You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનને ન્યુક્લિયર ડીલ રદ ન કરવા યુકે, જર્મની અને ફ્રાન્સની અપીલ
ફ્રાન્સ, જર્મની અને યુકેએ સંયુક્ત નિવેદન બહાર પાડીને ઈરાનને અણુસંધિ રદ ન કરવા અપીલ કરી છે.
આ પહેલાં શુક્રવારે કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુને પગલે ઊભા થયેલા રાજકીય તણાવ વચ્ચે ઈરાને દુનિયાની મહાસત્તાઓને સાંકળતી 2015ની ન્યુક્લિયર ડીલ રદ જાહેર કરી દીધી હતી. બીજી તરફ ઇરાકની સંસદે તમામ વિદેશી સૈનિકોને દેશ છોડવા અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
ઈરાનની કૅબિનેટની તહેરાનમાં બેઠક પછી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
રવિવારે સાંજે ઇરાકની સંસદે વિદેશી સૈનિકો દેશ છોડે તે અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
ઇરાકના વડા પ્રધાને કહ્યું હતું કે ઈરાની સૈન્ય કમાન્ડરનું માર્યા જવું એ એક રાજકીય હત્યા છે.
સંધિમાંથી ઈરાન ન ખસે
ન્યૂઝ એજન્સી એ.એફ.પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ના રિપોર્ટ પ્રમાણે, યુ.કે.ના વડા પ્રધાન બૉરિસ જૉન્સન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તથા જર્મનીનાં ચાન્સેલ એન્જેલા મર્કેલે સંયુક્ત નિવેદન બહાર પડીને ડીલમાંથી ન ખસવા તથા યુરેનિયમ સંવર્ધનમાં વધારો ન કરવા અપીલ કરી છે.
ઉપરાંત 'E-3'એ ઈરાનને કોઈ હિંસક કે અવિચારી પગલું ન ઉઠાવવા અપીલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2015માં અમેરિકા, યુકે, ફ્રાંસ, ચીન, રશિયા અને જર્મનીને સાંકળતી આ ડીલ ન્યુક્લિયર પ્રોગ્રામને લગતી છે. આ ડીલ મુજબ ઈરાને ન્યુક્લિયર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા અને આંતરરાષ્ટ્રીય દેખરેખ માટે સહમત થયું હતું, જેના પગલે ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા હતા.
જોકે, 2018માં અમેરિકા આ ડીલમાંથી ખસી ગયું હતું.
બીજી બાજુ, ટ્રમ્પે શ્રેણીબંધ ટ્વીટ કરીને કહ્યું છે કે જો ઈરાન દ્વારા અમેરિકાના સ્થાનો કે અમેરિકનોને નિશાન બનાવવામાં આવશે, તો અમેરિકા વળતો અને વધુ ઘાતક પ્રહાર કરશે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ તાજેતરમાં બે લાખ કરોડ ડૉલરના હથિયાર ખરીદ્યાં છે. જેનો ઉપયોગ કરતા ખચકાશે નહીં.
...તો ઇરાક પર પ્રતિબંધ
સીએનબીસીના રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકની ઉપર 'અગાઉ ન લદાયા હોય, તેવા પ્રતિબંધ લાદવાની વાત કહી છે.'
'ઇરાક ખાતેનું અમેરિકન ઍરબેઝનું અબજો ડૉલરના ખર્ચે નિર્માણ કર્યું છે, ઇરાક જ્યાર સુધી ચૂકવણું નહીં કરે, ત્યારસુધી ઇરાક નહીં છોડીએ.'
ઈરાની સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ પછી ઇરાકની સંસદે આ પ્રસ્તાવ પસાર કર્યો હતો.
સંસદે સરકારને એમ પણ કહ્યું કે વિદેશીબળોને ઇરાકની જમીન, હવાઈ ક્ષેત્ર અને જળક્ષેત્રનો ઉપયોગ કરતા રોકવામાં આવે.
ઇરાકની સંસદે સરકારને એમ પણ કહ્યું કે અમેરિકાની સેનાને તમામ પ્રકારની મદદ બંધ કરવામાં આવે.
ઇરાકમાં અત્યારે અમેરિકાના 5,000 સૈનિકો છે.
અલ-અરબિયા મુજબ ઇરાકી સંસદના વિશેષ સત્રમાં વડા પ્રધાન અબ્દુલ મહદીએ કહ્યું કે જેટલું જલદી થઈ શકે એટલું ઇરાકમાં વિદેશી સૈનિકોની હાજરી બંધ કરવી જોઈએ.
વડા પ્રધાને કહ્યું કે આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓ છે પરંતુ તેને ઇરાક પોતાની મેળે ઉકેલી લેશે.
ઇરાકના વડા પ્રધાને કહ્યું કે ઈરાની સૈન્ય કમાન્ડરનું માર્યા જવું એ એક રાજકીય હત્યા છે.
જોકે, આ પ્રસ્તાવ બાધ્ય નથી. અમેરિકન સૈનિકોની મોજૂદગી પર આ પ્રસ્તાવની કોઈ અસર નહીં થાય.
જો વિદેશી સૈનિકોને ઇરાક બહાર કાઢવા માગતું હોય તો તેમણે નવો કાયદો લાવવો પડે જેથી સમજૂતી રદ થઈ શકે.
વડા પ્રધાન અબ્દુલ મહદીએ વિરોધપ્રદર્શનોને પગલે રાજીનામું આપ્યું હતું, પરંતુ તેઓ હાલ પણ કાર્યવાહક વડા પ્રધાન છે.
વડા પ્રધાન મહદીએ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ ખતમ થયા પછી હવે અહીં વિદેશી સૈનિકો રહે તેમાં કોઈ ઔચિત્ય નથી.
ઇરાક ઈરાન અને અમેરિકા વચ્ચે અજબ સ્થિતિમાં ફસાયેલું છે.
અત્યારે પણ ઇરાકમાં હજારો અમેરિકન સૈનિકો છે.
અમેરિકાનું કહેવું છે કે તે ઇરાકી સૈનિકોને તાલીમ આપે છે પરંતુ ઇરાકની સરકારનું કહેવું છે કે બગદાદમાં ઈરાની સૈન્ય કમાન્ડર જનરલ સુલેમાનીને મારવા તે એમના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો