You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતને માથે ઐતિહાસિક વીજસંકટ છે? ગુજરાત કેટલું તૈયાર?
ભારતમાં આવનારા સમયમાં વીજસંકટ ઊભું થઈ શકે છે. ભારતમાં 135 પાવરપ્લાન્ટ્સ કોલસા પર આધારિત છે અને કોલસાના પુરવઠાની ગંભીર અછત સર્જાઈ છે. ભારતમાં 70 ટકાથી વધારે વીજળી કોલસાથી ઉત્પાદિત થાય છે, એવામાં આ ચિંતાનો વિષય છે કારણ કે મહામારી પછી માંડ પાટે આવી રહેલું અર્થતંત્ર ફરી ખોટકાઈ શકે છે.
વીજસંકટનો ભય કેમ છે?
આ સંકટ કેટલાક મહિનાઓથી પેદા થઈ રહ્યું હતું. કોવિડ મહામારીની બીજી લહેર પછી ભારતના અર્થતંત્રમાં તેજી આવી અને વીજળીની માગ અચાનક વધી ગઈ હતી.
ગત બે મહિનામાં જ વીજળીની ખપત 2019ની સરખમામણીમાં 17 ટકા વધી ગઈ છે.
આ દરમિયાન દુનિયાભરમાં કોલસાના ભાવ 40 ટકા સુધી વધ્યા છે, એ પણ ત્યારે જ્યારે ભારત તરફથી કોલસાની આયાત બે વર્ષની તુલનામાં તળિયે છે.
દુનિયામાં કોલસાનો ચોથો સૌથી મોટો ભંડાર ભારતમાં છે, પરંતુ ખપતને કારણે ભારતે કોલસાની આયાત કરવી પડે છે. કોલસાની આયાત કરવામાં ભારત દુનિયામાં બીજા નંબર પર છે.
જે સામાન્ય રીતે જે પાવરપ્લાન્ટ્સ આયાત કરવામાં આવેલા કોલસા પર આધારિત હતા, હવે તે દેશમાં ઉત્પાદિત કોલસા પર આધાર રાખે છે; જ્યારે બીજી તરફ પહેલાંથી જ કોલસાની અછત હતી.
ગુજરાત શું વીજસંકટ સામે તૈયાર છે?
દેશમાં નેચરલ ગૅસના વધેલા ભાવ અને કોલસાની તંગીને કારણે ગુજરાતમાં વીજળીના પુરવઠા પર અસર પડી હોવાના અહેવાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બુધવારે વીજ અધિકારીઓએ કહ્યું હતું કે ગુજરાતમાં સરકારના થર્મલ પાવરપ્લાન્ટ હાલ પ્લાન્ટ લોડ ફૅક્ટર (પીએલએફ, પાવરપ્લાન્ટની કૅપિસિટિ યુટિલાઇઝેશનનું એક માપ)ની 50 ટકા ક્ષમતા પર કામ કરી રહ્યા છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)નાં મૅનેજિંગ ડિરેક્ટર શમીમા હુસૈને કહ્યું હતું કે "ગુજરાતમાં વીજળીની કોઈ અછત નથી. દેશમાં કોલસાની તંગીને જોતાં વીજતંત્ર પર ભારણ છે, પરંતુ અમે પાવર સપ્લાય જાળવી રાખ્યો છે."
GUVNL ગુજરાત સરકારની એક કંપની છે, જે વીજની જથ્થામાં ખરીદી અને તેના વેચાણ તથા વીજળીનાં ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વહેચાણસંબંધિત છ સબ્સિડિયરી કંપનીઓ વચ્ચે સંયોજન અને કાર્યોને સરળ બનાવવાનું કામ કરે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 29,000 મેગાવૉટ છે, હાલ પીકના કલાકોમાં વીજળીની તંગી સર્જાઈ રહી છે. આ સમયમાં, ગુજરાતે પાવર ઍક્સચેન્જથી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે.
GUVNLએ કહ્યું છે કે આ વીજસંકટ મૅનેજ કરી શકાય એવું છે.
ગુજરાતમાં દૈનિક વીજની માગ 18,000-19,000 મેગાવૉટ વચ્ચે રહેતી હોય છે. ગુજરાત પાસે અત્યારે 29 હજાર મેગાવૉટ વીજઉત્પાદનની ક્ષમતા છે, આમાંથી 19 હજાર મેગાવૉટ વીજળી થર્મલ, ગૅસ અને હાઇડ્રો પાવરપ્લાન્ટ્સમાંથી મળે છે. બાકીની ઊર્જા પુનઃપ્રાપ્ય સ્રોતોથી મળે છે; પરંતુ આ વીજળી સાંજના સમયે જ્યારે માગ વધારે હોય, ત્યારે ઉપલબ્ધ નથી હોતી.
આની શું અસર થઈ શકે છે?
નિષ્ણાતો માને છે કે વધારે કોલસો આયાત કરીને જરૂરિયાતને પૂરી કરવી, એ ભારત માટે આ તબક્કે સારો વિકલ્પ નથી.
નોમુરાના વાઇસ પ્રૅસિડન્ટ અને ભારતીય અર્થશાસ્ત્રી ઓરોદીપ નંદી કહે છે, "અમે પહેલાં પણ કોલસાની અછત જોઈ છે, પરંતુ આ વખતે અભૂતપૂર્વ વાત છે કે કોલસો બહુ મોંધો થઈ ગયો છે."
"જો હું એક કંપની છું અને મેં મોંઘા ભાવે કોલસો ખરીદ્યો છે, તો હું ભાવ વધારી દઈશ, આવું જ થશે ને?"
"કારોબારીઓ અંતે ખર્ચને ગ્રાહક પાસેથી વસૂલે છે ને એવામાં મોંઘવારી પણ વધી શકે છે - આ પ્રત્યક્ષ રીતે પણ થઈ શકે છે અને અપ્રત્યક્ષ રીતે પણ થઈ શકે છે."
જો આ સંકટ આમ જ ચાલ્યું તો ગ્રાહકો પર વીજળીના ભાવ વધતા બોજો આવી શકે છે. આ વખતે ભારતમાં મોંઘવારી પહેલાંથી જ વધેલી છે કારણ કે તેલથી લઈને જરૂરિયાતની દરેક વસ્તુ મોંઘી થઈ છે.
ઇન્ડિયા રેટિંગ્સ રિસર્ચના ડાયરેક્ટર વિવેક જૈન કહે છે કે "આ પરિસ્થિતિ બહુ જ અનિશ્ચિત છે. ભારતે હાલનાં વર્ષોમાં પર્યાવરણ માટે પોતાનાં ધ્યેય પૂરાં કરવા માટે કોલસા પર પોતાની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કર્યા છે, જેને કારણે ભારતમાં કોલસાનું ઉત્પાદન પણ ઘટ્યું છે."
ભારતના ઊર્જામંત્રી આર. કે. સિંહે અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે "હાલની પરિસ્થિતિ જોખમ ભરેલી છે અને ભારતે આવનારા પાંચ-છ મહિના માટે તૈયાર રહેવું જોઈએ."
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે બીબીસીને કહ્યું કે પરિસ્થિતિ ચિંતાજનક છે.
ભારતમાં 80 ટકા કોલસો ઉત્પાદિત કરનારી સરકારી ઉપક્રમની કંપની કોલ ઇન્ડિયા લિમિટેડનાં પ્રમુખ ઝોહરા ચેટરજી ચેતવણી આપે છે કે "જો સ્થિતિ આવી જ રહી તો એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર પાટા પર આવવા માટે સંઘર્ષ કરશે."
ઝોહરા કહે છે, "વીજળીથી જ દરેક વસ્તુ ચાલે છે, એવામાં આખું ઉત્પાદન સેક્ટર કોલસાની અછતથી પ્રભાવિત થાય છે."
હાલની પરિસ્થિતિથી ભારતને ચેતવાની સલાહ આપતાં તેઓ કહે છે કે "હવે સમય આવી ગયો છે કે જ્યારે ભારત કોલસા પર પોતાની નિર્ભરતા ઘટાડે અને અક્ષયઊર્જા રણનીતિ તરફ આક્રમકતાથી આગળ વધે."
સરકાર શું કરી શકે છે?
ભારત પોતાની આશરે 140 કરોડની વસતીની જરૂરિયાને કેવી રીતે પૂરી કરે અને ભારે પ્રદૂષણ કરનાર કોલસા પર નિર્ભરતા કેવી રીતે ઘટાડે, એ સવાલ હાલનાં વર્ષોમાં ભારતની સરકારો માટે પડકાર બનેલો છે.
ડૉક્ટર નંદી કહે છે કે આ સમસ્યા એટલી મોટી છે કે આનું કોઈ ટૂંકા ગાળાનું સમાધાન ન કાઢી શકાય.
નંદી કહે છે, "સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે આનો વ્યાપ બહુ મોટો છે. વીજળીનો મોટો જથ્થો થર્મલ પાવર (કોલસા)થી આવે છે."
"મને નથી લાગતું કે આપણે એ પરિસ્થિતિમાં છીએ કે થર્મલ પાવરનો કોઈ પ્રભાવી વિકલ્પ શોધી શકીએ."
"હું જાણું છું કે ભારત સામે એક પડકાર છે અને ભારતે તેની સામે ઊભું રહેવું જોઈએ. પણ મને નથી લાગતું કે ઊર્જાની જરૂરિયાતમાં કોલસા પર નિર્ભરતા જલદી સમાપ્ત થઈ શકશે."
નિષ્ણાતો માને છે કે સંભવિત લાંબા ગાળાના સમાધાન માટે ભારતે કોલસા અને ક્લીન (સ્વચ્છ) ઊર્જાની મિશ્ર નીતિ પર ચાલવું પડશે.
જૈન કહે છે કે, "સંપૂર્ણ રીતે અક્ષયઊર્જા પર શિફ્ટ થવું સંભવ નથી અને વગર કોઈ બૅકઅપના સો ટકા અक्षયઊર્જા પર નિર્ભર થવું યોગ્ય રણનીતિ પણ નહીં હોય."
પૂર્વ અધિકારી ઝોહરા ચેટરજી માને છે કે "કોઈ ઊર્જા સ્રોતોમાં લાંબા ગાળાનું રોકાણ કરવાથી અને યોગ્ય યોજના બનાવવાથી હાલના સંકટ જેવી સ્થિતિથી બચી શકાય છે."
તેઓ માને છે કે દેશના સૌથી મોટા કોલસાના સપ્લાયર કોલ ઇન્ડિયા અને બીજા હિતધારકો વચ્ચે સારો સમન્વય સ્થાપવાની જરૂર છે. અંતિમ સ્તર સુધી સરળતાથી ડિલિવરી અને વીજકંપનીઓની જવાબદારી સુનિશ્ચિત કરવી જોઈએ.
ચેટરજી કહે છે કે, "વીજળી ઉત્પાદકોએ કોલસાના ભંડાર પણ રાખવા જોઈએ, તેમની પાસે એક નિશ્ચિત સીમા સુધીનો ભંડાર હંમેશાં હોવો જોઈએ; પરંતુ અમે જોયું છે કે આવું નહીં થઈ શકે કારણ કે આટલી માત્રામાં કોલસાની વ્યવસ્થા કરવી એ આર્થિક પડકાર પણ છે."
આગળ શું થઈ શકે છે?
હજુ એ સ્પષ્ટ નથી કે હાલ જેવી પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે, પરંતુ નંદી આશા વ્યક્ત કરે છે કે પરિસ્થિતિ સુધરશે.
તેઓ કહે છે કે, "ચોમાસું સમાપ્ત થઈ રહ્યું છે અને શિયાળો આવી રહ્યો છે, એવામાં સામાન્ય રીતે વીજળીની ખપત ઘટી જશે અને વીજળીની માગ અને પુરવઠા વચ્ચેનું અંતર કેટલીક હદે ઓછું થઈ શકે છે."
વિવેક જૈન કહે છે કે, "આવી પરિસ્થિતિ દુનિયાભરમાં છે. જો આજે ગૅસનો ભાવ ઘટે તો લોકો ગૅસ વધારે વાપરશે. આ એક બદલાતી પરિસ્થિતિ છે."
હાલ ભારત સરકારે કહ્યું કે "તે કોલ ઇન્ડિયાની સાથે મળીને ઉત્પાદન વધારવા અને વધારે ખનન કરવા માટે કામ કરી રહી છે, જેથી માગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઘટાડી શકાય."
નિષ્ણાતો માને છે કે ભારત ટૂંકા ગાળાના ઉપાય કરીને હાલના સંકટમાંથી તો નીકળી શકે છે, પરંતુ દેશની વધતી ઊર્જા જરૂરિયાતને પૂરી કરવા માટે ભારતે લાંબા ગાળાના વિકલ્પોમાં રોકાણ કરવાની દિશામાં કામ કરવું પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો