You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
JNUની હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે - દિલ્હી પોલીસ
દિલ્હીમાં આવેલી જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારની સાંજે થયેલી હિંસાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે.
જેએનયુમાં ઘટેલી હિંસક ઘટનાની વિરુદ્ધમાં અમદાવાદમાં નાગરિકો દ્વારા વિરોધપ્રદર્શન યોજાયું હતું. જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સામાજિક કાર્યકર અને કર્મશીલ મનીષી જાની સહતિ સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
વિરોધપ્રદર્શન દરમિયાન આ મામલે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ વિરોધપ્રદર્શન દરમિયાન વિરોધપ્રદર્શનના સ્થળે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો પણ આવી પહોચ્યા હતા.
જોકે, એબીવીપીને પ્રદર્શન કરવાની મંજૂરી નહોતી મળી એટલે પોલીસે વિરોધકર્તાઓને વિખેરી દીધા હતા.
'ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ'
JNUમાં હિંસાના કેસમાં દિલ્હી પોલીસે તેમની પર ઊઠી રહેલા પ્રશ્નો પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.
દિલ્હી પોલીસના પ્રવક્તા એમ. એસ. રંધાવાએ એક પત્રકારપરિષદમાં કહ્યું, "કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે અલગથી ટીમ બનાવી છે. પોલીસ અધિકારીઓએ આજે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. પોલીસને મહત્ત્વપૂર્ણ જાણકારી મળી છે."
તેમણે એવું પણ જણાવ્યું કે દિલ્હી પોલીસે તથ્યો એકઠાં કરવા માટે જૉઇન્ટ સીપી શાલિની સિંહની આગેવાનીમાં એક કમિટી બનાવી છે. તેમણે જણાવ્યું કે પોલીસ સીસીટીવી ફૂટેજ એકઠાં કરી રહ્યાં છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી પોલીસના પ્રવક્તાએ પોલીસની કાર્યવાહી પર ઊઠી રહેલા સવાલોને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું કે પોલીસે 'પ્રૉફેશનલ રીતે કામ કર્યું છે.'
હુમલો જેએનયુ કૅમ્પસમાં થયો છે. ટેલિવિઝન અહેવાલો મુજબ અજાણ્યા બુકાનીધારીઓએ અનેક હૉસ્ટેલમાં પણ હુમલો કર્યો છે જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે "જેએનયુ કૅમ્પસમાં 50થી વધુ લોકો ઘૂસ્યા હતા, તેમના હાથમાં ડંડા અને લાકડીઓ હતી. મોટા ભાગના લોકોએ તેમનાં મોં પર બુકાની બાંધી હતી. કૅમ્પસમાં પ્રવેશતાં જ તેઓએ વિદ્યાર્થીઓ પર હુમલો શરૂ કરી દીધો."
રવિવારની હિંસા માટે ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી. (અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન) તથા ડાબેરી વિદ્યાર્થી સંગઠનો એકબીજાને જવાબદાર ઠેરવે છે.
ઘટનાને પગલે દિલ્હી પોલીસે જેએનયુના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દીધી છે અને ઓળખપત્ર ધરાવનારને જ પરિસરમાં પ્રવેશ અપાય રહ્યો છે.
હિંસાને કારણે અનેક વિદ્યાર્થી હૉસ્ટેલ છોડી રહ્યા છે.
મોડીરાત્રે પોલીસે કૅમ્પસમાં ફ્લૅગમાર્ચ કરી હતી, જેનો વિદ્યાર્થીઓએ 'દિલ્હી પોલીસ ગો-બેક'ના નારા સાથે વિરોધ કર્યો હતો.
જેએનયુના ગેટ અને દિલ્હી પોલીસના મુખ્ય મથકની બહાર વિરોધપ્રદર્શન થયાં હતાં. તેમજ મુંબઈ અને કોલકાતામાં પણ વિરોધ થયો હતો.
દિલ્હી પોલીસ પર ઉઠાવ્યા સવાલ
એમનેસ્ટી ઇન્ટરનેશનલે JNUમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને 'આઘાતજનક' ગણાવ્યો હતા અને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા છે.
એમનેસ્ટી ઇન્ટરનેશનલના ભારતીય એકમના ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અવિનાથ કુમારે એક નિવેદન જાહેર કર્યું છે.
નિવેદનમાં લખ્યું, "કૅમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલી હિંસા આઘાતજનક છે. દિલ્હી પોલીસ આવો હિંસક હુમલો સાંખી લે એ તો વધારે ખરાબ છે."
"આ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અધિકારો પ્રત્યેને ઉદાસીનતાને છતી કરે છે."
વૉર્ડને રાજીનામું આપ્યું
જેએનયુના વાઇસ ચાન્સેલર એમ. જગદીશ કુમારે નિવેદન બહાર પાડીને તમામ વિદ્યાર્થીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
વી.સી.નું કહેવું છે કે હાલમાં તેમની પ્રાથમિક્તા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત જાળવવાની છે.
બીજી બાજુ, જે.એન.યુ.ની સાબરમતી હૉસ્ટેલના વૉર્ડન આર. મીણાએ તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. મીણાએ વિદ્યાર્થીઓની સુરક્ષા નહીં કરી શકવાની 'નૈતિક જવાબદારી' લેતાં રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
જેએનયુ પ્રશાસને કહ્યું, "નિયમોનું ઉલ્લંઘન કરીને કૅમ્પસના શાંતિપૂર્ણ માહોલને બગાડનારા શખ્સોને છોડાશે નહીં."
"તંત્ર હિંસાની નિંદા કરે છે અને ઘાયલ વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતિત છે."
તંત્રનું કહેવું છે કે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશપ્રક્રિયામાં ખલેલ પાડવાના કરવાના પ્રયાસ કર્યા હતા.
સોમવારે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સચીવ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પ્રૉક્ટર અને રૅક્ટર વચ્ચે સમગ્ર ઘટનાક્રમ વિશે ચર્ચા થઈ હતી.
જેએનયુએ કહ્યું કે ગુનેગારોને પકડવા માટે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જેએનયુ હુમલા મામલે કનૈયા કુમારે કહ્યું કે કેટલી બેશરમ સરકાર છે. પહેલાં ફી વધારે છે, વિદ્યાર્થી વિરોધ કરે તો પોલીસથી માર ખવડાવે છે અને ન ઝૂકે તો પોતાના ગુંડા મોકલીને હુમલો કરાવે છે.
26/11ની યાદ અપાવી
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા જે.એન.યુમાં હિંસાની ઘટનાની સરખામણી 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે કરી હતી અને હુમલાખોરોને ઝડપી લેવા માગ કરી હતી.
ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ ડરવાની જરૂર તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળવા દેવામાં નહીં આવે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું:
"આ લોકશાહી ઉપર આયોજનપૂર્વકનો ઘાતક પ્રહાર છે. જે કોઈ તેમની (સરકાર)ની વિરુદ્ધ બોલે છે, તેમને પાકિસ્તાની અને દેશના દુશ્મન ઠેરવી દેવાય છે. અમે અગાઉ ક્યારેય દેશમાં આવી સ્થિતિ નથી જોઈ."
શાહે રિપોર્ટ માગ્યો
પીટીઆઈએ ગૃહ મંત્રાલયના અધિકારીનો હવાલો આપીને કહ્યું કે "ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જેએનયુ રજિસ્ટ્રાર પાસેથી કૅમ્પસની સ્થિતિ પર તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે."
શાહે દિલ્હીના લેફટનન્ટ જનરલ અનિલ બૈજલ સાથે વાત કરી હતી.
ગૃહ મંત્રાલયે ટ્વીટ કર્યું કે "ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે જેએનયુ મુદ્દે વાત કરી છે અને તેમને જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સંયુક્ત પોલીસ આયુક્ત સ્તરના અધિકારી પાસે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. અને ઝડપથી રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે.".
દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને વીડિયો તથા સીસીટીવી ફૂટેજ એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.
બીજી બાજુ, દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જે.એન.યુ.માં વિદ્યાર્થિનીઓ સાથે કથિત રીતે દિલ્હી પોલીસ દ્વારા મારઝૂડ અંગે જવાબ માગ્યો છે.
વિદ્યાર્થીઓમાં આક્રોશ
મુંબઈમાં ગેટ-વે ઑફ ઇંડિયા ખાતે અલગ-અલગ કૉલેજના વિદ્યાર્થીઓએ જેએનયુના વિદ્યાર્થીઓનાં સમર્થનમાં દેખાવ યોજ્યા હતા.
બીજી બાજુ, હૈદરાબાદની ઓસમાનિયા યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ દેખાવો યોજ્યા હતા.
તો જેએનયુની હિંસાના વિરોધમાં અડધી રાતે મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા ખાતે મોટી સંખ્યામાં કૉલેજના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.
પૂણેમાં પણ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓએ જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
બીજી બાજુ, સારવાર અર્થે ઍઇમ્સમાં (ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ) દાખલ કરાયેલાં 34 વિદ્યાર્થીને રજા આપી દેવાઈ છે.
નેતાઓએ આપી પ્રતિક્રિયા
સોમવારે સવારે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીના નેતાઓની બેઠક મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળી હતી.
જેમાં જેએનયુમાં હિંસા બાદ ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બીજી બાજુ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે યુનિવર્સિટીઓને રાજકારણના અખાડા અને વિદ્યાર્થીઓને રાજકીય પ્યાદા ન બનવા દેવા જોઈએ.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, "જેએનયુમાંથી હચમચાવી નાખતી તસવીર સામે આવી છે. જે સ્થળને હું જાણું છું એ ઉગ્ર ચર્ચા અને વિચારો માટે જાણીતું છે, હિંસા માટે નહીં, આ હિંસાની હું નિંદા કરું છું. આ સરકાર ગત અઠવાડિયે પણ કહી ચૂકી છે, તે વિશ્વવિદ્યાલયોના બધા વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યા આપવા માગે છે."
તો જેએનયુમાં થયેલા બુકાનીધારીઓના હુમલાની ભાજપે નિંદા કરી છે.
ભાજપે કહ્યું, "જે લોકો વિદ્યાર્થીઓનો રાજકીય લાભ માટે ઉપયોગ કરે છે તેમનું અરાજકતા ફેલાવવાનું કાવતરું છે. યુનિવર્સિટીઓ અભ્યાસ અને શિક્ષણ માટેનું સ્થળ બની રહેવી જોઈએ."
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કર્યું, "જેએનયુમાં જે થયું એની તસવીર જોઈ. સ્પષ્ટ રીતે હિંસાની નિંદા કરીએ છીએ. આ સંપૂર્ણ રીતે વિશ્વવિદ્યાલયની સંસ્કૃતિ અને પરંપરાની વિરુદ્ધમાં છે." એસ. જયશંકર જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે.
તો હિંસાની ઘટના બાદ જેએનયુ પહોંચેલા સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ સાથે ધક્કામુક્કી થઈ હતી. વિદ્યાર્થીઓએ કૉંગ્રેસના નેતા સલમાન ખુરશીદ સાથે પણ મુલાકાત કરી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ એઇમ્સ ટ્રૉમા સેન્ટરના હવાલાથી જણાવ્યું કે જેએનયુમાંથી 18 લોકોને ટ્રૉમા સેન્ટર લવાયા છે, જેમના માથામાં ઈજા પહોંચી છે.
તો કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ઘાયલોને મળવા માટે ટ્રૉમા સેન્ટર પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું કે એઇમ્સમાં હું જે વિદ્યાર્થીઓને મળી છું તેમના માથામાં ઈજા પહોંચી છે અને હાથપગ તૂટેલા છે.
બાદમાં ભાજપ નેતા અને સાંસદ મનોજ તિવારી અને વિજય ગોયલ પણ એઇમ્સ પહોંચ્યા હતા.
તેઓએ કહ્યું કે ઘટના દુઃખદ અને નિંદનીય છે. તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. ઘાયલોને સારવાર મળવી જોઈએ અને દોષીઓને સજા મળવી જોઈએ.
વિજય ગોયલે કહ્યું કે જેએનયુમાં ઘણા સમયથી ફી વધારો અને અન્ય બાબતે રાજકારણ રમાઈ રહ્યું છે.
તેમણે કહ્યું, "વામપંથીદળનો વિદ્યાર્થીસંઘ આ પ્રકારની રાજનીતિ કરી રહ્યો છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવા દેવાતું નથી અને વામપંથી વિદ્યાર્થીઓ વાઈ-ફાઈ રૂમ પર કબજો જમાવી લે છે. હું ઘાયલ વિદ્યાર્થીઓને મળ્યો. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમના પર હુમલો થયો છે, ઘણાની સ્થિતિ દયનીય છે."
પીટીઆઈએ કહ્યું કે જેએનયુ કૅમ્પસમાં પોલીસે ફ્લૅગમાર્ચ કરી હતી અને પોલીસના કહેવા મુજબ સ્થિતિ અંકુશ હેઠળ છે.
દિલ્હી સરકારે કહ્યું કે જેએનયુ કૅમ્પસમાં ઘાયલ વિદ્યાર્થી માટે સાત એમ્બ્યુલન્સ મોકલી છે અને જરૂર પડે તો અન્ય દસ એમ્બ્યુલન્સ પણ મોકલવાની તૈયારી છે.
તો કેટલાક વિદ્યાર્થીઓ આઈટીઓસ્થિત દિલ્હી પોલીસના હેડક્વાર્ટર પર દેખાવો કરવા માટે પહોંચી ગયા હતા.
આ ઘટનામાં જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના સ્ટુડન્ટ યુનિયન (JNUSU)નાં પ્રમુખ આયેશા ઘોષને માથાને ભાગે ઈજા પહોંચી છે.
જેએયુના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કૅમ્પસમાં ઊભેલી ગાડીઓને પણ તોડવામાં આવી છે.
જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓનો આરોપ છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ હુમલા પાછળ જવાબદાર છે.
આ દરમિયાન સમાચાર સંસ્થા એએનઆઈએ હુમલાખોરોનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભીડ એક હૉસ્ટેલમાં ઘૂસી તો વિદ્યાર્થીઓ એવું કહેતાં સંભળાય છે કે આ શું ચાલી રહ્યું છે? હૉસ્ટેલની બહાર જાવ? શું તમે અમને ધમકાવવા આવ્યા છો? આ વીડિયોમાં 'એબીવીપી ગો બૅક'ના નારા સંભળાય છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના આ આરોપને ફગાવે છે.
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં સ્ટુડન્ટ યુનિયનનાં પ્રમુખ આયેશા ઘોષ વાઇરલ થયેલા વીડિયોમાં એવું કહેતાં સંભળાય છે કે ''મારી ઉપર બર્બર રીતે હુમલો કરવામાં આવ્યો છે. જુઓ કેવું લોહી નીકળી રહ્યું છે. હુમલાખોરો બુકાનીધારીઓ હતા. મને ખરાબ રીતે માર માર્યો.''
એકબીજા પર આરોપ
જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ મોહિત કુમાર પાંડેએ પોતાની ફેસબુક પોસ્ટ પર આ હુમલા માટે ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને જવાબદાર ઠેરવી છે.
જેએનયુ સ્ટુડન્ટ યુનિયનનો પણ આવો જ આરોપ છે.
જોકે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પ્રેસનોટ દ્વારા કહ્યું કે આ હુમલા પાછળ લૅફ્ટ વિચારધારાનાં સંગઠનો એસએફઆઈ, એઆઈએસએ અને ડીએસએફનો હાથ છે.
એબીવીપીએ દાવો કર્યો છે એમના સંગઠન સાથે સંકળાયેલા આશરે 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 11 લોકોને સામાન્ય ઈજા થઈ છે.
આ ઘટના અંગે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા દિલ્હી પોલીસે કહ્યું કે બેઉ જૂથો વચ્ચે ગત 2-4 દિવસથી તણાવ હતો. જેએનયુ પ્રશાસનની પરવાનગી પછી આજે પોલીસ કૅમ્પસમાં પ્રવેશી હતી.
કેજરીવાલથી લઈને મમતા બેનરજીની પ્રતિક્રિયા
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું, "આ આપણી લોકશાહી માટે શરમજનક છે. હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરનો આ હુમલો વખોડું છું. દિનેશ ત્રિવેદીની આગેવાનીમાં ટીએમસીનું પ્રતિનિધિમંડળ જેએનયુ અને શાહીનબાગ વિરોધપ્રદર્શનનાં સમર્થનમાં દિલ્હી પહોંચશે."
જેએનયુ પર હુમલાની ઘટનાની દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે નિંદા કરી છે.
એમણે કહ્યું કે "વિદ્યાર્થીઓ પર બર્બર હુમલો કરવામાં આવ્યો. પોલીસે તરત જ આ હિંસાને રોકવી જોઈએ અને શાંતિ થવી જોઈએ. જો વિદ્યાર્થીઓ કૅમ્પસમાં સુરક્ષિત નથી તો દેશ કેવી રીતે આગળ વધશે."
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે "હિંસાના જનરલ ડાયર કોણ છે એની અમને ખબર છે."
"તમને જો એમ લાગતું હોય કે તમે બહુ શક્તિશાળી છો પણ મિસ્ટર ડાયર જો તમે વિદ્યાર્થીઓને મારશો તે વળતો જવાબ આપશે. તમારા દિવસો પતી ગયા છે."
ભારતના પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું, "જેએનયુ જેવી યુનિવર્સિટીમાં આટલી મોટી સંખ્યામાં બુકાનીધારીઓ ઘૂસી જાય અને વિદ્યાર્થીઓ પર હુમલો કરે છે. પોલીસ શું કરે છે? દિલ્હીના પોલીસ કમિશનર ક્યાં છે?"
સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યેચૂરીએ સ્ટુડન્ટ યુનિયન પ્રૅસિડેન્ટ આયેશા ઘોષનો વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે આ વીડિયો બતાવે છે કે આરએસએસ અને ભાજપ આ દેશને શું બનાવવા માગે છે પણ અમે એમને એવું કરવા નહીં દઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો