બિહાર-ઉત્તર પ્રદેશમાં પૂર, 100થી વધુ લોકોનાં મોત

ઉત્તર પ્રદેશ અને બિહારમાં અધિકારીઓ મુજબ ભારે વરસાદને પગલે આવેલા પૂરને કારણે સોથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

ભયંકર પૂરને કારણે શહેરી જીવનમાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે.

બંને રાજ્યોમાં રેલવે, પરિવહન, સ્વાસ્થ્ય સવલતો, સ્કૂલ, કૉલેજ અને વીજળી વ્યવસ્થા પ્રભાવિત થયાં છે.

ઉત્તર પ્રદેશ સરકારના એક રિપોર્ટ મુજબ ગુરુવારથી અત્યાર સુધી 93 લોકોનાં મૃત્યુ થયાં છે.

પૂર્વ ઉત્તર પ્રદેશમાં, પૂરને કારણે બલિયા જેલમાં પાણી ભરાઈ જતાં 500થી વધારે કેદીઓને ખસેડવામાં આવ્યા છે.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પત્રકારોને કહ્યું કે 850 જેટલા કેદીઓને બલિયાથી 120 કિલોમિટર દૂર આઝમગઢની જેલમાં ખસેડવા માટે પરવાનગીની રાહ જોઈ રહ્યા છે.

જ્યારે બિહારમાં સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીએ જણાવ્યું કે પૂરને કારણે મૃતકોની સંખ્યા 29 થઈ ગઈ છે અને પૂરથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યનું પાટનગર પટના છે.

પટનામાં જળબંબાકાર

20 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરે સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં પૂરની અસર સ્પષ્ટ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક વ્યક્તિ પૂરના પાણીમાં રિક્ષા ખેંચતા દેખાઈ રહી છે.

આ વીડિયોમાં એક વ્યકિત રિક્ષા ખેંચનારને કહી રહી છે કે તે પૂરનું પાણી ઊતરે પછી રિક્ષા લેવા આવે. રિક્ષા ખેંચનાર વ્યક્તિ રોઈ રહી છે. એક મહિલા કહે છે કે રિક્ષાનું ધ્યાન રાખીશું.

રવિવારે પટનામાં 24 કલાક સુધીમાં 116 મિલિમિટર વરસાદ નોંધાયો છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બિહારના ઉપ મુખ્ય મંત્રી સુશીલ મોદી અને તેમના પરિવારને પણ તેમના ઘરેથી બચાવવામાં આવ્યા હતા.

પટનાની નજીક બધી નદીઓ ગંગા, પુનપુન, ગંડક અને સોનમાં જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. પાણીના દબાણકે કારણે ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ચૂકી છે.

પટનાના સેંકડો લોકો ઘરમાં ફસાયેલા છે. તેમના ઘરમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં.

શુક્રવારથી પટના શહેરમાં પાણી ભરાયાં છે અને મોટા ભાગના રહેણાક વિસ્તાર પાણીમાં ડૂબેલા છે.

રસ્તાઓ પાણીમાં ડૂબેલા હોવાને કારણે લોકો બોટ મારફતે અવરજવર કરી રહ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અધિકારીઓએ કહ્યું કે શહેરમાં આટલો ભારે વરસાદ થશે તેવી શક્યતા નહોતી દેખાતી.

મીડિયામાં આવતા અહેવાલો મુજબ કેટલાક વિસ્તારોમાં, વરસાદનું પાણી સીવરનું ગંદું પાણી ભળી ગયું છે અને કેટલાક ઘરની અંદર આ ગંદું પાણી ઘૂસી ગયું છે.

ઉત્તર પ્રદેશમાં પણ પૂર

ઉત્તર પ્રદેશમાં પણ આવી જ પરિસ્થિતિ છે.

વારાણસીના એક સ્થાનિક રહેવાસીએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "પાણી ભરાવાને કારણે બહુ ખરાબ પરિસ્થિતિ છે, વારાણસીમાં પરિસ્થિતિ બગડી ગઈ છે. પાણી નિકાસની વ્યવસ્થા ખરાબ છે."

રાજ્ય સરકારે પાણી બહાર કાઢવા માટે ભારતીય સેના અને હેલિકૉપ્ટરની મદદ માગી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો