નરેન્દ્ર મોદી સરકારના એ ત્રણ નિર્ણયો જેણે ભારતના મુસ્લિમોની ચિંતા વધારી

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ભારતીય સંસદે એક વિવાદાસ્પદ કાયદો બનાવ્યો છે, જેમાં ત્રણ પાડોશી દેશના, મુસ્લિમો સિવાયના, વસાહતીઓને ભારતીય નાગરિકત્વ મળવાની જોગવાઈ છે.

આ નવો કાયદો શાસક ભારતીય જનતા પક્ષે લીધેલાં ત્રણ પગલાં પૈકીનો એક છે. તેને કારણે દેશના મુસ્લિમ સમુદાયના મોટા વર્ગમાં ચિંતા શા માટે વધી છે, એ બીબીસીના નિતિન શ્રીવાસ્તવ જણાવે છે.

ભારતીય સંસદે એક વિવાદાસ્પદ ખરડાને મંજૂરી આપી છે અને તેના પર રાષ્ટ્રપતિએ મહોર મારી દીધી છે. આ કાયદામાં ભારતના ત્રણ પાડોશી દેશ - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ગેરકાયદે વસાહતીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. શરત એટલી જ છે કે એ ગેરકાયદે વસાહતીઓ મુસ્લિમ ન હોવા જોઈએ.

ઝુંબેશકર્તાઓ કહે છે કે જમણેરી રાષ્ટ્રવાદી પક્ષ ભાજપે તેના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીની સરકારે લીધેલા શ્રેણીબદ્ધ નિર્ણયો પૈકીનો આ નવીનતમ નિર્ણય છે.

નરેન્દ્ર મોદી 2014થી સત્તા પર છે અને આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની બહુમતીમાં વધારો થયો છે.

દેશમાં નરેન્દ્ર મોદી અને તેમના પક્ષની લોકપ્રિયતામાં વધારો થયો હશે, પણ તેમની કેટલીક નીતિઓ અને નિર્ણયોની ઘરઆંગણે તથા વૈશ્વિક સ્તરે ટીકા થઈ છે.

તેમાં મુખ્ય આરોપ 'લઘુમતીઓને' તથા ખાસ કરીને મુસ્લિમોને 'હાંસિયામાં ધકેલવાનો' છે.

ભારતની 1.3 અબજની કુલ વસતીમાં અંદાજે 20 કરોડ મુસ્લિમોનો સમાવેશ થાય છે.

એ ત્રણ નિર્ણયોની વાત કરીએ, જેણે વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ મુસ્લિમોની વસતી ધરાવતા દેશમાં ચિંતાને વેગ આપ્યો છે.

1. સિટિઝનશીપ (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ (સીએ)

ભારતીય સંસદના બન્ને ગૃહોએ બે દિવસમાં સીએએને મંજૂરી આપી હતી. આ ખરડામાં ભારતના ત્રણ પાડોશી દેશ - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ ગેરકાયદે વસાહતીઓને માફી આપવાની જોગવાઈ છે.

આ ખરડા પર રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી દીધી છે. ભાજપ કહે છે કે પાડોશી દેશોમાં દમનનો અનુભવ કરતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીની ભારતીય નાગરિકત્વ મેળવવાની કાર્યવાહીને આ કાયદા બાદ વેગ મળશે.

ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ભારતમાં સતત વસવાટની લઘુતમ સમયસીમા 11 વર્ષથી ઘટાડીને આ ખરડામાં છ વર્ષ કરવામાં આવી છે, પણ તેમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદી સરકારે મુસ્લિમો પ્રત્યે ભેદભાવ નહીં રાખવાનું વચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમો સલામત છે.

બીજી તરફ ઇસ્લામિક જૂથો અને કર્મશીલો કહે છે કે ભારતના 20 કરોડથી વધારે મુસ્લિમોને હતોત્સાહ કરવાનું આ નવીનતમ પગલું છે.

સૂચિત કાયદો દેશના હિંદુ, મુસ્લિમ કે અન્ય કોઈ પણ ધર્મના વર્તમાન નાગરિકોને અસર કરતો નથી, પણ બાંગ્લાદેશથી આવેલી અને ભારતીય નાગરિકત્વ નહીં મેળવી શકેલા બાંગ્લાદેશના હજારો હિંદુ વસાહતીઓને આ કાયદાથી મદદ મળશે.

આ કારણસર જ ઈશાન ભારતીય રાજ્યોમાં નવા કાયદા સામે વ્યાપક વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે.

2. કાશ્મીરમાં અનુચ્છેદ 370

હિમાલયની ગોદમાં આવેલું કાશ્મીર, પાડોશી દેશો ભારત તથા પાકિસ્તાન વચ્ચેના લોહિયાળ વિવાદનો સ્રોત બની રહ્યું છે.

ભારતીય કાશ્મીરમાં લાંબા સમયથી બંડખોરી ચાલી રહી છે અને આ સુંદર પર્વતીય રાજ્ય માટે બન્ને દેશો વચ્ચે અનેક વખત ટક્કર થઈ છે.

1947માં ભારતીય ઉપખંડનું વિભાજન થયું ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને કાશ્મીરના ભાગલા પડ્યા હતા.

મુસ્લિમોના બાહુલ્યવાળા કાશ્મીરને અનુચ્છેદ 370 તરીકે જાણીતી બંધારણીય જોગવાઈ મારફતે સ્વાયતતાની ગેરંટી આપવામાં આવી હતી.

મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે 2019માં અનુચ્છેદ 370 પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો, જે અશાંતિનો ભય સર્જવાનું કારણ બન્યો હતો.

કાશ્મીરને આપવામાં આવેલા ખાસ દરજ્જા બાબતે દેશમાં લાંબા સમયથી ચર્ચા થતી રહી છે પણ અગાઉની એકેય સરકારે તેમાં ફેરફાર કર્યો ન હતો.

જોકે, ભાજપની સરકારે ચૂંટણી જિત્યાના થોડા મહિનાઓમાં જ અનુચ્છેદ 370 પાછો ખેંચી લીધો હતો.

એ પગલાંની સાથે કાશ્મીરમાં ભારતીય સૈન્યની દેખરેખ હેઠળ સંપૂર્ણ બંધી લાદવામાં આવી હતી અને મહિનાઓ સુધી ટેલિકોમ સેવા બંધ રાખવામાં આવી હતી તથા મીડિયા માટે બ્લેકઆઉટની સ્થિતિ હતી.

અનેક કાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370 ભારતનો હિસ્સો બનવાનું મુખ્ય કારણ હતો. તેને પાછો ખેંચી લઈને તથા દેશના બાકીના ભાગના નાગરિકોને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાનો તેમજ ત્યાં કાયમી વસવાટનો અધિકાર આપીને મુસ્લિમોના બાહુલ્યવાળા આ રાજ્યના વસતિ વિષયક ચિત્રમાં ફેરફારનો ભાજપનો આ પ્રયાસ હોઈ શકે.

આ પગલાંને કારણે સંસદમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક બંધારણીય નિષ્ણાતોએ તેને બંધારણ પરના હુમલા સમાન ગણાવ્યું હતું. મોદી સરકારના આ પગલાં સામેની અપીલની સુનાવણી દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહી છે.

3. નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)

બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાયું તેના આગલા દિવસ એટલે કે 24 માર્ચ, 1971 પહેલાં ભારત આવેલા ઈશાન ભારતીય રાજ્ય આસામના નાગરિકોએ તેમનું નાગરિકત્વ પૂરવાર કરવાની સૂચિ છે એનઆરસી.

એનઆરસીની રચના 1951માં (ભારતની લોકશાહી ઢબે ચૂંટાયેલી કૉંગ્રેસના વડપણ હેઠળની પહેલી સરકારના શાસનકાળમાં) કરવામાં આવી હતી, પણ 'ગેરકાયદે વસાહતીઓને' ઓળખી કાઢવાની આ પ્રક્રિયા નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે અગ્રક્રમે હાથ ધરી છે.

રાજ્યમાં વસતા પરિવારોએ તેમનો વંશવેલો પૂરવાર કરવા માટે દસ્તાવેજો દેખાડવા પડે છે અને જેઓ તેમની નાગરિકતા પૂરવાર કરી શકતા નથી તેમને ગેરકાયદે વિદેશીઓ ગણવામાં આવે છે.

આસામ ભારતના બહુવાંશિક રાજ્યો પૈકીનું એક છે અને ત્યાં રહેતા લાખો લોકો માટે ઓળખ અને નાગરિકત્વ લાંબા સમયથી વિવાદનો મુદ્દો બની રહ્યા છે.

તેના રહેવાસીઓમાં બંગાળી અને આસામી ભાષા બોલતા હિંદુઓ તેમજ સંખ્યાબંધ આદિવાસીઓનો સમાવેશ થાય છે. આસામની 3.2 કરોડ લોકોની વસતીમાં એક-તૃતિયાંશ પ્રમાણ મુસ્લિમોનું છે. મુસ્લિમોની સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં આસામ દેશમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે કાશ્મીર છે.

એ પૈકીના મોટાભાગના બ્રિટિશ કાળમાં અહીં સ્થાયી થયેલા વસાહતીઓના વંશજો છે. તેઓ કહે છે કે રાજ્ય તથા કેન્દ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે.

એનઆરસીને લીધે રાજ્યના 19 લાખ લોકોની નાગરિકતા છીનવાઈ ગઈ છે. જોકે, એ લોકોને અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે.

એ લોકો પૈકીના મોટાભાગના મુસ્લિમો છે અને આ સમગ્ર કવાયતને કારણે રાષ્ટ્રભરમાં લઘુમતીઓમાં ચિંતા અને આશંકામાં વધારો થયો છે, કારણ કે આ કવાયત સમગ્ર ભારતમાં હાથ ધરવાની તરફેણ બીજેપી વારંવાર કરતી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો