દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતના માછીમારો ચિંતામાં કેમ?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

વર્ષ 2019માં અતિવૃષ્ટિ અને અવારનવાર વાવાઝોડાંના કારણે રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ મુશ્કેલ બની અને સાથે જ માછીમારો પર કુદરતી પરિબળોની માઠી અસર પણ પડી.

દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા રાજ્ય, ગુજરાતની દરિયાઈ પેદાશોની નિકાસમાં થઈ રહેલો ઘટાડો સ્થાનિક માછીમારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

વર્ષ 2019માં લાંબી વરસાદની સિઝન અને સતત વાવાઝોડાં સર્જાવાંને લીધે માછીમારીની પ્રવૃતિ માટેનો સમય ઘટવાના કારણે પણ દરિયાઈ પેદાશોની નિકાસ પર અવળી અસર પડી હોવાનું સ્થાનિક માછીમારો અનુભવી રહ્યા છે.

'મરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ ડેવલપમૅન્ટ ઑથૉરિટી'ના આંકડા અનુસાર વર્ષ 2017-18માં સમગ્ર રાજ્યમાંથી 3,12,568 ટન દરિયાઈ પેદાશોની નિકાસ થઈ હતી.

જ્યારે વર્ષ 2018-19માં તે ઘટીને 3,05,326 ટન થઈ જવા પામી છે.

વર્ષ 2017-18માં રાજ્યમાંથી 843 મિલિયન ડૉલરની દરિયાઈ પેદાશોની નિકાસ કરાઈ હતી.

જ્યારે વર્ષ 2018-19માં નિકાસનો આ આંકડો ઘટીને 798 મિલિયન ડૉલર થઈ ગયો છે.

દરિયાઈ પેદાશોની ઘટતી જતી નિકાસ માટે નિષ્ણાતો વિદેશી બજારોના કડક નિયમો, કુદરતી પરિબળો, પ્રદૂષણ અને ઓવર-ફિશિંગને જવાબદાર ગણે છે.

કુદરતી અને માનવસર્જિત પરિબળો

'પોરબંદર માછીમાર મંડળ' પ્રમુખ જીવણ જુંગી રાજ્યમાં ઘટતી જતી દરિયાઈ પેદાશોની નિકાસ અંગેનાં કારણો જણાવતાં કહે છે :

"આ વર્ષે અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે માછીમારીની સિઝનમાં ઘટાડાની અસર મુખ્યત્વે નિકાસ પર પડી છે."

"માછીમારીનો સમયગાળો શરૂ થવાની સાથે જ માછીમારોને કુદરતનો માર વેઠવો પડ્યો હતો, જે કારણે આ વર્ષે નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે."

કુદરતી પરિબળો સિવાય દરિયાઈ પેદાશોની નિકાસના ઘટાડામાં ભાગ ભજવતાં કૃત્રિમ પરિબળો તરફ ધ્યાન દોરતાં તેઓ જણાવે છે :

"કુદરતી પરિબળો સિવાય દરિયાઈ પ્રદૂષણ જેવાં કૃત્રિમ પરિબળોના કારણે પણ દરિયાઈ પેદાશોની નિકાસ પર અવળી અસર પડી છે."

"દરિયાઈ પ્રદૂષણના કારણે તટથી માછલીઓ દૂર જતી રહેવાના કારણે માછીમારીના ખર્ચમાં વધારો થાય છે તેમજ દરિયાઈ જીવોની ગુણવત્તા પર પણ અસર પડે છે."

"જેથી ખર્ચ વધવાની સાથે ગુણવત્તા ખરાબ થવાના કારણે બહારના દેશોમાં રાજ્યની પેદાશોની ખૂબ ઓછી કિંમત આંકવામાં આવે છે."

"તેમજ ઘણી વાર તો કિંમત અને હલકી ગુણવત્તાના કારણે ઑર્ડર જ રદ કરી દેવાય છે."

ઓવર-ફિશિંગના કારણે ઘટાડો

સી-ફૂડ ઍક્સપૉર્ટ ઍસોસિયેશનના, પોરબંદરના પ્રમુખ કરશનભાઈ રામજી સલેટ ઓવર-ફિશિંગને દરિયાઈ પેદાશોની નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણ ગણાવે છે.

તેઓ કહે છે કે, "પાછલા વર્ષે સારી જાતની માછલીઓના ઓવર-ફિશિંગના કારણે સિઝન દરમિયાન મળેલી માછલીઓની સાઇઝ નાની હોઈ, તેની નિકાસ શક્ય નહોતી."

"સારી જાતની માછલીઓ યોગ્ય સાઇઝમાં ન મળવાના કારણે તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે ગુજરાતની દરિયાઈ પેદાશોની નિકાસ પર અવળી અસર પડી છે."

ઇન્ડોનેશિયા અને એશિયાના અન્ય દેશો સાથેની સ્પર્ધાને પણ તેઓ દરિયાઈ પેદાશોની નિકાસમાં સતત ઘટાડા માટે કારણરૂપ ગણે છે.

તેઓ કહે છે ક "દુનિયાના દેશોમાં દરિયાઈ પેદાશોની નિકાસના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું સ્પર્ધક ઇન્ડોનેશિયા સાબિત થાય છે."

"ઇન્ડોનેશિયા ભારતની દરિયાઈ પેદાશ જેવી જ ગુણવત્તાવાળી પેદાશ ઓછા ભાવે નિકાસ કરતું હોવાથી ભારતને આ ક્ષેત્રે નુકસાન ભોગવવું પડી રહ્યું છે."

"સારી ગુણવત્તાની માછલીઓ સિવાય ઊતરતી ગુણવત્તાવાળી માછલીઓના ભાવ વિદેશમાં સારા ન હોવાથી કોઈ ધંધાદારી નિકાસના ખોટના વ્યવસાયમાં જવા માગતો નથી."

માછીમારોની ચિંતામાં વધારો

'સી ફૂડ ઍક્સપૉર્ટ ઍસોસિયેશન-ગુજરાત'ના પ્રમુખ પીયૂષભાઈ પપંડી દરીયાઈ પેદાશોની નિકાસમાં થઈ રહેલા ઘટાડા માટે કુદરતી પરિબળોને જવાબદાર ગણે છે.

તેઓ જણાવે છે કે, "ગુજરાતમાં ગયા વર્ષે વાવાઝોડાં જેવાં કુદરતી પરિબળોને કારણે માછીમારી માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ હતી."

"જેના કારણે સમગ્ર રાજ્યમાં દરિયાઈ પેદાશોની પ્રાપ્તિ પર અસર પડી હતી, જે અંતે નિકાસના ઘટાડામાં પરિણમી."

"આ સિવાય સરકાર તરફથી માછીમારી માટેની નેટની સાઇઝ અંગે નિયંત્રણ જાળવવામાં ચૂક થવા પામી હોય તેવું લાગે છે."

"જે કારણે પુખ્ત માછલીની સાથે નાની માછલીઓ પણ જાળમાં ફસાઈ જવાના કારણે સમગ્રપણે રાજ્યના દરિયાઈ પેદાશોની પ્રાપ્તિ અને નિકાસમાં ઘટાડો થયો છે."

સ્થાનિક બજાર અને માછીમારી પર નભતા પરિવારો પર આ ઘટાડાની અસર અંગે વાત કરતાં કરશનભાઈ જણાવે છે :

"અગાઉની સરખામણીએ ખરાબ વાતાવરણને કારણે ગત વર્ષે માછીમારોને યોગ્ય પ્રમાણમાં દરિયાઈ જીવો મળી આવ્યા નથી."

"આ ઘટાડાના કારણે સ્થાનિક માછીમારોની આવક પર માઠી અસર પડી છે."

"સાથે જ વિદેશોમાં ઘટતી માગને લીધે સારી ગુણવત્તાની માછલીઓના ઓછા ભાવ મળવાના કારણે ગુજરાતના માછીમારીના બજારને મોટો ફટકો પડ્યો છે."

"આ તમામની અસર છેલ્લે તો માછીમારી પર નભતા સામાન્ય માછીમાર પરિવાર પર સૌથી વધુ પડી છે."

આ દેશોમાં કરાય છે ગુજરાતની માછલીઓની નિકાસ

નોંધનીય છે કે ગુજરાતમાંથી વિશ્વના લગભગ તમામ દેશોમાં પૉમ્ફ્રેટ, લૉબ્સ્ટર, રિબન ફિશ, કટલ ફિશ, ક્રૉકર, સૉલ ફિશ, તિતિકોકર અને નરસિંગા જેવી માછલીઓની નિકાસ કરાય છે.

ચીન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવા મોટા દેશો સહિત યુરોપ, એશિયા અને મધ્ય-પૂર્વના નાના-મોટા દેશોમાં ગુજરાતની માછલીઓની સારી એવી માગ છે.

પરંતુ પાછલા એક વર્ષમાં કુદરતી અને માનવસર્જિત પરિબળોને કારણે ગુજરાતના પ્રગતિશીલ માછીમારીના વ્યવસાય પર માઠી અસર પડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો