You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનને પગલે 47 લોકોનાં મૃત્યુ, અનેક ગુજરાતીઓ ફસાયા
ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કુમાઉંમાં મંગળવારે ભારે વરસાદના કારણે અનેક ઘરો ધ્વંસ થઈ ગયાં હતાં, જેમાં 42 લોકોનાં મૃત્યુ થયાંના સમાચાર છે; આ સાથે કુલ મૃતકાંક વધીને 47 થઈ ગયો છે. સાથે જ અનેક ગુજરાતીઓ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ડીઆઈજી નિલેશ આનંદે જણાવ્યું કે, "માત્ર કુમાઉંમાં જ 40થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે."
અધિકારીનું કહેવું છે કે નૈનીતાલમાં 28, અલ્મોડા અમે ચંપાવતમાં છ-છ, પિથોરાગઢ અને ઉધમસિંહનગર જિલ્લામાં એક-એક લોકોનાં મૃત્યુ થયાં છે.
જોકે, ભારે વરસાદને પગલે બંધ થઈ ગયેલો નૈનીતાલ-કાલાઘુંગી રોડ આજે ખુલી ગયો છે જે રાહતના સમાચાર છે.
નૈનીતાલમાં ડિગ્રી કૉલેજની દીવાલ ધસી પડી હતી, જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે એક વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી હતી.
આ વરસાદની સૌથી વધુ અસર નૈનીતાલને થઈ છે. સતત વરસી રહેલા વરસાદને પગલે બચાવ કામગીરી પ્રભાવિત થઈ છે. નૈનિતાલ, ચંપાવત, પિથોરાગઢ અને બાગેશ્વરમાં મંગળવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતી યાત્રીઓ ફસાયા
ઉત્તરાખંડમાં કેદારનાથ સહિત વિવિધ સ્થળોએ ગુજરાતી યાત્રીઓ પણ ફસાયા હોવાના અહેવાલો છે.
બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા અનુસાર કેદારનાથમાં રાજકોટના 30 પ્રવાસીઓ ફસાયા છે અને એમણે સરકારને રેસ્કયુ કરવા માટે અપીલ કરી છે. આ મામલે રાજકોટ કલેકટરે પણ ફોન પર લોકો સાથે વાત કરી મદદની ખાતરી આપી છે.ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રીઓને સહાય કરવા મામલે બંને રાજ્યોના મુખ્ય મંત્રી વચ્ચે વાત થઈ હતી.
રાજ્યના આપદા વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, "ગુજરાતમાંથી લગભગ 80-100 લોકો ચારધામની યાત્રા ઉપર ગયા છે. જેમાંથી છ બદ્રીનાથ-કેદારનાથમાં ફસાયા છે. હવામાન ખરાબ હોવાને કારણે ત્યાં હેલિકૉપ્ટર પહોંચી શકે તેમ નથી એટલે અમે વાતાવરણ સારું થાય તેની રાહ જોઈ રહ્યા છીએ."
આ સિવાય ભૂસ્ખલનને કારણે કેટલાક લોકો જોશીમઠ ખાતે ફસાયા હોવાનું પણ ત્રિવેદીએ ઉમેર્યું હતું.
ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ફસાયેલા યાત્રીઓ સંપર્ક કરી શકે એ માટે ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર કાર્યરત્ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા આ માટે હેલ્પલાઇન નંબર 079-23251900 પણ જારી કરવામાં આવ્યો છે.
દાદરા અને નગરહવેલીનાં અનુકૃતિ આર્ય પણ રામનગરના લેમન ટ્રી રિસોર્ટમાં ફસાયેલાં છે, દિલ્હીમાં રહેતાં તેમનાં બહેન તનુશ્રી ફોન પર રેસ્ક્યૂ ટીમ સાથે કો-ઑર્ડિનેટ કરી રહ્યાં છે.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "રિસોર્ટમાં પાણી ઓછું થયા બાદ ત્યાં ફસાયેલા અંદાજે 25 લોકો જાતે જ બહાર આવી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી તેઓ રામનગર પહોંચી ગયા હતા."
તેમણે એવું પણ જણાવ્યું હતું કે હવે તે લોકો એક બસ બુક કરીને પરત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ધામીની સાથે ટેલિફોનિક વાત કરી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
પુલ ક્ષતિગ્રસ્ત, લોકો રિસોર્ટમાં ફસાયા
24 કલાકમાં 200 મિલિમીટર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ આગાહી કરી છે કે મંગળવાર સાંજથી વરસાદ પડતો બંધ થઈ જશે. સાથે જ હિમાચલ પ્રદેશ તથા પંજાબના અમુક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ કે હીમવર્ષાની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાનું અનુમાન છે કે આગામી અમુક દિવસ રાજ્યમાં વરસાદમાં રાહત રહેશે.
નૈનીતાલમાં ગૌલા નદી પર બનેલો એક રેલવે પુલ ક્ષતિગ્રસ્ત થયો છે, રાજ્યના કાઠગોદામ તથા નવી દિલ્હીને જોડતા રેલવે માર્ગને ભારે નુકસાન થયું છે, જેથી કરીને રેલવેવ્યવહાર ખોરવાઈ ગયો છે.
ગૌલા નદી પર બનેલો પુલ તૂટી જવાથી હલદ્વાનીમાં અવરજવર અટકી ગઈ છે. ઉધમસિંહ નગર જિલ્લામાં આવેલા નાનકસાગર ડૅમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં જળસ્તર વધી ગયું હતું.
બીજી બાજુ, રામનગરમાં એક રિસોર્ટમાં અનેક લોકો ફસાઈ ગયા છે. રાજ્યના ડીજીપી અશોકકુમારે જણાવ્યું છે કે કોસી નદીનાં પાણી રિસોર્ટમાં ઘૂસી ગયાં છે. તમામ લોકો સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
રિદ્ધિમ અગ્રવાલ પ્રમાણે રિસોર્ટની ચારેય બાજુ પાણી ભરાઈ ગયાં છે, જેના પગલે 30થી 40 લોકો ફસાઈ ગયા છે. નીચેના માળમાં પાણી ઘૂસી ગયું છે અને લોકો બીજા માળ પર છે.
તેમનું કહેવું છે કે તંત્ર એ લોકોના સંપર્કમાં છે અને તમામ લોકો અત્યાર સુધી સુરક્ષિત છે.
પ્રભાવિત થયેલા વિસ્તારોનું રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું, ત્યારે તેમની સાથે કૅબિનેટ પ્રધાન ધનસિંહ રાવત તથા રાજ્યના ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) અશોક કુમાર પણ સાથે હતા.
રાહત કામગીરી
રાજ્ય સરકાર બચાવ કામગીરી માટે ઍરફોર્સની મદદ માગી હતી, જેના પગલે ત્રણ હેલિકૉપ્ટર ફાળવવામાં આવ્યા છે.
રિદ્ધિમ અગ્રવાલ પ્રમાણે ઍરફોર્સનાં બે હેલિકૉપ્ટર મંગળવારે સવારે પંતનગર પહોંચી ગયાં હતા, ત્યાંથી જિલ્લા તંત્રની સલાહ પ્રમાણે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં એક ગામડામાંથી 25 વ્યક્તિને બચાવવામાં સફળતા મળી હતી.
અગ્રવાલ જણાવે છે કે નૈનીતાલમાં અને રામનગરના રિસોર્ટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકૉપ્ટરથી બહાર કાઢવાના પ્રયાસ જારી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો