતા હશે? - આવી તમામ ચિંતાઓ 33 વર્ષનાં રમીલાબહેન ખલાસીને થઈ રહી છે.
તેમના પતિ જિતુભાઈ ખલાસી છેલ્લાં ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ છે અને માર્ચ 2020થી હજી સુધી તેમની કોઈ ભાળ નથી, કારણ કે એવા ઘણા પરિવારો છે જેઓ માને છે કે પાકિસ્તાનની જેલોથી કોઈ પણ ભારતીય કેદીના પત્રો તેમના સ્વજનો સુધી પહોંચતા નથી.
35 વર્ષના જિતુભાઈ ખલાસી આશરે ચાર વર્ષ પહેલાં દરિયામાં માછીમારી માટે ગયા હતા, તેઓ હજી સુધી પાછા નથી ફર્યા.
માછીમારી સમયે તેઓ તથાકથિત રીતે ભારતની સીમાથી બહાર નીકળી ગયા હતા, અને પાકિસ્તાન મૅરીટાઇમ સિક્યૉરિટી એજન્સીએ તેમને પકડીને જેલમાં પૂરી દીધા હતા.
બન્ને દેશો વચ્ચે ટપાલખાતા દ્વારા પત્રવ્યવહાર ખોરવાયો હોવાના લીધે તેમના પરિવારને તેમની કોઈ ભાળ નથી મળી.
જિતુભાઈનાં પત્ની રમીલાબહેન ખલાસી અને તેમની સાથે બીજી અનેક મહિલાઓએ પાકિસ્તાનમાં કેદ તેમના પરિવારજનો સાથે કોઈ સંપર્ક ન થઈ શકવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
રમીલાબહેને બીબીસીને જણાવ્યું, "કમ સે કમ પત્રવ્યવહાર ચાલુ થાય તો અમને ખબર પડે કે તેઓ કેવી પરિસ્થિતિમાં છે".
પરિવારો ચિંતામાં
પાકિસ્તાની જેલોમાં કેદ ભારતીય માછીમારો માટે કામ કરતી સંસ્થા મરીન ફિશરીઝ કો-ઑપરેટિવ સોસાયટી લીમિટેડ પ્રમાણે હાલમાં પાકિસ્તાનની વિવિધ જેલોમાં ગુજરાતના આશરે 596 માછીમારો કેદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડ-19 પછી આમાંથી મોટા ભાગના લોકો સાથે પરિવારનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ પરિવારોને ખબર જ નથી કે કોવિડના સમયમાં તેમના પરિવારજનો કેવી હાલતમાં હતા, અને અત્યારે તેઓ કેવી પરિસ્થિતિમાં છે.
જિતુભાઈ ખલાસીની વાત કરીએ તો વર્ષ 2017માં તેઓ ચાર લોકો સાથે એક બોટમાં માછીમારી માટે ગયા હતા અને એ વખતે પાકિસ્તાની દળોના હાથે પકડાઈ ગયા હતા.
તેમનાં પત્ની રમીલાબહેન ખલાસીને માર્ચ 2020 પછી તેમનો એક પણ પત્ર મળ્યો નથી.
તે પહેલાં રમીલાબહેનને તેમના દ્વારા નિયમિત પત્ર મળી જતા હતા.
આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સર્વિસમાં વ્યવધાન
જોકે કોવિડની પ્રથમ લહેર વખતે લાદવામાં આવેલા લૉકડાઉન સમયે તમામ સેવાઓની સાથે ભારતીય પોસ્ટસેવા પણ બંધ હતી.
અનલૉક પછી પોસ્ટસેવા તો શરૂ થઈ પણ આંતરરાષ્ટ્રીય પત્રવ્યહવહાર અનિયમિત રહ્યો છે.
આ વિશે વાત કરતાં દીવ પોસ્ટઑફિસના પોસ્ટમાસ્ટર દિપકભાઈ બામણિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "અમને પાકિસ્તાનથી અહીં પત્રો મળતા જ નથી, જેનું કારણ અમારી સેવા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધો છે."
તેમણે કહ્યું કે, "અહીંથી મોકલાતા પત્રો પણ અમે અમારી સેવા પ્રમાણે આશરે 10થી 15 દિવસમાં પહોંચાડી દઈએ છીએ, પરંતુ તે તેમને ત્યાં મળે છે કે નહીં તેની કોઈ ખાતરી નથી, આવી જ રીતે જો આપણા માછીમારો ત્યાંથી પત્ર લખતા પણ હશે તો તે અમારા સુધી પહોંચતા નથી."
જો રમીલાબહેનની વાત કરવામાં આવે તો તેમણે છેલ્લાં બે વર્ષમાં 10થી વધુ વખત પત્ર લખ્યા છે, પરંતુ તેમના એક પણ પત્રનો જવાબ આવ્યો નથી.
તેઓ કહે છે કે, "જો પત્ર મળે તો ખબર પડે કે તેમની તબિયત કેવી છે, અને અમને ખાતરી થાય કે તેમને અમારી પરિસ્થિતિ વિશે પણ ખબર છે."
આવી જ રીતે દેવિકાબહેન તંડેલના પતિ ત્રીજી વખત પાકિસ્તાનની જેલમાં કેદ છે.
અગાઉ તેઓ છ મહિના અને એ બાદ એક વર્ષ માટે પાકિસ્તાનની જેલમાં રહ્યા હતા પરંતુ આ વખતે ચાર વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં તેઓ પાછા ફર્યા નથી.
દેવિકાબહેન કહે છે કે, "અમે હાલમાં જ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી છે કે અમારા માણસોને જલદીથી છોડાવે અને અમારો પત્રવ્યવહાર તાત્કાલિક ધોરણે શરુ કરે."
શું કહેવું છે માછીમારોના સંગઠનોનું?
આ વિશે બીબીસી ગુજરાતીએ મરીન ફિશરીઝ કો-ઑપરેટિવ સોસાયટી લિમીટેડના પ્રમુખ મનીષ લોથારી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું કે અમે હાલમાં પણ સરકારમાં અનેક સ્થળોએ રજુઆતો કરી છે, જેમાં મુખ્ય મંત્રીથી લઈને વડા પ્રધાન સુધી રજુઆતો થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી તેમાં કોઈ પગલું લેવાયું નથી.
તેમણે કહ્યું કે કોવિડ પછી પાકિસ્તાની સરકાર સાથે કોઈ વાતચીત થઈ નથી, જેના કારણે ગુજરાતના અનેક માછીમારો પાકિસ્તાનની જેલોમાં સબડી રહ્યા છે.
અખિલ ભારતીય ફિશરમેન ઍસોસિયેસનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી જણાવે છે, "હાલમાં 370 જેટલા ભારતીય માછીમારો ચાર વર્ષ કરતાં વધુ સમયથી પાકિસ્તાનની જેલોમાં છે. અમને ખબર નથી કે તેઓ જીવે છે કે મરી ગયા છે. અમને એ પણ ખબર નથી કે તેઓ કોઈ પણ પ્રકારનો પત્રવ્યવહાર કેમ નથી કરી રહ્યા. સરકાર સાથે અમે સતત વાત કરી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાનની સરકાર આ માછીમારો વિશે કોઈ માહિતી આપતી નથી".
વેલજીભાઈ ઉમેરે છે, "પત્ર લખવો તે એક ખુબ જ સામાન્ય બાબત છે, અને તે દરેક કેદીનો માનવઅધિકાર પણ છે, પરંતુ કોઈક કારણસર તેમના પત્રો અમારા સુધી પહોંચી નથી રહ્યા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો