You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ખેડૂતો અને વિદ્યાર્થીઓ વિજય રૂપાણી સરકારથી નારાજ કેમ?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની ભાજપ સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ વિરોધનો સામનો કરી રહી છે.
નોંધનીય છે કે પાટનગર ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહછાવણીમાં એકસાથે ત્રણ આંદોલનો સરકારને ધ્રુજાવી રહ્યાં છે.
છેલ્લા 25 દિવસથી ગુજરાત સરકાર વિરુદ્ધ લોકરક્ષકદળની ભરતીમાં અનામત કૅટેગરીમાં આવતાં યોગ્ય મહિલા ઉમેદવારોને સામાન્ય વર્ગની મહિલાઓની જગ્યામાં ન સમાવવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.
ત્યાં બીજી બાજુ પાછલા કેટલાક દિવસોથી એસ. ટી. પ્રમાણપત્ર મુદ્દે ગીર, બરડા અને અલેચના માલધારીઓ પણ સત્યાગ્રહછાવણીમાં આંદોલન કરી રહ્યા છે.
જ્યારે અધૂરામાં પૂરું હવે સત્યાગ્રહછાવણીમાં ત્રીજું આંદોલન ખેડૂતોનું જોવા મળી રહ્યું છે. ખેડૂતો સત્યાગ્રહછાવણી ખાતે પાકવીમા મુદ્દે આંદોલન પર ઊતર્યા છે.
આમ, લાંબા સમયથી વિરોધનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર ત્રણ-ત્રણ આંદોલનોના વંટોળના કારણે વિમાસણમાં મુકાયેલી જોવા મળી રહી છે.
લોકરક્ષકદળનો વિવાદ
વર્ષ 2018માં જાહેર થયેલી લોકરક્ષકદળની ભરતીની પરીક્ષા ડિસેમ્બર, 2018માં યોજાવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા રદ કરી દેવાઈ હતી.
જેના કારણે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષાકેન્દ્રોમાંથી પાછા ફરવું પડ્યું હતું. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી, 2019માં ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી.
પરંતુ યાદી બહાર પાડ્યા બાદ પણ સરકાર માટે આ પરીક્ષાને લગતી મુશ્કેલીઓનો અંત આવ્યો નથી.
પરીક્ષા આપનારાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોની ફરિયાદ છે કે સરકારે બિનઅનામત વર્ગમાં અનામત વર્ગના યોગ્ય ઉમેદવારોને સ્થાન આપ્યું નથી.
આથી અનામત વર્ગમાં આવતાં મહિલા ઉમેદવારોએ પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી છે.
આ મહિલા ઉમેદવારો બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને સમાવી લેવાની માગણી સાથે છેલ્લા 26 દિવસથી સત્યાગ્રહછાવણી ખાતે આંદોલન પર બેઠાં છે.
આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતાં ભાવનગર જિલ્લાનાં રહેવાસી અસ્મિતાબહેન જણાવે છે :
"મારાં માતાપિતાએ ખેતરમાં કામ કરીને મને ભણાવી, મેં ખૂબ જ મહેનત કરીને પરીક્ષા પાસ પણ કરી લીધી."
"પરીક્ષામાં 75.25 માર્ક્સ આવ્યા છતાં બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ બંનેમાં મને સ્થાન નથી મળ્યું."
"અમારી માગણી છે કે અગાઉની ભરતીઓની જેમ આ ભરતીમાં પણ બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને સ્થાન મળે."
"જેથી સરકારી નોકરીઓમાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોને વધુમાં વધુ તક મળે."
"માતાપિતા તો દીકરીઓને ભણાવવા માગે છે, પરંતુ સરકારની નીતિ દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરે એવી નથી લાગતી."
"ઘણાં મહિલા ઉમેદવારોના ગુણ અનામત વર્ગની મહિલાઓ કરતાં વધારે હોવા છતાં અમને મેરિટમાં સ્થાન નથી મળ્યું."
"અમે સરકાર પાસે ન્યાયની માગણી કરીએ છીએ."
પાકવીમા મુદ્દે અસંતોષ
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પર માઠી અસર પડી હતી. જે કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
રાજ્યના ખેડૂતસંગઠનોનો દાવો છે કે પાકનુકસાની અંગે વળતર મેળવવા માટે ખેડૂતોએ ઘણા પ્રયત્નો કર્યા છતાં અઢી મહિના બાદ પણ સરકાર અને વીમાકંપનીઓએ મોટાભાગના ખેડૂતોને પૈસાની ચુકવણી કરી નથી.
બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે તેઓ ખેડૂતોને મદદ કરવા માટે કટિબદ્ધ છે અને પાકવીમાની પ્રક્રિયા ચાલી જ રહી છે.
પાકવીમાની ચુકવણી મુદ્દે સરકાર સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની આપવીતી વર્ણવતા ગુજરાત કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલભાઈ આંબલિયા કહે છે :
"એક તરફ કુદરતનો માર અને બીજી તરફ નિર્દય સરકારના અત્યાચારે ગુજરાતમાં ખેડૂતોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે."
પાકવીમા મુદ્દે ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીને વાચા આપતાં તેઓ કહે છે કે "ખેડૂતોએ સરકારના જણાવ્યા પ્રમાણે પાકનુકસાનીના 72 કલાકમાં અરજીઓ કરી."
"આ સિવાય પણ સરકારે જેટલો સમય કહ્યું તેના કરતાં વધારે સમય સુધી વળતર મેળવવા માટે રાહ જોઈ."
"પરંતુ ગુજરાત સરકારે ખેડૂતોની સમસ્યાનો સત્વરે નિકાલ ન લાવવાની ટેક રાખી હોય એવું લાગી રહ્યું છે."
"અમારી માગણી છે કે સરકાર ખેડૂતોની નુકસાની શક્ય એટલી જલદી ચૂકવી આપે."
"સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે."
"સરકાર ખેડૂતોને તેમના હકના પૈસાની પૂરેપૂરી ચૂકવણી તાત્કાલિક ધોરણે નહીં કરે તો ખેડૂતો પોતાનું આંદોલન ચાલુ જ રાખશે."
ST પ્રમાણપત્રનો વિવાદ
આ સિવાય રાજ્યના માલધારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે સત્યાગ્રહછાવણીમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
માલધારી સમાજનાં પ્રદર્શનો અંગેનું કારણ જણાવતા માલધારી આદિવાસી આંદોલન સમિતિના કન્વીનર અરજણભાઈ મોરી જણાવે છે :
"વર્ષ 1956થી ગીર, બરડા અને અલેચ વિસ્તારના માલધારી લોકોને આદિવાસીનો દરજ્જો આપવામાં આવ્યો હતો."
"સમયાંતરે રાજ્ય અને દેશમાં સરકારો બદલાતા સરકારનું અમારી જ્ઞાતિઓ પ્રત્યેનું વલણ પણ બદલાતું ગયું છે."
"મૂળ ગીર, બરડો અને અલેચના રહેવાસી એવા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને 1956ની જાહેરાત પ્રમાણે આદિવાસી અનામત મળે એ અમારી મૂળભૂત માગ છે."
"હાલની પરિસ્થિતિમાં અમારા સમાજના લોકોને આદિવાસી તરીકેનું પ્રમાણપત્ર મેળવવા માટે ખૂબ જ મથવું પડે છે."
"તેમજ તેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે."
"જ્યારે સામાન્ય આદિવાસી ઉમેદવારોને સરળતાથી આ પ્રમાણપત્ર મળી જાય છે."
"તેમજ જુદી-જુદી સરકારી ભરતીઓમાં અમારી જ્ઞાતિના ઉમેદવારો પાસેનાં આદિવાસી પ્રમાણપત્રો ચકાસણી વગર જ ગેરમાન્ય ઠેરવી દેવામાં આવે છે."
"અમારી માગણી છે કે મૂળ ગીર, બરડો અને અલેચમાં વસતા અમારી જ્ઞાતિના યુવાનો માટે આદિવાસી પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે."
"તેમજ જુદી-જુદી સરકારી ભરતીઓમાં ભરતી અધિકારી દ્વારા અમારાં પ્રમાણપત્રોને પણ આદિવાસી સમકક્ષ ગણવામાં આવે."
"જ્યાં સુધી સરકાર આ અંગે અમને બાંયધરી નહી આપે ત્યાં સુધી અમે સરકાર વિરુદ્ધ પ્રદર્શનો ચાલુ રાખીશું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છ