શાકભાજી, અનાજની કિંમત કાબૂમાં આવશે કે મોંઘવારી સાથે જીવવાની ટેવ પાડવી પડશે?

ભારત જ નહીં અનેક દેશોમાં મોંઘવારી એક મોટી સમસ્યા છે અને સામાન્ય લોકોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને એક ટંકનું ભોજન પણ દિવસેને દિવસે મોંઘું થઈ રહ્યું છે.

હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી કે, 'ખાદ્યસુરક્ષાનું સંકટ કદી નથી વધ્યું, તે રીતે વધી રહ્યું છે' અને વિશ્વભરમાં અનાજના ભાવોમાં જંગી વધારો થાય તેવી પણ ચિંતા પેઠી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના એક નિવેદન પ્રમાણે "ઇથિયોપિયા, મડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં પાંચેક લાખ લોકો ભૂખમરા જેવી સ્થિતિ વેઠી રહ્યા છે."

"હાલના મહિનાઓમાં બુર્કિના ફાસો અને નાઇજિરિયા જેવા દેશોમાં પણ વંચિત જનતાની આવી જ સ્થિતિ છે."

ઘણા દેશોમાં ભૂખમરો વેઠી રહેલા લગભગ 4.1 કરોડ લોકોની સહાય માટે તાત્કાલિક ભંડોળની જરૂર છે, એવી અરજ સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી છે.

યુકેમાં આવેલી સેવાભાવી સંસ્થા ‘ધ હંગર પ્રૉજેક્ટ’ના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં 6.90 કરોડ લોકો કાયમી ભૂખમરાની સ્થિતિમાં જીવે છે; ત્યારે 8.50 કરોડ લોકો કોરોના મહામારીને કારણે ગરીબીમાં સરી જાય, તેવું જોખમ ઊભું થયેલું છે. આ 6.90 કરોડ કંગાળ લોકો પૈકી 60% સ્ત્રીઓ છે.

આ લેખમાં અનાજનાં ઊંચાં દામને કારણે લોકો કેવી સ્થિતિમાં મુકાયા છે અને લોકોને ભૂખમરાની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે કયા વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે, તેના પર એક નજર કરીશું. પરંતુ પહેલાં એ જોઈએ કે શા માટે દુનિયાભરમાં અનાજના ભાવો વધી રહ્યા છે.

અનાજનાં દામ કેમ વધી રહ્યાં છે?

અનાજના ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કદાવર કંપની ક્રાફ્ટ હેઇન્ઝને ચેતવણી આપી છે કે કોરોના મહામારીની પશ્ચાતવર્તી અસરોને કારણે "ફુગાવો વધ્યો છે, તેના કારણે લોકોએ અનાજનાં વધારે દામ ચૂકવવા માટે ટેવાઈ જવું પડશે."

મુંબઈ ખાતેના રાહ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી ડૉ. સારિકા કુલકર્ણી પણ ક્રાફ્ટ હેઇન્ઝના વડાના સાથે સહમત થાય છે.

ભારતના આદિવાસીઓ વધારે સારું અને તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે ડૉ. કુલકર્ણી અને રાહ ફાઉન્ડેશન કામ કરે છે.

કોરોના સંકટના કારણે ઘણા દેશોમાં કાચા માલનું ઉત્પાદન અટકી પડ્યું હતું. ખેતપેદાશોથી માંડીને ખાદ્યતેલ સુધીની ચીજોનું ઉત્પાદન ઘટ્યું હતું.

કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે લેવાયેલાં પગલાંને કારણે ઉત્પાદન અને વિતરણ મર્યાદિત થઈ ગયાં હતાં.

અર્થતંત્ર બેઠું થવા લાગ્યું તે સાથે આ ઉત્પાદનોનો પુરવઠો શરૂ થયો છે, પરંતુ માગ બહુ ઝડપથી ફરીથી ઊભી થઈ છે તેને પહોંચી વળવાનું મુશ્કેલ બન્યું છે. તેના કારણે કિમતોમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલનાં દામમાં થયેલા વધારાનો પણ ઉત્પાદકો પર બોજ છે.

ડૉ. કુલકર્ણી કહે છે, "માગ અને પુરવઠા વચ્ચેના સંતુલન પ્રમાણે કિંમતો નક્કી થતી હોય છે."

"પ્રજામાં ખાદ્યપદાર્થોની માગ સતત વધી રહી છે, પરંતુ ખેતીમાં જુદા-જુદા કારણોસર ઘટાડો થઈ રહ્યો છે. ખેતીમાં સિંચાઈ, જમીનની ઘટતી ફળદ્રુપતા, ક્લાઇમેટ ચૅન્જ, નવી પેઢીને ખેતીકામમાં રસ નથી તે સહિત ઘણી સમસ્યાઓ છે…"

"ખેડૂતો સામે અનેક પડકારો છે અને તેનું પ્રતિબિંબ સતત વધી રહેલા અનાજના ભાવોમાં જોઈ શકાય છે."

'ખોરાક માટે દેહવિક્રય'

સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવીય બાબતોના મહામંત્રી માર્ટિન ગ્રિફિથ્સના જણાવ્યા અનુસાર, "પરિવારનું પોષણ કરવા માટે મહિલાઓ કેવાં પગલાં લેવાં મજબૂર બની હતી, તે વાતો સ્ત્રીઓ પાસેથી હું સીરિયામાં હતો ત્યારે જ સાંભળી છે."

"તેમણે અનાજ માટે દેહવિક્રય કરવાની નોબત આવે છે. દીકરીઓને નાની વયે પરણાવી દેવામાં આવે છે."

ફાર્મ રેડિયો ઇન્ટરનેશનલના પ્રોગ્રામ ડેવલપમૅન્ટમાં સિનિયર મૅનેજર તરીકે કામ કરતાં કેરન હેમ્પસન કહે છે કે વિશ્વભરમાં અનાજની તંગીનો સામનો કરનારામાં સૌથી વધુ સંખ્યા નાના અને સીમાંત ખેડૂતોની હોય છે.

બીબીસી સાથેની વાતચીતમાં હેમ્પસન કહે છે, "અનાજના ભાવો વધી રહ્યા છે તે વાસ્તવિકતા બેધારી તલવાર જેવી છે - એક બાજુ પોતે ઉગાડતાં ન હોય તેવું અનાજ ખરીદવાની જરૂર નાના ખેડૂતોને પડે છે; તેના કારણે તેમનો ખર્ચ વધે છે અને પૂરતું અનાજ મળતું નથી. પરિણામે ભૂખ અને કુપોષણની સ્થિતિ પેદા થાય છે."

"બીજી બાજુ થિયરીમાં કમસે કમ એવો અર્થ નીકળવો જોઈએ કે પોતે ઉગાડેલાં અનાજનાં વધતાં દામનો ફાયદો આ નાના ખેડૂતોને થતો હશે."

"મોટા ભાગના કિસ્સામાં, ખાસ કરીને આફ્રિકાના નાના ખેડૂતોના કિસ્સામાં અનાજના વધતા ભાવોનો ફાયદો ખેડૂતોને પહોંચતો નથી."

ડૉ. કુલકર્ણી જણાવે છે તે રીતે મોંઘવારી વધે તે સાથે ગરીબી વધે છે. ગરીબી વધે તેની સામે મોંઘવારી પણ વધે તેના કારણે તેમની રહીસહી મૂડી પણ ખાલી થઈ જાય છે.

"અનાજના ઊંચા ભાવોને કારણે કુપોષણ, ભૂખમરો અને બીમારીની સમસ્યાઓથી ગરીબો પીસાવા લાગ્યા છે."

ડેવલપમૅન્ટ ઇનિશિયેટિવ નામની વૈશ્વિક સંસ્થા વિશ્વભરમાંથી આંકડા એકઠા કરીને તેના આધારે તારણો કાઢે છે, જેના થકી ગરીબી અને અસમાનતાની નાબૂદીના પ્રયાસોને ઉત્તેજન આપવાનું કામ કરે છે. આ સંસ્થાના સીઈઓ હરપિંદર કોલાકોટ પણ ડૉ. કુલકર્ણીની વાત સાથે સહમત થાય છે.

"પાયાની જરૂરિયાતો કે જેમાં સૌથી અગત્યનું ભોજનસામગ્રી છે, તેની ખરીદી માટે કેટલી આવક જોઈએ, તેના આધારે અત્યંત ગરીબીની સ્થિતિ નક્કી કરવામાં આવે છે."

તેઓ કહે છે, "ભોજનસામગ્રી પાછળનો ખર્ચ વધે, ત્યારે પોતાની પાયાની જરૂરિયાત પૂરી ના કરી શકનારા પરિવારોની સંખ્યા વધી જાય છે."

આ સમસ્યામાં શું થઈ શકે?

સમૃદ્ધ દેશોના લોકો લક્ઝરી વસ્તુઓ ઓછી ખરીદે, ફરવા જવાનું ટાળે કે પોતાનું બજેટ સંભાળી લે, પરંતુ અવિકસિત દેશોમાં લોકો માટે આટલું સહેલું હોતું નથી, આ દેશોમાં મોંઘવારી એટલી નહીં હોય કે સ્ત્રીઓએ દેહવિક્રય કરીને પેટ ભરવું પડતું હોય.

લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, પ્રાદેશિક સંસ્થાઓ અને જે તે દેશોની સરકારો પોતપોતાની રીતે પ્રયાસો કરતાં રહે છે; પરંતુ અત્યારે વિશ્વમાં અનાજનાં દામો વધ્યાં છે, ત્યારે તેને પહોંચી વળવા માટે દુનિયાની સેવાભાવી સંસ્થાઓ હવે નવીન ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ફૂડ એન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ક્યુ ડૉન્ગ્યુ કહે છે, "અનાજ અને રોજગારીસહાય એકબીજાને પૂરક થાય તે રીતે આપવી જોઈએ."

તેઓ કહે છે કે, "ખેતપેદાશોની સિસ્ટમને સહાયરૂપ થવું, લાંબા ગાળાની મદદ આપવી તેના દ્વારા જ સુધારો થઈ શકશે, માત્ર ટકી જવા માટે સહાય અપાય તેનાથી ચાલશે નહીં... હવે આપણને સમય બગાડવો પાલવે તેમ નથી."

જોકે કોલાકોટ બીબીસીને કહે છે કે માત્ર વધારે નાણાકીય સહાયથી અનાજની ગરીબી દૂર થઈ શકે નહીં.

તેઓ કહે છે કે, "લોકોને ગરીબીમાં સબડતી રાખનારી પદ્ધતિ અને તંત્રમાં આપણે પાયાના ફેરફારો કરવાની જરૂર છે."

"વૈશ્વિક ધોરણે દરેક સરકારો, સંસ્થાઓ, ઉદ્યોગો અને એનજીઓએ પ્રયાસો કરવા પડશે ."

ડૉ. કુલકર્ણીના જણાવ્યા અનુસાર અત્યારે જરૂર છે કે આબોહવાને અનુરૂપ કૃષિ અપનાવીએ, વરસાદી પાણીના સંગ્રહ જેવી પદ્ધતિ બધે લાગુ પડે, બિયારણના ભાવો નીચા આવે અને સાથે જ ખેતી માટે જરૂરી બીજી સામગ્રીના ભાવો પણ નીચા આવે.

તેઓ કહે છે કે "ખેડૂતોને આપણે પ્રોત્સાહિત કરવા પડશે કે તેઓ પૂરતો પાક તૈયાર કરે."

રાહ ફાઉન્ડેશને છેલ્લાં સાત વર્ષમાં તેમના પ્રયાસોથી 105 ગામોને જળસંચયમાં જોડ્યાં છે, જેના કારણે લગભગ 30,000 આદિવાસીઓને આખું વર્ષ પાણી મળી રહે છે.

ડૉ. કુલકર્ણી કહે છે કે, "અમે યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે તેઓ ખેતી કરે. કૃષિ કોરિડોર તૈયાર કરી રહ્યા છીએ, જેથી ચોક્કસ પદ્ધતિ સાથે ખેતી થાય અને વધારે ઉપજ મળે, જેના પરિણામે આવક પણ વધે."

હેમ્પસનના જણાવ્યા અનુસાર વિકાસશીલ દેશોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી છે, તેનું એક કારણ એ પણ છે કે તેમની પાસે પૂરતી જાણકારી નથી હોતી.

જુદાં-જુદાં બજારોમાં શું ભાવ ચાલે છે એ તેઓ જાણી શકતા નથી, એથી વેપારીઓ અને વિતરકો સાથે સોદાબાજી કરી શકતા નથી. તેમને ખેતીની નવી પદ્ધતિ, સ્થાનિક હવામાન કેવું છે, તેની પણ સાચી જાણકારી નથી હોતી.

કૅનેડાનું એનજીઓ ફાર્મ રેડિયો ઇન્ટરનેશલ સહારા રણના કિનારે આવેલા નાના અને સીમાંત ખેડૂતોને જરૂરી માહિતી પહોંચાડવા માટે ઇન્ટરેક્ટિવ રેડિયોનો ઉપયોગ કરે છે.

"ખેતપેદાશોના ભાવ વધારે કેમ મેળવવા અને તે ઉપરાંતની ચોક્કસ માહિતી સમયસર પહોંચાડીને ફાર્મ રેડિયોના કાર્યક્રમો પરિવર્તન લાવી શકે છે."

"દાખલા તરીકે હાલના સમયમાં તાન્ઝાનિયામાં ચાલતા ક્લાઇમેટ વિશેના એક પ્રોજેક્ટમાં એ વાતની જાણકારી મેળવવામાં આવી હતી કે ખેડૂતો હવામાનની માહિતીનો શું ઉપયોગ કરવો તે સમજી શક્યા છે કે નહીં."

"રેડિયો પ્રોગ્રામ સાંભળીને તેઓ તે માહિતીને આધારે વધારે સારી ખેતી કરી શકે છે કે નહીં તેનો સર્વે થયો હતો. તેમાંથી 73% લોકોએ જણાવ્યું કે રેડિયો સાંભળ્યા પછી તેઓ નિંદામણની બાબતમાં સુધારો કરી શક્યા હતા."

હવે આગળ શું?

વિકસિત તથા વિકાસશીલ બંને પ્રકારના દેશોમાં લોકો ચિંતામાં હશે કે અનાજના વધતા ભાવોનો સામનો કેવી રીતે કરવો, ત્યારે કાર્યકર્તાઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ સંકટને ટાળી શકાશે.

વિશ્વના નેતાઓ ઝડપી અને યોગ્ય પગલાં લઈને અનાજનું સંકટ ટાળશે એવી આશા તેઓ રાખી રહ્યા છે.

હેમ્પસન કહે છે કે, "અંગત રીતે હું કહીશ કે હંમેશાં આશા ઊભી જ હોય છે; પરંતુ તે માટે આપણે સ્ત્રીઓ, પુરુષો અને યુવા ખેડૂતોને સાંભળવા પડે. તેમને પોતાની ચિંતાના નિવારણ માટે આગળ કરવા પડે."

"તેમને નીતિનિર્ધારણની ચર્ચામાં સામેલ કરવા પડે અને તેમને મદદરૂપ થવું પડે. સહકારી મંડળીઓ, ખેડૂતો કે મહિલા સંગઠનો, નવીન શોધોનો ઉપયોગ કરીને સહાયરૂપ થવું પડે."

ડૉ. કુલકર્ણી પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરે છે, "અમને આશા છે કે હજી પણ આપણી પાસે સંકટને દૂર કરવાનો સમય છે, કેમ કે સંકટ શું છે તે સમજી શક્યા છીએ."

જોકે તેઓ ચેતવણી પણ આપે છે કે "જો આપણે તેની અવગણના કરીશું, તો સમસ્યા વકરશે અને આશા ભાંગતી લાગશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો