'કૉન્ડોમ શાકાહારી હશે કે નહીં એ અમે પહેલાં વિચાર્યું પણ ન હતું.'

    • લેેખક, કેટ બ્રેડી
    • પદ, બીબીસી વર્કલાઇફ

ફિલિપ સીફર અને વાલ્ડેમર ઝાઈલર તેમના નવા બિઝનેસ માટે 2015માં ક્રાઉડ ફંડિંગ કરી રહ્યા હતા.

સીફર કહે છે, "પૈસા આપનારા લોકો અમને હંમેશાં એક જ સવાલ પૂછતા હતાઃ શું કૉન્ડોમ શાકાહારી છે?"

સીફર અને ઝાઈલર ત્યાં સુધી એ જાણતા ન હતા કે કૉન્ડોમના રબરને મુલાયમ બનાવવા માટે સામાન્ય રીતે જાનવરોના પ્રોટીનનો ઉપયોગ થતો હોય છે.

જર્મનીના બર્લિનના આ બન્ને ઉદ્યોગસાહસિકો, 8 અબજ ડૉલરના વૈશ્વિક કૉન્ડોમ માર્કેટમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત ગ્રાહકો મારફતે પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરતા હતા.

પર્યાવરણ પ્રત્યે જાગૃત લોકોની સંખ્યા મોટી હતી અને એ તેમના માટે આશ્ચર્યજનક હતું. આજે ચાર વર્ષ પછી તેમની ટકાઉ અને શાકાહારી ઉત્પાદનોની બ્રાન્ડનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ યુરો સુધી પહોંચી ગયું છે.

તેમની કંપનીનું નામ છે-આઇન્હોર્ન. જર્મન ભાષામાં તેનો અર્થ થાય છે-યુનિહોર્ન.

યુનિહોર્ન શબ્દનો ઉપયોગ એક અબજ ડૉલરનો બિઝનેસ કરતી Airbnb અને Deliveroo જેવી સ્ટાર્ટ-અપ કંપનીઓ માટે કરવામાં આવે છે.

સીફર અને ઝાઈલરની કંપની હજુ એ સ્તરે પહોંચી નથી, પણ ટકાઉ પર્યાવરણને કેન્દ્રમાં રાખીને બિઝનેસ ઊભો કરવામાં તેઓ સફળ થયા છે. તેથી વેપારી જૂથ માટે નવી શક્યતાઓના દરવાજા ખૂલ્યા છે.

કોઈ એનિમલ પ્રોડક્ટ નહીં

જર્મનીમાં ગર્ભનિરોધ માટે ગોળી પછી બીજો સૌથી લોકપ્રિય ઉપાય છે કૉન્ડોમ. જોકે, પોતાની ગર્લફ્રેન્ડ સાથે કૉન્ડોમ ખરીદતી વખતે સીફરને તેનું બ્રાન્ડિંગ જૂનું લાગતું હતું.

તેમને લાગતું હતું કે આજનો વપરાશકર્તા પર્યાવરણને અનુકૂળ હોય તેવાં ઉત્પાદનને પસંદ કરે એ શક્ય છે.

સીફરે ઝાઈલરનો વિચાર પહેલાં તો ફગાવી દીધો હતો, પણ બાદમાં એ આ વિચાર સાથે સહમત થયા હતા. તેમને આ પ્રોડક્ટ ઈ-કૉમર્સ માટે આદર્શ જણાઈ હતી.

તેઓ માત્ર પૃથ્વી માટે જ નહીં, કંપનીના કર્મચારીઓ માટે પણ યોગ્ય અને ટકાઉ હોય તેવો બિઝનેસ ઊભો કરવા ઇચ્છતા હતા.

તેઓ દસ વર્ષથી સ્ટાર્ટ-અપ બિઝનેસમાં હતા અને પોતાનું સપનું સાકાર કરવાની તક શોધી રહ્યા હતા.

સીફર કહે છે, "બાળપણમાં મને કોઈએ પૂછ્યું હોત કે મોટો થઈને હું શું બનવા માગું છું તો મેં કહ્યું હોત કે કરોડપતિ."

10 વર્ષ સુધી ઉદ્યોગસાહસિક બની રહ્યા પછી તેઓ પોતાના સાથીઓ અને દોસ્તોને કરોડપતિ બનતા જોઈ રહ્યા હતા, પણ તેઓ ખુશ ન હતા.

બિઝનેસ શરૂ કરવા માટે તેમણે ક્રાઉડ ફંડિંગની મદદ લીધી હતી. ક્રાઉડ ફંડિંગ મારફત તેમણે એક લાખ યુરો (એટલે કે 1,11,000 ડૉલર અથવા 84,400 પાઉન્ડ) એકત્ર કર્યા હતા.

એ સમયે શાકાહારવાદ આઇન્હોર્નની પ્રોડક્ટ પ્લાનિંગનો હિસ્સો બની ગયો હતો.

વૃક્ષોમાંથી મળતી કુદરતી ચીકાશની પસંદગી

સીફર એવી પ્રોડક્ટ બનાવવા ઇચ્છતા હતા જેને આસાનીથી વેચી શકાય, ઑનલાઇન મોકલી શકાય અને પ્રોડક્ટ પાછી આવે તેવી ઝંઝટમાં ન પડવું પડે, કારણ કે ઑનલાઇન વેચાણમાં સૌથી વધુ ખર્ચ તેનો થતો હોય છે.

સીફર કહે છે, "કૉન્ડોમ અમારા માટે યોગ્ય પ્રોડક્ટ હતાં. એ શાકાહારી હશે કે નહીં એ અમે પહેલાં વિચાર્યું પણ ન હતું."

ઘેટાંનાં આંતરડાંમાંથી કૉન્ડોમ બનાવવાના દિવસો ચાલ્યા ગયા છે, પણ માર્કેટમાં ઉપલબ્ધ મોટા ભાગના વિકલ્પોમાં કેસીન નામનું પશુ પ્રોટીન હોય છે.

કૉન્ડોમનું મુખ્ય ઘટક તત્ત્વ રબર હોય છે. એ રબર મુખ્યત્વે એશિયાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં ઊગતાં રબરનાં વૃક્ષોમાંથી મેળવવામાં આવે છે.

કેસીન પ્રોટીન સ્તનધારી પ્રાણીઓનાં દૂધમાંથી વ્યાપક પ્રમાણમાં મળી આવે છે.

કેસીન પ્રોટીન વડે રબરને નરમ બનાવવામાં આવે છે.

આઇન્હોર્ને તેના કૉન્ડોમ માટે કેસીન પ્રોટીન નહીં, પણ વૃક્ષોમાંથી મળતી કુદરતી ચીકાશની પસંદગી કરી છે. રબર પર્યાવરણને અનુકૂળ હોય તેનું ધ્યાન પણ કંપની રાખે છે.

જોકે, આઇન્હોર્ન શાકાહારી કૉન્ડોમ બનાવતી હોય એવી પહેલી કંપની નથી. ઉત્તર અમેરિકાની ગ્લાઇડ નામની બ્રાન્ડે 2013માં જ શાકાહારી કૉન્ડોમ બનાવી લીધા હતા.

એ પછી કૉન્ડોમ માર્કેટમાં ઘણા વિકલ્પો આવી ગયા છે. 2026 સુધીમાં આ માર્કેટનું કદ વધીને 15 અબજ ડૉલરનું થઈ જવાનું અનુમાન છે.

શાકાહારી કૉન્ડોમનું માર્કેટ હજુ નવું-નવું છે. આઈન્હોર્નના મોટા ભાગના ગ્રાહકો 20થી 40 વર્ષના વયજૂથના છે અને કુલ પૈકીની 60 ટકા ખરીદી મહિલાઓ કરે છે.

સીફર કહે છે, "કૉન્ડોમ ખરીદવામાં આજે પણ ઘણા લોકો શરમ અનુભવે છે અને કૉન્ડોમ ખરીદતી વખતે તેને બીજી ચીજોની નીચે છુપાવી દેતા હોય છે."

"તેથી અમે ઇચ્છતા હતા કે અમે ગ્રાહકોને એક ટકાઉ પ્રોડક્ટ આપીએ અને ગ્રાહકનો ખચકાટ મજેદાર ડિઝાઈન્સ વડે દૂર કરીએ."

રસાયણમુક્ત રબર

પાછલાં 30 વર્ષમાં રબરનાં વૃક્ષોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. તેથી જંગલમાં કાપણી વધી છે અને તેની અસર વન્યજીવન પર પણ થઈ છે.

આ પરિસ્થિતિથી વિપરીત આઇન્હોર્ન પરંપરાગત વૃક્ષારોપણ નથી કરતી, પણ થાઇલૅન્ડના નાના ખેડૂતોના એક સમૂહ સાથે મળીને કામ કરે છે.

થાઇલૅન્ડના એ ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ નથી કરતા અને શક્ય હોય ત્યાં સુધી નીંદણ માટે મશીનનો ઉપયોગ કરે છે. તેનો હેતુ રબરના બગીચાઓને સંપૂર્ણપણે રસાયણમુક્ત બનાવવાનો છે.

કઈ સ્થાનિક પ્રજાતિથી જૈવ વૈવિધ્યને વેગ મળશે એ જાણવા માટે જમીનની ચકાસણી કરવામાં આવે છે.

રબરના કેટલાક બગીચાઓમાં કામની શરતો બાબતે કેટલીક સમસ્યાઓ છે. તેથી આઇન્હોર્નની ટીમના સભ્યો વર્ષમાં કમસેકમ ત્રણ મહિના સાઈટ પર જઈને ઉત્પાદન પર નજર રાખવામાં મદદ કરે છે.

ખેડૂતોને લઘુતમ મજૂરી કરતાં 15 ટકા વધુ નાણાં ચૂકવવામાં આવે છે અને મજૂરોને તેમના અધિકારો બાબતે માહિતગાર કરવા કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવે છે.

પર્યાવરણને અનુકૂળ પૅકેજિંગનું કામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોડક્ટનું મૂળ પૅકેજિંગ સંપૂર્ણપણે બીજી વખત વપરાશમાં લઈ શકાય એવા કાગળમાં જ થઈ રહ્યું છે. આગલા તબક્કામાં એલ્યુમિનિયમ રહિત રેપર બનાવવામાં આવશે.

ધરતી માટે સંકલ્પ

આઇન્હોર્નને આશા છે કે અન્ય બિઝનેસમાં પણ આ કૉન્સેપ્ટ અપનાવવામાં આવશે. બિઝનેસ શરૂ કરતી વખતે જે પ્રતિજ્ઞાપત્ર પર ઉદ્યોગસાહસિક સહી કરે છે તે આ કૉન્સેપ્ટના અમલની એક રીત બની શકે.

આ કૉન્સેપ્ટની પ્રેરણા બિલ ગેટ્સ તથા વોરન બફેટે 2010માં શરૂ કરેલા 'ધ ગિવિંગ પ્લેજ'માંથી લેવામાં આવી છે.

એ પ્રતિજ્ઞા અનુસાર, આઇન્હોર્ન તેના નફાના અર્ધા હિસ્સાનું રોકાણ પર્યાવરણને અનુકૂળ યોજનાઓમાં કરે છે.

કંપનીએ 2018માં તેના નફાના 10 ટકા હિસ્સાનું રોકાણ સીઓટુ ઓફસેટ્સમાં કર્યું હતું. સીઓટુ ઓફસેટ્સ ગ્રીનહાઉસ જેવા વાયુઓનું ઉત્સર્જન ઓછું કરતી યોજનાઓ માટે ભંડોળ આપે છે.

અન્ય લાભાર્થીઓમાં બાયોરે ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. બાયોરે ટકાઉ જૈવિક કપાસની ખેતીને પ્રોત્સાહન આપે છે.

અન્ય 100 ઉદ્યોગસાહસિકોએ આવા પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી છે. તેથી આઇન્હોર્નનો બિઝનેસ દેખીતી રીતે વધ્યો છે.

જર્મનીની ટોયલેટરીઝ અને ઘરેલુ ઉત્પાદનની દિગ્ગજ કંપની DM સાથેના કરારથી તેને મોટી સફળતા મળી હતી.

સીફર કહે છે, "અમે DMને અમારી ખરીદ અને છૂટક વેચાણ કિંમત બાબતે જણાવ્યું ત્યારે તેને ખાતરી થઈ ન હતી."

આઇન્હોર્નના 7 કૉન્ડોમના પેકની છૂટક વેચાણ કિંમત લગભગ 6 યુરો હતી, જ્યારે ઇન્ડસ્ટ્રીની મોટી કંપનીઓ 8 કૉન્ડોમનું પેક લગભગ પાંચ યુરોમાં વેચતી હતી.

સીફર ઉમેરે છે, "એ પછી અમે તેમને જણાવ્યું હતું કે અમે નફાના 50 ટકા હિસ્સાનું ફરી રોકાણ કરવાના છીએ. તેથી તમે ભાવતાલમાં અમારી પાસે જેટલાં નાણાં ઓછાં કરાવશે એટલાં ઓછાં નાણાં એક સારા કામ માટેના ખર્ચમાંથી ઘટશે."

ટકાઉ વિકલ્પની જરૂર

DMએ ભાવતાલ કરવાનું ટાળ્યું હતું અને આઇન્હોર્નને જર્મનીના રિટેલ માર્કેટની મુખ્યધારામાં એક પ્લૅટફૉર્મ મળ્યું હતું.

DMના માર્કેટિંગ તથા ખરીદ વિભાગના મૅનેજિંગ ડિરેક્ટર સેબેસ્ટિયન બાયરના જણાવ્યા અનુસાર, ગ્રાહકો ટકાઉ વિકાસ પરત્વે ધીમેધીમે જાગૃત થઈ રહ્યા છે. તેથી તેઓ ગ્રાહકોને ટકાઉ ઉત્પાદનનો વિકલ્પ આપવા ઇચ્છે છે.

જર્મન પર્યાવરણ એજન્સીના જણાવ્યા મુજબ, જર્મનીના વપરાશકારોએ પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ્સ માટે 2016માં 60 અબજ ડૉલર ખર્ચ્યા હતા અને એ પ્રવૃત્તિ ચાલુ રહેવાની આશા છે.

લુનેબર્ગની લ્યૂફાના યુનિવર્સિટીનાં રિસર્ચ ફેલો એના સુંદરમનનું કહેવું છે કે ટકાઉ ઉત્પાદનોની માર્કેટમાં આઇન્હોર્નની પ્રોડક્ટ્સનું સ્વાગત કરવું જોઈએ, પણ પર્યાવરણ પર તેનો દીર્ઘકાલીન પ્રભાવ મર્યાદિત છે.

એના સુંદરમન કહે છે, "આ નાની-નાની પ્રોડક્ટ્સ તો ઠીક છે, પણ આપણે પરિવહન અને ઊર્જા જેવાં ક્ષેત્રો પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. એ ક્ષેત્રોની પ્રવૃત્તિની કાર્બન ડાયૉક્સાઈડ ઉત્સર્જન પર સૌથી વધારે અસર થાય છે."

તેમ છતાં લોકો માને છે કે પરંપરાગત પ્રોડક્ટ્સના જેટલા ટકાઉ વિકલ્પ ઉપલબ્ધ થશે એટલું જ સારું થશે.

"આઇન્હોર્ન જેવી કંપનીઓનું નેટવર્ક વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યાને દૂર કરવામાં સહાયક બની શકે છે," એમ એના સુંદરમન માને છે.

નવી પ્રોડક્ટ, નવી પહેલ

આઇન્હોર્ને ગયા વર્ષે 45 લાખથી વધુ કૉન્ડોમનું વેચાણ કર્યું. 2019ની શરૂઆતમાં કંપનીએ 100 ટકા જૈવિક કપાસમાંથી બનતી માસિકધર્મ સંબંધી પ્રોડક્ટ્સની શ્રેણી પણ લૉન્ચ કરી હતી.

સીફર કહે છે, "અમારો બિઝનેસ વધુને વધુ મજબૂત થતો જાય છે તેની ખાતરી અમારે ખુદની જાતને પણ કરાવવી પડે છે."

2020ના ઉનાળામાં બર્લિનના ઓલમ્પિયા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમ દરમ્યાન એક મોટી ઇવેન્ટનું આયોજન કંપની કરી રહી છે.

આઇન્હોર્નની યોજના 60,000 લોકો સાથે એક દિવસનો કાર્યક્રમ કરવાની છે. તેમાં જળવાયુ પરિવર્તન નીતિ અને લૈંગિક સમાનતા સાથે જોડાયેલી અનેક ઈ-પિટિશન જર્મનીની સંસદને આપવામાં આવશે.

સીફર અને ઝાઈલરે તેમના શેર આઇન્હોર્નને આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વર્ષના અંતમાં તેઓ કંપનીમાંની તેમની હિસ્સેદારી કંપનીને જ આપી દેશે.

તેનો અર્થ એ થાય કે એ હિસ્સાને વેચી નહીં શકાય અને કંપનીના સ્થાપક મૂલ્યોનું આર્થિક, પર્યાવરણ અને સામાજિક રીતે સંરક્ષણ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો