કાસિમ સુલેમાની : તેહરાનમાં અંતિમસંસ્કાર સમયે ભારે ભીડ ઊમટી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઈરાનની રાજધાની તેહરાનમાં જનરલ કાસિમ સુલેમાનીના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. સુલેમાની બગદાદમાં અમેરિકાના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઈના નેતૃત્વમાં સોમવારે તેહરાનમમાં જનાજાની નમાઝ અદા કરાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ હસન રૂહાની, મુખ્ય ન્યાયાધીશ, સંસદના સ્પીકર અલી લારીજાની સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

આ અગાઉ કાસિમ સુલેમાની સહિત બધા મૃતકોના મૃતદેહો ઈરાનના ખોજિસ્તાન પ્રાંતના અહાજ ઍરપૉર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે અંતિમસંસ્કારના જુલૂસમાં લાખો લોકો ઊમટી પડ્યા હતા.

સોમવારે તેહરાનમાં અંતિમસંસ્કારની પૂર્વ સંધ્યાએ શહેરના રાજમાર્ગો અને રસ્તાઓ પર કાળો રંગ નજરે ચડતો હતો.

ઊમટી પડેલી ભીડે ઈરાનના ઝંડા લહેરાવ્યા અને અમેરિકાવિરોધી નારા પોકાર્યા.

સુલેમાનીનાં પુત્રીએ રાષ્ટ્રપતિ રૂહાનીને પૂછ્યું- 'બદલો કોણ લેશે?'

શનિવારે એક તરફ ઇરાકમાં હજારોની સંખ્યામાં લોકો ઈરાની સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીમાં જનાજામાં સામેલ થવા રસ્તા પર આવ્યા હતા.

એ જ સમયે ઈરાનમાં રાષ્ટ્રપતિ હસન રૂહાની કમાન્ડર જનરલ સુલેમાનીના ઘરે તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા હતા.

જ્યારે રાષ્ટ્રપતિ રૂહાની કમાન્ડર સુલેમાનીના ઘરે પહોંચ્યા તો સુલેમાનીનાં પુત્રી ઝૈનબ સુલેમાનીએ પૂછ્યું- "મારા પિતાનો હત્યાનો બદલો કોણે લેશે." તો રૂહાનીએ જવાબ આપ્યો "આપણે બધા."

કમાન્ડર સુલેમાનીનાં પુત્રી અને રાષ્ટ્રપતિ રૂહાનીની આ વાતચીત ઈરાનની સરકારી ટીવી ચેનલોમાં પ્રસારિત કરાઈ હતી.

રૂહાનીએ ઝૈનબ સુલેમાનીને સાંત્વના આપતાં કહ્યું, "ખુદા તમને ધીરજ આપે. આ દુઃખ અને દર્દના સમયે ખુદા તમારી સાથે છે અને તેનો ન્યાય મળશે. આપણે બધા બદલો લઈશું, તમે તેની ચિંતા ન કરો."

ઈરાનમાં શું થઈ રહ્યું છે?

ઈરાનનાં મુખ્ય શહેરોમાંના અહવાઝમાં રવિવારે સવારે હજારોની સંખ્યામાં લોકો સુલેમાનીની શોકસભામાં સામેલ થતા જમા થયા હતા.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અનુસાર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિતિ અહવાઝ શહેરમાં જ ઇરાકથી કમાન્ડર સુલેમાનીનો મૃતદેહ લાવવામાં આવ્યો.

ઈરાની ઝંડામાં લપેટેલા સુલેમાનીના મૃતદેહને પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે વિમાનથી ઉતારાયો. તેની સાથે ઈરાનના અન્ય પાંચ સૈનિકોના મૃતદેહ પણ હતા.

જોવા મળ્યું હતું કે અહવાઝ શહેરના મૌલવી સ્કવાયર પર જમા થયેલા લોકો પોતાની છાતી કૂટતાં 'અમેરિકા મુર્દાબાદ'ના નારા પોકારી રહ્યા હતા.

ઈરાનની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતોલ્લાહ અલી ખમેનેઈને કહ્યું કે સુલેમાનીની હત્યાનો 'કઠોર બદલો' લેવાશે.

ખમેનેઈ સોમવારે તેહરાન યુનિવર્સિટીમાં સુલેમાનીને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં જનરલ કાસિમ સુલેમાનીનો મૃતદેહ દફનવિધિ માટે કેરમાન કસબામાં આવેલા તેમના ઘર લવાશે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે 'અમેરિકાએ સુલેમાનીની હત્યા કરીને એક મોટી ભૂલ કરી છે.'

પરંતુ ઈરાન તરફથી આવતી પ્રતિક્રિયાનો જવાહ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહેતાં આપ્યો કે 'ઈરાને જો અમેરિકાની કોઈ પણ સંપત્તિને અડી તો અમેરિકાનો તેનો બહુ કઠોર અને બહુ તીવ્ર જવાબ આપશે.'

અમેરિકાએ કહ્યું- 'હથિયાર તૈયાર છે'

રવિવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું, "અમેરિકાએ હાલમાં જ સૈન્ય ઉપકરણો પર બે ટ્રિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે. અમે સૌથી વિશાળ અને વિશ્વમાં અત્યાર સુધીમાં સર્વોત્તમ છીએ. જો ઈરાને કોઈ પણ અમેરિકાના કોઈ પણ મથક કે અમેરિકન નાગરિક અડ્યું તો અમે આ નવાં હથિયારોમાંથી કેટલાંક ઈરાન સુધી મોકલવામાં સહેજ પણ ખચકાશું નહીં."

ટ્રમ્પે અન્ય એક ટ્વીટમાં દાવો કર્યો છે કે 'અમેરિકા પાસે ઈરાનનાં 52 મથકોનું એક લિસ્ટ તૈયાર છે.'

અમેરિકા અનુસાર 52 નંબર વર્ષ 1979માં અમેરિકા દૂતાવાસમાં ઈરાન દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી બંધક બનાવાયેલા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પસંદ કરાયો છે.

સુલેમાનીના મૃત્યુ બાદ શરૂ થયેલા વાકયુદ્ધમાં ઈરાનના રાષ્ટ્રપતિ રૂહાનીએ પણ કહ્યું કે 'સુલેમાનીની હત્યાનું પરિણામ અમેરિકાના લોકોને ન માત્ર નહીં, પરંતુ આવનારાં વર્ષોમાં પણ ભોગવવું પડશે.'

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર સુલેમાનીના મૃત્યુ પર ઈરાને ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

ઈરાનના વિદેશમંત્રી જવાદ ઝરીફે શનિવાર સાંજે એક ટ્વીટમાં લખ્યું કે 'સુલેમાનીનું મૃત્યુ પશ્ચિમ એશિયામાં અમેરિકાના દુર્ભાગ્યપૂર્ણ મોજૂદગીના અંતની શરૂઆત છે.'

માનવામાં આવે છે કે ઈરાનના વિદેશમંત્રી પોતાના ટ્વીટના માધ્યમથી એ કહેવાની કોશિશ કરી છે કે કમાન્ડર સુલેમાનીની હત્યાના જવાબમાં ઈરાન કોઈ પણ હદે જવા માટે તૈયાર છે.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી આઈઆરએનએના રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ફોન પર તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન સાથે વાત કરી છે અને તેમને કહ્યું કે બધા પડોશી દેશોએ એક થઈને તેમના ક્ષેત્રમાં અમેરિકાની મોજૂદગી સામે કામ કરવું જોઈએ.

ઈરાનની બેચેની

પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓને ચલાવનારા મુખ્ય રણનીતિકાર એવા સુલેમાનીનું બગદાદ ઍરપૉર્ટ બહાર અમેરિકાના હવાઈ હુમલામાં શુક્રવારે મૃત્યુ થયું હતું.

આ હુમલામાં તેમની સાતે નવ અન્ય લોકો પણ માર્યા ગયા હતા, જેમાં કતાઇબ હિઝબુલ્લાહ જૂથના મુખ્ય કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસ પણ સામેલ છે.

ઈરાને જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ કુદ્સ ફોર્સના નવા કમાન્ડર તરીકે બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીની નિયુક્તિ કરી દીધી છે.

પરંતુ આ આખા ઘટનાક્રમે મધ્ય-પૂર્વમાં ઈરાનની સામે ઊભેલા અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચેના તણાવને એક નવા સ્તરે પહોંચાડી દીધું છે.

સુલેમાનીની હત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓએ આ કાર્યવાહી એક મોટા યુદ્ધને ટાળવા માટે કરી છે, કેમ કે સુલેમાની અમેરિકા સામે હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા.

હાલમાં થયેલા કેટલાક હુમલા માટે પણ અમેરિકાએ સુલેમાનીને જવાબદાર ઠેરવ્યા હતા.

સુલેમાની ઈરાનની બહુચર્ચિત કુદ્સ ફોર્સના પ્રમુખ હતા. આ ફોર્સ ઈરાન દ્વારા વિદેશોમાં ચાલી રહેલાં સૈન્ય ઑપરેશનોને અંજામ આપવા માટે જાણીતી છે.

સુલેમાની એક સૈન્ય અધિકારી તરીકે ઈરાન માટે મહત્ત્વપૂર્ણ હતા. તેઓ એક મહત્ત્વપૂર્ણ જાસૂસી અધિકારી હતા.

તેમને ઈરાનના સૌથી મહત્ત્વપૂર્ણ રાજકીય ચહેરા કહેવું પણ ખોટું નહીં ગણાય.

સુલેમાનીએ વર્ષો સુધી લેબનન, ઇરાક, સીરિયા સહિત અન્ય ખાડી દેશોમાં યોજનાબદ્ધ હુમલાના માધ્યમથી મધ્ય-પૂર્વમાં ઈરાન અને તેના સહયોગીઓની સ્થિતિને મજબૂત કરવાનું કામ કર્યું હતું.

એટલા માટે ઈરાન પોતાના સૌથી લોકપ્રિય કમાન્ડરના મૃત્યુ પર બેચેન છે.

'ગેરકાયદે ગુનાહિત હરકત'

સંયુક્ત રાષ્ટ્રને લખેલા એક પત્રમાં ઈરાને અમેરિકાના હુમલાને 'આતંકવાદી કાર્યવાહી' અને એક 'ગેરકાયદે ગુનાહિત હરકત' ગણાવ્યો છે. તો સંયુક્ત રાષ્ટ્રે ઈરાનને સંયમ રાખવા કહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત માજિદ તખ્ત રવાંચીએ કહ્યું છે કે અમેરિકાએ સુલેમાનીની હત્યા કરીને બંને દેશ વચ્ચે યુદ્ધ જેવી બનેલી સ્થિતિને આગ ચાંપી છે, જેની વર્ષ 2018માં અમેરિકાના પરમાણુ સંધિમાંથી બહાર જવાથી શરૂઆત થઈ હતી.

અમેરિકામાં પણ એક રાજકીય જૂથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુલેમાનીની હત્યાના નિર્ણયની ટીકા કરી છે.

ડેમૉક્રેટિક નેતા ક્રિસ વેન હૉલેને કહ્યું કે 'ટ્રમ્પે તેમના આ નિર્ણય માટે જે તર્ક આપ્યા છે, એ સાંભળીને સમજાતું નથી કે તેને ઇરાક અને ઈરાનની સાથે અમેરિકાની સ્થિતિને બિનજરૂરી અને વધુ મહત્ત્વપૂર્ણ બનાવનારી ઘટના કેમ ન કહેવાય.'

તેમણે એમ પણ કહ્યું કે આ હુમલાથી અમેરિકાનાં હિતો પર ખતરો જરૂર વધશે.

ઇરાક : સરકારવિરોધી પ્રદર્શનકારી પણ નારાજ

ઇરાકના બગદાદ શહેરના અન્ય એક ભાગમાં કેટલાક સરકારવિરોધી પ્રદર્શનકારી, કેટલીક અન્ય બાબતોમાં ઇરાકમાં ઈરાનના વધુ પડતાં પ્રભાવના અંતની માગ કરી રહ્યા છે.

જોકે આ પ્રદર્શનકારીઓ પણ અમેરિકાના હુમલાથી નારાજ છે.

ઇરાકમાં ભ્રષ્ટાચારવિરોધી આ પ્રદર્શનની શરૂઆત ઑક્ટોબરમાં થઈ હતી. ત્યારથી સુરક્ષાદળો હિંસક રીતે આ પ્રદર્શનોને દબાવવાની કોશિશ કરી રહ્યાં છે.

સેંકડો પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

તેમ છતાં બગદાદ શહેરના મુખ્ય પ્રદર્શનસ્થળ 'તહરીરચોક' પર જમા થયેલા સામાન્ય ઇરાકી પ્રદર્શનકારીઓએ શનિવારે કહ્યું કે અમેરિકાએ તેમની જમીન પર આવો હુમલો કરવો જોઈતો નહોતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો