You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ખેડૂતોમાં પાકનુકસાનીના વળતર મામલે અસંતોષ કેમ?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
'ક્યાર' વાવાઝોડાને કારણે ગુજરાતમાં શરૂ થયેલો કમોસમી વરસાદ માંડ અટકે એમ લાગતું હતું, ત્યારે ફરી ગુજરાત પર 'મહા' વાવાઝોડાનું જોખમ છે. જેને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદનો ઘટનાક્રમ ચાલુ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અગાઉથી બેહાલ બની ચૂકેલા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થયું, પરંતુ ઑગસ્ટથી સપ્ટેમ્બર માસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને જોરદાર નુકસાન થયું છે.
અત્યાર સુધી ગુજરાત સરકારે કે વીમા કંપની તરફથી ગુજરાતના ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવા માટે કથિતપણે નક્કર પગલાં ન લેવાયાં હોવાની ફરિયાદો ઊઠી છે.
નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં સરેરાશની સરખામણીએ 140% જેટલો વરસાદ પડ્યો છે.
ખેડૂતોમાં ચિંતા અને પાકનું નુકસાન
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે 75% પાકને નુકસાન થવાનું અનુમાન હોવાની વાત કરી હતી.
આર. સી. ફળદુએ વરસાદના કારણે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોના પાકના નુકસાનની આકારણી કરવા જણાવી દીધું હોવાની વાત પણ કરી હતી.
અતિવૃષ્ટિને કારણે સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને વેઠવું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં વરસાદમાં વિલંબ અને પછી ઘણા દિવસો સુધી સતત ધોધમાર વરસાદ પડ્યા બાદ ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ સિવાય રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂત સંગઠનોની રજૂઆતને પગલે ગુજરાતના કૃષિમંત્રી આર. સી. ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં ચિંતા વ્યક્ત કરી હતી.
આ વાતચીત દરમિયાન ખેડૂતોના પાકને થયેલ નુકસાનીની ભરપાઈ કરવાની વાત કરાઈ હતી.
આ વાતચીત દરમિયાન પાકનુકસાનીની આકારણી માટે સરકારે 4 વીમા કંપનીઓને કામ સોંપ્યું હોવાની વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પાકવીમો ભર્યો હોય તેવા ખેડૂતોને નુકસાની ચૂકવવાના આદેશો અપાઈ ગયા હોવાની જાહેરાત કરાઈ હતી.
ગુજરાત કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલભાઈ આંબલિયા કમોસમી વરસાદમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં જણાવે છે, "પાકની નુકસાની થયા બાદ ખેડૂતોએ વીમા કંપનીને એક મહિના પહેલાં જાણ કરી હોવા છતાં હજુ સુધી ઘણાં ગામોમાં નુકસાનીની આકારણીનું કામ વીમા કંપનીઓ દ્વારા પૂરું કરાયું નથી."
"નુકસાનીની જાણ કરાયા બાદ 15 દિવસની અંદર આકારણીનું કામ પૂરું કરી લેવાની જોગવાઈ હોવા છતાં વીમા કંપનીઓ આ કામ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. ક્યારેય આ જોગવાઈનું પાલન કરાતું નથી. જેનું નુકસાન ખેડૂતને વેઠવું પડે છે."
"તેમજ કંપનીઓએ એક મહિનાની અંદર નુકસાનીનું વળતર ચૂકવી દેવાનું હોય છે, પરંતુ અત્યારે પાક નુકસાનીની જાણકારી આપ્યાને એક મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં ખેડૂતોને વળતર પેટે પૈસા મળ્યા નથી."
ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ ગિરધરભાઈ વાઘેલા વરસાદ બાદ ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવે છે, "વરસાદને કારણે આખા ગુજરાતમાં મગફળી, કપાસ, તલ અડદ, કઠોળ જેવા પાક લેતા ખેડૂતોને 80% થી 100% જેટલું નુકસાન વેઠવું પડ્યું છે."
"ખેડૂતોને વીમા કંપની તરફથી તો કોઈ રાહત નથી મળી, પરંતુ એક મહિનો વીતી જવા છતાં સરકાર તરફથી પણ કોઈ જ રાહત ખેડૂતો સુધી પહોંચી નથી."
"સૌરાષ્ટ્રમાં 95% જેટલા ખેડૂતો પાકવીમો ધરાવે છે, પરંતુ તેમને દર વખત સમયસર પોતાને થયેલી નુકસાનીનું વળતર મળતું નથી."
"મોડી ચૂકવણી કરવા બદલ કંપનીઓએ જે 12% વ્યાજ સાથે રકમની ભરપાઈ કરવાની હોય છે તે પૈસા પણ ખેડૂતોને મળતા નથી."
કૃષિવિભાગે લીધેલાં પગલાં
આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા સંભવિત નુકસાનને પગલે રાજ્ય સરકારને પણ પગલાં ભરવાં પડ્યાં છે.
કૃષિવિભાગ દ્વારા આયોજીત પત્રકારપરિષદમાં જણાવાયું હતું કે ખેડૂતોનાં નુકસાનની ચિંતા કરતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી.
જેમાં કૃષિવિભાગ અને રાહત કમિશનરની કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નક્કી કરાયા અનુસાર ખેડૂતોને બે રીતે વળતર ચૂકવવામાં આવશે.
એક : જે ખેડૂતોએ પહેલાંથી પાકવીમો લીધો છે એમણે કૃષિવિભાગ દ્વારા જાહેર કરાયેલા ટૉલ-ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ દાખલ કરવાની રહેશે.
જે બાદ વીમાકંપની અને ખેતીવાડીવિભાગના કર્મચારીઓ જે-તે ખેડૂતના ખેતર પર આવીને સર્વે કરશે. આ સર્વેના આધારે નક્કી કરાયેલું વળતર ચૂકવવામાં આવશે.
બે : જે ખેડૂતોએ વીમો નથી લીધો એમના માટે રાજ્યના કૃષિવિભાગને સર્વે કરવાનો આદેશ અપાયો છે. કૃષિવિભાગના કર્મચારીઓ આવા ખેડૂતોનાં ખેતરોનો સર્વે કરી નક્કી કરાયેલી શરતો અનુસાર વીમાની રકમ મંજૂર કરશે.
રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હોવાનું અને ખેડૂતોને નુકસાન થયું હોવાની વાત કૃષિવિભાગે સ્વીકારી છે.
કંપનીઓ અને સરકારની બેફીકરાઈ
નિષ્ણાતો પ્રમાણે જે ખેડૂતો લૉન લે છે તેમના માટે પાકવીમો લેવો ફરજિયાત હોય છે. કેટલાક નિષ્ણાતો જણાવે છે કે ગુજરાતમાં લગભગ 95% ખેડૂતો પાસે પાકવીમો હોય છે, જેના દર પણ ઘણા ઊંચા હોય છે.
ઊંચા દરે પ્રીમિયમ પડાવતી કંપનીઓ જ્યારે નુકસાની વળતર ચૂકવવાનો વારો આવે છે ત્યારે નિષ્ક્રિય બની જતી હોવાની રાવ ઊઠી હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.
દર વખત પોતાનાં નાણાં મેળવવા માટે ખેડૂતોને ફાંફા મારવા પડતા હોવાની ફરિયાદો વ્યાપક બની છે.
રાજકોટના પડઘરી તાલુકાના ખાખડાબેલા ગામના ખેડૂત રાજેન્દ્રસિંહ જાડેજા જણાવે છે, "ઑગસ્ટ મહિનાથી સપ્ટેમ્બર માસ સુધી સતત વરસાદ પડ્યો. આ કારણે મારા ખેતરમાં કરાયેલ કપાસનું વાવેતર તદ્દન નિષ્ફળ ગયું."
"વીમા કંપનીને આ વિશે જાણ કરવા છતાં હજુ સુધી અમારા ગામમાં કંપનીના માણસો સર્વે કરવા માટે નથી આવ્યા. અમને ક્લેઇમ કરવા માટે સમયમર્યાદાનું પાલન કરવા માટે મજબૂર કરાય છે, જ્યારે તેઓ ક્યારેય સમયસર નાણાં ચૂકવતાં નથી."
"હવે ગુજરાતમાં હાલ પડી રહેલા કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોનો બાકી બચેલો પાક ધોવાઈ ગયો છે. હવે દિવાળીની રજાઓના કારણે બધાં સરકારી કાર્યાલયો બંધ છે તેથી ખેડૂતો અત્યારે થયેલા નુકસાનની જાણ કંપનીને કઈ રીતે કરે તે પ્રશ્ન ઊભો થયો છે."
વીમા કંપનીઓ અને સર્વેની કામગીરી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેશોદ જિલ્લાના ખમીદાણા ગામના ખેડૂત ભરત બારિયા આ અંગે વાત કરતાં કહે છે કે, "વીમા કંપનીઓએ અમારા ગામમાં કેટલાક મોભાદાર ખેડૂતોને ત્યાં જ સર્વે કર્યો છે."
"હજુ સુધી અમારા ખેતરનો સર્વે થયો નથી. સરકારે વળતરની જાહેરાત તો કરી છે, પરંતુ એનાં નાણાં પણ હજુ સુધી કોઈને મળ્યા નથી."
"જ્યારે વીમા કંપનીના વળતરની વાત કરીએ તો હજુ તો સર્વે જ થઈ રહ્યો છે, તો વળતરના ઠેકાણાં ક્યાંથી હોય? અમે વાવેલા મગફળીના પાકને અતિવૃષ્ટિના કારણે 80% જેટલું નુકસાન થયું છે."
પોરબંદર જિલ્લાના દહેગામના ખેડૂત પ્રતાપભાઈ જણાવે છે, "અમારા ખેતરમાં મગફળીનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે. વીમા કંપનીના અધિકારીઓ ગામના અમુક જ ખેડૂતોને ત્યાં આવીને આખા ગામની આકારણી કરીને જતા રહે છે."
"સર્વે કરવામાં વીમા કંપનીના અધિકારીઓ ઉપરછલ્લી તપાસ કરતા હોય છે. મારા ખેતરમાં વાવેલા મગફળીના પાકને 80% જેટલી નુકસાની થઈ છે. આ વખત તો હજુ પણ વરસાદ ચાલુ જ છે. જો આવું જ ચાલુ રહ્યું તો ઢોરઢાખર માટે પણ કંઈ જ નહીં બચે."
"હજુ સુધી અમને સરકાર તરફથી કે વીમા કંપની તરફથી કોઈ જ નાણાકીય રાહત મળી નથી. સરકારે તો જેટલી નાણાકીય સહાયની જાહેરાત કરી છે તે બિલકુલ અપૂરતી છે, કારણ કે એનાથી વધારે તો ખેડૂતોનો વીઘાદીઠ ખર્ચ થઈ જાય છે."
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત રામકુભાઈ જણાવે છે, "મેં મારા ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. મોડો વરસાદ અને પછી અતિવૃષ્ટિને કારણે 90% પાક બગડી ગયો છે."
"વીમા કંપનીના માણસો દ્વારા અમારા તાલુકાનાં બીજાં ગામોમાં સર્વેનું કામ થઈ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી અમારા ગામ સુધી કોઈ આવ્યું નથી, પરંતુ તેઓ દરેકેદરેક ગામમાં જઈને સર્વે કરશે એવું મને નથી લાગતું."
"આટલી ઓછી સંખ્યા સાથે તેઓ આવું કરી પણ નહીં શકે. વીમા કંપની એક ગામમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા ખેડૂતોના ખેતરોનો જ સર્વે કરે છે. જેથી ખરેખર થયેલા નુકસાનનો અંદાજ કાઢી શકાતો નથી."
"સર્વેનું કામ ચાલુ હોવાના કારણે વીમા કંપની પાસેથી તો પૈસા મળ્યા નથી જ. તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહતનાં નાણાં પણ હજુ સુધી અમને મળ્યાં નથી."
કંપનીઓનો સર્વે કઈ રીતે થાય છે?
ગુજરાતમાં પડેલા વરસાદ બાદ સરકાર અને વીમા કંપનીઓની નિષ્ક્રિયતાને વખોડતાં ગુજરાત ખેડૂત એકતા સમિતિના પ્રમુખ સાગર રબારી જણાવે છે, "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે મેં કહેલું કે આ યોજના ખેડૂતોના લાભ માટે નહીં, પરંતુ વર્ષ 2019ની ચૂંટણીનો ખર્ચ કાઢવા માટે ઉપયોગી બનશે. આજે મારું આ નિવેદન સાચું ઠર્યું છે."
"વીમા કંપનીઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂતો પાસેથી પણ વીમા પ્રીમિયમનાં નાણાં વસૂલે છે. જેના દર ખૂબ જ ઊંચા છે. વીમા કંપનીને પાકને થયેલી નુકસાની અંગે જાણ કરાયા બાદ વધુમાં વધુ 15 દિવસમાં તેમના પ્રતિનિધિએ પાકનુકસાનની આકારણી શરૂ કરી દેવી પડે."
"ગામના તલાટી, સરપંચ, ગ્રામસેવક, આગેવાન ખેડૂતોની બનેલી સમિતિને સાથે રાખીને તેમણે ગામની પાકનુકસાનીની આકારણી કરવાની હોય છે, પરંતુ કેટલીક વાર ગામના આગેવાન ખેડૂતોને આ સમિતિમાં સામેલ કરાતા નથી."
"જેથી અન્ય અધિકારીઓને બેદરકારી આચરવા માટે છૂટો દોર મળી જાય છે અને આકારણીનું કામ યોગ્ય રીતે થઈ શકતું નથી."
"આકારણી કરાયા બાદ વધુમાં વધુ 30 દિવસમાં ખેડૂતોને નાણાં ચૂકવી દેવાનાં હોય છે, પરંતુ આ જોગવાઈની પણ સંપૂર્ણપણે અદેખાઈ કરવામાં આવે છે. જો કંપની વળતર ચૂકવવામાં મોડું કરે તો તેને ખેડૂતને 12% વ્યાજ સાથે નાણાંની ચૂકવણી કરવાની હોય છે."
"પરંતુ સરકારને વીમા કંપની પર દબાણ રાખવામાં કોઈ જ રસ નથી. તેથી આજ સુધી કોઈ જ ખેડૂતને એક મહિનામાં નાણાં ચૂકવાયાં નથી અને મોડી ચૂકવણી બદલ ક્યારેય વીમા કંપની વિરુદ્ધ પગલાં પણ લેવાતાં નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો