You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર પથ્થરમારો : નનકાના સાહિબમાં શું ઘટ્યું હતું?
પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા ઉપર ઉગ્ર ભીડ દ્વારા પથ્થરમારાની ઘટના બહાર આવી છે.
ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને નનકાના સાહિબ ઉપર હુમલાની ટીકા કરી છે અને પાકિસ્તાનના શીખોની સલામતી, સુરક્ષા તથા ક્ષેમકુશળતા માટે જરૂરી પગલાં લેવા આહ્વાન કર્યું છે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનમાં લઘુમતી શીખ સમુદાય ઉપર થતાં અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી.
પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંઘે આ મામલે દખલ દેવા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે.
સિંઘે ટ્વિટર પર લખ્યું, 'હું ખાનને અપીલ કરું છું કે ત્યાં ફસાયેલાં શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢવા તથા ઐતિહાસિક ગુરૂદ્વારાને બચાવવા માટે ઇમરાન ખાન દખલ દે.'
નનકાના સાહિબમાં શું થયું?
પાકિસ્તાનના પંજાબના શહેર નનકાના સાહિબમાં શુક્રવારે એક સામાન્ય ઝઘડા બાદ ઉગ્ર ભીડે ગુરુદ્વારા નનકાના સાહિબ બહાર આશરે ચાર કલાક સુધી પ્રદર્શન કર્યું.
જ્યારે દૂધ-દહીંની દુકાન પર થયેલા ઝઘડાને અન્ય એક જૂની ઘટના સાથે જોડીને ધાર્મિક રંગે રંગવાનો પ્રયાસ થયો એ પછી આ પ્રદર્શન શરૂ થયું.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં નનકાના સાહિબના એક શીખ પરિવારે છ લોકો પર તેમની 19 વર્ષીય દીકરી જગજીત કૌરનું અપહરણ કરીને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવીને મુસ્લિમ યુવક સાથે પરણાવી દેવાનો આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે એ પછી પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ લાહોરની અદાલતમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 અંતર્ગત નિવેદન આપ્યું હતું કે તેમણે 'કોઈ દબાણ વગર, પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે અને મહમદ એહસાન નામના યુવક સાથે લગ્ન કર્યાં છે.'
પંજાબી શીખ સંગતના ચૅરમૅન ગોપાલસિંઘ ચાવલા ઘટના ઘટી એ વખતે ગુરુદ્વારામાં હાજર હતા.
તેમણે બીબીસી ઉર્દૂના સંવાદદાતા આઝમ ખાનને જણાવ્યું કે નાની ઉંમરના લોકોના એક ઉગ્ર ટોળાએ ગુરુદ્વારાના પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડ્યું.
ગોપાલસિંઘ પ્રમાણે એ વખતે ગુરુદ્વારામાં અંદાજે 20 લોકો હાજર હતા જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં.
જ્યારે પાકિસ્તાનનાં ગૃહમંત્રી એઝાઝ શાહ જેઓ આ વિસ્તારમાંથી જ છે, તેમણે બીબીસી સંવાદદાતા શહઝાદ મલિકને કહ્યું કે એક વ્યક્તિગત ઝઘડાને ધાર્મિક રંગે રંગવાનો પ્રયાસ થયો છે.
તેમણે કહ્યું કે વીડિયોમાં જે વ્યક્તિ નારા લગાવતી દેખાઈ રહી છે તેઓ ધાર્મિક ઝોક ધરાવે છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે ગણતરીના લોકો જ પ્રદર્શન કરી રહ્યા હતા, ભીડમાં મોટી સંખ્યામાં તમાશબીન હતા.
જ્યારે ગોપાલ ચાવલાએ જણાવ્યું કે જિલ્લા નનકાના સાહિબની પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધી છે.
જોકે એ પછી ગુરુદ્વારામાં હાજર લોકોને સુરક્ષિત રાખવા માટે પોલીસે ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરી દીધા, જેના પછી પ્રદર્શનો સિલસિલો અટકી ગયો.
ગોપાલસિંઘનું કહેવું છે કે 'આજથી ગુરુદ્વારા નનકાના સાહિબમાં ગુરુ ગોવિંદસિંઘના જન્મદિવસ સમારોહની શરૂઆત થઈ રહી છે.'
તેમણે એવું પણ કહ્યું હતું કે પોલીસ અને તંત્ર દ્વારા શીખ સમુદાયની સુરક્ષા અંગે પગલાં લેવામાં આવ્યાં છે, આ ઘટનાને ધાર્મિક મુદ્દા તરીકે રજૂ કરીએ તો તે યોગ્ય નહીં હોય.
નનકાના સાહિબનું મહત્ત્વ
નનકાના સાહેબ ખાતે ગુરૂનાનક દેવનો જન્મ થયો હતો. હવે તે પાકિસ્તાનમાં છે. તે લાહોરથી દોઢ કલાકના અંતરે આવેલું છે.
દરવર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે જાય છે.
પ્રકાશપર્વ એટલે ગરૂનાનક જયંતી નિમિતે અહીં વિશેષ ભીડ જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો