CAA : વિરાટ કોહલીએ નાગરિકતા કાયદા પર આ કારણસર ટિપ્પણી આપવાનો ઇન્કાર કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ વિવાદાસ્પદ બનેલા નાગરિકતા સંશોધન કાયદા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

આસામના ગુવાહાટીમાં આવતીકાલ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મૅચ રમાવાની છે તે પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આસામમાં નાગરિકતા સંશોધન કાયદો, નેશનલ સિટિઝન રજિસ્ટ્રી યાને કે એનઆરસીને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો છે.

મૅચ અગાઉ વિરાટ કોહલીએ મીડિયાને કહ્યું કે આ કાયદા વિશે મને પૂરતું જ્ઞાન ન હોવાથી હું તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી સમજતો.

એમણે કહ્યું કે ''શહેર એકદમ સલામત છે. અમને અહીં સુધી પહોંચવામાં કોઈ જ મુશકેલી નથી પડી. જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદાને સવાલ છે તો એમાં હું એટલું જ કહીશ કે હું બેજવાબદાર નથી બનવા માગતો. કોઈ મત આપવા માટે તમારી પાસે ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. જે વિશે મને કંઈ જ્ઞાન ન હોય તે બાબતે ટિપ્પણી કરીને હું એમાં સામેલ થવા માગતો નથી.''

ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકાની 3 ટી-20 મૅચોની શ્રેણી રવિવારથી ગુવાહાટીમાં શરૂ થઈ રહી છે.

આ મૅચમાં દર્શકોને કોઈ પણ પ્રકારના બૅનરો, પ્લૅકાર્ડ વગેરે લાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ આસામ ક્રિકેટ સંઘના સેક્રેટરી દેવજિત સાઇકિયાએ કહ્યું છે કે દર્શકોને હાથરૂમાલ, ટૉવેલ વગેરે સ્ટેડિયમમાં લાવવાની મનાઈ છે.

ઉલ્લેખનીય છે આસામમાં નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં લઈને પરંપરાગત સ્કાર્ફનો ઉપયોગ થઈ રહ્યો છે.

નાગરિકતા સંશોધન કાયદો 31 ડિસેમ્બર, 2014ની કટ ઑફ ડૅટથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, ખ્રિસ્તી, પારસી, જૈન, શીખ, બૌદ્ધ સમુદાયોના શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપે છે.

આ કાયદામાં મુસ્લિમોનો સમાવેશ ન કરાયો તે વાતને બંધારણની વિરુદ્ધ ગણાવી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

અનેક લોકોએ કાયદાના વિરોધમાં અને સમર્થનમાં પ્રદર્શન કર્યું છે.

વિરોધપ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 20થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

કેરળ રાજ્યે આ કાયદાના વિરોધમાં ઠરાવ પસાર કર્યો છે તો ગુજરાતે વિધાનસભાના વિશેષ સત્રમાં કાયદાના સમર્થનમાં ઠરાવ કરવાની જાહેરાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો