TOP NEWS : આ વર્ષે દેશમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા

ધ હિન્દુ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ગુજરાત ડેન્ગ્યુના 16,565 કેસો સાથે સમગ્ર દેશમાં ટોચ પર છે.

આ સિવાય ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે કર્ણાટક આ યાદીમાં 15,929 ડેન્ગ્યુના કેસો સાથે બીજા ક્રમે છે.

નોંધનીય છે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) દ્વારા જારી કરાયેલી યાદીમાં આરોગ્ય ક્ષેત્રે બંને રાજ્યની નબળી કામગીરી સામે આવી છે.

અહેવાલ પ્રમાણે NVBDCPના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે "પાછલાં બે અઠવાડિયાંમાં આ બંને રાજ્યોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો-ઘટાડો નોંધાતો રહ્યો છે. જોકે, નિ:શંકપણે આ બંને રાજ્યો ડેન્ગ્યુના રોગચાળાની બાબતે આ વર્ષે ટોચ પર રહ્યા છે."

31 ડિસેમ્બરથી પાન કાર્ડ-આધાર લિંક કરવું ફરજિયાત

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ભારતીય આવકવેરા વિભાગે રવિવારે 31 ડિસેમ્બર, 2019 સુધીમાં ફરજિયાતપણે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જાહેરાત કરી હતી.

ડેડલાઇનના એક પખવાડિયા અગાઉ આ જાહેરાત થઈ હોવાના કારણે લોકોની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થઈ શકે છે.

નોંધનીય છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ દ્વારા આ વર્ષે સપ્ટેમ્બરમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર રાખવાનો નિર્ણય કર્યો હતો.

સપ્ટેમ્બર, 2018ના સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે કોર્ટે આધાર કાર્ડને બંધારણીય મંજૂરી આપી છે.

તેમજ પોતાના નિર્ણયમાં ન્યાયાલયે IT રિટર્ન ફાઇલ કરવા માટે બાયૉમેટ્રિક ID ફરજિયાત હોવાની વાત માન્ય રાખી છે.

'NRC' મામલે એકતા જ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે : યોગી

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રવિવારે NRC મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે "ભારતમાં પ્રસ્તાવિત NRCના અમલમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપને સાંખી નહીં લેવાય."

લખનઉ ખાતે સરદારના 69મા નિર્વાણદિને એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે "NRC મુદ્દે સમગ્ર દેશની એકતા જ સરદાર પટેલ માટે સાચી શ્રદ્ધાંજલિ સાબિત થશે."

આ સિવાય તેમણે સિટીઝનશિપ કાયદા અંગે કેન્દ્ર સરકારનાં વખાણ કર્યાં હતાં. તેમજ હાલની ભાજપ સરકારના સંકલ્પને વિશ્વ માનવતાવાદ માટે આદર્શ ગણાવ્યો હતો.

નોબલ વિજેતા વેંકીCAB વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો

ધ વાયર ડોટ ઇનના અહેવાલ પ્રમાણે વિખ્યાત જીવવિજ્ઞાની અને નોબલ વિજેતા વેંકટરામન રામક્રૃષ્ણને પણ વિવાદિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ (CAB) અંગે વિરોધ નોંધાવ્યો છે.

અહેવાલ પ્રમાણે ધ ક્વિન્ટને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે CABની ટીકા કરી તેને ખતરનાક ગણાવ્યો હતો.

વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં CABની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે "ખરેખર આ બિલના કારણે ભારતીય મુસ્લિમો પર સીધી રીતે કોઈ જ અસર નથી પડવાની."

"પરંતુ આ બિલના કારણે આ દેશમાં વસતા 20 કરોડ મુસ્લિમોનાં મનમાં પોતાનો ધર્મ અન્ય ધર્મ કરતાં ઓછો માન્ય છે કે કેમ એવો પ્રશ્ન ખડો થયો છે."

"દેશની સુલેહશાંતિ માટે આ પ્રકારનું વાતાવરણ ઠીક નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો