ચીનનું વીજસંકટ સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે અવસર બની શકે છે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

'દુનિયાની ફેકટરી' તરીકે ઓળખાતા ચીનમાં ભયંકર વીજસંકટ ચાલી રહ્યું છે.

એટલું જ નહીં આ પાવરકટની અસર ચીનના અર્થતંત્ર પર પણ જોવા મળશે એવું તારણ નિષ્ણાતો કાઢી રહ્યા છે.

ગોલ્ડમૅન સૅક્સ અનુસાર પાવરકટને કારણે ચીનની ઔદ્યોગિક ગતિવિધિમાં 44 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

ત્યારે કેટલાક લોકો ચીનના આ સંકટને ગુજરાતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે એક અવસરના રૂપમાં જોઈ રહ્યા છે.

દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું હતું કે ચીનમાં ચાલી રહેલું વીજસંકટ સુરતના કાપડઉદ્યોગ માટે વેપારનો મોટો અવસર છે.

ચીનમાં કોલસાની સપ્લાયમાં અછત, ઉત્સર્જનના કડક માપદંડો અને ઇન્ડસ્ટ્રીની વધતી માગને કારણે ચીનમાં કોલસાની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે.

પરિણામે વીજળી સપ્લાય પ્રભાવિત થયો છે અને ઉદ્યોગો પણ પરેશાન છે.

આશિષ ગુજરાતી કહે છે કે ચીનનું વીજસંકટ ભારત, દક્ષિણ ગુજરાત અને સુરત માટે વેપારની મોટી તક બની શકે છે અને આ સમય આ સંકટને અવસરમાં ફેરવવાનો છે.

"જે ઉદ્યોગો ચીનથી આયાત કરેલા રૉ મટીરિયલ પર આધાર રાખે છે તેમને તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કારણ કે ચીનથી રૉ મટીરિયલના સપ્લાયમાં કમી આવી શકે છે. આ ઉદ્યોગોએ રૉ મટીરિયલના સપ્લાય માટે અન્ય સ્રોત શોધવા પડશે."

ચીનમાં વીજસંકટ કેવી રીતે પેદા થયું?

ચીન વીજળીની ભારે અછતનો સામનો કરી રહ્યું છે અને ત્યાં લાખો ઘર અને કારખાનાં આ મુસીબત સામે ઝૂઝી રહ્યાં છે.

પાવર બ્લૅકઆઉટ અહીં અસામાન્ય વાત નથી, પરંતુ આ વર્ષે કેટલાંક કારણસર વીજળી આપૂર્તિકર્તાઓ માટે મુસીબત વધી ગઈ છે.

વીજળીમાં કાપનો સામનો કરી રહેલા ચીનના ઈશાનમાં ઇન્ડસ્ટ્રિયલ હબમાં આ સમસ્યા વધારે ગંભીર બની રહી છે, કારણ કે શિયાળો આવી રહ્યો અને આની અસર દુનિયાના અલગઅલગ ભાગોમાં પણ દેખાઈ શકે છે.

સુરત માટે અવસર કેવી રીતે બનશે ચીનનું વીજસંકટ

દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશિષ ગુજરાતીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે ચીનમાં વીજળીની સમસ્યાનો સીધો લાભ ગુજરાતમાં સુરત ખાતે ટેક્સ્ટાઇલ ઉદ્યોગને મળી તેમ છે.

તેઓ કહે છે કે ચીનમાં 35-40 ટકાનો પાવરકટ છે અને વીજદર પણ વધ્યો છે, જેથી ચીનમાં ઉત્પાદિત વસ્તુઓના ભાવ પણ વધવાના છે.

તેમનું માનવું છે કે ગારમેન્ટ્સમાં પણ 25 ટકા ભાવ વધી શકે છે અને ચીનમાં નિર્મિત કેટલીક વસ્તુઓના ભાવમાં 40 ટકા જેટલો વધારો થવાનો અંદાજ છે. આનો સીધો ફાયદો સુરતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગને મળી શકે છે.

ચીનને દુનિયાની ફેકટરી માનવામાં આવે છે. ચીન ગારમેન્ટ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, અનેક પ્રકારના ઉદ્યોગોના રૉ મટિરિયલ વગેરે વસ્તુઓનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસ કરતો દેશ છે.

હવે ચીનમાં જે રીતે વીજસંકટ ઊભું થયું છે તેને જોતાં આશિષ ગુજરાતી માને છે કે વીજળીના સપ્લાયમાં આવેલી મુશ્કેલીની સીધી અસર ઉત્પાદન પર પડશે.

તેમનું માનવું છે કે ચીનમાં થતા ઉત્પાદનમાં 30-40 ટકાની અછત થશે અને વૈશ્વિક તથા રાષ્ટ્રીય સ્તરે પણ ચીનમાં ઉત્પાદનમાં આવેલી ઘટને કારણે જે અછત ઊભી થશે તેની ભરપાઈ ભારતમાંથી થઈ શકે છે.

"ખાસ કરીને સુરતની વાત કરીએ તો અહીં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને વિશ્વના અન્ય દેશોની માગની આપૂર્તિ માટે નિકાસના ઑર્ડર માટેની ઇન્ક્વાયરી મળી શકે છે."

તેઓ દાખલો આપે છે કે "સુરતમાં બનતા માઇક્રો ફાઇબર પૉલિસ્ટર ફેબ્રિકના નિકાસ માટે છેલ્લા ત્રણ મહિનામાં ઇન્કવાયરીમાં વધારો થયો છે, કારણ કે ચીનમાં ઉત્પાદનને અસર પહોંચી છે."

આ વાતને વધુ સમજાવતા તેઓ કહે છે કે ચીનના નિકાસકર્તાઓ ઑર્ડરને સમયસર પૂરો નથી કરી શક્યા એવી પરિસ્થિતિમાં સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ તરફ અનેક વેપારિક એકમોનું ધ્યાન ખેંચાયું છે.

આશિષ ગુજરાતી કહે છે કે "સુરતમાં નાના પાયે ગારમેન્ટ બને છે એ ઉપરાંત ફેબ્રિકનું પણ ઉત્પાદન થાય છે. તેથી વિદેશથી જ નહીં પણ દેશમાં જ્યાં ગારમેન્ટ્સનું કામ ચાલે છે ત્યાં નિર્માતાઓ ફેબ્રિક પૉલિસ્ટર વગેરે માટે સુરત તરફ આકર્ષાયા છે."

સુરતમાં ઉદ્યોગો કેટલા તૈયાર?

પરંતુ શું ચીનમાં આવેલા આ સંકટનો ફાયદો ગુજરાતમાં સુરતનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ ખરેખર ઉઠાવવા માટે તૈયાર છે?

આ વિશે વાત કરતા ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ ચંપકલાલ બોથરાએ કહ્યું કે "ચીનમાં આવેલા આ સંકટનો ફાયદો ઉઠાવવા માટે પહેલાં ભારતમાં તૈયારી કરવાની જરૂર છે."

તેઓ કહે છે કે "હાલ કોવિડના બે વર્ષમાં ઉદ્યોગધંધા પર માઠી અસર પડી હતી, પરંતુ હવે બે વર્ષ પછી લગ્ન અને તહેવારની સિઝન આવતા બજારમાં ચહલપહલ વધી છે. લોકો બજારમાં ખરીદી કરવા આગળ આવી રહ્યા છે. દોઢ મહિનાથી ઑર્ડર વધ્યા છે."

પરંતુ તેમનું કહેવું છે કે આ મુખ્ય રૂપથી ઘરેલુ માગને કારણે જ છે.

ચીનમાં પાવરકટને કારણે મચેલી ઊથલપાથલની અસર કેવી રીતે સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ પર પડી રહી છે એ સમજાવતા ચંપકલાલ બોથરા કહે છે કે, "ઉદ્યોગ માટે જરૂરી સામાન, રૉ મટીરિયલ વગેરેને લાવતાં-લઈ જતાં કન્ટેઇનરોનું નિયંત્રણ ચીન પાસે છે, આથી કોલસો, રૉ મટીરિયલ સહિત આયાત કરવામાં આવતી અનેક વસ્તુઓના ભાવમાં મહત્તમ 30 ટકાનો વધારો થયો છે."

તેમનું કહેવું છે કે, "આનાથી સુરતમાં ટેક્સ્ટાઇલ મિલો માટે ઉત્પાદનનો ખર્ચ પણ વધી ગયો છે અને ફેકટરીઓમાં ઉત્પાદન મોંઘું પડી રહ્યું છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "કોલસો ઇન્ડોનેશિયાથી આયાત કરાતો હતો, યાર્ન, ડાઈ અને કેમિકલ જેવાં અન્ય રૉ મટીરિયલ ચીન અને બાંગ્લાદેશથી આવતાં હતાં, પરંતુ ચીને કન્ટેઇનરોની અછત પેદા કરી જેને પગલે આ બધી વસ્તુઓ મોંઘી થઈ છે."

તેમનું કહેવું છે કે જો ચીનનો મુકાબલો કરવો હોય તો પહેલાં આ બધી વસ્તુઓ માટે બહારના દેશો પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે.

કેવી રીતે ચીનનો મુકાબલો કરી શકાશે?

આશિષ ગુજરાતી કહે છે કે જો સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને નિકાસને અનુરૂપ બનાવવામાં આવે તો ચીનના સંકટને અવસરમાં બદલાવી શકાય.

ત્યારે ચંપકલાલ બોથરા કહે છે કે ભારતમાં પણ ઉદ્યોગોને ચીન જેવા ટૅક્સસ્લૅબ આપવામાં આવે. નિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવે, જેથી વિદેશો સાથે કરાર કરવામાં ભારતીય વેપારીઓને ફાયદો થાય.

તેમનું કહેવું છે કે ગુણવત્તા પણ એક મોટો મુદ્દો છે. શ્રમિકોને યોગ્ય સ્કિલ્સ શીખવવામાં આવે તો તેઓ ચીનના ટક્કરનો સામાન બનાવવામાં સક્ષમ બને. એ સિવાય કેવી રીતે સુરતના ઉદ્યોગોને અહીં જ રૉ મટીરિયલ ઉપલબ્ધ થઈ શકે તે વિશે પણ સરકાર વિચારે તો ચીનને ટક્કર આપી શકાય.

ચીનમાં વીજળીની અછત અને સંઘર્ષ

કેટલાંક વર્ષો દરમિયાન ચીને વીજળીની માગ અને આપૂર્તિ વચ્ચે સંતુલન સાધવામાં સંઘર્ષ કર્યો છે, જેના કારણે ચીનના કેટલાક પ્રાંતોમાં વીજળીની અછત પેદા થઈ છે.

ઉનાળા અને શિયાળા દરમિયાન વીજળીની જ્યારે સૌથી વધુ માગ હોય છે ત્યારે વીજળી સપ્લાયની સમસ્યા સૌથી વધારે ગંભીર બને છે.

પરંતુ વર્ષ 2021માં અન્ય કેટલાક મુદ્દાઓને કારણે આ સમસ્યા વધારે વિકરાળ બની છે.

કોરોના મહામારી પછી જેમજેમ આખી દુનિયામાં વેપારધંધા એક વાર ફરી ખૂલવા લાગ્યા છે ત્યારે ચીનના સામાનની માગ પણ વધવા લાગી અને આ સામાનનું ઉત્પાદન કરતા કારખાનાંઓમાં વીજળીની માગ પણ વધી ગઈ છે.

2060 સુધી દેશને કાર્બનમુક્ત બનાવવા માટે જે નિયમ બનાવ્યો છે તેના કારણે કોલસાનું ઉત્પાદન પહેલેથી ધીમું પડી ગયું હતું છતાં પોતાની જરૂરિયાતની અડધી ઊર્જા માટે ચીન આજે પણ કોલસા પર પણ નિર્ભર છે. અને જેમજેમ વીજળીની માગ વધી છે, કોલસો પણ મોંઘો થયો છે.

પરંતુ ચીનની સરકાર ત્યાં વીજળીની કિંમતને કડક રીતે નિયંત્રણમાં રાખે છે એવામાં કોલસાથી ચાલતા પાવરપ્લાન્ટ નુકસાનમાં કામ કરવા માટે તૈયાર નથી અને તેમાંથી કેટલાકે તો પોતાના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.

ચીનના અર્થતંત્ર પર શું અસર પડશે?

સત્તાવાર આંકડા બતાવે છે કે સપ્ટેમ્બર 2021માં ચીનનાં કારખાનાંમાં ફેબ્રુઆરી 2020 પછી કામ સૌથી ઓછું થઈ ગયું છે, જ્યારે કોરોના સંક્રમણ પછી લૉકડાઉને દેશના અર્થતંત્ર મંદ પડી ગઈ હતી.

વીજળી આપૂર્તિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આ રહી છે અને આંતરરાષ્ટ્રીય રોકાણ બૅન્કે પોતાના અંદાજમાં ચીનના આર્થિક વિકાસના દરને ઘટાડી દીધો છે.

ગોલ્ડમૅન સૅક્સ અનુસાર પાવરકટને કારણે ચીનની ઔદ્યોગિક ગતિવિધિમાં 44 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બૅન્કનો અંદાજ છે દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર આ વર્ષે 7.8 ટકા દરથી વિકસિત થશે, જ્યારે બૅન્કે પહેલાં 8.2 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.

ચીનના આ સંકટની અસર આખી દુનિયા પર પડી શકે છે, ખાસ કરીને વર્ષના અંતમાં થનાર ખરીદીના મોસમમાં સામાનનો સપ્લાય પ્રભાવત થઈ શકે છે.

કોરોનાને કારણે બંધ કારોબારને ફરી શરૂ કર્યા બાદથી માગમાં અચાનક આવેલા ઉછાળાને કારણે દુનિયાભરમાં વિક્રેતાઓને પહેલેથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો