ગુજરાતમાં આ વર્ષે ચોમાસું હજી વિદાય કેમ નથી લઈ રહ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થઈ ગયો છે.

જૂનમાં શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સામાન્ય રીતે પૂર્ણ થતું હોય છે. એટલે કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે.

જોકે, આ વખતે હજી પણ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આગામી 20થી 22 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

મોટા ભાગે સાઉથ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે.

જૂનથી શરૂ થયેલા આ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

ચોમાસું વિદા કેમ નથી લેતું?

એક બાદ એક બની રહેલા લૉ પ્રેશરને કારણે દેશમાંથી ચોમાસાની વિદાય થવામાં હજી સમય લાગશે.

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આંધ્ર પ્રદેશના દક્ષિણ તટિય ક્ષેત્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે. જે લૉ પ્રેશરમાં ફેરવાઈને આગળ વધશે.

જે બાદ તે મધ્ય મહારાષ્ટ્રના ભાગો પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે મળી જશે. જેના કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

સ્કાયમેટના અહેવાલ અનુસાર બંને એક સાથે મળ્યા બાદ આ સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વોત્તર અરબ સાગર તરફ આગળ વધશે અને લૉ પ્રેશરમાં ફેરવાઈ જશે.

જેના કારણે દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.

સ્કામેટ પોતાના અહેવાલમાં લખે છે કે એક વધુ લૉ પ્રેશર 22 અથવા 23 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીમાં ઉત્પન્ન થવાની સંભાવના છે.

બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક બાદ એક ઊભાં થઈ રહેલા લૉ પ્રેશરને કારણે ગુજરાત, ગોવા, કોંકણ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી હજી ચોમાસું વિદાય લઈ રહ્યું નથી.

ગુજરાત-દેશમાં ચોમાસાની વિદાય ક્યારે થાય?

ગુજરાતમાં ચોમાસું રાજસ્થાનમાં સૌથી મોડું શરૂ થાય છે પરંતુ સૌથી પહેલાં ચોમાસાની વિદાય પણ અહીંથી જ શરૂ થાય છે.

રાજસ્થાનમાં સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થાય છે, એટલે કે રાજ્યમાં વરસાદ મોટા ભાગે બંધ થઈ જાય છે.

મહારાષ્ટ્ર અને ગોવા-કોંકણ વિસ્તારમાં 1 ઑક્ટોબરને ચોમાસાના પરત જવાનો સમય માનવામાં આવે છે.

સામાન્ય સંજોગોમાં દેશમાં 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની વિદાય થઈ જાય છે.

જોકે, એનો એવો જરા પણ અર્થ નથી કે ચોમાસાની વિદાય બાદ દેશના કોઈ પણ વિસ્તારમાં વરસાદ નહીં પડે.

આ વખતે આ તારીખ મુજબ દેશના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.

જોકે, દેશમાં આ વખતે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં મોડું શરૂ થયું હતું.

2010થી 2018ના વર્ષોની વાત કરીએ તો માત્ર 2015માં ચોમાસાએ 15 સપ્ટેમ્બર પહેલાં વિદાય લીધી હતી. બાકીનાં વર્ષોમાં તે 15 સપ્ટેમ્બર બાદ પૂર્ણ થયું હતું.

ચોમાસાની વિદાય કેવી રીતે નક્કી થાય?

ભારતમાં ત્રણ ઋતુઓમાં સૌથી વધારે મહત્ત્વ ચોમાસાને આપવામાં આવે છે કારણે કે દેશની ખેતી અને ખેત ઉત્પાદનનો આધાર ચોમાસા પર છે.

જેવી રીતે ચોમાસાની શરૂઆત માટે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ હોય છે તેના આધારે તેના આગમનની જાહેરાત કરાય છે. તેવી જ રીતે ચોમાસાની વિદાયની પણ કેટલીક પરિસ્થિતિઓ હોય છે.

રાજ્ય અને તેના ભાગોમાં સતત 5 દિવસથી વરસાદ ના પડે એટલે કે વરસાદની હાજરી ના નોંધાય.

વિસ્તારમાં હવાની દિશા પશ્ચિમ તરફ વળે અને હવામાં એન્ટી સાયક્લોનની સ્થિતિ ઊભી થાય.

વાતાવરણના ભેજમાં ઘટાડો થાય તથા જે તે વિસ્તારના તાપમાનમાં વૃદ્ધિ થવા લાગે.

ઉપરોક્ત સ્થિતિઓ દેશ અને રાજ્યોમાં ચોમાસાની વિદાયની તારીખ નક્કી કરે છે.

ભારતમાં ચોમાસાનું આગમાન ક્યાંથી થાય?

ચોમાસાની વિદાયની વાત સાથેસાથે દેશમાં ચોમાસાના આગમનને પણ સમજી લેવું જરૂરી છે.

ભારતમાં ચોમાસાની શરૂઆત આંદામાન-નિકોબાર દ્વિપસમૂહોથી થાય છે. અહીં ચોમાસું 20 મેની આસપાસ આવી જાય છે.

જેના 10 દિવસ બાદ એટલે કે 1 જૂનની આસપાસ ચોમાસું કેરળમાં આવે છે અને તે દેશના મુખ્ય ભૂ-ભાગો પર આવે છે.

આ રીતે તે દક્ષિણ ભારતથી પોતાની ચાર મહિનાની લાંબી સફર શરૂ કરે છે.

કેરળમાં 1 જૂનના આગમાન બાદ મહારાષ્ટ્ર અને મુંબઈમાં 10 જૂન તથા ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોસામાનું આગમાન થાય છે.

ચોમાસું રાજસ્થાનમાં સૌથી મોડું એટલે કે 15 જુલાઈની આસપાસ પહોંચે છે અને સૌથી પહેલાં અહીં જ વિદાય લે છે.

આ વર્ષે ચોમાસું આંદામાન-નિકોબારમાં તેની નક્કી તારીખથી બે દિવસ વહેલું શરૂ થઈ ગયું હતું.

જોકે, કેરળ પહોંચતાં ચોમાસું મોડું થયું અને 1 જૂનના બદલે તેની 8 જૂનના રોજ શરૂઆત થઈ હતી.

ગુજરાતમાં પણ 15 જૂનની નક્કી તારીખ કરતાં ચોમાસું 10 દિવસ મોડું એટલે કે 25 જૂનના રોજ પહોંચ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો