You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA : શશી થરૂરે વિરોધપ્રદર્શનોમાં ઇસ્લામી નારાનો વિરોધ કેમ કર્યો? Social
બૅરિકેડ કે પાસ કહિએ - લા ઇલાહા ઇલ્લલ લાહ
લાઠીચાર્જ મેં કહિએ - લા ઇલાહા ઇલ્લલ લાહ
આંસુગૅસ મેં કહિએ - લા ઇલાહા ઇલ્લલ લાહ
તેરા-મેરા રિશ્તા ક્યા - લા ઇલાહા ઇલ્લલ લાહ
આ એ સૂત્રો છે કે જે કથિત રીતે નાગરિકતા સંશોધન કાયદાવિરુદ્ધ આયોજિત એક પ્રદર્શન દરમિયાન પોકારાઈ રહ્યા રહ્યા હતા.
અનસ મહમદ નામની એક વ્યક્તિએ ટ્વિટર પર સંબંધિત વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ચાલી રહ્યો છે.
આ વિવાદ ત્યારે વધી ગયો કે જ્યારે કૉંગ્રેસના નેતા શશી થરૂરે આને રિટ્વીટ કરીને લખ્યું:
"હિંદુ અતિવાદના વિરુદ્ધની આપણી લડાઈમાં ઇસ્લામી અતિવાદને પણ કોઈ જગ્યા ન મળવી જોઈએ. જે લોકો નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરોધમાં પોતાનો અવાજ બુંલદ કરી રહ્યા છે, તેઓ એક સમાવેશી ભારત માટે લડી રહ્યા છે. આપણે કોઈ પણ પ્રકારની ધાર્મિક કટ્ટરતાને આપણી વિવિધતા અને બહુલવાદની જગ્યા નહીં લેવા દઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના આ ટ્વીટ બાદ ટ્વિટર પર #ShashiTharoor #Hindutva અને #Islam ટ્રૅન્ડ થવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર આ આંગે ચર્ચા શરૂ થઈ અને જુદાજુદા પ્રતિભાવો પણ આવવા લાગ્યા.
થરૂરના ટ્વીટના જવાબમાં આયેશા સિદ્દીકાએ લખ્યું, "કોણ કહે છે કે 'લા ઇલાહા ઇલ્લલ લાહ' અતિવાદ છે? એ તો સમજવા પ્રયાસ કરો કે સામાન્ય મુસલમાન કહે છે શું? અતિવાદ સાથે આને કંઈ લાગતું વળગતું નથી."
@AnyIndian નામના ટ્વિટર યુઝરે લખ્યું, "તો પછી 'જય શ્રીરામ કેમ નહીં? મોટા ભાગનું મીડિયા અને બુદ્ધિજીવી સાંપ્રદાયિક કેમ હોય છે?"
અજિત હેગડે નામના ટ્વિટર યુઝરે લખ્યું, "એટલે હવે ઇસ્લામનું મૂળ સુત્ર જ ઇસ્લામી અતિવાદનું પ્રતીક બની ગયું?"
કાશીફ કુરૈશીએ ટ્વીટ કર્યું, "તેરા-મેરા રિશ્તા ક્યાં હે: હિંદુસ્તાન-હિંદુસ્તાન. નારો આ હોવો જોઈએ, જે હિંદુસ્તાન અને સમાવેશી ભારત અંગેનો છે. જ્યાં લાખો બિનમુસ્લિમ મુસલમાનો સાથે ઊભા રહીને સીએએ અને એનઆરસી વિરુદ્ધ સતત પ્રદર્શનો કરી રહ્યા છે. "
@IndianResist નામના એક ટ્વિટર હૅન્ડલે ટ્વીટ કર્યું, "આ દેશમાં લોકો ભારે પથ્થર ઉપડતાં પહેલાં પણ 'જય બજરંગ બલી' કહે છે અને કોઈ તેને સાંપ્રદાયિક નથી ગણતું. આજે મુસલમાનોને હાંસિયામાં ધકેલી દેવાયા છે. જો માગ ધર્મનિરપેક્ષ હોય તો પોતાનો ઉત્સાહ વધારવા માટે ધાર્મિક નારાના ઉપયોગમાં કંઈ ખરાબી નથી."
@IndianResist ના ટ્વીટમાં થરૂરે લખ્યું, "કોઈને દુભાવવાની ઇચ્છા નહોતી મારી. હું માત્ર એ સ્પષ્ટ કરી રહ્યો છું કે આ સંઘર્ષ ભારત માટે છે, ઇસ્લામ કે હિંદુ ધર્મ માટે નહીં. આ આપણાં બંધારણીય મૂલ્યો માટે છે. આપણને બહુમતીવાદને બચાવવા માટે છે. આ ભારતનો આત્માને બચાવવા માટે છે. આ કોઈ એક ધર્મના વિરુદ્ધમાં બીજા ધર્મ માટે નથી."
અહીં નોંધવું ઘટે કે 'લા ઇલાહા ઇલ્લલ લાહ' અરબી ભાષાના શબ્દો છે, જેનો અર્થ થાય છે કે 'અલ્લા સિવાય કોઈ ઇશ્વર નથી.'
વિરોધપ્રદર્શનો અને આંદોલનોમાં ધાર્મિક સૂત્રોચ્ચારને લઈને છાશવારે વિવાદ થતા રહે છે. પશ્ચિમ બંગાળમાં 'જય શ્રીરામ'ના સૂત્રોને લઈને થયેલું રાજકારણ આનું તાજું ઉદાહરણ છે.
ભારતના જુદાજુદા પ્રાંતોમાં ગત કેટલાક દિવસોથી સતત વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. આ પ્રદર્શનો દરમિયાન એકદમ જુદા અને રચનાત્મક સૂત્રોનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો