You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે ઠંડી અનુભવાઈ રહી છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં શિયાળા દરમિયાન સમાન્ય રીતે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કે તેથી વધારે રહેતું હોય છે.
જોકે છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી કે તેનાથી નીચે જતું રહ્યું હતું.
કેટલાક જિલ્લાઓમાં સોમવારથી ઠંડી ઓછી થતાં થોડી રાહત અનુભવાઈ રહી છે.
રાત્રીની સાથે દિવસનો પારો પણ ગગડ્યો
ઉત્તર ભારતનાં રાજ્યો અને ગુજરાતના શિયાળામાં એક ફેર એવો છે કે ગુજરાતમાં દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉપર ચઢે છે.
જોકે સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે આ વખતે કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાનના તાપમાનમાં 6થી 7 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.
આ વર્ષે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય ગુજરાતના વડોદરામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા ઉપરાંત રાજ્યભરમાં ત્રણ દિવસથી કૉલ્ડવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
માઇનસમાં તાપમાન
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં હવામાન વિભાગના હવાલાથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે રવિવારે માઉન્ટ આબુમાં -3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
ડીસામાં 7.5 ડિગ્રી, નલિયામાં 8.4 ડિગ્રી અને ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
મધ્ય ગુજરાતના વડોદરામાં 11.4 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગર 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં 10.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10.5 ડિગ્રી અને અમદાવાદમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તાપમાનનો પારો કેમ ગગડ્યો?
ઠંડીના ચમકારાના કારણ વિશે સ્કાયમેટ વેધર લખે છે કે હિમાલયના પશ્ચિમ ભાગ તરફથી દેશના પશ્ચિમ અને મધ્યમ ભાગ તરફ આવતાં પવનો કારણભૂત છે.
આ સ્થિતિ 31 જાન્યુઆરીથી બદલાવાની શક્યતા છે.
અહેવાલમાં નોંધ્યું છે કે મંગળવાર પછી ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવે અને તાપમાનનો પારો ઉપર ચઢે એવી પણ શક્યતા છે.
વરસાદની પણ આગાહી
શુષ્ક મોસમ અનુભવ્યા બાદ ગુજરાતીઓએ હવે ફરીથી વરસાદનો સામનો કરવો પડે એવી શક્યતા છે.
સ્કાયમેટ વેધરની આગાહી પ્રમાણે બે સાયક્લોનિક સર્ક્યુલેશન્સ એક થવાથી શુષ્ક વાતાવરણમાં પલટો આવી શકે છે.
આગામી 24થી 36 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદ વરસે એવી આગાહી છે.
આગાહી પ્રમાણે રાજકોટ, ભુજ, નલિયા, અમરેલી, પોરબંદર, નવસારી, વેરાવળ સહિતનાં સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં જોવાં મળી શકે છે.
સોમવાર અને મંગળવારે વાદળછાયું વાતાવરણ રહે તો તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાય એવી શક્યતા છે.
આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ રહી હતી અને એ પછી પણ કમોસમી વરસાદ અનેક વખત વરસ્યો હતો.
ખેડૂતો પહેલાંથી જ નુકસાની વેઠી રહ્યા છે ત્યારે જેમણે જીરાનો પાક કર્યો છે તેમને આ માવઠાથી નુકસાન થઈ શકે છે.
ગુજરાતમાં આ સમયે સામાન્ય રીતે જીરું, ઘઉં, ચણા, રાયડો, વગરેની ખેતી કરવામાં આવતી હોય છે.
કમોસમી વરસાદ વધે તો ઠંડીનો ચમકારો વધે એવી શક્યતા પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો