You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA : નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કેમ, સમજો 100 અને 500 શબ્દોમાં
ભારતમાં બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ પ્રદર્શનનો વ્યાપ વધતો જઈ રહ્યો છે.
સો શબ્દમાં સમજો આખી બાબત
ગત સપ્તાહે સરકારે આ કાયદો સંસદમાં પસાર કરાવ્યો હતો. કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ કાયદોનો ભારે વિરોધ કર્યો હતો.
આ કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી બિનમુસ્લિમ એટલે કે હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ અને પારસી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મેળવી શકે છે.
જોકે આસામમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ત્યારથી ચાલુ છે જ્યારથી તેના અંગેનું બિલ રજૂ કરવાની વાત હતી.
કાયદો બન્યા બાદ આ રવિવારે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા અને આસપાસના વિસ્તારમાં આ કાયદાના વિરોધમાં પ્રદર્શન હિંસક બનતા પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે.
પથ્થરમારો, વાહનોને સળગાવવા, પોલીસનો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પ્રવેશ અન લાઠીચાર્જ બાદ પોલીસની ભૂમિકાને લઈને દેશની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી ગયા છે.
મુંબઈ, ચેન્નાઈ, અલીગઢ, લખનૌ, અમદાવાદ, કોલકાતા સહિત કેટલાંક શહેરોમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શનો થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમજો 500 શબ્દોમાં
શું છે કાયદો?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું ત્યારથી તેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.
મોટાં ભાગનાં શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનની આગેવાની લીધી છે.
આ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બિનમુસ્લિમ સમુદાયના લોકો એટલે કે હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મળશે. આમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે.
આસામ કેમ ઊકળી રહ્યું છે?
સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 સંસદમાં પસાર થયું ત્યાર પહેલાંથી આસામમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં.
સ્થાનિક આસામીઓને આશંકા છે કે બાંગ્લાદેશમાંથી આવેલા 'બિનમુસ્લિમ હિંદુઓ'ને કાયદેસરનું નાગરિકત્વ મળશે, તો તેમની 'ઓળખ અને અસ્મિતા' પર સંકટ ઊભું થશે.
આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને વિરોધનું નેતૃત્વ લીધું છે તથા અન્ય વિદ્યાર્થી સંગઠન પણ તેની સાથે જોડાયા છે.
આસામ સિવાય દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં પણ વિરોધ થઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ?
દિલ્હીના જામિયામાં રવિવારે સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો હતો, વાહનોને આગ ચાંપવામાં આવી હતી, યુનિવર્સિટીમાં પોલીસ ઘૂસી હતી અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસાને કારણે વિરોધનો વ્યાપ વધ્યો હતો.
યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે કહ્યું કે પોલીસ વિના પરવાનગી યુનિવર્સિટીમાં ઘૂસી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.
દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસની ભૂમિકા વિરુદ્ધ સવાલ ઊભા કર્યા છે અને તેની સામે કેટલાંય શહેરોમાં પ્રદર્શનો થયાં છે.
અલીગઢ, લખનૌ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદમાં પણ કેટલીક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા ઊતરી પડ્યા હતા.
અમદાવાદમાં આઈઆઈએમ ખાતે વિરોધપ્રદર્શન થયું હતું, ત્યારે મુંબઈ અને ચેન્નાઈમાં આઈઆઈટી ખાતે વિરોધ જોવા મળ્યો હતો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, લખનૌની નદવા કૉલેજ, દિલ્હી યુનિવર્સિટી અને ચેન્નાઈની લોયેલા કૉલેજના વિદ્યાર્થીઓ જામિયામાં પોલીસની કાર્યવાહીનો વિરુદ્ધ કરી રહ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને લખનૌની નદવા કૉલેજમાં પણ પથ્થરમારો થયો હતો.
શું છે રાજકારણ?
ગત સપ્તાહે મોદી સરકારે આ બિલને સંસદમાં પસાર કરાવ્યું હતું.
કૉંગ્રેસ સહિતનાં કેટલાંક વિપક્ષી દળોએ બિલનો વિરોધ કર્યો હતો પરંતુ રાજ્યસભામાં 125 સામે 105 મતોથી બિલ પસાર થયું હતું.
પંજાબ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, કેરળ અને છત્તીસગઢે આ કાયદો લાગુ કરવાનો ઇન્કાર કર્યો હતો.
જોકે મીડિયા અહેવાલો મુજબ સરકરારનું કહેવું છે કે બંધારણના શેડ્યુલ 7 હેઠળ તમામ રાજ્યોએ આ કાયદો લાગુ કરવો પડે છે.
કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર સોમવારે સાંજે ધરણાં પર બેસી ગયાં હતાં. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ કાયદાના વિરોધમાં મોટી રેલી કરી હતી.
વડા પ્રધાન મોદીએ પણ કહ્યું છે કે હું ભારતીયોને સ્પષ્ટપણે વિશ્વાસ અપાવવા માગું છું કે નાગરિકતા કાયદો કોઈ પણ નાગરિક, ભલે કોઈ પણ ધર્મનો હોય, તેને પ્રભાવિત નહીં કરે. આ કાયદાથી ડરવાની જરૂર નથી આ કાયદો તેમના માટે છે જે વર્ષોથી જુલમનો સામનો કરી રહ્યા છે અને તેમની પાસે ભારત સિવાય કોઈ ઠેકાણું બચ્યું નથી.
ભાજપે કૉંગ્રેસ પર લોકોને આ કાયદા બાબતે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે કૉંગ્રેસનો આરોપ છે કે કાયદો ગેરબંધારણીય છે.
આગળ શું?
આ બિલને રાષ્ટ્રપતિ કોવિંદે મંજૂરી આપી દીધી છે એટલે આ કાયદો બની ચૂક્યો છે.
જામિયામાં થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે.
જામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે પોલીસ યુનિવર્સિટીમાં પ્રવેશી તે અંગે પ્રશ્નો કર્યા છે અને તપાસની માગ કરી છે.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે આ કાયદાને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો