You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું મુસ્લિમ દેશોનું સંગઠન OIC ભારતની વિરુદ્ધ જશે?
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ રવિવારે કહ્યું કે ભારતનો નવો નાગરિકતા કાયદો મુસલમાન વિરોધી છે અને તેના પર ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉઑપરેશન યાને કે ઓઆઈસીએ અવાજ ઉઠાવવો જોઈએ.
ઓઆઈસી ઇસ્લામિક દેશોનું સંગઠન છે અને તેના પર સાઉદી અરેબિયા તથા તેના સહયોગી દેશોનું પ્રભુત્વ છે.
પાકિસ્તાનના મુલતાન પ્રાંતમાં એક પત્રકારપરિષદને સંબોધન કરતાં કુરેશીએ કહ્યું કે ઓઆઈસીએ કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન અને નાગરિકતા સંશોધન કાયદાનો અસરકારક વિરોધ કરવો જોઈએ.
કુરેશીએ કહ્યું કે આ તેમણે અન્ય ઇસ્લામિક રાષ્ટ્રના વિદેશપ્રધાનો સાથે વાત કરી છે અને ઓઆઈસીના સભ્યદેશોના વિદેશપ્રધાનોની બેઠક અંગે પ્રસ્તાવ આપ્યો હતો, જેના ઉપર સકારાત્મક પ્રતિસાદ સાપડ્યો છે.
રવિવારે 'રેડિયો પાકિસ્તાન' ઉપરથી પ્રસારિત રિપોર્ટ પ્રમાણે, CAA તથા ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકાર ભંગ મુદ્દે એપ્રિલ-2020માં ઇસ્લામાબાદ ખાતે એક બેઠક મળશે.
મોદી સરકાર પર નિશાન
કુરેશીએ દાવો કર્યો હતો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારત બિનસાંપ્રદાયિક તથા હિંદુત્વ એમ બે વિચારધારામાં વહેંચાઈ ગયું છે.
કુરેશીએ કહ્યું, "ભારતનો લઘુમતી સમુદાય તથા ભણેલ-ગણેલ હિંદુઓ મુસ્લિમવિરોધી CAAનો વિરોધ કરે છે."
"11મી ડિસેમ્બરે આ કાયદો બન્યો, તે પછી ભારતભરમાં વિરોધપ્રદર્શન થયાં, જેમાં અત્યારસુધીમાં 25 લોકોનાં મૃત્યુ થયાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ કાયદાની ટીકા કરનારાઓનું કહેવું છે કે તે મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. દુનિયાભરના અખબારોએ આ કાયદાની ટીકા કરી છે."
કુરેશીએ ઉમેર્યું, "ભારતના પાંચ રાજ્યના મુખ્ય મંત્રીઓએ આ કાયદાને લાગુ કરવાનો ઇન્કાર કરી દીધો છે. મેં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદને કાશ્મીર અંગે અનેક પત્ર લખ્યા છે."
પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન'ના અહેવાલ પ્રમાણે, સાઉદી અરેબિયાના વિદેશપ્રધાન ફૈસલ બિન ફરહાન અલ સાઉદ ગત અઠવાડિયે પાકિસ્તાન ગયા હતા, ત્યારે આ બેઠક અંગે સહમતી સધાઈ હતી.
તા. 19-20 ડિસેમ્બરના મલેશિયાના કુઆલાલલ્મપુર ખાતે શિખર મંત્રણા યોજાઈ હતી, પરંતુ સાઉદીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ત્યા જતા અટકાવ્યા હતા. ત્યારબાદ જ સાઉદીના વિદેશમંત્રી પાકિસ્તાન ગયા હતા.
પાકિસ્તાનની OIC ઉપર આશ
પાકિસ્તાને મલેશિયામાં આયોજિત શિખર મંત્રણામાં ભાગ ન લેવા અંગે કારણ આપતાં જણાવ્યું હતું કે તે ઇસ્લામિક રાષ્ટ્રો વચ્ચે સેતુ બનવા માગે છે અને કોઈપણ પ્રકારનો ટકરાવ નથી ઇચ્છતું.
બાબરી મસ્જિદ ચુકાદા, CAA અને કાશ્મીર અંગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું :
"ભારતમાં જે કંઈ ઘટી રહ્યું છે, તેની ઉપર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અનેક એવી બાબતો ઘટી છે, જેનાથી લઘુમતી સમુદાય પ્રભાવિત થયો છે."
"નાગરિકતાના અધિકાર તથા બાબરી મસ્જિદ કેસ અંગે અમે ચિંતિત છીએ. અમે ફરી કહીએ છીએ કે ભારતમાં મુસલમાન તથા તેમના પવિત્રસ્થળોની સુરક્ષા થવી જોઈએ."
ઓઆઈસીએ કહ્યું હતું કે કોઈ પણ જાતના પક્ષપાત વગર સંયુક્ત રાષ્ટ્રોના નિયમો અને જવાબદારી મુજબ લઘુમતીઓને સુરક્ષા મળવી જોઈએ. જો એમ ન થયું તો આ વિસ્તારની સુરક્ષા અને સ્થિરતા ઉપર ગંભીર અસર પડશે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે પ્રયાસરત છે. શનિવારે ખાને કહ્યું હતું :
"હાલમાં અમેરિકામાં પાકિસ્તાનની સરખામણીએ ભારતની લોબી વધુ સશક્ત છે. ભારતના લોબિંગને કારણે હંમેશા પાકિસ્તાનનો પક્ષ દબાય જાય છે."
"પરિણામસ્વરૂપે અમેરિકાની નીતિઓમાં પાકિસ્તાન કરતાં ભારતનું પલડું હંમેશા ભારે રહે છે."
ઓઆઈસીની ભૂમિકા ઉપર સવાલ
ઑગસ્ટ-2019માં ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો, ત્યારે ઓઆઈસીએ મહદંશે મૌન જાળવ્યું હતું.
જોકે તુર્કી તથા મલેશિયાએ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં ભારતની ટીકા કરી હતી.
અનુચ્છેદ-370ની નાબૂદી મુદ્દે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને સાથ નથી આપ્યો, જ્યારે સંયુક્ત આરબ અમિરાતે તેને ભારતની 'આંતરિક બાબત' ગણાવી હતી.
માર્ચ-2019માં યુએઈસીએ ઇસ્લામિક રાષ્ટ્ર સંગઠનના વિદેશપ્રધાનોની બેઠકમાં ભારતનાં તત્કાલીન વિદેશપ્રધાન સુષમા સ્વરાજને આમંત્રણ આપ્યું હતું, જેની સામે પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાનના નેતાઓને લાગે છે કે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં OICએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને બિલકુલ સમર્થન નહોતું આપ્યું.
બીજી બાજુ, તુર્કી, ઇરાન અને મલેશિયા ઓઆઈસીને પડકાર આપવા માગે છે. તેમનું માનવું છે કે મુસ્લિમજગતની લાગણીને સમજવામાં તથા તેને વાચા આપવામાં સાઉદી અરેબિયા નિષ્ફળ રહ્યું છે.
ઇસ્લામિક રાષ્ટ્ર સંઘ
સાઉદી અરેબિયા OIC મારફત મુસ્લિમજગત ઉપર રાજકીય તથા ડિપ્લોમૅટિક વર્ચસ્વને જાળવી રાખવા માગે છે.
જો ઈરાન, મલેશિયા તથા તુર્કીના પ્રયાસ સફળ રહ્યા, તો આગામી સમયમાં ઓઆઈસીની પ્રાસંગિકતા ઉપર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થશે.
પાકિસ્તાનને લાગે છેકે ભારત સાથે સાઉદી અરેબિયાના હિત સંકળાયેલ છે એટલે તે કાશ્મીર મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યું છે.
14મી ઑગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની ઍસેમ્બ્લીને સંબોધિત કરતા કહ્યું હતું કે દુનિયાના સવા અબજ મુસલમાન સંગઠિત છે, પરંતુ કમનસીબે શાસક ચૂપ છે.
ઇમરાન ખાન સતત પણે કાશ્મીર મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રોને સંગઠિત થવા અપીલ કરતા રહ્યા છે. દરમિયાન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે સાઉદી અરેબિયાની સરકારી કંપની 'અરામકો' ભારતમાં સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ કરશે.
આ કંપની ઉપર સાઉદી અરેબિયાના રાજાનું સીધું પ્રભુત્વ છે. અંબાણીની આ જાહેરાત ઇમરાનખાનની અપેક્ષાથી બિલકુલ વિપરીત હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો