નિર્ભયા ગૅંગરેપ અને હત્યા કેસ : અપરાધીઓને ફાંસી ક્યારે થઈ શકે છે?

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓનો કેસ લગભગ પૂર્ણ થઈ જવા આવ્યો છે. આ ચારેય ઉપર ગૅંગરેપ અને હત્યાનો કેસ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ મામલે એક આરોપીની ફાંસી પર પુન:વિચારની અરજીને રદ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર.ભાનુમતિનાં અધ્યક્ષતાપદે ત્રણ સભ્યોની પીઠે આ અરજીને રદ કરતાં કહ્યું, "અમે દોષી સાબિત થયેલાં અક્ષય કુમારની અરજી રદ્દ કરીએ છીએ. તેમની અરજી પર બીજીવખત વિચાર કરવા જેવું કાંઈ નથી."

અરજી રદ કરનાર પીઠમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.એસ.બોપન્ના પણ હતા.

હવે આ ચાર દોષિતો અક્ષય કુમાર, પવન ગુપ્તા, વિનય શર્મા અને મુકેશ સિંહને એક મહિનાની અંદર પોત-પોતાની ક્યૂરેટિવ પિટિશન કરવાની રહેશે. ચારેય દોષિતોની પાસે આ છેલ્લો કાયદાકીય સહારો બચ્યો છે.

એ પછી તેમની પર એક છેલ્લો બંધારણીય રસ્તો બચે છે અને તેઓ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી મોકલી શકે છે.

જઘન્ય આરોપનો કેસ

ભારતીય કાયદાઓના જાણકાર અને વરિષ્ઠ વકીલ માને છે કે આ મામલામાં ચારેય દોષિતોને જલ્દી ફાંસી થશે. આ ચારેય દોષિતોની પુનઃવિચાર અરજીને રદ કરી દેવામાં આવી છે અને હવે ક્યૂરેટિવ અને દયાની અરજી બે વિકલ્પ બાકી છે.

માનવામાં આવે છે કે આ બંને વિકલ્પોમાં પણ દોષિતોને કોઈ રાહત નહીં મળે કારણ કે આ ઘટનાને ખૂબ જ જઘન્ય આરોપની શ્રેણીમાં મૂકવામાં આવી છે. નિર્ભયા કેસે આખા દેશને હચમચાવી દીધો હતો.

પૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મોહન પરાસરન કહે છે, "એ માનવામાં આવી રહ્યું છે કે આવનારા ત્રણ-ચાર મહિનામાં ચારેય દોષિતોને ફાંસી થઈ જશે."

પરાસરને બીબીસીને કહ્યું, "તેમને જલ્દી ફાંસીની સજા થઈ જશે. કારણ કે તેમની પુનઃવિચારની અરજીને રદ થઈ ગઈ છે. મારા વિચાર મુજબ આ કેસમાં થયેલી બર્બરતાને જોઈને તેમની ક્યૂરેટિવ પિટીશન અને દયાની અરજી પર પણ ધ્યાન આપવામાં નહીં આવે."

વરિષ્ઠ વકીલ અને પૂર્વ અતિરિક્ત સૉલિસિટર જનરલ કે.સી.કૌશિકનું માનવું છે કે, આવનારા બે ત્રણ મહિનામાં દોષિતોને ફાંસીની સજા આપવામાં આવશે.

તે કહે છે, "મારા વિચાર પ્રમાણે ક્યૂરેટિવ અને દયાની અરજી બંનેને રદ કરવામાં આવશે. આ મામલો ઘણો જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. આ મામલે દોષિતોની પાસે જે પણ કાયદાકીય અને બંધારણીય વિકલ્પ છે તે બે-ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે."

કૌશિક એ પણ કહે છે કે હવે આ મામલામાં બે-ત્રણ મહિનાથી વધારે સમય નહીં લાગે.

બીબીસીની સાથે વાતચીતમાં તે કહે છે, "જેમ તેમની પુનઃવિચારની અરજી રદ થઈ ગઈ છે તેમ તેમની ક્યૂરેટિવ અને દયાની અરજી પણ રદ થઈ જશે તો તમામ દોષિતોને ફાંસીમાં વધારે સમય નહીં લાગે."

ફોજદારી કેસના વકીલ વિકાસ પાહવા કહે છે કે આ કેસનો જલ્દીથી એક સારો અને તર્કપૂર્ણ અંત આવવો જોઈએ.

તે કહે છે, "એક નક્કી સમય એટલે બે-ત્રણ મહિનામાં તમામ કાયદાકીય વિકલ્પ પૂર્ણ થઈ જશે અને આ પછી દોષિતોને ફાંસીની સજા આપવામાં આવશે."

શું કહી રહ્યા છે દોષિતોના વકીલ?

ત્રણ દોષિત અક્ષય, પવન અને વિનયના વકીલ એ.પી.સિંહનું કહેવું છે કે તેમના ત્રણ અપરાધીઓ ગરીબ પરિવારમાંતી આવે છે એટલા માટે તેમને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ અને તેમને સુધરવાની તક મળવી જોઈએ.

બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું, "મારા તમામ અસીલને સુધરવાની તક મળવી જોઈએ. તેઓ ગરીબ છે અને તેમને એક તક મળવી જોઈએ કે તેઓ પોતાને દેશના સારા નાગરિક તરીકે સાબિત કરી શકે."

ચારેય આરોપીઓ મુકેશ, અક્ષય, પવન અને વિનયે માર્ચ 2014માં દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તમામને મોતની સજા આપવાની મંજૂરી આપી હતી.

આ પહેલાં 3 સપ્ટેમ્બર 2013એ ટ્રાયલ કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. આ પછી 5 મે 2017એ સુપ્રીમ કોર્ટે પણ દોષિતોની તમામ અપીલોને રદ કરી દીધી હતી.

આ પછી 3 દોષિતો પવન, વિનય અને મુકેશે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારની અરજી કરી, જેને 9 જુલાઈ, 2018એ સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.

તે સમયે જે બેન્ચે પુનઃવિચારની અરજી રદ કરી હતી તેના અધ્યક્ષ દિપક મિશ્રા હતા. તેમણે આ ઘટનાને 'આઘાતની સુનામી' ગણાવી હતી.

પોતાના લાંબા ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પીઠે અપરાધીઓના વર્તનને 'જાનવર' જેવું કહ્યું હતું અને કહ્યું હતુ કે, 'એવું લાગે છે કે આ આખો મામલો બીજી દુનિયામાં ઘટ્યો હોય, જ્યાં માનવતાની સાથે બર્બરતા કરવામાં આવતી હોય.'

શું હતો આખો કેસ?

16 ડિસેમ્બર 2012ની રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં 23 વર્ષની એક મેડિકલ વિદ્યાર્થિની સાથે છ પુરુષોએ એક ચાલુ બસમાં ગૅંગરેપ કર્યો હતો.

ચારેય દોષિતો સિવાયના એક મુખ્ય આરોપી રામસિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

એક બીજો આરોપી જે ઘટના સમયે સગીર હતો. તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો હતો. તે સગીરને ઑગસ્ટ 2013માં ત્રણ વર્ષ સુધારગૃહમાં પસાર કરવાની સજા કરાઈ હતી.

વર્ષ 2015માં તેને સુધારગૃહમાંથી છોડવામાં આવ્યો. સગીર આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ગુના સમયે સગીર હતો તે અપરાધી હવે વયસ્ક થઈ ગયો છે વયસ્ક પરંતુ નિયમો અનુસાર તેણે પોતાની સજા પૂર્ણ કરી લીધી છે.

તેની સુરક્ષાને લઈને જોખમ હોવાથી તે હવે તે એક કલ્યાણકારી સંસ્થાની સાથે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો