ભારતીય મૂળના મેમણોએ પાકિસ્તાનમાં કઈ રીતે પ્રગતિ સાધી?

    • લેેખક, આયશા ઇમ્તિયાઝ
    • પદ, બીબીસી ટ્રાવેલ

કરાચીની એક સંપન્ન શેરીમાં જ્યારે હું મારી ગાડી પાર્ક કરવા માટે જગ્યા શોધી રહી હતી, ત્યારે એક શાનદાર હવેલી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ.

મારાં ભાભીએ કહ્યું કે રોડની બીજી બાજુ પણ બિલકીસ સુલેમાન દીવાનની આવી જ એક મોટી હવેલી છે.

તેઓ મેમણ (સુન્ની મુસ્લિમોની ઉપ-જાતિ) છે અને ભાભી સાથે કામ કરતાં હતાં. અમે લોકો તેમને મળવા માટે જ આવ્યાં હતાં.

હવેલીની અંદર વિશાળ લોન, સુંદર ઝાડ-ઝાડીઓ અને અંગ્રેજોના સમયના વાસ્તુશિલ્પ વૈભવના સંકેતો આપી રહ્યા છે, પરંતુ અંદર આવું કંઈ જ નહોતું.

અમે મુખ્ય દરવાજામાંથી અંદર જતાં રહ્યાં. ત્યાં અમે એક સાધારણ રૂમમાં પહોંચ્યાં, જેમાં સિલાઈ-મશીન, સોફા અને જૂના ફ્રીઝ સહિત ઘણી વસ્તુઓ દેખાઈ રહી હતી.

દીવાન અને તેમનાં બહેન પાસે પુષ્કળ સંપત્તિ છે. તેઓ બૉટલ બનાવવાના એક પ્લાન્ટના માલિક છે.

તેમના દિવંગત પિતા ફળ-નિકાસ કંપની વિરાસતમાં મૂકી ગયા હતા. પરંતુ આ પરિવાર પોતાનો સમય હવેલીના વિશાળ હૉલમાં નથી પસાર કરતો, બલકે તેઓ તો એક સામાન્ય રહેણાક વિસ્તારમાં રહે છે.

હવેલીનો એક મોટો ભાગ પ્રાઇવેટ સ્કૂલને ભાડે આપી દેવાયો છે જ્યાં દીવાન અને મારાં ભાભીએ બે દાયકા કરતાં વધારે સમય સુધી કામ કર્યું હતું.

હું વિચારમાં પડી ગઈ કે આટલી સંપત્તિ હોવા છતાં આટલી બધી કંજૂસાઈ કેમ?

દીવાન અને તેમનો પરિવાર જ આવો નથી. કરાચીનો સમગ્ર મેમણ સમુદાય ખૂબ જ કરકસર સાથે ગુજરાન ચલાવે છે અને આ વાત પર ગર્વ પણ અનુભવે છે.

પૈસાથી ઓળખ

મેમણ સમુદાય માટે પૈસા તાકાતનું માધ્યમ છે અને તેઓ ગમે તે ભોગે તેની સુરક્ષા કરે છે. આ વાત તેમની ઓળખ સાથે જોડાયેલી છે.

કરાચીના મેમણ ભારતમાં રહેતા મેમણ સમુદાયથી વર્ષ 1947માં વિભાજનના સમયે છૂટા પડ્યા હતા.

ભારતમાં રહેનાર મેમણ પોતાના પરંપરાગત કારોબાર અને ઉદ્યોગ-ધંધા ચલાવતા રહ્યા.

પરંતુ પોતાના મૂળથી વિસ્થાપિત થઈને કરાચીમાં જઈ વસેલા મેમણ સમુદાયના લોકોએ નવી શરૂઆત કરવી પડી.

વિભાજનના કારણે તેમના પરિવારોની સ્થિતિને દાયકાઓ પાછળ ધકેલી દીધી.

દિવંગત મેમણ ઉદ્યોગપતિ અને સમાજસેવક અહમદ દાઉદની પૌત્રી અનિલા પારેખ જણાવે છે :

"મારા દાદા ઉઘાડા પગે પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમણે પહેલાં મજૂરી કરી. પછી ધીમેધીમે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને આગળ વધાર્યું. બાળપણથી જ અમને મહેનતની કમાણીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું."

અનિલા જણાવે છે, "આ અમારા જીવનનો એક ભાગ છે. અમે આ પ્રકારે જ બચીને રહ્યા છીએ અને અમે (સમાજને) પરત આપતા આવડે છે."

તાકાતવાર જ્ઞાતિ

કરાચીના મેમણ લોકો માટે જમા કરેલો એક-એક પૈસો કિંમતી છે. તેઓ પાકિસ્તાનના ઘણા ઉદ્યોગો પર નિંયત્રણ ધરાવે છે. જેમ કે, કાપડઉદ્યોગ, શિક્ષણ ક્ષેત્ર અને ખાતર ઉદ્યોગ.

પરંતુ પૈસા પ્રત્યે તેમનું સન્માન ઘટ્યું નથી. આ વારસાની સુરક્ષા કરી તેઓ ગૌરવ અનુભવે છે.

કરાચીના પ્રખ્યાત ઍકેડેમિયા સિવિટાસ ઍન્ડ નિક્સર કૉલેજના ડીન નદીમ ગની જણાવે છે કે, "ખર્ચ કરો, પરંતુ બરબાદી ન કરશો."

કરાચીના મેમણ કાં તો ઓછામાં ગુજરાન ચલાવે છે, કાં તો બિનજરૂરી ખર્ચ કરતી વખતે સાવધાન રહે છે.

બચત તેમના માટે આવનાર મુશ્કેલીભર્યા સમય માટેના વીમાસમાન તેમજ ભૂતકાળની કઠિન પરિસ્થિતિઓ પ્રત્યે આદરપૂર્વક અંજલિ માફક છે.

સમુદાયના તમામ સભ્યો પોતાનાં સંસાધનો તરફ શ્રદ્ધાની દૃષ્ટિએ જુએ છે. તેમની પાસે જે કંઈ છે તેની પર તેઓ ગર્વ અનુભવે છે અને શક્ય હોય ત્યાં સુધી તેમાં વધારો કરવાના પ્રયત્ન કરે છે.

કરાચીમાં રહેતાં મેમણ હીરા ખત્રી જણાવે છે કે મોટાં ભાગનાં મેમણ ઘરોમાં જૂનાં કપડાં પરિવાર અને સંબંધીઓને આપવાની પરંપરા છે.

ભાઈ-બહેન તેમજ સમોવડિયા કાકા-મામા પણ એકબીજાનાં જૂનાં કપડાં પહેરી લે છે.

બિનજરૂરી ખર્ચ પર દંડ

રૂમની બહાર જતી પખતે દરેક ઘરમાં લાઇટ અને પંખા બંધ કરી દેવાય છે, પરંતુ મેમણ પરિવારમાં આવું ન કરનારને દંડ આપવામાં આવે છે.

બાળકોને જવાબદાર બનવાનું અને હિસાબમાં પાવરધા બનવાનું શીખવાડવામાં આવે છે.

હીરા ખત્રી પોતાના પરિવારના નિયમો વિશે જણાવે છે, "આખા મહિનાના રૅશનના પૈસા માત્ર સ્નેક્સ પર ખર્ચ કરવા માટે નહોતા."

"એના માટે અમારે પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા પડતા હતા. ભૂલ કરવા બદલ અમે દંડ પણ ભર્યો છે."

"ટૉઇલેટ ફ્લશ કરવું કે લાઇટ બંધ કરવાનું ભૂલી જવાના કારણે 15 પાકિસ્તાની રૂપિયા આપવા પડ્યા હતા. દંડની આ રકમમાંથી ઇન્ટરનેટ કનેક્ષન માટેના બિલની ચુકવણી કરવામાં આવતી."

ઝીરો વેસ્ટ આંદોલન

મેમણ લોકોની જીવનશૈલી આજકાલ ચાલી રહેલા ઝીરો વેસ્ટ આંદોલન સમાન છે. જેનો મૂળમંત્ર છે - ખર્ચ ઓછું કરો, ફરી વાર ઉપયોગ કરો અને રિસાઇકલ કરો.

આ આંદોલન અમુક દાયકા પહેલાં જ પ્રખ્યાત થયું હતું, પરંતુ મેમણ પરંપરાઓમાં તે સદીઓથી જીવિત છે.

ગની જણાવે છે કે બસ તેમની પાસે આ માટે કોઈ નારો નહોતો.

મેમણ ઘરોમાં ભોજન તરીકે મોસમી અને સ્થાનિક ફળ-શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજન પણ જરૂરિયાત અનુસાર જ બનાવાય છે, જેથી ભોજનનો બગાડ ન થાય.

પારેખ રાત્રિના ભોજનમાં એક શાકભાજી અને માંસનું કોઈ એક વ્યંજન બનાવે છે. આના કરતાં વધારે કંઈ પણ રાંધવામાં આવે તો તેમણે ભોજન વેડફવા બદલ જવાબ આપવો પડે છે.

પારેખ અને વીડિયો ફોટોગ્રાફર મનાહિલ અશફાક પ્રમાણે સાવધાનીપૂર્વક શાકભાજીની પાતળી છાલ ઉતારવાનું કામ ગર્વની વાત હોય છે, કારણ કે આવું કરવાથી વેડફાટ ઘટે છે.

સસ્તાં અને ટકાઉ કપડાં

ગની જણાવે છે કે, "મેમણ ક્યારેય દેખાડો કરવા માટે ખર્ચ નથી કરતા. તેમના પગ હંમેશાં જમીન પર જ રહે છે."

તેઓ એક અઠવાડિયા માટે વિદેશમાં હતા. તેમના 18 વર્ષના છોકરાને તેઓ અમેરિકાની આઈવી લીગ સ્કૂલ બતાવવા માટે લઈ ગયા હતા.

પ્રિંસ્ટનમાં પણ તેમણે વૉલ-માર્ટમાંથી ખરીદેલાં કપડાં પહેર્યાં, કારણ કે એ કપડાં ટકાઉ હતાં અને સંપૂર્ણપણે કિંમત વસૂલી આપે તેવાં હતાં.

મેમણ સમુદાયના ભોજનની પરંપરાઓમાં સાદાઈનાં વખાણ કરતાં ગની કહે છે કે, "અમે અમારી છબિની ચિંતા કર્યા વગર મહત્તમ ઉપયોગ વિશે વિચારીએ છીએ."

અમારા માટે ભૂખ વધારનાર મફત કૂપનનો ઉપયોગ ન કરવો અસામાન્ય હશે. ભલે એ પ્રથમ ડેટનો દિવસ હોય કે પછી લગ્નનાં વર્ષો બાદનો.

મોંઘાંદાટ લગ્ન

મેમણ સમુદાયનાં લગ્ન ખૂબ જ ખર્ચાળ હોય છે જેમાં સામાન્યપણે 10-કોર્સ મેનુ હોય છે. વધૂનો ડ્રેસ 10 લાખ પાકિસ્તાની રૂપિયા (5000 પાઉન્ડ) જેટલો મોંઘો હોય શકે છે.

આ લગ્નો તેમની કંજૂસાઈ સાથે બંધબેસતાં નથી. લગ્ન સમયે તેઓ પોતાના મહેમાનોનું ધ્યાન રાખે છે એ કારણે તેમાં તેઓ કોઈ કંજૂસાઈ કરતા નથી.

મેમણ લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.

આ વિરોધાભાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ અંગે મેમણ પ્રૉફેશનલ ફોરમના અધ્યક્ષ મોશિન અદી જણાવે છે કે, "લગ્નપ્રસંગ સંબંધ બનાવવાની અને બ્રાન્ડિંગ કરવાની તક હોય છે."

તો શું લગ્નમાં મહેમાનોને આ બધું જોઈને આમંત્રણ આપવામાં આવે છે? કદાચ હા. પરંતુ આ લગ્નોમાં ઉદારતા પણ જોવા મળે છે.

મેમણ જે પ્રામાણિકતા સાથે મુક્તમને બચત અને પૈસા વિશે વાતો કરે છે એ વાત તેમને અન્યોથી તદ્દન અલગ તારવે છે.

પારેખ જણાવે છે, "અમારાં ઘરોમાં જ્યારે પુરુષો જમવા બેસે છે ત્યારે તેઓ પૈસા વિશે વાતો કરે છે."

"પુરુષો કારોબારમાં રોકાણ કરીને બચત કરે છે. મહિલાઓ સોનું કે બચત પ્રમાણપત્ર ખરીદીને પૈસા બચાવે છે. અમે બધા બચત કરીએ છીએ, કારણ કે અમે બધા જાણીએ છીએ કે ભવિષ્યમાં શું થશે."

પારેખનાં બાળકો 32 અને 27 વર્ષનાં છે. તેમ છતાં તેઓ દર મહિનાની પહેલી તારીખે તેમના દરવાજા આગળ ખડાં થઈ જાય છે, જેથી તેઓ તેમની આવકનો મોટો ભાગ લઈને (તેમના માટે) રોકાણ કરી શકે.

બચત બની ગઈ છે ટેવ

બિલકીસ સુલેમાન દીવાનના ઘરે એ દિવસનો શબ્દ હતો, "બરબાદી"

મારાં ભાભી હજ પરથી પાછાં ફર્યાં હતાં અને ત્યાંથી પ્રાર્થના માટેની ચટાઈ, ખજૂર અને તસબીહ લઈ આવ્યાં હતાં. દીવાને તેમને જોતા જ કહ્યું કે બે ચટાઈની જરૂર નહોતી.

વાળની મેંદીની ચર્ચા થઈ તો મારાં ભાભીએ કહ્યું કે ઘેરા રંગ માટે તેઓ ત્રણ ચમચી ચાની ભૂકી તેમાં ઉમેરે છે.

દીવાન કહે કે, "ઉપયોગ કર્યા વગરની ચાની ભૂકી? આ તો બરબાદી છે."

પરંતુ જ્યારે વિદાય લેવાની વાત આવી, ત્યારે મેજબાને મહેમાનને ખાલી હાથ પાછા ફરવા ન દીધા.

તેમણે મને સ્ટાયરોફોમ કપમાં ભરીને આમલીની જડ આપી, જે મારી ઉધરસ ઠીક કરવા માટે હતી. આ જડ પણ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવી હતી, જેથી સસ્તી પડે.

મોટી હવેલીને ભાડે આપી તેમણે પોતાના માટે ઘરનો નાનકડો ભાગ રાખ્યો છે. ત્યાં ટેબલને ખસેડીને અમે દરવાજા તરફ આગળ વધ્યાં.

તેમના છેલ્લા શબ્દો એકદમ સ્પષ્ટ હતા, "રૂમમાંથી બહાર જતાં પહેલાં લાઇટ બંધ કરી દેજો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો