ગુજરાતમાં વરસાદ : ચોમાસે જળબંબાકાર થતું ગુજરાત ઉનાળે તરસ્યું કેમ?

    • લેેખક, મહેઝબીન સૈયદ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો IMDના આંકડા અનુસાર રાજ્યનો આ વિસ્તાર વરસાદથી તરબતર થઈ ગયો છે. ડૅમ ભરાવા લાગ્યા છે, નદીઓ ઉફાન પર છે.

ચોમાસામાં સારો વરસાદ થવા છતાં અને રાજ્યના મોટા ભાગના ડૅમોમાં પાણી આવી જવા છતાં રાજ્યમાં ઉનાળે પાણીની તંગી કેમ ઊભી થાય છે?

ગત બે વર્ષથી દર ઉનાળે ગુજરાતને પાણીની તંગીનો સામનો કરવો પડે છે. મોટા ભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી ઊભી થાય છે.

જોકે, આ વર્ષે ગુજરાતના ચેરાપુંજી તરીકે પ્રખ્યાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પાણીની અછત જોવા મળી હતી.

તો આવી સ્થિતિ ઊભી થવાનું કારણ શું?

પાણીની તંગીનાં મુખ્ય કારણો

ચોમાસું આવે ત્યારે મોટા ભાગે દરેક જગ્યાએથી સમાચાર આવતા હોય છે કે ડૅમ ઓવરફ્લો થઈ ગયા છે, ડૅમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, નદીઓ બે કાંઠે વહી રહી છે..

પણ આટલું પાણી ભેગું થયું હોવા છતાં જરૂર પડ્યે આ પાણી દેખાતું કેમ નથી?

આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને નર્મદા નિગમના પૂર્વ ચૅરમૅન જયનારાયણ વ્યાસ સાથે વાત કરી.

તેઓ જણાવે છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ છે કે ભારત પાસે માથાદીઠ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા નથી.

જયનારાયણ વ્યાસ કહે છે, "વરસાદનું પાણી એકત્રિત થાય છે, પણ તેનો સંગ્રહ કરવાની શક્તિ ન હોવાથી ડૅમ છલકાઈ જાય છે.

"સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં નદીઓ ટૂંકી છે, ઢાળવાળી જમીન વધારે છે. તે જ કારણ છે કે વરસાદ પડે ત્યારે પૂર આવે અને અઠવાડિયા બાદ જગ્યા કોરી પડી હોય છે."

"ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં કોઈ મોટા બંધ નથી કે જેમાં પાણીનો સંગ્રહ કરી શકાય."

ગુજરાતમાં મોટા બંધની વાત કરવામાં આવે તો અહીં માત્ર પાંચ બંધ છે.

આ મામલે અમે વૉટર મેનેજમેન્ટ ઍક્સપર્ટ નફીસા બારોટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે ગુજરાતના ડૅમની એટલી ક્ષમતા જ નથી કે તે આટલું પાણી સંભાળી શકે. એટલે જ ડૅમ જેટલો મોટો દેખાય છે તેના કરતાં તેમાં પાણી ઓછું જોવા મળે છે.

નફીસા બારોટ જણાવે છે, "ગુજરાતમાં મોટા મોટા ડૅમ બાંધવાની બદલે નાના ડૅમ બનાવવા જોઈએ અને તે ઘણા વિસ્તારમાં બાંધવા જોઈએ."

"પ્રશ્ન મોટો એ છે કે આપણે જો એક ડૅમ મોટો બાંધીએ અને એ એક ડૅમમાં અઢળક સમસ્યાઓ સર્જાય, ત્યાંથી પાણી લઈને અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવું અઘરું પડી જાય છે અને પાણીને સાચવવાનો ખર્ચ પણ વધતો જાય છે."

"પાણીનું સંરક્ષણ કરવા માટે જે વ્યવસ્થા કરવી જોઈએ તે નથી થતી. યોજનાઓ આવે, થોડા તળાવો ખોદી નાખવામાં આવે, થોડા કૂવા રિચાર્જ કરી દેવામાં આવે તેનાથી કંઈ ન થાય."

"પાણીની તંગી ન સર્જાય તેના માટે એક ઝુંબેશની રીતે કામ કરવું પડે."

"પાણીના જથ્થા ખારા થતા જાય છે અને ઇન્ડસ્ટ્રીના કારણે પ્રદૂષિત થતા જાય છે અને તેના કારણે પીવા માટે અથવા તો ખેતી માટે પાણી ઓછું થતું જાય છે."

દુષ્કાળની પરિસ્થિતિ ન સર્જાય તેના માટે શું કરવું જરૂરી?

જયનારાયણ વ્યાસ સિંગાપોરનું ઉદાહરણ આપતા જણાવે છે, "જે પાણી મળે છે તેનો મહત્તમ ઉપયોગ કરો અને સાથે જ જાળવો પણ."

"એક જમાનામાં સિંગાપોર પોતાનું કુલ વપરાશનું પાણી મલેશિયા પાસેથી લેતું હતું પરંતુ અત્યારે સિંગાપોર મલેશિયાને પાણી વેચે છે."

"એ માટે શક્ય બન્યું છે કેમ કે ત્યાં વરસાદના પાણીના એક એક ટીપાનો સંગ્રહ થાય છે. સિંગાપોરમાં જે પાણી વપરાય છે તેને ફરી વખત ચોખ્ખું કરીને વાપરવામાં આવે છે."

"અમદાવાદનો કુલ 476 ચોરસ કિલોમિટરનો વિસ્તાર છે. અહીં સરેરાશ તો 25 ઇંચ વરસાદ પડે છે પણ જો 20 ઇંચ વરસાદ ગણવામાં આવે તો અમદાવાદને એટલું પાણી મળે છે કે જેટલું આખા ગુજરાતને નર્મદા યોજના અંતર્ગત 14 હજાર ગામડાં અને 13 શહેરો માટે પાણી સંગ્રહિત રાખવામાં આવ્યું છે."

"તો પણ અમદાવાદ પાસે પાણી હોતું નથી અને બહારના સ્રોતો પર આધારિત રહેવું પડે છે. કેમ કે જે જે તળાવો હતાં, તેને પૂરીને મકાનો બનાવી નાખવામાં આવ્યાં છે. એટલે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી વહી જાય છે."

જયનારાયણ વ્યાસ જણાવે છે કે આજે પાણી મામલે ગુજરાતની જે બર્બાદી થઈ છે, તેની કથા લખનારા આપણે પોતે જ છીએ.

આવો જ કંઈક મત વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કર પણ ધરાવે છે.

તેઓ કહે છે કે જ્યારે વરસાદ પડે ત્યારે ઘણું પાણી નદીમાં એકઠું થાય છે અને તેના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે.

તેમના કહેવા મુજબ આ પાણીને જો જ્યાં જ્યાં વરસાદ પડે ત્યાં મૂકવાની વ્યવસ્થા હોય, જમીનમાં રિચાર્જ કરવાની વ્યવસ્થા હોય અને એ પાણી જો પછી આગળ ચાલતા ધીરે ધીરે મળે તો અતિવૃષ્ટિ પણ ન થાય અને એ પાણી વરસાદ પછી પણ કામ લાગી શકે છે.

તેઓ કહે છે, "ભવિષ્યમાં પાણી મળી રહે તેના માટે માટી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ કે જેટલું માટી પાણી શોષી શકશે તેટલું જ ભવિષ્યમાં પાણી મેળવવું સહેલું બનશે."

"આ સિવાય જો વધારે વૃક્ષો હોય તો પણ પાણીનો સંગ્રહ સહેલો થઈ શકે છે."

તેમનું કહેવું છે કે ભૂગર્ભનું પાણી આપણા માટે લાઇફલાઇન સમાન છે અને તેને જાળવી રાખવું ખૂબ જરૂરી છે. જો આપણી પાસે વધારે વૃક્ષો હશે, વધારે વેટલૅન્ડ હશે, વધારે વોટર બૉડી અને વધારે ક્ષમતા હશે તો આપણી માટી તેની સાથે વધારે પાણીનો સંગ્રહ કરી શકશે.

તેઓ કહે છે, "આ પ્રકારે પાણી સંગ્રહ કરવાથી વધારે ખર્ચ પણ કરવો પડતો નથી અને તે આપણને પ્રકૃતિ પાસેથી મફતમાં મળી રહે છે."

"પરંતુ આપણે ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ કરી શકતા નથી એટલે તે આપણા માટે શ્રાપ સમાન બની ગયું છે."

હિમાંશુ ઠક્કરનું માનવું છે કે સરકાર નાની નાની અસરકારક યોજનાઓ પર કામ કરવાના બદલે મોટી મોટી યોજનાઓમાં જ વધારે રસ લે છે.

સરકારે કેવાં પગલાં લેવા જરૂરી?

નફીસા બારોટ જણાવે છે, "સરકાર જે રીતે યોજનાઓ ચલાવે છે તેમાં જળ સંરક્ષણ ખૂબ ઓછું થવાની શક્યતા છે."

"તેના માટે સરકારે વિકેન્દ્રીત પાણીની વ્યવસ્થા રિચાર્જ કરવા માટે અથવા તો પાણીના સંગ્રહ માટે શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં પૂર્ણ નાણાંકીય સપોર્ટ આપવો જોઈએ."

"લોકો પાણી બચાવે તેના માટે સરકારે લાંબા ગાળાનું અભિયાન ચલાવવું જોઈએ કે જેથી જનતા જાગરૂક થઈ શકે અને સાથે સાથે સરકારે સંસાધનો પણ ઊભા કરવા જરૂરી છે."

મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્ર પ્રદેશનાં 11 જિલ્લાના ડૅમ અને જળાશયોમાં 4.58 ટકા જેટલું જ પાણી બચ્યું છે.

ડૅમ અને જળાશયોના જળસ્તર સંદર્ભે સૌથી કપરી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર પ્રદેશની છે.

પાણીની તંગીની આ સ્થિતિમાં હવે એક વાત તો ચોક્કસ કહી શકાય કે જેમ જેમ જળ સંકટ વધશે, તેમ તેમ ગરીબોની સ્થિતિ કપરી બનશે અને પાણી ગરીબોથી દૂર થવા લાગશે.

કેમ કે જે લોકોની પાસે પૈસા હશે, તેઓ તો પાણી ખરીદી લેશે પરંતુ જે લોકો પાસે પૈસા નથી તેઓ શું કરશે અને ક્યાં જશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો