TOP NEWS: ગુજરાતમાં પેટાચૂંટણી : રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની સામે કૉંગ્રેસે રઘુભાઈ દેસાઈને ટિકિટ આપી

ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી છે અને કૉંગ્રેસે તેમની સામે રઘુભાઈ દેસાઈને ટિકિટિ આપી છે.

આ ઉપરાંત ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જિજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે.

આ પહેલાં ભાજપે 17 રાજ્યોની 64 વિધાનસભાની બેઠકો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

કૉંગ્રેસે બે બેઠકોના ઉમેદવારોના નામ ગઈ કાલે જાહેર કર્યા નહોતા. આજે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપના અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસે રઘુ દેસાઈને ટિકિટ આપી છે, જ્યારે ખેરાલુ બેઠકમાં ભાજપના અજમલ ઠાકોર સામે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે.

ગુજરાતમાં 2જી ઑક્ટોબર સુધી વરસાદી માહોલ, 2નાં મૃત્યુ

આસો મહિનાના આરંભે પણ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે. હવામાનખાતાની આગાહી અનુસાર આગામી 2જી ઑક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.

આ દરમિયાન 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને પગલે બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે ચાર માછીમારોની કોઈ ભાળ નથી મળી રહી.

અખબારના જણાવ્યા અનુસાર રાજકોટના રામપર ગામમાં પૂરના પાણીમાં ચાર જણ તણાયા હોવાની પણ ઘટના ઘટી છે.

અહેવાલ મુજબ રાજ્યના તમામ ડૅમ છલકાઈ ગયા છે અને ખેતીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

તો આ વખતે બહુ લાંબા ચાલેલા ચોમાસાને પગલે નવરાત્રીની ઉજવણીમાં પણ ખલેલ પડી છે. કેટલીય જગ્યાએ મેદાનમાં પાણી ભરાઈ ગયાં હોવાને કારણે ગરબાનું આયોજન મોકૂફ રાખવું પડ્યું છે.

ગ્રીસના રૅફ્યૂજી-કૅમ્પમાં આગ બાદ હુલ્લડ, એકનું મૃત્યુ

ગ્રીસના લેસબોસ ટાપુ પરના અતી ગીચ રૅફ્યૂજી-કૅમ્પમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

તેમના જણાવ્યા અનુસાર મૉરિયા કૅમ્પ ખાતેથી આગમાં મૃત્યુ પામનારાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, આ ઘટનામાં એક બાળકનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેની હજુ સુધી પુષ્ટિ કરી શકાઈ નથી.

આગને પગલે અહીં નિરાશ્રિતોએ તોફાન કર્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પગલે પોલીસને અશ્રુગૅસનો પ્રયોગ કરવાની ફરજ પડી હતી.

તો સામે પક્ષે ફાયર-બ્રિગેડ આગ ઓલવવામાં બહુ ધીમી પડી હોવાનો નિરાશ્રિતોએ આરોપ લગાવ્યો હતો અને આક્રોશમાં તોફાન કર્યાં હતાં.

નોંધનીય છે કે મૉરિયો-કૅમ્પ ખાતે તંબુ અને શિપિંગ-કન્ટેનરોમાં લગભગ 12 હજાર નિરાશ્રિતો રહે છે. અધિકૃત રીતે કૅમ્પની ક્ષમતા 3000 લોકોને આશ્રય આપવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો