You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ : નિત્યાનંદ જેવા બાબાના આશ્રમ બંધ નથી કરાવાતા તો, JNU કેમ?
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જેએનયુમાં ફી મુદ્દે ચાલી રહેલા વિરોધના ટેકામાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી પોતાની વાત મૂકી.
પટેલે આ વિરોધ સાથે અસહમત લોકોને નિશાન બનાવતાં કહ્યું હતું:
'જો તમને એવું લાગે છે કે ટૅક્સના પૈસાથી JNUનાં વિધાર્થીઓને મફતમાં ન ભણાવવા જોઈએ, તો ગુજરાતના મુખ્યમંત્રીએ રૂ.200 કરોડનું વિમાન પણ ન લેવું જોઈએ.'
'નરેન્દ્ર મોદીને આખી દુનિયામાં ફરવાનો પણ અધિકાર નથી.'
ગુજરાતના શિક્ષણ અને ગુજરાત મૉડલ અંગે હાર્દિક પટેલે કહ્યું, "ગુજરાત મૉડલના નામે ભાજપ અન્ય રાજ્યોની ચૂંટણીઓ જીતી રહ્યો છે, પણ આ મૉડલમાં શિક્ષણ ખતમ થઈ ગયું છે અને શિક્ષણનો વેપાર ચાલે છે."
તેમણે જેએનયુના વિદ્યાર્થીઓનો પક્ષ લેતાં કહ્યું, "જેએનયુ કોઈ આલતુ-ફાલતુ યુનિવર્સિટી નથી. ત્યાં પ્રવેશ-પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીને પ્રવેશ મળે છે."
"આવા ક્ષમતાવાન વિદ્યાર્થીને મફતમાં ભણવાનો અધિકાર હોવો જોઈએ. જો યુવાનોને નહીં ભણાવો તો ટૅક્સના પૈસા રશિયાને આપશો?"
"સરકાર પરથી નવયુવાનોનો વિશ્વાસ ડગી જશે, તેમની સાથે ઊભા રહેવાની જરૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પટેલે ફેસબુક લાઇવ ઉપરાંત પોતાની વૉલ વિસ્તારપૂર્વક લખ્યું, "અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જેએનયુ બંધ થઈ જવી જોઈએ."
"પરંતુ આસારામ, રામરહીમ, રામપાલથી લઈને નિત્યાનંદ જેવા અનેક બાબા અને આશ્રમમાં જાતીય શોષણ થયું છે, તેમ છતાં આ આશ્રમો બંધ થયા નથી, આવું કેમ?""અનેક મંદિરમાં આજે પણ અત્યાચાર અને ભેદભાવ થાય છે, પરંતુ તે બંધ કેમ ન થયા? તેમનું દેશહિતમાં કોઈ યોગદાન નથી."
જેએનયુ અને ધાર્મિક મુદ્દાને સાંકળીને તેમણે આગળ સવાલ ઊઠાવ્યો:
"કુંભના મેળા માટે ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો, આટલા પૈસામાં સરકારી શાળાઓની ફી માફ થઈ શકી હોત."
"મંદિરો અને આશ્રમો પાસે અબજો રુપિયાની સંપત્તિ હોવાં છતાં તેઓ સરકારને ટૅક્સ આપતા નથી. વિજ્ઞાનનું ગળું ઘોંટીને પાખંડ ફેલાવે છે."
"તેના માટે દલીલ કરવામાં આવે છે કે બધા જ મંદિર અને બધાં જ બાબા આવા હોતા નથી, તો પછી શું જેએનયુમાં બધાં આતંકવાદી છે?"
જેએનયુની પ્રસિદ્ધિ વિશે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું, "દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી છે."
"નોબલ પુરસ્કાર વિજેતાઓ જેએનયુમાં ભણેલા છે. ત્યાં સૌથી ગરીબ પરિવારના યુવાનો ભણે છે અને ભારતમાં ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે."
"ગુજરાતની એક પણ શૈક્ષણિક સંસ્થાને તેમાં સ્થાન મળેલું નથી."
આ મુદ્દે રાજનેતાઓ ઉપર નિશાન સાધતાં હાર્દિકે લખ્યું હતું:
"જેએનયુના વિદ્યાર્થીએ એક વર્ષની સરેરાશ રૂ. 10 થી 50 હજાર ફી આપવી પડે છે, જ્યારે નેતાઓને 60 લાખથી વધુ વાર્ષિક ભથ્થાં મળે છે, જેમાં વીજળી, પાણી, ફોન, રેલ અને હવાઈ યાત્રા સામેલ છે."
"ભારતના બજેટનો 80 ટકા ભાગ માત્ર પગાર આપવામાં વપરાય છે, બાકીના 20 ટકામાંથી 15 ટકાનો ભ્રષ્ટાચાર થાય છે અને પાંચ ટકામાં દેશનો વિકાસ થઈ રહ્યો છે."
જોકે, આ અંગે તેમણે વિસ્તારપૂર્વક કંઈ કહ્યું ન હતું.
ફેસબુક પર હાર્દિક પટેલના આ વીડિયો ઉપર ગણતરીની કલાકોમાં ત્રણ હજારથી વધુ કૉમેન્ટ્સ આવી છે, લગભગ સાત હજાર લોકોએ પોતાનો પ્રતિસાદ આપ્યો છે.
આ વીડિયો લગભગ 2400 લોકોએ શેર કર્યો અને 121000 લોકોએ આ વીડિયો જોયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો