ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની નિમણૂક, ચારમાં અમિત જેઠવા કેસ સંયોગ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટની કૉલિજિયમે સાત વકીલોની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી છે. સોમવારે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે મુખ્ય અદાલત ખાતે તેમની શપથવિધિ કરાવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત બાર ઍસોસિયેશનના સભ્યો અને હોદેદારો ઉપરાંત દેશના સૉલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટમાં ઍડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા.

જે વકીલોને ઉચ્ચ અદાલતમાં સ્થાન મળ્યું છે, તેમાં મૌના ભટ્ટ, સમીર દવે, હેમંત પ્રચ્છક, સંદીપ ભટ્ટ, અનિરુદ્ધ માયી, નિરલ મહેતા તથા નીશા ઠાકોરનો સમાવેશ થાય છે.

આ સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં 52 જજોની જગ્યા સામે 32 જગ્યા ભરાઈ ગઈ છે. જે નવા જજોની નિમણૂક થઈ છે, તેમાંથી યોગાનુયોગ ચાર વકીલ દલિત ઍક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં કોઈને કોઈ રીતે સંકળાયેલા હતા.

અમિત જેઠવા કેસના ચાર વકીલ

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' તેના અહેવાલમાં નોંધે છે કે નવનિયુક્ત સાતમાંથી ચાર જજ (જસ્ટિસ સમીર દવે, નિરલ મહેતા, હેમંત પ્રચ્છક તથા નિશા ઠાકોર) 2017માં કોઈને કોઈ રીતે અમિત જેઠવા મર્ડરકેસમાં વકીલ તરીકે જોડાયેલા હતા.

એ સમયે અમિત જેઠવાના પિતાએ ભીખાભાઈએ આરોપીઓ સામે રિટ્રાયલની અરજી કરી હતી, કારણ કે સુનાવણી દરમિયાન 105 સાક્ષી ફરી ગયા હતા. આ કેસમાં ભાજપના સાંસદ દીનુ સોલંકી દોષિત જાહેર થયા છે.

એ સમયે ગુજરાત હાઈકોર્ટે અમિત જેઠવા કેસની 'ઇન-કૅમેરા' (મીડિયાનું રિપૉર્ટિંગ ન થઈ શકે તે રીતે બંધબારણે થતી સુનાવણી) રિટ્રાયલના આદેશ આપ્યા હતા. એ સમયે વકીલ પ્રચ્છક ભીખાભાઈ જેઠવાના ઍડ્વોકેટ-ઑન રેકર્ડ હતા.

ઍડ્વોકેટ નિરલ મહેતા એ સમયે દીનુ સોલંકીના વકીલ હતા. નીશાબહેન ઠાકોર એ સમયે આ કેસમાં ઍડિશનલ પબ્લિક પ્રૉસિક્યુટર હતા. જ્યારે ઍડ્વોકેટ સમીર દવે એક સાક્ષી વતી અદાલતમાં હાજર રહ્યા હતા.

એ સાક્ષીનું કહેવું હતું કે પૂર્વ સાંસદ સોલંકી દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી.

જસ્ટિસ મૌના ભટ્ટ મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર સાથે કોર્ટ નંબર એકમાં, જસ્ટિસ સમીર દવે જસ્ટિસ આરએમ છાયા સાથે કોર્ટ નંબર બેમાં, જસ્ટિસ નિરલ મહેતા જસ્ટિસ જેબી પારડીવાલા સાથે કોર્ટ નંબર ત્રણમાં, જસ્ટિસ હેમંત પ્રચ્છક વર્તમાન જસ્ટિસ સોનિયા ગોકાણી સાથે ચાર નંબરની કોર્ટમાં, જસ્ટિસ સંદીપ ભટ્ટ કોર્ટ નંબર પાંચમાં જસ્ટિસ એજે દેસાઈ સાથે, જસ્ટિસ માયી વર્તમાન જસ્ટિસ એનવી અંજારિયાની સાથે કોર્ટ નંબર છમાં, જસ્ટિસ નીશા ઠાકોર જસ્ટિસ એસએચ વોરા સાથે કોર્ટ નંબર સાતમાં બેસશે.

ઍક્ટિવિસ્ટ અમિત જેઠવા

દલિત આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ગીરના જંગલમાં ચાલી રહેલા ગેરકાયેદસર ખનનનો પર્દાફાશ કરવા માટે ચળવળ હાથ ધરી હતી.

તા. 20મી જુલાઈ, 2010ના સાંજેના સમયે ગુજરાત હાઈકોર્ટની સામે અજાણ્યા શખ્સોએ જેઠવાની (ઉં.વ. 42) ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેઠવા પહેલાં સરકારી કર્મચારી હતા, બાદમાં તેમને ફરજ પરથી હઠાવી દેવાયા હતા.

અમરેલી, જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે. તેમના વિસ્તાર સમાન ગીરનાં જંગલોમાં ગેરકાયદેસર ખનન સહિતની ગેરરીતિઓ સામે જેઠવાએ ચળવળ હાથ ધરી હતી.

જેઠવાએ ભાજપના તત્કાલીન સાંસદ દીનુ સોલંકી સામે વર્ષ 2009માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

ગીર વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની માહિતી એકઠી કરવા તેમણે આરટીઆઈનો 'હથિયાર' તરીકે ઉપયોગ કર્યો હતો.

જેઠવાની હત્યા બાદ આરટીઆઈ ઍક્ટિવિસ્ટ્સને સુરક્ષા આપવા માટે વિશેષ બિલ રજૂ થયું હતું, પરંતુ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરી શક્યું ન હતું.

કેટલાક લોકોએ જેઠવાની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠાવ્યા હતા. કેટલીક કંપનીઓ તથા વ્યક્તિઓએ માહિતીના આધારે જેઠવાએ ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ મૂક્યા હતા.

સોલંકી, સીબીઆઈ અને શિકંજો

અમદાવાદની ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાકેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેણે ભાજપના નેતા દીનુ સોલંકીને ક્લીનચિટ આપી હતી અને તેમના ભત્રીજા શિવા સોલંકી સહિત પાંચ અન્ય સામે આરોપનામું દાખલ કર્યું હતું.

સોલંકીની ક્લીનચિટ સામે અમિત જેઠવાના પિતા ભીખાભાઈએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉચ્ચ અદાલતે આ કેસમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તપાસના આદેશ આપ્યા હતા. એ પછી વર્ષ 2013માં સીબીઆઈએ દિલ્હીથી સોલંકીની ધરપકડ કરી હતી.

સીબીઆઈની કોર્ટે જુલાઈ-2019માં દીનુ સોલંકી, તેમના ભત્રીજા શિવા સોલંકી, શૂટર શૈલેશ પંડ્યા તથા ચાર અન્ય આરોપીઓને જનમટીપ ફટકારી હતી.

સપ્ટેમ્બર-2021માં સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ગુજરાત હાઈકોર્ટે દીનુ સોલંકીની સજા મોકૂફ કરી દીધી હતી. ઉચ્ચ અદાલતે અવલોક્યું હતું કે ટ્રાયલ કોર્ટે સોલંકીને 'સંજોગાત્મક સાક્ષ્ય'ના આધારે સજા કરી છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન લગભગ 105 સાક્ષી ફરી ગયા હતા. જુલાઈ-2019માં સીબીઆઈની કોર્ટે હોસ્ટાઇલ સાક્ષીઓ સામે કાર્યવાહી હાથ ધરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.

અમુક સાક્ષીઓએ CrPC (ક્રિમિનલ પ્રોસિજર કૉડ)ની કલમ 164ની જોગવાઈ પ્રમાણે, મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યાં હતાં.

શું છે કૉલિજિયમ વ્યવસ્થા?

તા. છઠ્ઠી ઑક્ટોબર 1993ના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જે.એસ. વર્માના નેતૃત્વમાં નવ જજોની બંધારણીય ખંડપીઠે ઠેરવ્યું હતું કે ન્યાયપાલિકા એ કાર્યપાલિકાથી ઉપર છે. આથી, ઉચ્ચ અદાલત તથા સર્વોચ્ચ અદાલતમાં જજોની નિમણૂક તથા તેમની બદલી તથા શિસ્તને લગતી કામગીરી 'કૉલિજિયમ' પાસે હોવી જોઇએ.

સુપ્રીમ કોર્ટની કૉલિજિયમમાં દેશના મુખ્ય ન્યાયાધીશ સહિત પાંચ સૌથી વરિષ્ઠ જજ હોય છે, જે સુપ્રીમ કોર્ટ તથા રાજ્યોની હાઈકોર્ટોમાં જજોની નિમણૂક અને બદલીનું કામ કરે છે.

સામાન્ય પરંપરા મુજબ રાજ્યોની હાઈકોર્ટોના મુખ્ય ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટમાં પદોન્નતિ થાય છે, આ સિવાય વરિષ્ઠ વકીલને પણ સર્વોચ્ચ કે ઉચ્ચ અદાલતમાં નીમી શકાય છે.

રાજ્યોની હાઈકોર્ટોનાં કૉલિજિયમમાં જે-તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બે સૌથી સિનિયર જજ બેસે છે અને સુપ્રીમ કોર્ટની કૉલિજિયમને ભલામણ મોકલે છે.

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટની કૉલિજિયમની ભલામણો સ્વીકારે છે અને નામો રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલી આપે છે, જેઓ હોદ્દાની રૂએ તેમની નિમણૂક કરે છે.

ઇન્ટેલિજન્સ બ્યૂરોના રિપોર્ટ કે અન્ય અપવાદરૂપ સંજોગોમાં સરકાર કારણ સાથે કૉલિજિયમને નામ પરત મોકલે છે. કૉલિજિયમ જરૂર પડ્યે વધુ કે પૂરક વિગતો માગી શકે છે.

આ બાદ પણ જો કૉલિજિયમ ફરી એ નામની ભલામણ કરે, તો સરકાર તેને માનવા માટે બાધ્ય રહે છે. આ સંજોગોમાં સરકાર કોઈ નામો પર નિર્ણય લેવાને બદલે તેની પર વિચારણા હાથ નથી ધરતી.

ભલામણ કરેલા નામની પર કેટલા સમયમાં નિર્ણય લેવો તે અંગે કોઈ નિર્ધારિત સમયમર્યાદા નથી, તેથી ઢીલ થતી રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો