Citizenship Amendment Act : દિલ્હીમાં જામિયા મિલિયા સહિત દેશભરના વિદ્યાર્થીઓનો વિરોધ કેમ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કેટલાક નાગરિકો તેનો વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીવર્ગ તેમાં અગ્રેસર છે.

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શનોએ હિંસકસ્વરુપ ધારણ કર્યું હતું અને બસ તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી. તેમજ રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, 'ડિબેટ, ચર્ચા તથા અલગ મત એ લોકશાહીના મહત્ત્વપૂર્ણ ઘટક છે, પરંતુ જાહેરસંપત્તિને નુકસાન તથા જનજીવનને અસર પહોંચે તે આપણાં મૂલ્યો વિરુદ્ધ છે. CAA વિરુદ્ધના દેખાવો કમનસીબ તથા પીડાદાયક છે.'

નવા કાયદા મુજબ, ત્રણ પડોશી રાષ્ટ્રમાં ઉત્પીડિત બિન-મુસ્લિમ સમુદાયના નાગરિકો ભારતમાં આશરો માગી શકશે. ઇન્ડિયન યુનિયન ઑફ મુસ્લિમ લીગે આ કાયદાને ગેરબંધારણીય ઠેરવી તેને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે.

કેટલાક ટીકાકારોનું કહેવું છે કે આ કાયદો 'મુસ્લિમવિરોધી' છે અને તેનાથી સરહદી વિસ્તારનાં રાજ્યોમાં મોટા પાયે મુસ્લિમોની હિજરત થશે.

અમેરિકા, યુકે તથા કૅનેડાએ પૂર્વોત્તર ભારતની યાત્રા ખેડતી વેળાએ 'સતર્કતા' રાખવા સૂચના આપી છે.

શા માટે વિરોધ?

ગત સપ્તાહે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ 2019 સંસદના બંને ગૃહમાં પસાર કરાવ્યું હતું.

બિલની જોગવાઈ મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશેલા બિન-મુસ્લિમ સમુદાયના લોકો ભારતનું નાગરિકત્વ મેળવી શકશે.

ઍક્ટની જોગવાઈઓ મુજબ, પાડોશી રાષ્ટ્રના હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં આશરો લઈ શકશે, પરંતુ મુસ્લિમોને આશરો નહીં મળે.

ટીકાકારોનું કહેવું છે કે આ કાયદાની જોગવાઈમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે, જે દેશના બંધારણની 'બિનસાંપ્રદાયિક વિભાવના'ની વિરુદ્ધ છે.

સંયુક્ત રાષ્ટ્રોની માનવાધિકાર પાંખે પણ CAA અંગે ચિંતા પ્રગટ કરી છે અને તેને 'મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ' ઠેરવ્યું છે.

નરેન્દ્ર મોદી સરકારનું કહેવું છે કે પાડોશી રાષ્ટ્રો ઘોષિત રીતે ઇસ્લામિક રાષ્ટ્ર છે એટલે ત્યાં મુસ્લિમોનું ઉત્પીડન થાય તેવી કોઈ શક્યતા નથી અને એટલે જ તેમને ભારતના સંરક્ષણની જરૂર નથી.

ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રાજ્યસભામાં આ બિલ 125 વિરુદ્ધ 105 મતથી પસાર થયું હતું, અને રાષ્ટ્રપતિની સહી સાથે આ બિલ કાયદો બની ગયું છે.

વિદ્યાર્થીઓના હાથમાં વિરોધનો વાવટો

ગત સપ્તાહે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓએ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલનો (ત્યારે હજુ ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગી નહોતી) વિરોધ શરૂ કર્યો હતો.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેની શરૂઆત કોણે કરી તે અસ્પષ્ટ છે, પરંતુ બંને પક્ષ એકબીજાને હિંસા માટે જવાબદાર ઠેરવે છે.

પોલીસ દ્વારા લાઠીચાર્જ તથા ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે હિંસાને અટકાવવા માટે બળપ્રયોગ જરૂરી હતો.

યુનિવર્સિટીના પદાધિકારીઓનું કહેવું છે કે પોલીસ મંજૂરી વગર શૈક્ષણિક પરિસરમાં પ્રવેશી હતી અને વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ સાથે મારઝૂડ કરી હતી.

બીજી બાજુ, જામિયા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે ગેરકાયદેસર પ્રવેશ મુદ્દે પોલીસની સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરાવવાની વાત કરી છે.

ઉપરાંત તા. 5મી જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા શહેરના પોલીસ મુખ્યાલય વિરુદ્ધ વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં અને કેટલાક યુવકોએ શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં વિરોધ કેમ?

પશ્ચિમ બંગાળમાં CAA વિરુદ્ધ દેખાવકારોએ ઉગ્ર દેખાવ કર્યા હતા. રાજ્યમાંથી પસાર થતાં મુખ્ય નેશનલ હાઈવેને બ્લૉક કરી દેવાયો હતો.

આ સિવાય કેટલાક રેલવે સ્ટેશન સળગાવી દેવાયાં હતાં. મુસ્લિમ અધિકારો માટે કામ કરતા જૂથોનું કહેવું છે કે મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 'હિંદુત્વ' તથા 'હિંદુ રાષ્ટ્રવાદ' તરફ આગળ વધી રહી છે અને આ બિલ તેનો જ એક ભાગ છે.

પશ્ચિમ બંગાળમાં જાધવપુર યુનિવર્સિટી તથા કોલકાતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ બિલ વિરુદ્ધ કાર્યક્રમો આપ્યા હતા.

કૉંગ્રેસશાસિત પંજાબ, છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ (ટીએમસી) અને કેરળ (ડાબેરી)ની રાજ્ય સરકારોએ આ કાયદાને તેમના રાજ્યમાં લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ CAA ઉપરાંત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ પણ લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે નાગરિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

તા. 9મી ડિસેમ્બરે લોકસભામાં 311 વિરુદ્ધ 80 મતથી સિટીઝનશિપ બિલ પસાર થયું હતું.

જનતાદળ યુનાઇટેડ, શિરોમણિ અકાલીદળ, ઑલ ઇન્ડિયા અન્ના દ્રમુક, બીજુ જનતાદળ, તેલુગુ દેશમ્ પાર્ટી તથા વાય.એસ.આર. કૉંગ્રેસે બિલની તરફેણમાં મતદાન કર્યું હતું.

...એટલે આસામમાં આક્રોશ

દેશભરમાં 'બિન-સાંપ્રદાયિકતા'ના મુદ્દે CAA વિરુદ્ધ દેખાવ થઈ રહ્યા છે, પરંતુ આસામમાં વિરોધનું કારણ અલગ છે.

સ્થાનિક આસામીઓને આશંકા છે કે બાંગ્લાદેશમાંથી આવેલા 'બિન-મુસ્લિમ હિંદુઓ'ને કાયદેસરનું નાગરિકત્વ મળશે, તો તેમની 'ઓળખ અને અસ્મિતા' પર સંકટ ઊભું થશે.

'બહારથી આવેલા ઘૂસણખોર' બહુમતીમાં આવી જશે અને તેમની અસ્મિતા જોખમમાં મુકાશે, તેઓ જમીન અને નોકરીઓ ઉપર કબજો જમાવી લેશે.

આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં 19 લાખ નાગરિકો તેમના નાગરિકત્વના પુરાવા રજૂ નહોતા કરી શક્યા.

CAA લાગુ થયા બાદ આસામમાં હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં.

આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને વિરોધનું નેતૃત્વ લીધું છે તથા અન્ય વિદ્યાર્થી સંગઠન પણ તેની સાથે જોડાયા છે.

રાજ્યના 10 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું, ગુવાહાટીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

જોકે, દેખાવકારો કર્ફ્યુને અવગણીને રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને બિલ વિરુદ્ધ નારેબાજી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આસામીઓનાં હિતોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.

16મી ડિસેમ્બરે ફરી એક વખત મોદીએ સતત ટ્વિટ કરીને 'આ બિલ કોઈ ધર્મ વિરુદ્ધ નહીં હોવાની તથા કોઈ ભારતીયે ચિંતા કરવાની જરૂર ન હોવાની' વાત કહી હતી.

રાજ્યમાં ભાજપના સાથી પક્ષ આસામ ગણ પરિષદે પણ આ કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની જાહેરાત કરી છે.

બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતાં વિસ્તારોને CAAની જોગવાઈઓથી બાકાત રાખવામાં આવ્યા છે.

આસામ, મેઘાલય, ત્રિપુરા તથા મિઝોરમમાં સ્વાયત્ત જિલ્લા પરિષદો સ્થાનિક આદિવાસીઓનાં અધિકારો તથા હિતોની સુરક્ષા કરે છે.

આસામમાં સ્થિતિને કાબૂ કરવા માટે સેના તહેનાત કરવી પડી છે.

અલીગઢમાં આક્રોશ

દિલ્હીની ઘટનાના પડઘા ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ પડ્યા હતા. સેંકડોની સંખ્યામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

અહીં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના પગલે તા. 5મી જાન્યુઆરી સુધી કૅમ્પસમાં શિયાળુ રજાઓ જાહેર કરી દેવાઈ છે અને ત્યારબાદ પરીક્ષા યોજાશે.

યુપીના દરેક જિલ્લામાં સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કૉડ)ની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

હૈદરાબાદની મૌલાના આઝાદ ઉર્દૂ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસની કાર્યવાહી વિરુદ્ધ નારેબાજી કરી હતી.

દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિઝમાં વિદ્યાર્થીઓએ કૅન્ડલ-લાઇટ માર્ચ કાઢી હતી.

આ સિવાય લખનૌ, બેંગલુરુ, ચેન્નાઈ, વારાણસી અને કોલકાતામાં વિદ્યાર્થીઓએ જામિયા મિલિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓનાં સમર્થનમાં કાર્યક્રમો આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગાઉ જ કહી ચૂક્યા છે કે હવે દેશભરમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ લાગુ કરવામાં આવશે, જે હેઠળ દેશમાં રહેતા તમામ નાગરિકે તેનું નાગરિકત્વ સાબિત કરવું પડશે.

શાહનું કહેવું છે, 'આસામમાં NRC લાગુ કરતી વખતે કેટલીક ખામી ધ્યાને આવી છે, જેને સુધારીને નવેસરથી આસામ સહિત દેશભરમાં લાગુ કરાશે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો