CAA-NRCના વિરોધમાં સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓ રસ્તા પર કેમ ઊતરી છે?

    • લેેખક, ચિન્કી સિંહા
    • પદ, બીબીસી સંવાદદાતા

"તેરે માથે પર યે આંચલ બહુત હી ખૂબ હૈ લેકિન,

તુ ઈસ આંચલ સે ઈક પરચમ બના લેતી તો અચ્છા થા"

- મજાઝ લખનવી

મજાઝ લખનવી લખનૌમાં વર્ષો પહેલાં નરગીસ દત્તને મળ્યા પછી તેમણે આ શેર લખ્યો ત્યારે તેમને ખબર નહોતી કે આ શેર ભાવિની આગાહી હશે.

મજાઝે જ્યાં અભ્યાસ કર્યો હતો એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હિજાબધારી મહિલાઓના નેતૃત્વ હેઠળના પ્રતિકારનું કેન્દ્ર બની છે.

આ મહિલાઓ ભારતના વિવાદાસ્પદ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સીએએ)નો વિરોધ કરી રહી છે, કારણ કે સીએએમાંથી મુસ્લિમોને ભારતીય નાગરિકત્વ મેળવવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સંખ્યાબંધ ચેતવણી, ગોળીબાર, ટિયરગેસ અને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ છતાં સતત ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં લોકો ઉપરોક્ત શેર વારંવાર ઉચ્ચારી રહ્યા છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા પોલીસદમન સામે મેદાને પડેલી મહિલાઓના બળવાનું કેન્દ્ર બની રહી છે.

ભારતના ઇતિહાસમાં પહેલી વાર મુસ્લિમ મહિલાઓ આટલી મોટી સંખ્યામાં વિરોધપ્રદર્શન કરવા રસ્તા પર ઊતરી પડી છે. તેઓ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કરે છે અને પ્રતિકારના આંદોલનમાં પોતાનું સ્થાન મેળવે છે.

દિલ્હીમાંના ઓછી આવક ધરાવતા મુસ્લિમોના બહુમતવાળા શાહીનબાગ વિસ્તારની મહિલાઓ કદાચ આ પ્રતિકારનું પ્રતીક બની છે.

આ મહિલાઓ દિલ્હીની કાતિલ ઠંડીમાં દિવસ-રાત નવા કાયદા સામે શાંતિપૂર્ણ ધરણાં કરી રહી છે. તેમના મતે આ કાયદો ગેરબંધારણીય છે.

જોરદાર ઠંડી અને પોલીસે અન્યત્ર કરેલા અત્યાચારથી ડર્યા વિના પ્રતિકાર કરતી આ મહિલાઓ વિરોધપ્રદર્શનની નવી શબ્દાવલીની મશાલ બની ગઈ છે.

આ મહિલાઓ તેમના હિજાબમાં રહીને ઓળખના રાજકારણ સામે લડી રહી છે.

આ બધાની શરૂઆત જામિયા મિલિયા ઇસ્લામિયામાં રાતે કરાયેલા હુમલાથી થઈ હતી. શાહીનબાગની મહિલાઓએ પોતપોતાનાં ઘરોની બહાર નીકળીને વિરોધમાં ધરણાંનો નિર્ધાર કર્યો હતો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અબ્દુલ્લા હૉસ્ટેલની રૂમમાં પૂરી રાખવામાં આવેલી મહિલાઓએ એ જ રાતે રૂમનાં ત્રણ તાળાં તોડી નાખ્યાં હતાં.

તેમને વિમેન્સ હૉસ્ટેલ પરિસરની બહાર જવાની છૂટ ન અપાઈ ત્યારે તેમણે એમ કહીને ધરણાં શરૂ કર્યાં હતાં કે પોલીસે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો છે.

ગત 16 ડિસેમ્બર સુધીમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ હૉસ્ટેલ ખાલી કરાવી નાખી હતી અને વિદ્યાર્થીઓને તેમનાં ઘરે પરત મોકલવા માટે સ્પેશિયલ બસ તથા ટ્રેનની વ્યવસ્થા કરી હતી.

અલીગઢ યુનિવર્સિટીમાં યુનાની ઔષધીનો અભ્યાસ કરતાં આયશા (ઉંમર 20 વર્ષ) અને તુબા (21 વર્ષ) એ જ દિવસે સવારે અલીગઢ નજીકના દોધપુરમાંના તેમનાં ઘરમાંથી નીકળીને યુનિવર્સિટીમાં પહોંચ્યાં હતાં અને મૌલાના આઝાદ લાઇબ્રેરીનાં પગથિયાં પર તેમણે ધરણાં શરૂ કર્યાં હતાં.

તેમની પાસે અગાઉનાં વિરોધપ્રદર્શનનાં પાટિયાં હતાં. એ પાટિયાંની પાછળ તુબાએ લખ્યું હતું કે 'મૌન વિરોધ' અને આયશાએ લખ્યું હતું 'તાનાશાહી નહીં ચલેગી'.

બન્ને બહેનો કલાકો સુધી ધરણાં પર બેઠાં રહ્યાં હતાં. એ બહેનોના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીના વડા તેમની પાસે આવ્યા હતા અને તેમને ચેતવણી આપી હતી.

બહેનોએ તેમને જણાવ્યું હતું કે તેઓ કશું ગેરકાયદેસર કરતાં નથી. ચાર અને તેથી વધુ વ્યક્તિના એકત્ર થવા પર પ્રતિબંધ લાદતી કલમ 144 અલીગઢમાં અમલી બનાવાઈ હતી. એ માત્ર બે છોકરીઓ હતી.

તુબાએ કહ્યું હતું, "અમે હાર માની લીધી અને ચૂપ રહ્યાં એમ કોઈ વિચારે એવું અમે નથી ઇચ્છતા. એક વિદ્યાર્થી અડગ હશે ત્યાં સુધી વિરોધપ્રદર્શન જીવંત રહેશે."

હિજાબ પહેરી પોલીસને પડકાર

આ મહિલાઓ પૈકીની મોટા ભાગની તરવરાટભરી યુવતીઓ છે.

તેઓ સ્પષ્ટ વક્તા છે, શાંત છે અને કહે છે કે માત્ર મહિલાઓ જ આ વિરોધપ્રદર્શનને આગળ ધપાવી શકશે, કારણ કે જેને પોતાનો આગવો અવાજ ન હોય અને લાંબા સમયથી દમનનો ભોગ બનેલી માનવામાં આવે છે એ મુસ્લિમ મહિલાઓ સાથે કઈ રીતે કામ પાર પાડવું એ સરકાર જાણતી નથી.

ઘણા કહે છે કે મહિલાઓએ જાતે એકઠાં થઈને વ્યાપક વિરોધપ્રદર્શન કર્યું હોય તેવું પહેલી વાર 2012માં બળાત્કારવિરોધી ચળવળ વખતે થયું હતું.

જોકે, મુસ્લિમ મહિલાઓની બાબતમાં એવું 2002નાં ગોધરા રમખાણ પછી શરૂ થયું હતું.

કર્મશીલ તથા માનવાધિકાર કાર્યકર શબનમ હાશમીના જણાવ્યા મુજબ, "ઘણી મહિલાઓ હત્યાઓના વિરોધમાં બહાર આવી હતી અને કેટલીક હજુ એ લડાઈ લડી રહી છે."

બુરખાઓમાં રહીને તેઓ એવાં મહિલાઓ તરીકે ઓળખ પાછી મેળવી રહ્યાં છે જેઓ પોતે મુસ્લિમ છે એવું કહેવા માટે ડરતાં કે શરમ અનુભવતાં નથી.

એ પૈકીનાં ઘણાં મહિલાઓ કહે છે કે ધર્મે તેમના પર હિજાબ લાદ્યો નથી, પણ તેમણે હિજાબની પસંદગી કરી છે.

હિજાબમાં રહીને પોલીસને પડકારતી, આકરા શિયાળા અને પોલીસદમનના સમાચાર છતાં પાટિયાં પકડીને રાત-દિવસ વિરોધપ્રદર્શનને ચાલુ રાખતી મહિલાઓ ફોટોગ્રાફ્સમાં જોવાં મળે છે.

શબનમ હાશ્મી કહે છે, "આ બધું અભૂતપૂર્વ છે. સ્વાતંત્ર્ય પછી લોકશાહીને સલામત રાખવા માટે મુસ્લિમ મહિલાઓ આટલા મોટા પ્રમાણમાં બહાર આવી હોય એવું મેં મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી.

"આ તો કોઈ બંધ તૂટી પડ્યો હોય એવું લાગે છે. આ હરખાવા જેવું છે, કારણ કે 25થી ઓછી વયની પેઢી બળવો કરી રહી છે. સોશિયલ મીડિયાની શક્તિને તેઓ જાણે છે અને આ વિરોધ પિતૃસત્તાક પકડ સામેનો પ્રતિકાર પણ છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંની 22 ડિસેમ્બરની રેલીમાં મહિલાઓની ઓછી હાજરી ઊડીને આંખે વળગતી હતી, પણ શેરીઓમાં મહિલાઓ મોટા પ્રમાણમાં સીએએનો વિરોધ કરતાં હતાં.

ઇન્ડિપેન્ડન્ટ વિમેન્સ ઇનિશ્યટિવ નામના એક સંગઠને જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી મહિલાઓનાં નિવેદન એકત્ર કર્યાં હતાં અને 'અનઅફ્રેડ : ધ ડે યંગ વીમેન ટૂક ધ બેટલ ઑન ધ સ્ટ્રીટ્સ' શીર્ષક હેઠળ એક રિપોર્ટ બનાવ્યો હતો.

એ સત્યશોધક ટીમના જણાવ્યા અનુસાર, 'વિરોધપ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા તેમની સામાજિક તથા રાજકીય તાકતનો ખ્યાલ આપતી હતી.'

આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર 15 ડિસેમ્બર, 2019ના રોજ નિશ્ચિત રીતે દમન કરવામાં આવ્યું હતું.'

તાજેતરમાં પસાર કરવામાં આવેલા સીએએ-2019 અને પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન્સ (એનઆરસી) સામેના વિદ્યાર્થીઓના વડપણ હેઠળના વિરોધપ્રદર્શનને કચડી નાખવાના પ્રયાસના પરિણામે સમગ્ર ભારતમાં લાખો મહિલાઓ, પુરુષો અને યુવા લોકો એકત્ર થયાં છે.

સત્ય, ન્યાય અને સમાનતાનો પોકાર કરતી યુવતીઓ જામિયા મિલિયાના આ સંઘર્ષમાં મોખરે હતી.

તેમની તસવીરોએ આપણા અંતરાત્માને છલકાવી દીધો છે. એ પૈકીની મોટા ભાગની 19થી 31 વર્ષની વયની વિદ્યાર્થિનીઓ છે.

એ પૈકીની કેટલીક પાડોશમાંની ગૃહિણીઓ પણ છે, જે ઊકળી ઊઠી છે અને મેદાનમાં આવી છે.

'હું મુસ્લિમ ઓળખની સાંકેતિક પ્રતિનિધિ બનવા ચ્છું છું'

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં હાલ કાઉન્સેલર તરીકે કાર્યરત્ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મહિલા કોલેજના 2018-19ના સત્રનાં પ્રમુખ આફરીન ફાતિમા કહે છે કે મુસ્લિમ મહિલાઓ માટે ચેતનાની શરૂઆત ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ ચુકાદાથી થઈ છે.

ફોન પર વાત કરતી વખતે તેઓ થોડાં થાકેલાં અને થોડાં ડરેલાં પણ લાગે છે. તેમનું માનસિક અને ભાવનાત્મક આરોગ્ય કથળ્યું છે તથા અત્યાર સુધીમાં તેમને ત્રણ પેનિક ઍટેક આવી ચૂક્યા છે. જામિયામાં હિંસા ફાટી નીકળી એ રાતે તેઓ કૅમ્પસમાં ફસાઈ ગયાં હતાં.

સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. ધમકીઓનું પ્રમાણ ઘણું વધ્યું છે, પણ તેઓ નીડર યુવતી બની રહ્યાં છે.

તેઓ કહે છે, "યોગી આદિત્યનાથનો ઉત્તર પ્રદેશમાં વિજય થયો ત્યારે મને પ્રત્યક્ષ જોખમ જેવું લાગ્યું હતું, કારણ કે એ વખતનાં બધાં તિરસ્કારયુક્ત ભાષણોમાં કહેવામાં આવતું હતું કે તેઓ મુસ્લિમ મહિલાઓને કબરમાંથી બહાર કાઢીને તેમના પર બળાત્કાર કરશે."

"મુસ્લિમ મહિલાઓ બહાર આવી રહી છે, કારણ કે હવે સ્થિતિ ચરમબિંદુએ પહોંચી ગઈ છે. ભય હોવા છતાં અમે ટક્કર ન આપીએ, બહાર ન આવીએ તેવું નહીં ચાલે. તેમને એવું માનવા ન દેવાય કે અમે તેમનાથી ડરીએ છીએ."

21 વર્ષની વયની આ યુવતી માને છે કે સીએએ તથા એનઆરસીના અમલ સંબંધે અનિશ્ચિત ભાવિના ભયને કારણે મુસ્લિમ મહિલાઓ આટલા મોટા પ્રમાણમાં એકત્ર થઈ રહી છે.

તેઓ કહે છે, "મુસ્લિમ પુરુષો સાથે કઈ રીતે કામ પાર પાડવું એ સરકાર જાણે છે, પણ મહિલાઓ સામે સરકાર ક્યારેય લડી નથી. અમે મહિલાઓ વિરોધપ્રદર્શન કરીશું એવી તેમને અપેક્ષા જ ન હતી."

ફાતિમા ઉત્તર પ્રદેશના અલાહાબાદનાં વતની છે. ત્યાં પ્રદર્શનકર્તાઓ પરના પોલીસદમનના સમાચાર અખબારી મથાળાંઓમાં ચમક્યા હતા.

ફાતિમાનાં માતાએ શાળાનો અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો, પણ પોતાની ત્રણેય દીકરીઓ સ્કૂલે જાય એ તેમણે નક્કી કર્યું હતું. ફાતિમાના જણાવ્યા મુજબ, એ તેમના પરિવારમાં શિક્ષણ પામેલી પહેલી પેઢી છે.

ફાતિમા કહે છે, "અમારી માતા કે દાદી-નાનીઓ શિક્ષિત ન હતી, પણ અમને લાગે છે કે એ સમાન યુદ્ધ છે અને અમે લાંબો સમય શાંત રહ્યાં છીએ."

2019માં મુસ્લિમ યુવક તબરેઝ અન્સારીની હત્યાના સમાચાર આવ્યા એ પહેલાં સુધી ફાતિમાને તેના પરિવારજનોએ ક્યારેય હિજાબ પહેરવા કહ્યું નહોતું અને ફાતિમાએ ક્યારેય હિજાબ પહેર્યો પણ ન હતો.

ફાતિમા કહે છે, "મુસ્લિમ મહિલાનો પોતાનો આગવો અભિપ્રાય નથી હોતો કે તેમના અભિપ્રાયને ક્યારેય ગણતરીમાં લેવાતો નથી એ બધી ખોટી માન્યતાઓ છે. હું મુસ્લિમ ઓળખની સાંકેતિક પ્રતિનિધિ બનવા ઇચ્છું છું."

CAA વિરોધી પ્રદર્શનમાં મહિલા ફેક્ટર

મોહમ્મદ સજ્જાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવે છે.

સજ્જાદ માને છે કે જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોટા ભાગે મહિલાઓના વડપણ હેઠળની સીએએ અને એનઆરસીવિરોધી ચળવળે મૌલવીઓ, બિનસાંપ્રદાયિક, ડાબેરી, ઉદારમતવાદી કે સામ્યવાદીઓના પૂર્વ-કલ્પિત નેતૃત્વને પાછળ છોડી દીધું છે.

સજ્જાદ કહે છે, "નાગરિકતાના મુદ્દે મુસ્લિમ મહિલાઓ લડી રહી છે અને એ સંદર્ભમાં તેઓ લઘુમતી નથી. તેઓ પોતાની ઓળખ સાથે બહાર આવી રહી છે અને તેઓ આત્મવિશ્વાસસભર, હોશિયાર અને નિશ્ચિંત છે."

આધુનિક શિક્ષણ, સોશિયલ મીડિયા અને જાગૃતિને કારણે મુસ્લિમ મહિલાઓમાં એક રાજકીય વર્ગ સર્જાયો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમનું પ્રમાણ 30 ટકાથી વધારે છે, જ્યારે પોસ્ટ-ગ્રૅજ્યુએટ અભ્યાસક્રમોમાં તેમનું પ્રમાણ 50 ટકાથી વધારે છે.

નાગરિકતાનો મુદ્દો મહિલાઓને વધારે સ્પર્શે છે, કારણ કે લગ્ન બાદ તેમણે અટક બદલવી પડતી હોય છે અથવા તેમના પતિ સ્થળાંતર કરીને ભારત આવ્યા હોય એ શક્ય છે. તેથી દસ્તાવેજીકરણ તેમના માટે સમસ્યા બની શકે છે.

સીએએના વિરોધમાં થતાં પ્રદર્શનોમાં મહિલા ફેક્ટર મહત્ત્વનું છે. સજ્જાદ કહે છે, "મહિલાઓ સરકારના નૈતિક બળને પડકારે છે. આ વ્યૂહરચનાનો એક હિસ્સો પોલીસદમનનો સામનો કરવાના હેતુસરનો છે."

'ક્રાંતિકારી' મુસ્લિમ મહિલાઓ

અત્યાર સુધી જેમને ખુશખુશાલ બહેનો ગણાવવામાં આવતી હતી એ આયશા અને તુબા હવે 'ક્રાંતિકારી' બની ગઈ છે અને એ આજના સમયની જરૂરિયાત છે, એવું તેઓ કહે છે.

બુધવારે સવારે પાઠવેલા ટેક્સ્ટ મૅસેજમાં તુબાએ લખ્યું હતું : 'હેપ્પી ન્યૂ યર. વિરોધપ્રદર્શન હજુ ચાલુ છે. અમે બાબે સૈયદ ગેટ પર ફરી પહોંચી ગયાં છીએ અને ત્યાં સુધી અહીં રહીશું જ્યાં સુધી...'

બન્ને બહેનોના ઘરે બે વધુ નોટિસ મોકલીને જણાવવામાં આવ્યું છે કે ધરણાં પર બેસીને બન્ને હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જોકે, બન્ને બહેનોનો વિરોધનો નિર્ધાર યથાવત્ છે.

એ સત્તાનો અનાદર અને પડકાર છે. આકરી ઠંડી, ટિયરગેસ, ધરપકડો, સરકાર અને પિતૃસત્તા હોવા છતાં એ નિર્ધાર યથાવત્ છે.

એક પાટિયામાં લખેલો રાહત ઇન્દોરીનો શેર કહે છે તેમ :

"ન હમસફર ન કિસી હમનશીં સે નિકલેગા,

હમારે પાંવ કા કાંટા હમીં સે નિકલેગા"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો