ઈરાન કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા અમેરિકા સામે બાથ ભીડી શકે?

    • લેેખક, જૉનાથન માર્કસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વકરી શકે છે, જેની ગંભીર અસરો ઊભી થશે.

ઈરાન દ્વારા વળતો હુમલો કરવામાં આવે તેવી શક્યતા છે અને તાજેતરનો ઘટનાક્રમ બંને દેશોને યુદ્ધની અણિ ઉપર લાવી દે તેવી શક્યતા છે.

ઇરાક ઉપર અમેરિકાના પ્રભુત્વ ઉપર ગંભીર સવાલ ઊભા થશે અને મધ્ય-પૂર્વ એશિયા અંગેની ટ્રમ્પની નીતિની અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી પરીક્ષા થાય તેવી સંભાવના છે.

ઓબામા સરકારમાં મધ્ય-પૂર્વ અને ઈરાન બાબતના સંયોજન ફિલિપ ગોર્ડન આ હુમલાને ઈરાન સામે અમેરિકા દ્વારા 'યુદ્ધની જાહેરાત' તરીકે જુએ છે.

ઈરાનની કુદ્સ ફોર્સ વિદેશની ધરતી ઉપર મિશનોને અંજામ આપે છે. વર્ષોથી ઇરાક, સીરિયા, લેબનન તથા અન્ય દેશોમાં ઇરાનના દુશ્મનોને પછાડવામાં કે મિત્રોને મદદમાં સુલેમાની ચાવીરૂપ ભૂમિકા ભજવતા હતા.

લોકપ્રિય હસ્તી

અમેરિકાના મતે સુલેમાની હત્યારા હતા, પરંતુ તેઓ ઈરાનમાં ખૂબ જ લોકપ્રિય હતા. ઈરાન પરના દબાણ તથા અમેરિકા દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણોને ખાળવામાં સુલેમાનીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સુલેમાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખટકતા હતા, એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ તેમની ઉપર અત્યારે શા માટે હુમલો કરવામાં આવ્યો તે આશ્ચર્યની વાત છે.

તાજેતરમા ઇરાક ખાતે અમેરિકાના મથક ઉપર રૉકેટ-હુમલા થયા હતા, જેના માટે ઈરાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. એ હુમલામાં એક કૉન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું હતું.

આ પહેલાં ઈરાને અમેરિકાના UAVને તોડી પાડવાની ઘટના અને સાથી રાષ્ટ્ર સાઉદી અરેબિયાની ઑઈલ રિફાઇનરી ઉપર હુમલા જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો, પરંતુ અમેરિકાએ કોઈ વળતી કાર્યવાહી કરી ન હતી.

ઍરબેઝ પર હુમલાની ઘટનાને અંજામ આપનાર ઈરાનસમર્થિત આતંકવાદી સંગઠન સામે અમેરિકાએ કાર્યવાહી કરી હતી, જેના પગલે સંભવત બગદાદ ખાતે અમેરિકાના દૂતાવાસ ઉપર હુમલો થયો હતો.

અમેરિકાનું કહેવું છે કે સુલેમાની અમેરિકાના ડિપ્લૉમેટ્સ, ઇરાક તથા મધ્ય-પૂર્વ એશિયામાં તહેનાત અમેરિકાના સૈનિકો ઉપર હુમલો કરવાનું આયોજન કરી રહ્યા હતા.

5000 સૈનિક તહેનાત

હવે શું થશે તે મોટો સવાલ છે. ટ્રમ્પને આશા હશે કે તેમની આ કાર્યવાહીથી આ ભૂભાગમાં તેના મિત્રરાષ્ટ્ર સાઉદી અરેબિયા તથા ઇઝરાયલને એ વાતની ખાતરી થશે કે હજુ પણ અમેરિકામાં તાકત છે અને ઈરાનને પણ પાઠ મળશે.

લાંબા સમયથી ઈરાન સામે કાર્યવાહી નહીં થવાથી સાઉદી તથા ઇઝરાયલ અધીરા બની ગયા હતા.

એ કળવું મુશ્કેલ છે કે ઈરાન વળતા જવાબ રૂપે આક્રમક પ્રતિક્રિયા નહીં આપે.

ઇરાકમાં પાંચ હજાર અમેરિકન સૈનિક તહેનાત છે, તેઓ સંભવિત નિશાન હોઈ શકે છે. અગાઉ પણ ઈરાન કે તેના પ્રૉક્સી સંગઠનો દ્વારા આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે.

આ હુમલાને કારણે તત્કાળ ક્રૂડઑઈલના ભાવોમાં ઉછાળો જોવા મળશે અને ખાડીદેશોમાં તણાવ જોવા મળશે.

ઇરાકમાં રાજદૂતાલયની સુરક્ષા માટે અમેરિકાએ પૂરક ટુકડીઓ મોકલી છે, પરંતુ તેણે તત્કાળ આ વિસ્તારમાં સુરક્ષાબળોની તહેનાતી વધારવી પડશે.

જોકે ઈરાન દ્વારા 'હુમલાની સામે હુમલો'ની વ્યૂહરચનાને બદલે અન્ય કોઈ રીતે વળતી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાને પણ નકારી શકાય નહીં.

સુલેમાનીએ ખાડી દેશોમાં અનેક અપ્રત્યક્ષ સંગઠનો ઊભાં કર્યાં હતાં અને તેને આર્થિક સહાય કરી હતી. તેઓ કોઈ વળતી કાર્યવાહી કરે તેવી શક્યતાને પણ નકારી શકાય નહીં.

જેમ કે ફરી એક વખત બગદાદ ખાતે અમેરિકાના રાજદૂતાલયને ઘેરવામાં આવે, જેના કારણે ઇરાક સરકારની મુશ્કેલીઓ વધે અને ત્યાં અમેરિકાની સેનાની તહેનાતી પર પણ સવાલ ઊભા થાય.

આવા હુમલાઓને અંજામ આપવા માટે અન્ય સ્થળોએ પણ દેખાવ થાય તેવી શક્યતાને નકારી શકાય નહીં.

'ખૂબ ખરાબ માણસ'

કુદ્સ ફોર્સના કમાન્ડર ઉપર હુમલાથી ફરી એક વખત એ વાત સાબિત થઈ ગઈ છે કે અમેરિકાનું જાસૂસીતંત્ર માહિતી મેળવવામાં અને હુમલાને અંજામ આપવાની અજોડ ક્ષમતા ધરાવે છે.

આ વિસ્તારમાં ઘણા લોકોને જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુનો અફસોસ નહીં હોય, પરંતુ શું આ હુમલાને અંજામ આપવાનો ટ્રમ્પનો નિર્ણય વિવેકપૂર્ણ હતો?

વળતા હુમલા માટે અમેરિકાનું સૈન્યતંત્ર તૈયાર છે? આ હુમલો ટ્રમ્પની નીતિ વિશે શું દર્શાવે છે? શું ટ્રમ્પની નીતિ બદલાઈ છે? શું ઈરાનની કોઈ પણ કાર્યવાહીને સાંખી લેવામાં નહીં આવે?

કે પછી ટ્રમ્પ જેને 'ખૂબ ખરાબ માણસ' ગણતા હતા તેવા ઈરાની કમાન્ડરને ઠેકાણે પાડ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો