સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો ચિંતામાં, ખેતરોમાં પાણી અને ગારો

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. પોરબંદર, માધવપુર ઘેડ, જામનગર સહિત ઘણી જગ્યાઓ વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે.

ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે જેથી અનેક ખેડૂતોએ મોટા ભાગનો પાક ખરાબ થઈ જવાની ફરિયાદ કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ રવિવારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પડ્યો છે.

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 181 મિલિમિટર જેટલો વરસાદ પડ્યો છે.

જીએસટીવીના અહેવાલ મુજબ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. એ સિવાય મોરબીમાં સતત બે દિવસ વરસાદ પડ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે મગફળી, બાજરા, જુવાર અને કપાસના પાકને નુકસાનની શક્યતા છે

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ થયો છે.

થોડા દિવસ અગાઉ સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી, તલ કપાસનો સારો પાક થવાની શક્યતા જોવાતી હતી પરંતુ સતત પડી રહેલા વરસાદને લીધે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં ખરીફ પાકમાં નુકસાન જવાની શક્યતા છે.

સામાન્ય રીતે નવરાત્રીની આસપાસ મગફળીનો પાક લઈ લેવાતો હોય છે પરંતુ અનેક વિસ્તારમાં પાક લેવાય તે અગાઉ જ વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા છે.

મગફળી જો સતત પાણીમાં રહે અને યોગ્ય સમયે પાક ન લઈ લેવાય તો તે અંદર જ ઉગવા લાગતી હોય છે અને તેમાં બગાડ શરૂ થાય છે. અનેક ગામોમાં વરસાદને લીધે ખેડૂતો ખેતરોમાં પગ મૂકી શકતા નથી તેવી સ્થિતિ છે.

એ રીતે કપાસના પાકમાં પણ નુકસાનની ફરિયાદો થઈ રહી છે. અનેક ખેડૂતોએ ફાલ ખરી રહ્યો હોવાની ફરિયાદ કરી. આ વખતે કપાસ અને મગફળીનો પાક સારો થાય તેવી શક્યતાઓ પર છેલ્લા દિવસોમાં સતત પડી રહેલા વરસાદથી બદલાઈ રહી છે.

ઉલ્લેખનીય છે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે પાક સારો થશે અને સરકાર ખેડૂતોને એક મણ મગફળીનો 1,000 રૂપિયા ભાવ ચૂકવશે.

આ વાત મુખ્ય મંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાયેલા ખેડૂતોના એક કાર્યક્રમમાં કહી હતી.

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો હતો એ મુજબ ગુજરાત રાજયના ખેડૂત પરિવારો પૈકીના 43 ટકા ખેડૂતો દેવામાં છે.

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં હજુ 12 કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે, એવી હવામાનવિભાગે આગાહી કરી છે.

ખેતરમાં પાણી ભરાય તો 48 કલાકમાં જાણ કરવા તાકીદ

ગુજરાત રાજ્યમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 66.9 ટકા ખેતી સાથે જોડાયેલા છે.

પાક નિષ્ફળ જવાને પગલે પાકવીમાની માગણી અને સરકારી સહાયની માગણી થઈ રહી છે.

આ દરમિયાન ગુજરાત માહિતી ખાતાની પ્રેસનોટ નાયબ ખેતી નિયામક, મોરબીને ટાંકીને કહે છે જે એડૂતોએ પાકવીમો લીધો હોય તેમણે ખેતરમાં પાણી ભરાય તેની 48 કલાકમાં જાણ કરવાની રહેશે.

આ અંગેની જાણ તાલુકા કક્ષાની વીમાકંપનીની ઑફિસ પર અથવા તાલુકા ખેતીવાડી ઑફિસ પર જાણ કરવાનું ખેડૂતોને કહેવામાં આવ્યું છે.

ખેડૂતોને પાક વીમાનો આધાર પુરાવો પણ રજૂ કરવાનો રહેશે એવું સરકારી પ્રેસનોટ જણાવે છે.

સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારની ઉપર સર્જાયેલું 'ડિપ્રેશન' પણ આગામી 12 કલાક સુધીમાં નબળું પડે એવું હવામાનવિભાગનું જણાવવું છે ત્યારે અતિવૃષ્ટિની સ્થિતિ વિશે શું કહે છે ખેડૂતો? વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો