You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News : CAAનો વિરોધ કરે તે દલિતવિરોધી છે - ભાજપના કાર્યકારી અધ્યક્ષ
'CAAનો વિરોધ કરે તે દલિતવિરોધી છે' એવું ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા એક જાહેરકાર્યક્રમમાં બોલ્યા છે.
નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થયા બાદ સત્તારૂઢ પક્ષ ભાજપના નેતાઓ જાહેરસભાઓમાં CAAના સમર્થનમાં દલીલો કરી રહ્યા છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રવિવારે દલિત સંગઠન દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં જે. પી. નડ્ડાએ આ ટિપ્પણી કરી હતી.
નડ્ડાએ કહ્યું કે જે લોકો નાગરિકતા કાયદાના વિરોધ કરે છે તેઓ દલિતવિરોધી છે કારણકે આ કાયદાથી સૌથી વધારે ફાયદો દલિતોને થવાનો છે.
તેમણે એવું પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દલિતોના સૌથી મોટા સંરક્ષક છે.
જોકે ઉલ્લેખનીય છે કે દલિતનેતા ચંદ્રશેખરની સીએએના વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને દલિતસંગઠનો અન્ય સંગઠનો સાથે મળીને તેમને મુક્ત કરવાની માગ કરી રહ્યા છે.
આ અગાઉ નાગરિકતા સંશોધન કાયદા મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ દલિતોના હિતની વાત જાહેરમંચ પરથી કરી હતી.
પ્રિયંકા ગાંધીને હેલ્મેટ ન પહેરવા બદલ 6,300 રૂપિયાનોદંડ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેલ્મેટ પહેર્યા વગર ટૂ-વ્હિલર પર જવા બદલ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને નામે દંડ પાવતી ફાડવામાં આવી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે શનિવારે પ્રિયંકા ગાંધી લખનૌના ઇંદિરાનગરમાં પૂર્વ આઈપીએસ અધિકારી એસ. આર. દારાપુરીને મળવા ગયાં હતાં.
આ દરમિયાન પોલીસ દ્વારા પ્રિયંકા ગાંધીની કારને અટકાવવામાં આવી હતી અને તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાદમાં પ્રિયંકા કૉંગ્રેસ કાર્યકર સાથે ટૂ-વ્હિલર પર બેસીને પૂર્વ અધિકારીને મળવા ગયાં હતાં.
તેમણે કે ટૂ-વ્હિલર ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાથી ઉત્તર પ્રદેશની ટ્રાફિક પોલીસે વાહનચાલક ધીરજ ગુર્જરને 6300 રૂપિયાનો દંડ કર્યો છે.
અમદાવાદમાં CAAનો વિરોધ કરવા ભેગા થયેલા 81ની અટકાયત
રવિવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે નાગરિકતા સંશોધન કાયદા અને NRCનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પોલીસ દ્વારા 81 લોકોની અકાયત કરી લેવામાં આવી હતી, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે તેમની પાસે વિરોધપ્રદર્શન યોજવાની પરવાનગી ન હોવાથી અટકાયત કરવામાં આવી હતી.
ભારત જર્મનીને પાછળ છોડી દેશે - રિપોર્ટ
સેન્ટર ફૉર ઇકૉનૉમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે ભારત જર્મનીને પાછળ છોડીને 2026માં દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
આ રિપોર્ટમાં લખ્યું છે કે ભારતની જીડીપી 2026 સુધીમાં 5 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે. જોકે મોદી સરકારનો ધ્યેય આ લક્ષ્ય 2024 સુધીમાં હાંસલ કરવાનો છે.
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય અર્થતંત્ર મંદીનો માર વેઠી રહ્યું છે એટલે આ મુકામ સુધી પહોંચવું ભારત માટે સરળ નહીં હોય એવો મત નિષ્ણાતો રજૂ કરે છે.
અમિતાભ બચ્ચનને એનાયત થયો દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ
અભિનેતા અમિતાભ બચ્ચનને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
66મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મહોત્સવ 23 ડિસેમ્બરે નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો.
જોકે અમિતાભ બચ્ચન નાદુરસ્ત હોવાથી તેઓ મહોત્સવમાં હાજર રહી શક્યા ન હતા.
જેથી રવિવારે તેઓ પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે ઍવૉર્ડ લેવા માટે પહોંચ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો