ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ થયો છે.

સતત પડી રહેલા વરસાદને કારણે અનેક ગામડાંઓમાં પાણી ભરાઈ ગયાં છે અને કેટલીક જગ્યાએ એનડીઆરએફની મદદ લેવી પડી છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણાની આસપાસના વિસ્તાર અને ઘેડ પંથકમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે મગફળી, બાજરા, જુવાર અને કપાસના પાકને નુકસાનની શક્યતા છે.

નવરાત્રીની શરૂઆતમાં વરસાદ

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

એ સિવાય ગાંધીનગર, અરવલ્લી, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે કચ્છ અને આસપાસના વિસ્તારો પાસે ડિપ્રેશન સર્જાતાં ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરે વરસાદ પડી શકે છે.

જોકે, 2 ઑક્ટોબરથી વરસાદ હળવો થશે. હવામાન વિભાગે બીજી ઑક્ટોબરે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ જ વિસ્તારોમાં આ અઠવાડિયે થોડો વરસાદ પડી શકે તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં 36 કલાક દરમિયાન 30-40 કિલોમિટરથી લઈને 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે.

આવતા 12 કલાક સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

દ્વારકા, પોરબંદરમાં અનરાધાર

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ રવિવારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પડ્યો છે.

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 181 મિલિમિટર જેટલો વરસાદ પડ્યો છે.

જીએસટીવીના અહેવાલ મુજબ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. એ સિવાય મોરબીમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.

પીટીઆઈ પ્રમાણે રાજકોટમાં રવિવારે ભારે વરસાદને કારણે પાણીમાં કાર તણાઈ જતા ત્રણ લોકો ડૂબી ગયા હતા.

એ સિવાય ગીર સોમનાથ જિલ્લામાં બોટ પલટી જતા ચાર માછીમારોની ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે.

2019માં ધોધમાર વરસાદ

વર્ષમાં 2019માં ગુજરાતમાં સરેરાશ કરતાં 136.66% વધારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ મુજબ અત્યાર સુધી ગુજરાતમાં 1115.18 મિલીમિટર વરસાદ પડ્યો છે. જેમાં જૂન મહિનામાં 108.59, જુલાઈમાં 222.37, ઑગસ્ટમાં 446.05 અને સપ્ટેમ્બરમાં 338.18 મિલીમિટર વરસાદ પડ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું યથાવત રહેતા 2019ના સપ્ટેમ્બર મહિનામાં 102 વર્ષનો સૌથી વધારે વરસાદ પડ્યો છે.

આ અહેવાલ મુજબ ભારતમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 247.1 મિલીમિટર વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 48 ટકા વધારે છે.

વર્ષ 1901થી લઈને અત્યાર સુધીના ભારતીય હવામાન વિભાગના આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2019માં પડેલો વરસાદ ત્રીજો ક્રમનો સૌથી વધારે વરસાદ છે.

30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરની વરસાદની આગાહી અંગે સ્કાયમેટ વેધર વેબસાઇટના અહેવાલમાં કહેવાયું છે કે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર સુધી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લે છે પરંતુ ભારતમાં આ વર્ષે હજી પણ અનેક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો