ગુજરાતના ખેડૂતોને પાકવીમાના મામલે અદાલતને શરણે કેમ જવું પડ્યું?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં પાકવીમાના વળતરને લઈને ખેડૂતોમાં અસંતોષ વર્તાઈ રહ્યો છે.

ગુજરાતમાં ખેડૂતોએ વડા પ્રધાન પાકવીમા યોજના અંતર્ગત મળતા વીમા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને રાજ્ય સરકાર અને વીમા કંપની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.

ખેડૂતોનાં વકીલ દીક્ષા પંડ્યાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે હાલ 11 ખેડૂતોની અરજીઓ પર અદાલતે રાજ્ય સરકાર અને વીમા કંપની પાસેથી જવાબ માગ્યો હતો અને આ મુદ્દે આગલી સુનાવણી 6 ડિસેમ્બરે થશે.

તેમનું કહેવું છે કે અન્ય કેટલાક ખેડ઼ૂતો પણ છે, જેમણે આ પ્રકારની ફરિયાદ સાથે અરજી કરી છે.

અત્યાર સુધી વીમા કંપની તરફથી ગુજરાતના ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવા માટે કથિતપણે નક્કર પગલાં ન લેવાયાં હોવાની ફરિયાદો ઊઠી છે.

હાઈકોર્ટમાં આ બાબતે પણ અગાઉ પણ અરજી કરવામાં આવી હતી.

ચોટીલામાં પીપરાડી ગામના ખેડૂત વર્ગમાં અશોક ભંભાનિયાનો પરિવાર પણ અદાલતમાં વીમા કંપની સામે અરજી કરનાર ખેડૂતોમાંથી એક છે.

તેમણે કહ્યું કે 2017માં પૂર આવ્યું ત્યારે અમારો 70 ટકા પાક નિષ્ફળ થઈ ગયો હતો. 2018ના દુષ્કાળ વખતે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી.

28 વર્ષના અશોક કહે છે કે પિતાએ ખેતી માટે એક લાખ 70 હજાર રૂપિયાનું ધિરાણ બૅન્ક પાસેથી લીધું હતું અને ધિરાણની સાથે વીમા માટેનું પ્રીમિયમ કપાઈ ગયું હતું પરંતુ 2017માં અતિવૃષ્ટિ અને 2018માં દુષ્કાળમાં પાકને નુકસાન થતાં વીમો મળ્યો નહીં.

અશોક ગુજરાતના કેટલાક ખેડૂતોમાં છે જેઓ 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' હેઠળ વીમો ન મળતાં અથવા ઓછી રકમ ચૂકવાતાં હેરાન પરેશાન છે.

અશોક કહે છે કે 2017માં પૂર આવ્યું હતું, ત્યારે ખેડૂતોને સરકાર તરફથી પાકને નુકસાન થવા બદલ સહાય મળી હતી, પરંતુ વીમો મળ્યો નહીં.

તેઓ કહે છે કે ધિરાણ લઈએ તો ફરજિયાત પ્રીમિયમ કપાય છે પણ પાકને નુકસાન થાય અને કંપનીઓ વળતર ચૂકવવાનું આવે ત્યારે ગરબડ કરે છે.

ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ રતનસિંહ ડોડિયા સુરેન્દ્રનગરમાં ખેડૂત છે.

તેઓ કહે છે કે અશોક અને તેમના પરિવારે લીઘેલા ધિરાણ મુજબ તેમનો પાક નિષ્ફળ જતાં તેમને આશરે 43 હજાર રૂપિયાનું વળતર વીમા કંપની તરફથી મળવું જોઈતું હતું, પરંતુ માત્ર 1500 રૂપિયા જ ચૂકવવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કેટલાક ખેડૂતો વીમા માટે અદાલતની શરણે ગયા છે.

ખેડૂત આગેવાન સાગર રબારીનું કહેવું છે કે પાકવીમાની લડત લડી રહ્યા હોય એવા ખેડૂતો સૌથી વધારે ગુજરાત રાજ્યમાં જ છે.

ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ રતન સિંહ ડોડિયાનું કહેવું છે કે ગુજરાતમાંથી 42 અરજીઓ અદાલતમાં કરવામાં આવી છે.

આવી જ એક અરજીને આધારે ગુજરાતમાં એસબીઆઈ (સ્ટેટ બૅન્ક ઑફ ઇંડિયા) જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી, કારણ કે અદાલતમાં કંપની ક્રૉપ કટિંગના પુરાવા અદાલતમાં રજૂ નહોતી કરી શકી.

શું છે 'વડા પ્રધાનપાકવીમા યોજના'?

2016માં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 'વડા પ્રધાન પાકવીમા યોજના'ની જાહેરાત કરી, જેમાં ખેડૂતોને વાવણી પહેલાંથી લઈને પાક લેવા પછી પણ કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં પાક માટે એક વ્યાપક વીમાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ ખેડૂતોને સરળ રીતે અને સમયસર યોગ્ય વીમાની રકમ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

કૃષિ વિશેષજ્ઞ સાગર રબારી કહે છે કે પાકવીમાના પ્રીમિયમમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને 49-49 ટકા ચૂકવે છે અને ખેડૂતે પ્રીમિયમના બે ટકા ચૂકવવાના આવે છે.

નિષ્ણાતો જણાવે છે કે ગુજરાતમાં છ ખાનગી કંપનીઓને આ યોજનામાં જોડવામાં આવી છે.

આંકડા શું કહે છે?

ઊંચા દરે પ્રીમિયમ પડાવતી કંપનીઓને જ્યારે નુકસાની વળતર ચૂકવવાનો વારો આવે છે ત્યારે નિષ્ક્રિય બની જતી હોવાની રાવ ઊઠી હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.

ધ વાયરના એક અહેવાલ મુજબ માહિતીના અધિકાર હેઠળ મળેલી માહિતી મુજબ ભારતમાં વીમા કંપનીઓએ વડા પ્રધાન પાકવીમા યોજના હેઠળ સમયસીમા વીતી ગયા પછી પણ ખેડૂતોએ કરેલા 5000 રૂપિયાથી વધારેના દાવા સામે રકમ ચૂકવી નથી.

આ અહેવાલ મુજબ, ભારતમાં ડિસેમ્બર 2018 સુધીમાં રાજ્ય સરકારો દ્વારા પ્રમાણિત વીમાના પેન્ડિંગ દાવાને કંપનીઓએ પાસ ન કર્યા હોય, તેવા 5,171 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ નથી.

વડા પ્રધાન પાકવીમા યોજના હેઠળ, 12,867 કરોડ રૂપિયામાંથી 40 ટકા રકમ દાવા પૈકી 2019ના મે મહિના સુધી ચૂકવાઈ નથી.

ખેડૂતોને કેમ સમયસર વળતર નથી મળતું?

ખેડૂત અશોકભાઈ કહે છે કે યોજના કાગળ પર છે, જમીન પર તો કંઈ નથી. તેઓ કહે છે કે 2019માં પણ અતિવૃષ્ટિ થઈ છે, જેથી પાક નિષ્ફળ ગયો છે.

હવે રવી પાક માટે ખેતર તૈયાર કરવાનો સમય આવી ગયો છે, પરંતુ હજુ પાક નુકસાન માટે કોઈ સર્વે કરવા કોઈ આવ્યો નથી.

જો ખેતર ખાલી કરી નાખીએ તો કહેશે કે નુકસાન ક્યાં થયું છે?

અશોક પ્રમાણે અતિવૃષ્ટિને કારણે આ વર્ષે તેમનો 70 ટકા પાક નિષ્ફળ થયો અને કેટલાક ખેડૂતોનો 100 ટકા પાક ખરાબ થયો.

નિષ્ણાતો પ્રમાણે જે ખેડૂતો ધિરાણ લે ત્યારે પાકવીમો લેવો ફરજિયાત હોય છે જેના દર પણ ઘણા ઊંચા હોય છે.

કુલદીપ સગર કહે છે કે કાગળ પર તો ખેડૂતોના હિતમાં છે, પરંતુ તેમના અમલીકરણમાં ધાંધિયા ચાલે છે.

દાખલા તરીકે યોજના પ્રમાણે ગ્રામસ્તરે સરપંચ, ઉપસરપંચ, તલાટી અને ખેડૂતોની ક્રૉપ મોનિટરિંગ કમિટીઓ હોવી જોઈએ, જે કેટલાંક ગામોમાં નથી.

સગર કહે છે કે સામાન્યપણે વીમા કંપનીઓના સભ્ય બેઠકોમાં ભાગ ન લેતા હોય તેવું જોવા મળ્યું છે.

તેઓ આગળ કહે છે કે કંપનીઓને ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટે ફંડ મળે છે, પરંતુ આ અંગે કોઈ કાર્ય થતું દેખાતું નથી.

ખેતી નિષ્ણાત મહેશ પંડ્યા કહે છે કે યોજના માટે સર્વે કરાવવા માટે પૂરતો સ્ટાફ ન તો કંપનીઓ પાસે છે અને ન તો તેની ખરાઈ માટે સરકાર પાસે કર્માચારીઓ છે.

કેટલાક ખેડૂતો કહે છે કે 2019માં સતત વરસાદ પડ્યો જેને કારણે કપાસનું વાવેતર નિષ્ફળ ગયું છે.

વીમા કંપનીને આ વિશે જાણ કરવા છતાં હજુ સુધી અમારા ગામમાં કંપનીના માણસો સર્વે કરવા નથી આવ્યા.

સરકારની નિષ્ક્રિયતા?

સાગર રબારી કહે છે, "કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ જો વીમાનો દાવો સેટલ કરવામાં ઇન્સ્યૉરન્સ કંપની વિલંબ કરે તો 12 ટકા વ્યાજ પણ ચૂકવવાનું રહેશે."

"એ સિવાય ખેડૂતોની પાક નિષ્ફળ થવાની અરજી તથા પૂર, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં 72 કલાકની અંદર ઑનલાઇન અરજી કરવાની રહે, પરંતુ વીમા કંપનીઓ વર્ષ વીતી જાય, તો પણ વીમો ન ચૂકવે ત્યારે પણ સરકાર કોઈ પગલાં લેતી નથી."

તેઓ કહે છે કે ત્રણ વર્ષમાં સૂકા કે પછી લીલા દુષ્કાળનો માર ખેડૂતો પર પડ્યો છે.

રબારી એવું પણ જણાવે છે કે યોજનાની ગાઇડલાઇન્સ પ્રમાણે કુદરતી સર્વે કરવાનો રહે છે, પરંતુ કુદરતી હોનારત થાય જેમ કે, જમીન ધોવાઈ જાય તો ખેડૂત જાણ કરે તેના 60 દિવસની અંદર વીમો ચૂકવવાનો હોય છે અને જો ન ચૂકવાય તો 12 ટકાના વ્યાજ સાથે ચૂકવવું પડે.

અહીં તો ખેડૂતોને પ્રીમિયમ માત્ર મળી નથી રહેતું. તેમનું કહેવું છે કે આ કૉર્પોરેટ અને સરકારનું મોટું કૌભાંડ છે.

સાગર રબારીનું કહેવું છે, "વડા પ્રધાન પાકવીમા યોજનામાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સરકારે 2018માં 96 તાલુકાને 'અછતગ્રસ્ત' અને 'અર્ધઅછતગ્રસ્ત' જાહેર કર્યા હતા."

"પરંતુ વીમા કંપનીઓએ કહ્યું કે અહીં દુષ્કાળ નથી પડ્યો. આ કેવી રીતે માન્ય થાય? બૅન્કો તરફથી ઇન્સપેક્શન ચાર્જ જેવા કેટલાક ચાર્જ કાપવામાં આવે છે એટલે ખેડૂતોના ભાગે વધારે ખર્ચ આવે છે."

સાગર રબારી કહે છે, "ઇન્સ્યૉરન્સ કંપની જેટલું પ્રીમિયમ લે છે, એની સામે સમ-ઇન્સ્યૉર્ડ કેટલો હોય છે એ જોવું જોઈએ. પરંતુ અહીં તો પ્રીમિયમ નીકળવું એ પણ મુશ્કેલ થઈ જાય છે. અને સરકાર આ બાબતે કંઈ કરી નથી રહી."

2019માં પણ પાક નિષ્ફળ ગયો ત્યારે...

વર્ષ 2019માં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.

ગયા મહિને કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે 75 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે.

હાલમાં કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ગુજરાતના ખેડૂતો માટે દેવામાફી અને પાકવીમાની રકમ આપવાની માગ સાથે આંદોલન કર્યું હતું.

ત્યાર બાદ ગુજરાત સરકારે 700 કરોડ રૂપિયાનું રાહતપૅકેજ જાહેર કર્યું હતું.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે 700 કરોડની રકમને અપૂરતી ગણાવતાં કહ્યું હતું:

"પાકવીમાને નામે 25 હજાર કરોડ રૂપિયાની રકમ ખેડૂતો પાસેથી ઉઘરાવી છે, જેની સામે 700 કરોડ રૂપિયા આપવા એ મજાક છે."

હાર્દિકે કહ્યું, "ખાનગી વીમાકંપનીઓએ ખેડૂતો પાસેથી જે રકમ ઉઘરાવી છે તે ખેડૂતોને પરત મળવી જ જોઈએ."

"પાકવીમાના પૈસા માટે વીમા કંપનીઓ પર દબાણ લાવવા માટે અમારું આંદોલન ચાલુ રહેશે. ભૂતકાળમાં ખેડૂતોને પાકવીમાના પૈસા મળ્યા નથી."

ત્યારે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "ખાનગી કંપનીઓને આ યોજનામાં જોડીને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાતમાં જે રીતનું તંત્ર ઊભું થયું છે તેનાથી ખેડૂતોમાં સો ટકા વળતર મેળવવાની માગ પ્રબળ બની છે."

તેમના પ્રમાણે અમુક જિલ્લામાં માત્ર મજાક સમાન ત્રણ, પાંચ કે નવ જેટલા ખેડૂતોને મામૂલી રકમ વીમા પેટે આપવામાં આવી છે.

સરકારનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતીએ આ અંગે સરકારનો પક્ષ જાણવા માટે કૃષિ મંત્રી આર સી ફળદુને ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની સાથે આ લખાય છે ત્યાં સુધી સંપર્ક થઈ શક્યો નથી.

એ સિવાય કૃષિ વિભાગમાં અતિરિક્ત મુખ્ય સચિવ પૂનમચંદ પરમારનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે વ્યસ્તતાનો હવાલો આપતા જવાબ આપ્યો નહોતો.

જોકે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં જુલાઈ 2019માં કહ્યું હતું, "વડા પ્રધાન પાકવીમા યોજનાની જોગવાઈ મુજબ, ઇન્સ્યૉરન્સ કંપનીઓ પાક ઉતાર્યાના બે મહિનામાં વીમો ચૂકવી દે છે."

"જોકે કેટલાંક રાજ્યોમાં આ પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે તેનું કારણ છે પાકની માહિતી આપવામાં અથવા રાજ્ય તરફથી પ્રીમિયમમાં પોતાનો ફાળો આપવામાં થતું મોડું અથવા પાકની કિંમતને લઈને રાજ્યો અને ઇન્સ્યૉરન્સ કંપનીઓમાં મતભેદ અથવા ખેડૂતોના ઍકાઉન્ટમાં પાવતીની માહિતી ન મળવાની અથવા એનઈએફટી વગેરે."

તેમણે કહ્યું કે વિભાગ આ યોજનાના કાર્યાવયનનું નિરીક્ષણ કરે છે જેમાં વીમાના દાવાના સેટલમૅન્ટ પર પણ નજર રાખે છે.

તોમરે એમ પણ કહ્યું કે નવી ગાઇડલાઇન્સમાં ફેરફારોમાં પણ વીમાની રકમ ચૂકવવા અને રાજ્યો દ્વારા પ્રીમિયમ ભરવામાં મુશ્કેલી આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો