ગુજરાતના ખેડૂતો ઇઝરાયલ પાસેથી આ ટેક્નોલૉજી શીખી શકે

    • લેેખક, સુનીલ પારેખ
    • પદ, ઉદ્યોગ સલાહકાર

જો ગુજરાતના ખેડૂતો આ વ્યવસ્થાને બરાબર સમજે તો તેમને વરસાદ અને સરકારી સહાય પર આધારિત રહેવામાંથી મુક્તિ મળી શકે તેમ છે.

ઇઝરાયલ પાસે છે ડ્રિપ ઇરિગેશન કરતાં એડવાન્સ ટેક્નોલૉજી, જેની મદદથી હાલ ખેતીમાં થતાં કુલ ખર્ચના પાંચમા ભાગના ખર્ચમાં દસ ગણુ ઉત્પાદન મેળવી શકાય છે.

શું છે, પ્લાન્ટ ન્યૂટ્રિયન્ટ બેઝ ઇરિગેશન સિસ્ટમ?

ખેતી માટે તેમની પાસે પ્લાન્ટ ન્યૂટ્રિયન્ટ બેઝ ઇરિગેશન સિસ્ટમ છે. એ શું છે તે જાણવા માટે એક ઉદાહરણ સમજો.

જો એક હેક્ટરમાં કોઈ પાક મેળવવા માટે પાંચ હજાર છોડ વાવ્યા હોય તો, આ ટેક્નોલૉજી હેઠળ એ લોકો એક એક છોડ પર નજર રાખે છે.

એ દરેક છોડમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ અને ભેજનું પ્રમાણ કેટલું છે, તેનું સતત ધ્યાન રાખી શકે છે.

આથી જે છોડમાં જે તત્વ ઓછું હોય તે છોડને એ તત્વ આયોજનબદ્ધ રીતે ખાતર, પાણી આપીને પૂરું પાડવામાં આવે છે.

આ પ્રક્રિયાને કારણે જંતુનાશક દવાઓ, ખાતર જેવો સામાન્ય ખેતીમાં વપરાતો કાચો માલ આ પ્રક્રિયામાં માત્ર પાંચમા ભાગ જેટલો જ વપરાય છે અને ઉત્પાદન લગભગ દસ ગણુ વધે છે.

એટલે ખર્ચમાં લગભગ 80 ટકા જેટલી બચત થાય અને ઉત્પાદનમાં દસ ગણો વધારો થાય.

ગુજરાત માટે આશિર્વાદરૂપ ટેક્નોલૉજી

આ ટેક્નોલૉજી ગુજરાત માટે આશિર્વાદરૂપ એટલા માટે બની શકે તેમ છે, કારણ કે આપણે દસ સાત વર્ષના સમયચક્રમાં પાંચ વર્ષ તો ખેતી માટે અપૂરતો વરસાદ થાય છે અથવા દુષ્કાળની સ્થિતિ રહે છે.

આવી ટેક્નોલૉજી કારણે દુષ્કાળના સમયમાં પણ આપણું કૃષી ઉત્પાદન જળવાઈ રહે અને ખેતીની આવક પણ ચાલુ રહી શકે છે.

તેનો સીધો જ સામાજિક ફાયદો એ છે કે ગામડામાં ખેતીની નબળી સ્થિતિને કારણે જોવા મળતો અસંતોષ, જે આ વખતની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પણ દેખાયો, તેને શાંત કરી શકાય.

આ ટેક્નોલૉજી તેનો અનુભવસિદ્ધ ઉકેલ બની શકે તેમ છે. મને ગુજરાત માટે ખૂબ અગત્યની બાબત લાગે છે.

શું ગુજરાતના ખેડૂતો આવી ટેક્નોલૉજી માટે તૈયાર છે?

ગુજરાતના ખેડૂતો માટે આ લાભની વાત છે. એ તેમને ખૂબ મોટાં દેવાં અને તેને કારણે ઊભી થતી આત્મહત્યા પરિસ્થિતીમાંથી બચાવી શકે તેમ છે.

તેમને ખાતર ખરીદવા માટે પણ દેવું કરવું પડે અને જો વરસાદ ન પડે તો એમને એ દેવાનું વ્યાજ ચૂકવવામાં પણ તકલીફ પડે છે.

એને કારણે વ્યાજનું પણ વ્યાજ ચડવાને કારણે એની હાલત ખૂબ જ નબળી થઈ જાય છે.

આ ટેક્નોલૉજીથી તેમને આવી પરિસ્થિતિમાંથી ખરા અર્થમાં બહાર કાઢી શકાય તેમ છે, કારણ કે આપણે 60 વર્ષ પછી પણ સિંચાઈની પૂરતી સુવિધાઓ ગુજરાતમાં ઊભી નથી કરી શક્યા.

જેને કારણે આજે પણ કુલ ખેતીલાયક વિસ્તારમાંથી માત્ર ત્રીજા ભાગમાં સિંચાઈની સુવિધા કરી શક્યા છીએ.

હજી પણ 66 ટકા જેટલો ખેતીનો વિસ્તાર સંપૂર્ણપણે વરસાદ પર આધારિત છે.

સરદાર સરોવર યોજનામાં પણ છેવાડા સુધી સિંચાઈ માટેનું પાણી પહોંચાડવાનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે.

આ એવી ટેક્નોલૉજી છે, જેમાં સરકાર કંઈ કરે કે ન કરી શકે, પાણી પહોંચાડી શકે કે ન પહોંચાડી શકે તો પણ ખેડૂત આ બધા પ્રશ્નોથી મુક્ત થઈ જાય છે અને સશક્ત થઈ જાય છે.

ખેડૂતોને આ ટેક્નોલૉજી વિશે ખ્યાલ છે?

ખેડૂતોને આ ટેક્નોલૉજી વિશે હજી સુધી નથી ખબર.

એમને ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રિપ ઇરિગેશન) વિશે માહિતી છે, પણ આ ડ્રિપ ઇરિગેશનથી આગળનું સ્વરૂપ છે. કારણ કે તેમાં ઇરિગેશન ઉપરાંત ફર્ટિલાઇઝેશન પણ છે.

ખેડૂતોમાં આ વાતની સમજ કેળવવા માટે સરકારે એક ઝુંબેશ તરીકે 'મિશન મોડ'માં આવીને દરેક જગ્યાએ 'ડેમોસ્ટ્રેશન ફાર્મ' ઊભા કરવા જોઇએ.

જ્યાં ખેડૂતો જઈને તેમની જાતે જ એ વ્યવસ્થા સમજી શકે કે એક વર્ષમાં તેમનું ઉત્પાદન કેટલું થયું અને એ ડેમોસ્ટ્રેશન ફાર્મમાં આ ટેક્નોલૉજીની મદદથી તેમના ઉત્પાદન કરતાં કેટલું વધારે ઉત્પાદન થયું.

ખેડૂતોને તેમનું ઉત્પાદન હજાર રૂપિયામાં મળ્યું હોય તો સામે એ ફાર્મનું તેમના કરતાં વધારે ઉત્પાદન માત્ર દોઢસો રૂપિયામાં જ થયું હોય તો તેમને આ વાત બરાબર સમજાઈ જશે અને બે-એક વર્ષમાં બધા જ લોકો આ ટેક્નિક અપનાવી જ લેશે.

સરકારે ખેડૂતોને આ મામલે શિક્ષિત કરવાની જરૂર છે, તેમને તાલીમ આપવી પડશે. જ્યારે એ લોકો તૈયાર થઈ જાય તો આ ટેક્નોલૉજી અને સાધનો વસાવવા માટે તેમને ફંડ આપવાની જરૂર છે.

(પારસ કે. જ્હા સાથે થયેલી વાતચીતને આધારે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો