You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં બાળકોનાં મૃત્યુ : નીતિન પટેલે કહ્યું કે ગુજરાત કરતાં મધ્ય પ્રદેશમાં બાળમૃત્યુદર વધારે
ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં ડિસેમ્બર માસમાં 200 જેટલાં નવજાત શિશુનાં મૃત્યુનો મામલો બહાર આવ્યો છે.
આ મામલે મુખ્ય મંત્રી સવાલનો જવાબ આપ્યા વિના નીકળી જતા વિવાદ ઊભો થયો. એ પછી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારપરિષદને સંબોધી હતી.
નીતિન પટેલે કહ્યું કે ગુજરાત કરતાં મધ્ય પ્રદેશમાં બાળમૃત્યુદર ઘણો વધારે છે.
અગાઉ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોનાં મૃત્યુ થયાં છે. એવું સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલના ડીન મનીષ મહેતાએ જણાવ્યું છે.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જી. એસ. રાઠોડે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે ડિસેમ્બર માસમાં 455 નવજાત બાળકો એનઆઈસીયૂમાં દાખલ થયાં હતાં, જેમાંથી 85નાં મૃત્યુ થયાં હતાં.
જોકે 'ધ હિંદુ'માં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં 134 નવજાત શિશુનાં મૃત્યુ થયાં હતાં.
રાજસ્થાનના કોટાસ્થિત હૉસ્પિટલમાં બાળકોનાં મૃત્યુનો મામલો દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે અને આ મામલે ગેહલોત સરકારને ઘેરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
દરમિયાન ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં બાળકોનાં મૃત્યુનો મામલો બહાર આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આ અંગે પ્રશ્ન પુછાતાં તેઓ જવાબ આપ્યા વગર જ ચાલી નીકળ્યા હતા.
સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મૃત્યુ પામનારાં પૈકી મોટાં ભાગનાં નવજાત શિશુ હતાં.
ગુજરાત કૉંગ્રેસ આ મામલે ભાજપની સરકાર પર આક્ષેપ કરી રહી છે.
કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાત સરકારની નિષ્ફળતા સામે આવી રહી છે.
તેમણે કહ્યું, "ગુજરાતનાં બે શહેરોમાં જ 219 જેટલાં બાળકોનાં મૃત્યુનો આંકડો છે. આખા રાજ્યનો આંકડો જોઈશું તો કદાચ હજારોની સંખ્યા બહાર આવશે."
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે.
મેવાણીએ લખ્યું, "સરકારી હૉસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની અછતને કારણે અને ખાડે ગયેલી પ્રાથમિક આરોગ્ય સેવાને લીધે આ ટ્રૅજેડી સર્જાઈ છે."
"ગુણવત્તાયુક્ત આરોગ્ય માટે પૈસા ન ખર્ચી શકતા ગરીબોની ગુજરાત મૉડલ હત્યા કરી રહ્યું છે."
ગુજરાત સરકારે શું કહ્યું?
અગાઉ પત્રકારોને જવાબ આપ્યા વિના નીકળી જનાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે "સરકાર ગંભીરતાથી માહિતી એકઠી કરી રહી છે. તેના અંગે વધુ વિગતો આપીશું."
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં બાળકોનાં મૃત્યુના કારણની તપાસ કરી રહ્યા છીએ."
"શિયાળામાં નવજાત શિશુનાં મોત વધુ હોય છે પણ દર વરસ કરતાં વધુ હોય તો ચિંતાનો વિષય ગણાય, અમે સ્થિતિનું આકલન કરી રહ્યા છીએ, પછી પગલાં લેવાશે."
ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું, "તેની તપાસ થશે. ઊણપ રહી ગઈ હશે તો ભવિષ્યમાં ન રહે અને જો કોઈએ ઊણપ રાખી હોય તો તેમની પર કડક પગલાં લેવામાં આવશે. આમાંથી શીખીને આગળ જવાની તૈયારી કરવા જેવી છે."
ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ દાવો કર્યો કે, વ્યવસ્થામાં ખૂબ મોટું પરિવર્તન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.
અહેવાલો અનુસાર રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
'ગુજરાતમાં 97માં બાળમૃત્યુદર 62નો હતો હાલ 30નો છે' - ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ
રાજકોટ અને અમદાવાદમાં થયેલાં બાળકોનાં મૃત્યુ અંગે ઉપ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
તેમણે કહ્યું, "દેશમાં સૌથી વધુ બાળકોનાં મૃત્યુ મધ્ય પ્રદેશમાં થાય છે જેનો આંકડો પ્રતિ હજારે 47 છે. જ્યારે ગુજરાતમાં તે આંકડો પ્રતિ હજારે 30 છે."
"ગુજરાતમાં 1997ની સાલમાં પ્રતિ હજારે 62 બાળકોનાં પ્રસૂતિ સમયે મૃત્યુ થતાં હતાં. જ્યારે 2007ના કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે પ્રતિ હજારે 30 બાળકનાં મૃત્યુ થયાં છે."
તેમણે વધુમાં કહ્યું, "રાજ્ય સરકાર જે સૉફ્ટવેરની મદદથી બાળકોની નોંધણી કરે છે તે પ્રમાણે હાલ આ દર પ્રતિ હજારે 25થી નીચેનો છે."
અમદાવાદ અને રાજકોટની બનેલી ઘટના અંગે તેમણે કહ્યું, "શિયાળામાં નવજાત બાળકોનાં મૃત્યનું પ્રમાણ અનેક કારણથી વધી જતું હોય છે."
રાજકોટ અને અમદાવાદની હૉસ્પિટલના આંકડાઓ પણ તેમણે જાહેર કર્યા હતા.
નીતિન પટેલે કહ્યું કે, "રાજકોટની જનાના હૉસ્પિટલમાં ડિસેમ્બર માસમાં કુલ 804 મહિલાઓની પ્રસૂતિ કરાવાઈ હતી. જેમાં 228 બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને હૉસ્પિટલ ખસેડાયાં, જ્યારે 160 બાળકો અન્ય હૉસ્પિટલમાંથી આવ્યાં હતાં. આમ કુલ 388 બાળકો હતાં. જેમાંથી 111 બાળકોનાં મૃત્યુ થયાં છે"
તેમણે ગત બે માસના આંકડાં આપ્યા હતા. જેમાં ઑક્ટોબરમાં પ્રસૂતિ બાદ 452 બાળકોની સ્થિતિ ગંભીર હતી જેમાંથી 87 બાળકો મૃત્યુ પામ્યાં. જ્યારે નવેમ્બરમાં 456 બાળકોની સ્થિતિ ગંભીર હતી, જેમાંથી 71 બાળકો મૃત્યુ પામ્યાં.
અમદાવાદની વિગતો આપતાં તેમણે કહ્યું, "અમદાવાદમાં સિવિલમાં 849 મહિલા પ્રસૂતિ માટે આવી હતી. જેમાંથી 172 નવજાત બાળકોની સ્થિતિ ગંભીર હતી. જ્યારે 243 બાળકો બીજી હૉસ્પિટલમાંથી આવ્યાં હતાં. કુલ 415 બાળકો હતાં. જેમાંથી 88 બાળકોનાં મૃત્યુ થયાં હતાં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો