'નોટબંધી વખતે ઇન્ડિયન ઍરફોર્સે 625 ટન નોટની હેરફેર કરી હતી' : વાયુસેનાના પૂર્વ પ્રમુખ ઍરમાર્શલ ધનોઆ

ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર, વાયુસેના પૂર્વ પ્રમુખ ઍરમાર્શલ બી. એસ. ધનોઆએ કહ્યું કે 2016માં નોટબંધી પછી, ભારતીય વાયુસેનાએ 625 ટન નવી નોટોને દેશના વિવિધ ભાગોમાં પહોંચાડી હતી.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી બોમ્બે (આઈઆઈટી-બૉમ્બે)ના ટેકફેસ્ટમાં ઍરમાર્શલ ધનોઆએ કહ્યું, "જ્યારે નોટબંધી થઈ, અમે નોટો લીધી અને તમને પહોંચાડી."

"જો એક કરોડ રૂપિયા 20 કિલોની બેગમાં આવે છે, મને ખ્યાલ નથી કે અમે કેટલાં કરોડ રૂપિયાની હેરફેર કરી."

ઍરમાર્શલ ધનોઆની એક પ્રેઝન્ટેશન સ્લાઇડમાં દર્શાવાયું હતું કે આંતરિક સેવાના ભાગરૂપે, ભારતીય વાયુસેનાએ નોટબંધી લાગુ થયા બાદ 33 મિશનમાં 625 ટનના નાણાંકીય સામગ્રીની હેરફેર કરી હતી.

ઍરમાર્શલ ધનોઆ ડિસેમ્બર 31, 2019 થી 30 સપ્ટેમ્બર, 2019 સુધી ભારતીય વાયુસેનાના પ્રમુખ હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટને ચલણમાંથી હઠાવવાનો નિર્ણય 8 નવેમ્બર, 2016એ કર્યો હતો.

ટિકટૉક વીડિયો બનાવવાને લઈને પડોશી વચ્ચે ઝઘડો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં ટિકટૉક વીડિયો બનાવવાને લઈને બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

માધવપુર પોલીસ સ્ટેશનમાં પીડિત કરણ નામના યુવકે પોલીસને કહ્યું, "હાથમાં લાકડી લઈને હું ટિકટૉક વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે પડોશની રેખા નામની મહિલા આવી અને તેની પાસેથી લાકડી લઈ લીધી હતી."

"મેં લાકડી ન લેવા માટે કહ્યું પરંતુ મહિલાએ તેમને અપશબ્દો કહ્યા અને આરોપ મૂક્યો કે તે કાંઈ કામ કરતો નથી અને માત્ર ટિકટૉક વીડિયો બનાવે છે."

"તેમની વચ્ચે ભારે ઝઘડો થયો અને ત્યારબાદ રેખાના પરિવારે કરણને માર મારવાનો શરૂ કર્યો."

કરણનાં માતા શોભનાએ કહ્યું કે, "મારા ઘરની બહાર ઘોંઘાટ સંભળાયો, ત્યારે મારા પડોશી મારા દીકરા કરણને મારી રહ્યા હતા."

"જ્યારે તેમણે બચાવવા પ્રયત્ન કર્યો, ત્યારે રેખા નામની મહિલાએ તેમના વાળ ખેંચ્યા હતા."

"એ જ સમયે રેખાના પરિવારના સભ્યોએ મારા પર અને મારા દીકરા પર હુમલો કર્યો હતો." ત્યારબાદ પોલીસ બોલાવીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સોનાના ભાવ પહોંચ્યા સૌથી ઊંચી સપાટીએ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સોનામાં ભાવ સતત વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે સોનાનો ભાવ 42000 રૂપિયાને આંબી ગયો હતો.

અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 42,300 રૂપિયા પહોંચી ગયો હતો. શુક્રવારે જે કિંમત હતી તેના કરતાં 1000 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

વિશ્લેષણકર્તા માને છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલીને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે.

ઇન્ડિયા બુલિયન અને જ્વેલર્સ ઍસોસિયેશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ કહ્યું, "ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલીના કારણે સોનાના વૈશ્વિક ભાવમાં વધારો થયો છે."

"આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં 1448 ડૉલરથી 1525 ડૉલરનો વધારો નોંધાયો છે. ડૉલરની સામે રૂપિયાનું અવમૂલ્યન થવાથી ભારતીય માર્કેટમાં ભાવમાં વધારો નોંધાયો છે."

હું ભણતો ત્યારે જેએનયુમાં કોઈ ટુકડે-ટુકડે ગૅંગ હતી : વિદેશ મંત્રી

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર વિદેશ મંત્રી એસ. જયશંકરને સોમવારે એક કાર્યક્રમમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "હું ચોક્કસ રીતે કહી શકું છું કે જ્યારે જેએનયુમાં ભણતો હતો, ત્યારે ત્યાં મેં કોઈ 'ટુકડે-ટુકડે' ગૅંગ નથી જોઈ.

જેએનયુના કૅમ્પસમાં રવિવારે થયેલી હિંસા પછી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી એસ.જયશંકરે તરત જ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે વિશ્વવિદ્યાલયની પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધમાં છે.

જયશંકરે એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જેએનયુના વિદ્યાર્થીઓ પર થયેલાં હુમલાને લઈને પૂછેલાં પ્રશ્ન પર તેમણે કહ્યું કે મારે જે કહેવું હતું તે મેં ગઈકાલે કહી દીધું છે.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે રાત્રે બુકાનીધારી લોકોએ વિદ્યાર્થીઓને માર્યા હતા. અનેક વિદ્યાર્થી ઘાયલ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો