You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NRC : ડિટેન્શન કૅમ્પ મામલે અમિત શાહ ખોટું બોલ્યા કે નરેન્દ્ર મોદી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ ડિટેન્શન સેન્ટરનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે.
દેશભરમાં એનઆરસી અને નાગરિક સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના ભાષણમાં ડિટેન્શન કૅમ્પની વાતને અફવા ગણાવી હતી.
આજે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં જુદી જ વાત ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દેશમાં ડિટેન્શન સેન્ટર છે પણ તેને એનઆરસી કે સીએએ સાથે લેવાદેવા નથી.
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની મુલાકાતમાં કહ્યું કે ડિટેન્શન સેન્ટર સતત ચાલતી પ્રક્રિયા છે.
અમિત શાહે કહ્યું, "કોઈ પણ નાગરિક, જેની પાસે વિઝા કે પરવાનગી ન હોય તેમને પકડીને ડિટેન્શન સેન્ટરમાં મૂકવામાં આવે છે અને પછી ડિપોર્ટ કરવામાં આવે છે."
"ડિટેન્શન સેન્ટરને એનઆરસી કે સીએએ સાથે કોઈ લેવાદેવા નથી. આસામની એનઆરસીમાં જે લોકો નાગરિકતાના પુરાવા આપી શક્યા નથી તેમને ફૉરન ટ્રિબ્યૂનલમાં જવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે."
"ડિટેન્શન સેન્ટર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માટે બનાવવામાં આવ્યા હતા. તેમને જેલમાં ન રાખી શકાય એટલે એ સેન્ટરમાં રાખવામાં આવે."
"ડિટેન્શન સેન્ટર દેશના કાયદા હેઠળ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ડિટેન્શન સેન્ટરની વ્યવસ્થા ભાજપના રાજમાં શરૂ નથી થઈ. એ તો અનેક વર્ષોથી ચાલી રહી છે. આ વ્યવસ્થા અમારી સરકાર આવી એ પહેલાંથી ચાલી આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત શાહે એવું પણ કહ્યું કે કદાચ આસામમાં એક ડિટેન્શન સેન્ટર ચાલી રહ્યું છે પણ હું કન્ફર્મ નથી.
નરેન્દ્ર મોદી શું બોલ્યા હતા?
દિલ્હીના રામલીલા મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધતી વખતે દાવો કર્યો કે ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી.
તેમણે કહ્યું, "હું દેશના યુવાનોને આગ્રહ કરું છું કે વાંચો. કૉંગ્રેસ અને અર્બન નક્સલીઓએ ફેલાવેલી ડિટેન્શન સેન્ટરની અફવાઓ ખોટી છે, ખોટી છે, ખોટી છે."
"શહેરોમાં રહેનારા અર્બન નક્સલ અફવા ફેલાવે છે કે તમામ મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. આ અફવામાં ભણેલા લોકો પણ આવી ગયા છે. જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે."
જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે દાવો કરાઈ રહ્યો છે, તેના કરતાં વિપરીત પરિસ્થિતિ બીબીસીના અહેવાલમાં બહાર આવી હતી.
બીબીસી દ્વારા થોડા દિવસો અગાઉ જ આસામમાં કઈ રીતે ડિટેન્શન કૅમ્પ બનાવાઈ રહ્યા છે, તે અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
બીબીસી સંવાદદાતા રજિની વૈદ્યનાથને જ્યાં આ કૅમ્પ બનાવવામાં આવી રહ્યા છે એ સ્થળની મુલાકાત લીધી હતી.
આ અગાઉ વર્ષ 2018માં બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવે પણ ડિટેન્શન સેન્ટર પર એક ગ્રાઉન્ડ રિપોર્ટ લખ્યો હતો.
જેમાં ડિટેન્શન સેન્ટરમાંથી બહાર આવેલા લોકોની આપવીતી રજૂ કરવામાં આવી હતી.
બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવના રિપોર્ટમાં નોંધ્યું છે, "જે લોકોને અહીં રહેવું પડ્યું છે અથવા જે લોકો અહીં રહ્યા છે. એ લોકો માટે આ ડિટેન્શન કૅમ્પ એક ભયાનક સપનું છે, જેને ભૂલવા માટે તેઓ દિવસરાત મથે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો